31 December, 2024 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાનવી પાઠક
વર્ષના છેલ્લા દિવસે લોકો ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કરવા અધીરા થતા હોય છે ત્યારે આલ્કોહોલ વગર પણ પાર્ટી મજેદાર બની શકે છે. અવનવાં ફ્યુઝન ડ્રિન્ક્સ બનાવવાનું પૅશન ધરાવતી ગોવાની મિક્સોલૉજિસ્ટ જાનવી પાઠક પાસેથી જાણીએ મૉકટેલ ડ્રિન્ક બનાવવાની રેસિપી. આ નૉન-આલ્કોહોલિક અને હેલ્ધી ડ્રિન્ક તમારા નવા વર્ષને હેલ્ધી રાખશે એ પાકું
પાઇનૅપલ સ્પ્રિટ્ઝર
સામગ્રી : પાઇનૅપલ જૂસ ૬૦ મિલીલીટર, આલાપીનોના બે ટુકડા, આલાપીનો બ્રાઇન (મીઠા અને વિનેગરના પાણીમાં આથેલાં આલાપીનો) બે ચમચી, બેસિલનાં ૩-૪ પાન, શુગર સિરપ ૧૦ મિલીલીટર, ટૉપઅપ માટે સોડા અથવા સ્પ્રાઇટ.
બનાવવાની રીત : સૌથી પહેલાં પાઇનૅપલ જૂસ, આલાપીનોના ટુકડા અને આલાપીનો બ્રાઇન, તુલસીનાં પાન અને શુગર સિરપને મિક્સરમાં બ્લેન્ડ કરી નાખવું. ત્યાર બાદ એક ગ્લાસમાં બ્લેન્ડ કરેલું મિશ્રણ નાખીને એમાં જરૂર મુજબ બરફ ઍડ કરવો અને ત્યાર બાદ એમાં સોડા નાખીને બેસિલનાં પાનથી ગાર્નિશ કરી મહેમાનોને સર્વ કરો.
ટિપ : જો આ રેસિપીમાં તમને મીઠાશ જોઈતી હોય તો સોડાને બદલે સ્પ્રાઇટ નાખવી.
વર્જિન પીના કોલાડા
સામગ્રી : પાઇનૅપલ જૂસ ૧૦૦ મિલીલીટર, વૅનિલા આઇસક્રીમનો નાનો સ્કૂપ, પાઇનૅપલના ટુકડા બે ચમચી.
બનાવવાની રીત : વર્જિન પીના કોલાડાને સૌથી હેલ્ધી મૉકટેલ માનવામાં આવે છે, કારણ કે એમાં કોઈ પણ પ્રકારની આર્ટિફિશ્યલ ફ્લેવર કે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવામાં આવતાં નથી. એને બનાવવાની રીત બહુ સરળ છે અને ટેસ્ટમાં પણ એ ડિઝર્ટ જેવી ફીલિંગ આપશે. આ ક્વિક રેસિપીને બનાવવા માટે પાઇનૅપલ જૂસ અને વૅનિલા આઇસક્રીમનો સ્કૂપ બ્લેન્ડરથી અથવા મિક્સરમાં બ્લેન્ડ કરી નાખવા. એને ગ્લાસમાં કાઢીને ઉપર પાઇનૅપલના ટુકડા નાખીને સર્વ કરવું.
મૅન્ગો મેરી
સામગ્રી : કાળાં મરીના ૪-૫ દાણાનો ભૂકો, બે લીલાં મરચાં, લીંબુનો રસ ૧૦ મિલીલીટર, સ્વાદ મુજબ મીઠું અને ટૉપઅપ માટે કેરીનો રસ.
બનાવવાની રીત : થર્ટી-ફર્સ્ટના દિવસે સ્પાઇસી અને ખાટુંમીઠું ડ્રિન્ક પીવાની ઇચ્છા થતી હોય તો મૅન્ગો મેરીથી બેસ્ટ કંઈ હોઈ શકે નહીં. એ બનાવવા માટે મરીનો ભૂકો, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરવું. એને ફ્રિજમાં થોડા સમય માટે ઠંડું થવા રાખી દો. ઠંડું થયા બાદ એમાં કેરીનો રસ અને ખમણેલાં લીલાં મરચાં નાખો અને મરીના ભૂકાને ગ્લાસની આજુબાજુ લગાવીને ડેકોરેટ કરી શકાય અને તમારું મૅન્ગો મેરી તૈયાર.
ટિપ : મરચાં વધુ તીખાં હોય તો એક જ નાખવું, પણ જો તમને તીખાશ ફાવતી હોય તો બે મરચાં નાખી શકાય પણ આ ડ્રિન્ક એકથી વધુ પીવું નહીં.
વૉટરમેલન મોઈતો
સામગ્રી : ફુદીનાનાં ૧૦ પાન, ૧૦ મિલીલીટર શુગર સિરપ, વૉટરમેલનનો રસ અને જરૂરિયાત મુજબ બરફના ટુકડા, લીંબુના ચાર નાના ટુકડા, ટૉપઅપ માટે તરબૂચના ટુકડા.
બનાવવાની રીત : વૉટરમેલન મોઈતો બનાવવા માટે સૌથી પહેલાં ફુદીનાનાં પાન અને લીંબુના ટુકડાને મડલર ટૂલથી સ્ક્વીઝ કરો. સામાન્યપણે મડલર બાર ટેન્ડર પાસે જ હોય છે. તમારા પાસે ન હોય તો તમે ખલદસ્તાના દસ્તા વડે પણ એમાંથી રસ કાઢી શકો છો. રસ કાઢી લીધા બાદ એમાં શુગર સિરપ અને તરબૂચનો રસ મિક્સ કરો અને બરફના ટુકડા નાખી એના પર તરબૂચના ટુકડાનું ટૉપિંગ કરીને વૉટરમેલન મોઈતો સર્વ કરી શકો છો.