લોહી અને લિવરનું શુદ્ધીકરણ કરવું હોય તો શિયાળામાં ખાઓ લીલી અને આંબા હળદર

02 January, 2025 08:48 AM IST  |  Mumbai | Kajal Rampariya

આદું જેવી દેખાતી આંબા હળદર અને ગોલ્ડન સ્પાઇસ તરીકે ઓળખાતી લીલી હળદર ઠંડીની સીઝનમાં જ મળે છે. આ બન્નેના આગવા ફાયદા છે એટલે એને મિક્સ કરીને ખાવાથી બેસ્ટ રિઝલ્ટ મળે છે. શિયાળામાં રોજ થાળીમાં એક ચમચી આ હળદરનું કચુંબર ખાવાથી અઢળક ફાયદા જ ફાયદા છે

લીલી અને આંબા હળદર તેમ જ તેનું અથાણું

શિયાળો બેસતાની સાથે જ માર્કેટમાં તાજી લીલી શાકભાજીની સાથે લીલી હળદર અને આંબા હળદર જોવા મળે છે. ઠંડીની સીઝનમાં જ જોવા મળતી આ બન્ને પ્રકારની હળદર ગુજરાતીઓના ભાણામાં ચારેમાસ પીરસાતી હોય છે. દેખાવમાં આદું જેવી આંબા હળદરનો સ્વાદ પણ તૂરો અને તીખો હોય છે ત્યારે ઘટ્ટ કેસરી કલરની લીલી હળદરને લીલી હળદર પણ કહેવાય છે. એનો સ્વાદ તૂરો હોય છે. આ બન્ને પ્રકારની હળદરના સ્વાદ ભલે અલગ હોય, પણ ગુણધર્મો એકસરખા જ છે. લીલી હળદરને સૂકવીને એનો પાઉડર બનાવીને મસાલા તરીકે તો આપણે એનો રોજિંદા જીવનમાં બારેમાસ ઉપયોગ કરીએ જ છીએ પણ વિન્ટર સ્પેશ્યલ કહેવાતી લીલી અને આંબા હળદર પાઉડરવાળી હળદર કરતાં વધુ ગુણકારી હોવાનો દાવો નિષ્ણાતો કરી રહ્યા છે ત્યારે તેમની પાસેથી આ બન્ને પ્રકારની હળદરના ડાયટ અને આયુર્વેદિક દૃષ્ટિએ થતા ફાયદા અને એને આરોગવાની યોગ્ય રીત વિશે જાણીએ.

લીલી હળદર કેમ કહેવાય છે શ્રેષ્ઠ?

ગુણોની દૃષ્ટિએ આંબા હળદર અને લીલી હળદર બન્ને જ શ્રેષ્ઠ છે. હળદર કંદમૂળનો એક પ્રકાર છે. જ્યારે હળદરને સૂકવીને ખાંડવામાં આવે છે ત્યારે એના ગુણો થોડા ઓછા થઈ જાય છે. જો હળદરના ગુણોનો ફાયદો ઉઠાવવા હોય તો લીલી હળદર સર્વશ્રેષ્ઠ છે અને શિયાળામાં એનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીને શરીરને એના ફાયદાઓ આપી શકાય છે. હળદર પાઉડર કરતાં લીલી અને આંબા હળદર શા માટે શરીર માટે વધુ ફાયદાકારક છે એ વિશે વાત કરતાં મુલુંડ વેસ્ટના સર્વોદયનગરમાં ૧૬ વર્ષનો અનુભવ ધરાવતાં ડાયટિશ્યન ખ્યાતિ શાહ કેલકર કહે છે, ‘ઠંડીમાં શરીરને ગરમીની જરૂર પડે છે અને હળદર શરીર માટે ગરમ કહેવાય તેથી એનું સેવન શિયાળામાં આઇડિયલ માનવામાં આવે છે. હળદર પાઉડર કરતાં લીલી હળદર ખાવાથી આયર્ન બહોળા પ્રમાણમાં મળે છે. લીલી હળદર અને આંબા હળદર સ્વાદમાં થોડી અલગ લાગે છે, પણ એના ગુણધર્મો ૯૯ ટકા એકસરખા છે એમ કહેવું ખોટું નથી. એને આરોગવાથી  શરીરમાં હીમોગ્લોબિનનું લેવલ નિયંત્રણમાં રહે છે. હીમોગ્લોબિનનું લેવલ વધે એટલે રેડ બ્લડ સેલ્સ એટલે કે લાલ રક્તકણોનું ઉત્પાદન પણ વધે આ રક્તકણો શરીરના દરેક અવયવને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન પૂરો પાડે છે. આ ઉપરાંત એમાંથી મળતું પોટૅશિયમ બ્લડ-પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે, એનિમિયા જેવા રોગ થવાથી બચાવે છે.’

બન્નેના ફાયદા અલગ

લીલી હળદર અને આંબા હળદર વચ્ચેનો તફાવત સમજાવતાં ખ્યાતિ કહે છે, ‘લીલી હળદર અને આંબા હળદરમાં મુખ્ય ઘટક કર્ક્યુમિન હોય છે. બન્ને પ્રકારની હળદરમાં એનું પ્રમાણ સેમ જેવું જ હોય છે. તફાવત ખાલી એટલો છે કે આંબા હળદર તમામ પ્રકારના સ્વેલિંગને ઘટાડવામાં ફાયદાકારક છે અને લીલી હળદર ઇમ્યુનિટી વધારવામાં ઉપયોગી છે. બન્ને હળદરમાં હાજર કર્ક્યુમિન લેવલ શરીરને કૅન્સર, ઑલ્ઝાઇમર્સ અને આર્થ્રાઇટિસ જેવા રોગો થવાથી રક્ષણ આપે છે. આ ઉપરાંત એ ઍન્ટિસેપ્ટિક, ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિફંગલ હોવાથી શરીરના ડૅમેજ્ડ સેલ્સને રિપેર કરવાનું કામ કરે છે. ઇન્ફેક્શન થયું હોય તો તેને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત હૃદયનાં ફંક્શનને નૉર્મલ રાખે, કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમ સારી રાખે અને કૉલેસ્ટરોલના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીઝના રોગીઓ માટે આંબા હળદર અને લીલી હળદર અત્યંત લાભકારી હોય છે.’

​લિવર ડીટૉક્સ કરે

શિયાળામાં લીલી અને આંબા હળદરના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આ ઉપરાંત તે બૉડી ડીટૉક્સ માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે એવું જણાવતાં ખ્યાતિ કહે છે, ‘લીલી હળદર અને આંબા હળદર શરીરમાં ઉત્પન્ન થતાં ઝેરી તત્ત્વોને બહાર કાઢીને રક્ત શુદ્ધીકરણનું કામ કરે છે. એ લોહીમાં રહેલાં ઝેરી તત્ત્વોને બહાર કાઢીને લિવર ડીટૉક્સ કરે છે. જેને ફૅટી લિવરની સમસ્યા અથવા સ્વેલિંગ હોય તેણે આંબા હળદરનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી થતી હોય છે ત્યારે હળદરના ગુણધર્મો ઇમ્યુનિટી વધારવાનું કામ કરશે. હળદરમાંથી કોઈ વિટામિન્સ નથી મળતાં પણ હળદર સાથે જો વિટામિનયુક્ત ચીજ ખાવામાં આવે તો ફાયદો મળે છે. જે લોકોને પાચનની સમસ્યા રહેતી હોય તેમણે પણ રોજ લીલી અને આંબા હળદર ખાવી જોઈએ. એમાં રહેલું ડાયટરી ફાઇબર ડાઇજેશન બૂસ્ટ કરે છે અને અપચો અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે.’

અમર્યાદિત સેવનની સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે

લીલી હળદર અને આંબા હળદરના ફાયદાઓ અઢળક મળે છે, પણ જો મર્યાદિત પ્રમાણમાં એનું સેવન કરવામાં આવે તો જ. એક દિવસમાં એના સેવનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને જો વધુ ખાવામાં આવે તો શું સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે એ વિશે વાત કરતાં ખ્યાતિ કહે છે, ‘હળદરની તાસીર ગરમ હોય છે તેથી એનું સેવન કરવામાં ધ્યાન રાખવું જોઈએ. મુંબઈમાં વધુ ઠંડી નથી રહેતી તેથી ઓછા પ્રમાણમાં એનું સેવન થાય તો વધુ સારું, પણ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી હોય છે તો ત્યાં હળદરનું શાક બનાવીને ખવાય છે, કારણ કે ત્યાં શરીરના તાપમાનને મેઇન્ટેન રાખવાની જરૂર વધુ હોય છે. અહીં દિવસમાં એક-એક ઇંચ જેટલી આંબા અને લીલી હળદર એમ સરેરાશ બે ઇંચ જેટલા ટુકડાનું સેવન શરીરને પોષણ આપે છે, પણ જો પ્રમાણ વધુ થાય તો ઍસિડ રિફ્લસ એટલે કે ઍસિડને કારણે છાતીમાં બળતરા થઈ શકે છે. ઊલટી જેવું લાગી શકે છે, સ્કિનમાં ઍલર્જી થઈ શકે છે. શિયાળાની ઋતુમાં એક ઇંચ આંબા હળદરના ટુકડા અને એક ઇંચ લીલી હળદરના ટુકડાની નાની-નાની સ્લાઇસ કરો અને પછી એમાં લીંબુનો ટુકડો અને ફુદીનાનાં પત્તાં નાખીને એમાં પાણી નાખી દો. એક કલાક સુધી બધાં જ ઇન્ગ્રીડિયન્ટ્સને ઇન્ફ્યુઝ થવા દો અને પછી એ પાણી પીઓ. એ ડિટૉક્સિફિકેશનનું કામ કરશે અને હળદરના બધા જ ગુણો શરીરને મળશે.’

વાત-પિત્ત-કફને કન્ટ્રોલમાં રાખે

લીલી હળદર અને આંબા હળદરના આયુર્વેદની દૃષ્ટિએ પણ અઢળક ફાયદાઓ છે અને એ વિશે સાઉથ મુંબઈમાં ઔષધાલય અને ચિકિત્સાલયનું સંચાલન કરતા પાંચમી પેઢીના વૈદ્ય ડૉ. નીતિન ગોરડિયા કહે છે, ‘આયુર્વેદમાં હળદરને અલગ-અલગ નામથી ઓળખાય છે. એ શરીરના વર્ણને સારો કરે એટલે એને હરિદ્રા કહેવાય, સોના જેવા પીળા કલરની હોવાથી એને કાંચની કહેવાય. યુવતીઓ એનો ઉપયોગ ઉબટનમાં કરે છે તેથી એને યોષિતપ્રિયા પણ કહેવાય છે. એની તાસીર ગરમ હોવાથી કફ અને વાયુને શાંત કરનારી છે અને પિત્તને શરીરમાંથી બહાર કાઢનારી છે. મૂંઢ માર લાગે કે પગ મચકોડાઈ જાય તો આંબા હળદરનો લેપ રાહત આપે છે. એ ત્વચા સંબંધિત રોગોને ઠીક કરવા માટે પણ ઉપયોગી છે.’

આંબા હળદર નામ કેમ પડ્યું?

આંબા હળદરનું નામ કેવી રીતે પડ્યું એ વિશે આયુર્વેદ ક્ષેત્રે ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા ડૉ. નીતિન ગોરડિયા કહે છે, ‘આંબા હળદર સુકાઈ જાય ત્યારે એમાંથી આંબા જેવી સુગંધ આવે છે તેથી એનું નામ આંબા હળદર પડ્યું છે. દેખાવમાં એ આદું જેવી હોવાથી અંગ્રેજીમાં એને મૅન્ગો જિંજર કહેવાય છે. આંબા હળદરનો ઉપયોગ જનરલી એક્સટર્નલ ઍપ્લિકેશનમાં વધારે થાય છે. હળદરમાં રહેલાં ઍક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ કર્ક્યુમિન પર ઇન્ટરનૅશનલ પૅટર્ન છે અને ઍન્ટિ-કૅન્સર પ્રૉપર્ટીઝ છે. એને પ્રમાણસર લેવામાં આવે તો કોઈ નુકસાન નથી. આયુર્વેદે હળદરને વિષઘ્ન પણ કહી છે. વિષઘ્ન એટલે વિષ હરનારી. વિરુદ્ધ આહારવિહારના સેવનથી શરીરમાં ઉત્પન્ન થતાં ઝેરી તત્ત્વોનો નાશ પણ આ હળદર કરે છે. શિળસ અને વિવિધ પ્રકારની સ્કિન ઍલર્જીમાં આ હળદર રાહત આપે છે.’

કેટલા પ્રમાણમાં સેવન કરવું?

વનસ્પતિને પારખીને ઔષધિ બનાવતા MD આયુર્વેદ ડૉ. નીતિન હળદરને આરોગવાની યોગ્ય રીત અને પ્રમાણ વિશે કહે છે, ‘બન્ને હળદરને મિક્સ કરીને એનું અથાણુ બનાવીને ખાઈ શકાય. સૅલડ બનાવીને ખાઈ શકાય. જો અથાણું બનાવો અને મીઠું અને લીંબુમાં આથેલું હોય તો દરરોજ પાંચથી ૧૫ ગ્રામ જેટલું આરોગી શકાય, પણ જો રાઈના અને મેથીના કુરિયામાં બનાવેલું હોય તો આ પ્રમાણ ઓછું કરવું હિતાવહ છે. ડાયાબિટીઝના દરદીઓ માટે આ હળદર શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એનો ઓવરયુઝ ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો ફાયદાને બદલે નુકસાન થવાની શક્યતા પણ છે. એને ખાધા પછી જો શરીરમાં કોઈ રીઍક્શન આવે તો એનું સેવન બંધ કરવું જોઈએ.’

life and style indian food Gujarati food health tips