હર ચિક્કી કુછ કહતી હૈ

10 January, 2025 09:33 AM IST  |  Mumbai | Kajal Rampariya

ગઈ કાલે આપણે સિંગદાણા અને તલની ચિક્કીના ફાયદા વિશે જોયેલું. આજે દાળિયા, ડ્રાયફ્રૂટ્સ, કોપરું, રાજગરા અને મમરાની ચિક્કીના ગુણો વિશે જાણીશું. સાથે ચિક્કીમાં ખાંડને બદલે ગોળ કેમ વાપરવો જોઈએ એનું કારણ જાણી લો

વિવિધ ચિક્કી

શિયાળાની સીઝનમાં સેહત બનાવવી હોય તો જાતજાતની ચિક્કી ખૂબ ફાયદાકારક છે. દરેક ચિક્કીના ફાયદા અને ગેરફાયદા અલગ છે. જોકે સાથે એ પણ સમજી લેવું જરૂરી છે ચિક્કી તો બહુ સારી એમ વિચારીને બેફામ ન ખાઈ શકાય. ગઈ કાલે આપણે સૌથી વધુ પ્રચલિત શિંગ અને તલની ચિક્કી વિશે જાણ્યું, આજે મુલુંડના ડાયટિશ્યન સલોની ભટ્ટ કોરડિયા પાસેથી જાણીએ બીજી પ્રચલિત ચિક્કીઓના બેનિફિટ્સ વિશે. 

મમરાની ચિક્કી એટલે કૉર્નફ્લેક્સનું દેશી વર્ઝન

મમરાની ન્યુટ્રિશનલ વૅલ્યુ વધુ નથી, પણ એ પચવામાં સૌથી સરળ હોય છે. એ કાર્બોહાઇડ્રેટ છે. કાર્બોહાઇડ્રેટ એ કાર્બન, હાઇડ્રોજન અને ઑક્સિજનનું મિશ્રણ હોય છે. ગ્લુકોઝ, ફ્રક્ટોઝ, સ્ટાર્ટ અને સેલ્યુલોઝ એ કાર્બોહાઇડેટ છે જે શરીરની એનર્જીને જાળવી રાખે છે. મમરામાં કાર્બ્સ છે અને ગોળમાં પણ કાર્બ્સ છે. આ બન્નેના સંયોજનને કાર્બ્સ બેઝ્ડ ચિક્કી પણ કહી શકાય. એમાંથી પ્રોટીન અને ફૅટ મળતું નથી. જેનું પેટ ખરાબ હોય અથવા ગટ હેલ્થ નબળી હોય એ લોકો મમરાની ચિક્કી ખાઈ શકે. વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે આ ચિક્કી ફાયદાકારક છે. મમરાની ચિક્કીને ગરમ દૂધમાં ૧૫ મિનિટ સુધી પલાળીને પીવાથી એ બોર્નવિટા કરતાં પણ વધુ એનર્જી આપશે. આને કૉર્નફ્લેક્સનું દેશી વર્ઝન પણ કહેવું ખોટું નથી. એને સૌથી હેલ્ધી ફૂડ માનવામાં આવે છે.

વિન્ટર સ્પેશ્યલ કોપરાની ચિક્કી

ગોળને કોઈ પણ ફૅટ સાથે કમ્બાઇન કરીને ખાવાથી શરીરમાં શુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે. કોપરાની ચિક્કી મુખ્યત્વે દ​ક્ષિણ ભારતમાં સૌથી વધુ ખવાય છે, પણ આપણા મહારાષ્ટ્રિયન ગુજરાતીઓના ઘરમાં કોપરા અને અસેરિયાની ચિક્કી બને છે. આ ચિક્કીને ઠંડીની ઋતુમાં જ ખાઈ શકાય નહીં તો એ ગરમ પડે. પ્રસૂતિ બાદ મહિલાઓને રિકવર થવા માટે કોપરા અને અસેરિયાના લાડુ ગુણકારી માનવામાં આવે છે. એકલા કોકોનટની ચિક્કી પણ ખાઈ શકાય. કોકોનટમાં પણ ગુડ ફૅટ હોય છે તેથી એને પણ ૧૫ ગ્રામ જેટલી ખાઈએ તો પેટ ભરાઈ જશે. આ ચિક્કી પાચનશક્તિ સુધારે છે અને અપચાની સમસ્યામાંથી રાહત આપે છે. નારિયેળ અને ગોળનું કૉમ્બિનેશન લિવરને ડીટૉક્સ કરવાની સાથે સ્કિનની હેલ્થને પણ સુધારે છે. જે યુવતીઓને પિરિયડ્સ દરમિયાન દુખાવો થાય છે એને ગોળમાં કોપરું મિક્સ કરીને એની ગોળીઓ ખાવાની સલાહ અપાય છે.

બજેટ-ફ્રેન્ડ્લી હાઈ પ્રોટીનયુક્ત દાળિયાની ચિક્કી

દાળિયાની ચિક્કી પ્રોટીનથી ભરપૂર હોય છે. માર્કેટમાં સૌથી સસ્તી પણ સૌથી પૌષ્ટિક ચિક્કી મળી જાય છે. બધી ચિક્કી કરતાં સૌથી વધુ પ્રોટીન દાળિયાની ચિક્કીમાંથી મળે છે અને શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી ગોળમાંથી મળે છે. વધુપડતા શ્રમનું કામ કરતા મજૂરો, જેમની ફિઝિકલ ઍક્ટિવિટી વધુ હોય કે જિમ જતા લોકો માટે દાળિયાની ચિક્કી બેસ્ટ પ્રોટીન સોર્સ છે એમ કહેવું ખોટું નથી. તલ અને શિંગદાણાની ચિક્કીમાંથી શરીરને ફૅટ મળે છે પણ દાળિયાની ચિક્કીમાંથી પ્રોટીન મળે છે. પોસ્ટ-વર્કઆઉટ અને સ્પોર્ટ‍્સ રમતા હોય એવા લોકો માટે ઍક્ટિવિટી પૂરી થયાની ૩૦ મિનિટમાં પ્રોટીન અને ગ્લુકોઝની જરૂર હોય છે તો દાળિયાની ચિક્કી આપવામાં આવે તો મસલ્સ બ્રેકડાઉન સ્લો થાય અને થાક પણ ઓછો લાગે.

વેઇટલૉસ માટે બેસ્ટ છે રાજગરાની ચિક્કી

રાજગરો અનાજ હોવાથી એમાં ફૅટનું પ્રમાણ ઓછું હોય છે. તમે રાજગરાની ચિક્કીના બે ટુકડા ખાશો તો પેટ ભરાઈ જશે, કારણ કે એમાં ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત એમાંથી શરીરને કૅલ્શિયમ અને આયર્ન પણ મળી રહે છે. મુંબઈમાં તો દરેક નાના-મોટા સ્ટૉલમાં જુઓ કે લોકલ ટ્રેનમાં જુઓ રાજગરાની ચિક્કી તો બારેમાસ જોવા મળ‍શે. જેને ફૅટ ઓછું ખાવાની સલાહ આપવામાં આવી હોય તેમના માટે રાજગરાની ચિક્કી સારો એનર્જી સોર્સ છે. એમાં કૅલેરીનું પ્રમાણ પણ ઓછું હોવાથી વજન ઘટાડવામાં પણ એ મદદ કરશે. જેને વેઇટલૉસ કરવું હોય પણ સ્વીટ ક્રેવિંગ થતું હોય એ લોકો માટે રાજગરાની ચિક્કી બેસ્ટ છે. તલની તુલનામાં ૧૦૦ ગ્રામ રાજગરો ખાઈ શકાય. રાજગરાની ચિક્કીને નવશેકા દૂધમાં મિક્સ કરશો તો મિલ્કશેક બનશે. એને પીવાથી પ્રોટીનની કમી તો પૂરી થશે જ પણ સાથે કૅલ્શિયમ, આયર્ન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળશે.

ચિક્કીનું મૉડર્ન વર્ઝન એટલે ડ્રાયફ્રૂટ‍્સની ચિક્કી

અત્યારે રસોડામાં ઘણા અખતરાઓ થાય છે એમાં ચિક્કીની વરાઇટીમાં ડ્રાયફ્રૂટ‍્સની ચિક્કી મૉડર્ન વર્ઝન છે. આ ખાવામાં તો ટેસ્ટી લાગે છે પણ ટ્રેડિશનલ ચિક્કી જેટલું ન્યુટ્રિશન આપશે નહીં. તેથી મારા મતે ડ્રાયફ્રૂટ‍્સ ચિક્કીના સ્વરૂપે ખાવા કરતાં એકલા ખાવા વધુ ગુણકારી છે. ગુડ ફૅટ માટે ડ્રાયફ્રૂટ‍્સની ચિક્કી ઉપરાંત આપણી પાસે ઘણી રેસિપી છે. તમે ગોળને બદલે ખજૂરમાં ડ્રાયફ્રૂટ‍્સને બાઇન્ડ કરીને લડ્ડુ બનાવી શકો છે. એ ચિક્કી કરતાં વધુ ફાયદો આપશે. ખજૂરમાંથી ગ્લુકોઝ અને ફ્રક્ટોસ (એક પ્રકારની નૅચરલ શુગર)ની સાથે ડાયટરી ફાઇબર, મૅગ્નેશિયમ, પોટૅશિયમ અને વિટામિન B મળી રહે છે. એને ડ્રાયફ્રૂટ્સ સાથે ખાવાથી શરીરને ફાયદો મળે છે, જે ગોળ સાથે નથી મળતો.

સાકર કરતાં ગોળ કેમ સારો?

ગુજરાતીઓના ઘરમાં ગોળ અને સાકરનો ઇન્ટેક વધારે હોય છે. ચિક્કી ટ્રેડિશનલી ગોળમાં જ બને છે અને ગોળ સાથે જ ખાવી જોઈએ. ગોળ અને સાકર શેરડીમાંથી જ બને છે, પણ સાકર બનાવવાની પ્રોસેસ લાંબી હોય છે. સાકરની શેલ્ફલાઇફ ભલે વધુ હોય પણ ગોળ નૅચરલી સારો ગણાય છે અને હેલ્ધી પણ. જે ખાદ્યપદાર્થની શેલ્ફલાઇફ વધુ હોય એ શરીરને કોઈ ફાયદો આપતા નથી અને જેની શેલ્ફલાઇફ ઓછી હોય એમાં જ ગુણોનો ભંડાર હોય છે. ગોળ અને સાકર વચ્ચે આ સૌથી મોટો ફરક છે. ગોળની શેલ્ફલાઇફ ઓછી છે, પણ એ શરીર માટે ગુણકારી છે. ગોળ આયર્નથી ભરપૂર હોય છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ પ્રૉપર્ટીઝ છે જે ઇન્ફેક્શન થતાં રોકે છે. ગોળનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ સાકર કરતાં ઓછું હોય છે તેથી એ બ્લડ-શુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે. એ ફૅટ સાથે ખાવામાં આવે તો એમાં હજી ફાયદો મળે છે. ગોળની તુલનામાં સાકરમાંથી કૅલરી નથી મળતી, વિટામિન્સ કે મિનરલ્સ મળતાં નથી. એના કોઈ હેલ્થ બેનિફિટ નથી. સ્વાદમાં એ ગળી હોવાથી બે ઘડી માટે ટેસ્ટમાં સારી લાગશે પણ એને લીધે ભવિષ્યમાં ડાયાબિટીઝ અને મેદસ્વીપણાની સમસ્યા ઉદ્ભવી શકે છે. તેથી ચિક્કી ખાવી હોય તો ગોળ સાથે જ ખાવી. 

ચિક્કી કોણ ખાઈ શકે?

ચિક્કી એવી ચીજ છે કે એને બારેમાસ ખાઈ શકાય. આમ તો બધા જ લોકો માટે ચિક્કી ફાયદાકારક જ છે, પણ સૌથી વધુ ફાયદો બાળકોને થશે. બાળકો માટે ચિક્કી એનર્જી બારનું કામ કરે છે. અત્યારે ઘણી બ્રૅન્ડ્સ એનર્જી બારના નામે ઘણી ચીજો વેચી રહી છે પણ ઘરની બનેલી ચિક્કીમાં જે પોષણ મળશે એ ક્યાંય નહીં મળે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં ચિક્કી મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે. બાળકોની સાથે જિમ જતા હોય અથવા જેમની શારીરિક પ્રવૃત્તિઓ વધુ હોય એવા લોકોને પણ ચિક્કી એનર્જી તો આપશે જ પણ આ સાથે પ્રોટીન, કૅલ્શિયમ, ફૉસ્ફરસ, મૅગ્નેશિયમ અને વિટામિન્સની કમીને દૂર કરશે. ડાયાબિટીઝના દરદીઓ આમ તો બધી જ ચિક્કી ખાઈ શકે પણ શિંગની ચિક્કી ડૉક્ટર કે ડાયટિશ્યનની સલાહ લઈને જ ખાવી જોઈએ. આમ તો તેઓ સવારના નાસ્તામાં ખાઈ શકે છે, પણ તેમ છતાં તેમની હેલ્થ કન્ડિશનના હિસાબે ટેસ્ટ કરાવ્યા બાદ જ ખાવી જોઈએ.

Gujarati food mumbai food indian food life and style health tips