08 June, 2023 03:50 PM IST | Mumbai | Jigisha Jain
મધુબન - ધ ડિવાઇન સ્પ્રેડ અનલિમિટેડ વેજ બુફે
હવેલીમાં ભગવાનને જ્યારે છપ્પન ભોગ ધરવામાં આવે ત્યારે અલૌકિક લાગે. એનાં દર્શન વખતે મોટા ભાગના લોકો એ જ જોતા હોય છે કે ભાઈ ૫૬ કઈ રીતે થાય? કૃષ્ણને ભલે ચડે છપ્પન ભોગ પણ આપણે તો ઘરમાં ૧૫-૧૬ આઇટમમાં જ ઓડકાર લેવાનો હોય છે. પણ હવે કૃષ્ણના મધુબનમાં કૃષ્ણને ખુદ જે છપ્પન ભોગનો લહાવો મળતો હોય છે એ સામાન્ય લોકોને પણ મળી શકે એમ છે. મુલુંડના આર સિટી મૉલની અંદર ત્રીજા માળે ફૂડ કોર્ટમાં એક નવી રેસ્ટોરન્ટ હાલમાં ખૂલી છે જેનું નામ છે મધુબન - ધ ડિવાઇન સ્પ્રેડ અનલિમિટેડ વેજ બુફે જેમાં સમગ્ર બુફેમાં દરરોજ ૫૬ પ્રકારની શાકાહારી વાનગીઓ મળશે.
વરાઇટીની વાત ન પૂછો
સામાન્ય રીતે નૉન-વેજિટેરિયન ખાનારા લોકો માને છે કે વેજિટેરિયન ફૂડમાં ઑપ્શન જ કયા છે? પરંતુ વેજિટેરિયન લોકો જ જાણે છે કે એમની પાસે જેટલા ઑપ્શન છે એટલા તો કોઈ પાસે નથી. ખાસ કરીને ગુજરાતીઓ પાસે તો વાનગીઓનો ખજાનો છે. ગુજરાતી જમવાનું પીરસતી આ રેસ્ટોરન્ટ દાવો કરે છે કે દરરોજ જુદી-જુદી ૫૬ વાનગીઓ તેઓ બનાવશે. પણ પ્રશ્ન તો થાય જને કે આ ૫૬ વાનગીઓમાં છે શું? વેલકમ ડ્રિન્કની ૨-૩ વરાઇટી, સૅલડ, પાપડ અને ચટણીઓ મળીને કુલ ૧૨ આઇટમ તો ત્યાં જ થઈ ગઈ. આ સિવાય પાણીપૂરી, પીત્ઝા કે ઢોસાનું લાઇવ કાઉન્ટર અને એના પર પણ જુદી-જુદી વરાઇટીઓ, ફરસાણમાં સૂકાં ૪-૫ પ્રકારનાં જુદાં-જુદાં ફરસાણ, ૪-૫ પ્રકારનાં લાઇવ ફરસાણ જેમાં ઢોકળાં, દહીંવડાં, ચાઇનીઝ પ્રકારનું એક ફરસાણ, ભજિયાં અને એની સાથે ત્રણ-ચાર ચટણીઓ, સેવપૂરી જેવી ચાટ હોય. શાકમાં ઓછામાં ઓછી ૬ પ્રકારની વરાઇટી જેમાં ટ્રેડિશનલ ગટ્ટાથી માંડીને પનીર જેવા ટ્રેન્ડી ઑપ્શન લઈને બધું જ મળી રહે. શાકમાં બે પ્રકારનાં શાકની કાઠિયાવાડી પ્રિપેરેશન હોય જેમાં અસલ કાઠિયાવાડ છલકી આવે. ઇન્ડિયન બ્રેડમાં રોટી, પૂરી, નાન, રોટલા હોય; ભાતમાં પણ અઢળક ઑપ્શન હોય સ્ટીમ રાઇસ, ખીચડીની સાથે બિરયાની અને ફ્રાઇડ રાઇસ પણ મળે. બે પ્રકારની દાળ ગુજરાતી દાળ અને દાલ ફ્રાય હોય અને કઢીમાં એક ગુજરાતી તો બીજી રાજસ્થાની પ્રકારની કઢી હોય. મીઠાઈઓમાં પણ ઓછામાં ઓછી ૪-૫ મીઠાઈઓ હોય. જેમાં એક માવાવાળી, એક દૂધવાળી, એક બંગાળી તો એક ચાસણીવાળી એમ વરાઇટી ભરપૂર મળી રહે. આ સિવાય ઠેઠ પારંપરિક વાનગીઓ જેમ કે દાલ-બાટી ચૂરમા, કેરસાંગરી, મરચાનો ઠેચો, લાપસી વગેરે પણ ઑથેન્ટિક રીતે બનાવેલાં પીરસાય છે. આમ ૫૬ આઇટમો તો ક્યારે થઈ જાય ખબર પણ ન પડે.
મેનુ જોઈને કોઈ પણ વ્યક્તિને લાગશે કે આ પ્રકારનું મેનુ તો થાળી રેસ્ટોન્ટમાં પણ હોય જ છે. તો એક નવું રેસ્ટોરન્ટ ટ્રાય કરવાની શી જરૂર? પણ એનો જવાબ એ છે કે આ રેસ્ટોરન્ટ બુફે રેસ્ટોરન્ટ છે. જેમ ગુજરાતી લગ્નોમાં જાઓ અને ૨-૩ કલાક થોડું-થોડું તમને જે ભાવે એ આરામથી ખાઈ શકો છો. ત્રણ કલાક પરિવાર સાથે ગયા હોય તો વાતોનાં વડાં પણ થાય અને જેને જે ખાવું હોય, જેટલા બ્રેક લઈ-લઈને ખાવું હોય એ ખાઈ શકે. થાળીમાં તો ભાણે બેઠા એટલે તરત ખાઈને ઊભા જ થવું પડે છે.
શું ગમ્યું?
વેલકમ ડ્રિન્કમાં કોકમ શરબત અને આમ પન્ના આપવામાં આવ્યું ત્યારે મન ખુશ થઈ ગયું. ઉનાળાની ગરમીમાં આ બંને શરબતો એકદમ રાઇટ ચૉઇસ હતાં. એના પછી સીધો અટૅક પાણીપૂરીના સ્ટૉલ પર કર્યો ત્યારે પાણીપૂરી કાઉન્ટરની સ્વચ્છતા કોઈ પણ વ્યક્તિને ઇમ્પ્રેસ કરી જાય અને પાણીપૂરીની ફ્રેશનેસ એટલી કે તમારે ખુદને યાદ દેવડાવવું પડે કે હજી તો બીજી ૫૩ આઇટમો ચાખવાની બાકી છે. આમ ગપગપ ખાધા કરીશું અને અટકીશું નહીં તો ભોજનને ન્યાય નહીં આપી શકાય. સૌથી જે ખાસ બાબત કહી શકાય કે રેસ્ટોરન્ટ સ્તર પર આપણા પરવળ, ગુવાર કે દૂધી જેવાં શાકને સ્થાન અપાતું નથી. પણ મધુબનમાં અમે ગુવારનું શાક ખાધું. મોટા ભાગના લોકોને લાગે છે કે શાકાહારી ખોરાકમાં હરીફરીને પનીર, બટેટા કે બહુ-બહુ તો ભીંડો આપી શકાય પરંતુ આપણાં પારંપરિક અને ઘર-ઘરમાં ખવાતાં શાકને પણ રેસ્ટોરન્ટ સ્તર પર સ્થાન મળે એ જોઈને આનંદ થયો. એવું જ લાપસી જોઈને લાગ્યું કે વાહ! ગુજરાતી વાનગીઓના બુફેમાં લાપસી હોય તો કહેવું પડે.
શું ન ગમ્યું?
આજની તારીખે માર્કેટમાં શ્રીખંડમાં લોકો હૅઝલનટ, જાંબુ, જામફળ જેવી અવનવી અઢળક ફ્લેવર્સ આપતા હોય છે એવા ૫૬ ભોગના મેનુમાં સફેદ કે સાદો શ્રીખંડ હોવો બહુ રુચ્યું નહીં. કઈ નહીં તો છેલ્લે ગુલાબની પાંદડીઓ નાખીને શણગાર્યો હોત તો સારું લાગત. આ સિવાય ઢોકળાં બહાર કાઉન્ટર પર ખુલ્લાં પડ્યાં રહે તો એ સુકાઈ જાય છે એટલે એને મૉઇસ્ટ રાખવાની જહેમતનો અભાવ જોવા મળેલો. ખાંડવીનો ટેસ્ટ ખરાબ નહોતો પરંતુ એના પડ કે લેયર્સ ભેગા થઈ ગયેલા હતા એટલે એ ખાંડવી કરતાં ચણાના લોટનાં ચોસલાં જેવો સ્વાદ આપતી હતી. રાઇસમાં વરાઇટી ફક્ત દેખીતી હતી. સ્વાદમાં અંતર નહોતું.
સ્વાદ સાથે અનુભવનું મહત્ત્વ
આજે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એક સમજ ઊભરીને આવી છે કે ફક્ત તમારું જમવાનું સારું હોય એ પૂરતું નથી. આ વિશે વાત કરતાં મધુબનના માલિક પ્રતીશ આંબેકર કહે છે, ‘આ આમ તો મારું પહેલું જ રેસ્ટોરન્ટ છે પરંતુ મારા થાણે અને વાશી બંને જગ્યાએ બે અલગ-અલગ બૅન્ક્વેટ છે જેમાં મારું જ કેટરિંગ છે. છેલ્લાં ૧૨-૧૫ વર્ષનો અનુભવ છે મને ફૂડ બિઝનેસમાં અને એના દ્વારા જ મને સમજાયું કે ફૂડ તો સારું આપવાનું જ છે પરંતુ ફૂડ સાથે વ્યક્તિને તમે એક આહ્લાદક અનુભવ આપી શકો તો એની વૅલ્યુ વધે છે. ૧ વર્ષ પહેલાં મારા બૅન્ક્વેટમાં ભાગવત કથા રાખવામાં આવેલી. ત્યારે મને એ ભાવ આવેલો કે કૃષ્ણ પર એક થીમ બેઝ્ડ રેસ્ટોરન્ટ કરીએ જેમાં ફક્ત વેજ ફૂડનું બુફે હોય અને ત્યાંથી વિચાર આવ્યો મધુબનનો, જે આજે સાકાર થયો છે.’
ખાસિયત કઈ?
મધુબનના મેનુ કે જમવા કરતાં પણ વિશેષ ખાસિયત કહી શકાય એ છે ત્યાંનો માહોલ. મધુબનનું નામ પડે તો યમુના કિનારો, લતાઓ, હિંડોળા, સાવન ઝૂલા, વાંસળીના સૂર, રાસલીલાનો ભાસ થાય. આ રેસ્ટોરન્ટનું નામ મધુબન છે એટલે એમણે સાક્ષાત મધુબન ખડું કરવાની કોશિશ કરી છે. અત્યંત કલાત્મક ડેકોર વચ્ચે એક મૉડર્ન સેટ-અપ ઊભો કરીને એમણે મુંબઈનું મધુબન ઊભું કરવાની કોશિશ કરી છે. રેસ્ટોરન્ટનો દરેક ખૂણો કૃષ્ણમય છે એવું કહીએ તો ખોટું નથી. એક ખૂણામાં કૃષ્ણની પ્રિય વાંસળીનું ઇન્સ્ટૉલેશન છે તો એની લગોલગ કૃષ્ણનો શંખ સીધો ભગવદ્ગીતાના પાઠ તરફ આપણને લઈ જાય છે. એક ખૂણે કૃષ્ણની રાસલીલાનું જબરદસ્ત પેઇન્ટિંગ છે તો એની બાજુમાં જ બાળકૃષ્ણની મટકી ફોડને તાદૃશ કરતું ચિત્ર. એક તરફ હજારો રંગોની વચ્ચે કૃષ્ણની શ્વેત આકૃતિ તો એક દીવાલ પર રાધા અને કૃષ્ણની પ્રેમમય છબી. એક દીવાલ પર આખો યમુના પટ એટલો સુંદર ચીતર્યો છે જેની આગળ એમણે એક સ્ટેજ બનાવ્યું છે. એ સ્ટેજ પર લાઇવ મ્યુઝિશ્યન બેસીને મધુબનને સાક્ષાત તમારી સમક્ષ ખડું કરવાની કોશિશ કરે છે. મહત્ત્વનું એ હતું કે બીજા રેસ્ટોરન્ટ્સની જેમ આ મ્યુઝિશ્યન બૉલીવુડ મ્યુઝિક નહોતા વગાડતા પરંતુ સેમી ક્લાસિકલ ધૂન વગાડતા હતા જે એમના સેટ-અપને એકદમ ન્યાયપૂર્ણ હતું. આ એક એવી જગ્યા છે જ્યાં આરામથી તમે ૨-૩ કલાક વિતાવી શકો.
મધુબન
ક્યાં? : આર મૉલ, મુલુંડ
સમય: બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી અને સાંજે ૭થી રાત્રે ૧૧ સુધી
કિંમત : ૫૫૦ રૂપિયા વ્યક્તિદીઠ