બૈરી અને બકાસુર બન્નેને ખુશ કરવાં હોય તો ક્યાં જવું જોઈએ?

13 July, 2024 08:53 AM IST  |  Mumbai | Sanjay Goradia

સિમ્પલ જવાબ છે, નખત્રાણા. નખત્રાણાની બંગડી પણ બહુ પૉપ્યુલર છે અને દિલખુશની દાબેલી પણ

દાબેલી

હમણાં અમારા નાટકનો શો કચ્છના નખત્રાણા શહેરમાં હતો. નખત્રાણા વિશે આમ તો વધારે કંઈ કહેવું ન પડે, પણ જેને કચ્છની ખબર ન હોય તેમને કહી દઉં : ભુજથી અંદાજે પ૦ કિલોમીટર દૂર આવેલા આ નખત્રાણાની બંગડી બહુ પૉપ્યુલર છે. ખાસ કરીને ચાંદીની બંગડીઓ, એનું ઘડામણ પણ અહીં જ થાય છે.

કચ્છ જવાની વાત આવે એટલે મારા મનમાં તો તરત જ દાબેલી રમવા માંડે. અમે નખત્રાણા પહોંચ્યા કે તરત  અમારા હોટેલના મૅનેજરે કહ્યું કે તમારો બ્રેકફાસ્ટ રેડી છે. જઈને મેં જોયું તો બ્રેકફાસ્ટમાં બ્રેડ-બટર, બટાટાપૌંઆ, ખાખરા અને એવો બધો નાસ્તો હતો. મેં તો મનમાં કહ્યું કે આ ખાવું હોત તો મુંબઈથી અહીં સુધી લાંબો જ ન થયો હોત. મેં તો તરત કંપની શોધી અને મારા સાથી કલાકાર વિનાયક કેતકરને કહ્યું કે ચાલ ભાઈ, આપણે દાબેલી ખાવા જઈએ.

કચ્છનો મારો અનુભવ છે કે મોટા ભાગની જગ્યાએ દાબેલી સરસ જ મળે, પણ આપણે તો સારામાં પણ સારી દાબેલી શોધવાની હતી એટલે મેં તો થોડું ચાલીને ફાફડા-જલેબીની એક લારી આવી તેને પૂછ્યું કે સારી દાબેલી ક્યાં મળશે.

મિત્રો, એક વાત યાદ રાખજો, જ્યારે પણ સારું ખાવું હોય તો ખાવાની દુકાન હોય ત્યાં જ પૂછવાનું. ઘણી વાર એવું બને કે સારો રિસ્પૉન્સ ન મળે, પણ રિસ્પૉન્સ મળે તો એ સાચો જ હોય. પેલી ફાફડા-જલેબીવાળી લારીના માલિકે અમને કહ્યું કે પાંચસો મીટર સીધા ચાલ્યા જાઓ, આગળ બસ-સ્ટૅન્ડ આવશે, એની સામે દિલખુશ દાબેલી છે, તમને મજા પડી જશે.

આપણે તો પહોંચ્યા સીધા દિલખુશમાં ને આપ્યો બે દાબેલીનો ઑર્ડર. મિત્રો, અદ્ભુત સ્વાદ. દાબેલીનો સ્વાદ અદ્ભુત કેમ હતો એનું કારણ કહું તો એ દાબેલીમાં રહેલી મસાલા સિંગના કારણે. જે દાબેલીવાળો પોતાની મસાલા સિંગ પોતે જ બનાવે છે એ દાબેલીવાળાની દાબેલી એક નંબર થવાના ચાન્સિસ બહુ ઊજળા, કારણ કે આખી દાબેલીમાં એકમાત્ર આ મસાલા સિંગ એવી છે જેમાં ક્રન્ચીનેસ હોય એટલે મસાલા સિંગ આખી દાબેલીના સ્વાદને ઓવરલૅપ કરે. જો મસાલા સિંગ સારી ન હોય તો એ દાબેલીનો સ્વાદ પણ રિડ્યુસ કરી નાખે. ઘણા દાબેલીવાળા પૂરણ અને તીખી-મીઠી ચટણીઓ પોતે બનાવે પણ મસાલા સિંગ તૈયાર લઈ લે.

દિલખુશની વાત કરું તો એની દાબેલીમાં પહેલાં પૂરણ, પછી ચટણી, પછી ફરી પૂરણ, પછી ફરી ચટણી, પછી મસાલા સિંગ, પછી પૂરણ અને એના પર ચટણી... આ ક્રમમાં બનાવવામાં આવી હતી.
દિલખુશની જે લસણની તીખી ચટણી હતી એની ખાસિયત એ કે એમાંથી રીતસર લસણની સુગંધ આવતી હતી, પણ એ સુગંધ વાસ લાગે એ સ્તરની તીવ્ર નહોતી. તમે ફ્રેશ સુધારેલું લસણ વાપરતા હો તો જ આ ખૂબી ચટણીમાં જોવા મળે. ઍનીવેઝ, એક દાબેલી પૂરી કર્યા પછી મેં ને વિનાયકે તો બીજી બે દાબેલી પેટમાં પધરાવી.

જ્યારે પણ કચ્છ જવાનું બને ત્યારે નખત્રાણા જઈને દાબેલી ખાવાનું તો સૂચન નહીં કરું પણ હા, એટલું ચોક્કસ કહીશ કે નખત્રાણા આવશો તો બમણો લાભ થશે. બૈરી માટે ચાંદીની બંગડીની ખરીદી પણ કરી શકશો અને દિલખુશની દાબેલીનો આસ્વાદ પણ માણવા મળી જશે. બૈરી પણ ખુશ, બકાસુર પણ ખુશ.

Gujarati food indian food kutch bhuj Sanjay Goradia