મેઘધનુષના સાત રંગો તમારી થાળીને સુંદર અને શરીરને સ્વસ્થ બનાવી દેશે

10 September, 2024 12:41 PM IST  |  Mumbai | Rajul Bhanushali

વરસાદી મોસમ છે ત્યારે આકાશમાં સપ્તરંગી રેઇનબો રચાય છે એવું જ આપણી ભોજનની થાળીમાં થવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

વરસાદી મોસમ છે ત્યારે આકાશમાં સપ્તરંગી રેઇનબો રચાય છે એવું જ આપણી ભોજનની થાળીમાં થવું જોઈએ. સાતેય રંગો ધરાવતાં ફળો અને શાકભાજી કુદરતે આપ્યાં છે અને રંગો મુજબ એનાં પોષક તત્ત્વોમાં પણ ફરક હોય છે. જ્યારે આપણા ભોજનમાં રંગોની વિવિધતા વધે છે ત્યારે વિવિધ પોષક તત્ત્વોની પૂર્તિ પણ સારી રીતે થાય છે. આજે જાણીએ વિવિધ રંગનાં ફ્રૂટ્સ-વેજિટેબલ્સથી કયા લાભો થાય છે

ન્યુટ્રિશનિસ્ટ પ્રિયલ જૈન

પૃથ્વીનું સૌંદર્ય એના રંગોને કારણે છે. કુદરતે ભરી-ભરીને વિવિધ શાકભાજી અને ફળોને રંગોથી સુંદરતા બક્ષી છે. શું કામ ખબર છે? દરેક રંગનાં શાક અને ફળ પોતપોતાનાં અનોખાં પોષક તત્ત્વ અને ઍન્ટિઑક્સિડન્ટ્સની સાથે આવતાં હોય છે જે આપણા શરીરની વિભિન્ન જરૂરિયાતોને પૂરાં કરે છે. દરેક ફળ અને શાકભાજીમાં અલગ-અલગ રંગનાં પિગમન્ટ્સ હોય છે જેના કારણે એમને કલર મળતો હોય છે. નિષ્ણાતો કહેતા રહ્યા છે કે ફળ અને શાકભાજીને બે-ત્રણ રંગના કૉમ્બિનેશનમાં ખાવાં જોઈએ. ભારતીય રસોઈની પદ્ધતિ આ જ નિયમ પર આધારિત છે. તમે કોઈ શાક બનાવી રહ્યા છો તો એને લીલાં મરચાં અને લીમડાથી વઘારશો, ટમેટા અથવા કાંદા, બટાટા ઉમેરશો અને કોથમીરથી ગાર્નિશ કરશો તો એમાં ત્રણેક રંગ તો આવી જ ગયા.  તમારા ફ્રૂટ બાઉલમાં બે કે ત્રણ રંગ હોવા જોઈએ. ફળ હોય કે શાક, સીઝનલ જ ખાવાં જોઈએ. દરેકમાં ૠતુ પ્રમાણે ગુણ હોય જે શરીરમાં ઉત્પન્ન થતી વિષમતા સામે લડવાની શક્તિ આપે છે.

આજે ન્યુટ્રિશનિસ્ટ પ્રિયલ જૈન પાસેથી જાણીએ કે ચોમાસામાં ખાસ જોવા મળતાં વિવિધ રંગોનાં ફળો અને શાકભાજી કેવાં ગુણવાન છે અને કઈ રીતે આપણા સ્વાસ્થ્યને વધારનારાં છે.

જાંબલી, નીલો અને વાદળી 

પ્લમ, જાંબુ જેવાં ફળ તેમ જ શલગમ અને બીટરૂટ જેવી જાંબુડી રંગની શાકભાજી ચોમાસામાં ખાસ ખાવી જોઈએ. એના સેવનથી ઇમ્યુનિટી વધે છે. એક તો એમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. બીજું, વિટામિન C, કૉપર, પોટૅશિયમ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ભરપૂર હોવાથી અસ્થમાના દરદીઓને શ્વાસ લેવામાં રાહત મળે છે. પ્રચૂર માત્રામાં ફાઇબર હોવાથી પાચનક્રિયામાં પણ ફાયદાકારક છે તેમ જ ત્વચાની કાન્તિ વધે છે અને એમાં ઍન્ટિ-એજિંગનો ગુણ પણ છે. જાંબુમાં કૅલ્શિયમ હોવાની સાથે-સાથે એ શરીરમાં શુગરના લેવલને સમતોલ રાખવામાં સહાય કરે છે. વર્ષાઋતુમાં થતી પેટની સામાન્ય તકલીફોમાં રાહત આપે છે. જાંબુના સેવનથી લિવર ફંક્શન, બ્લડ-સર્ક્યુલેશન અને કિડની ફંક્શનમાં સુધારો થાય છે. આલૂબુખારા વરસાદની સીઝન પૂરતું મળતું ફળ છે. એના સેવનથી શરીરમાં ઇલેક્ટ્રાલાઇટ્સ બૅલૅન્સ કરવામાં મદદ મળે છે અને આયર્નની કમી પૂરી થાય છે. વળી લૅક્ઝેટિવ ગુણ હોવાથી કબજિયાતની તકલીફ પણ દૂર થાય છે. આર્થ્રાઇટિસમાં પણ આલૂબુખારાનું સેવન રાહત આપે છે. આ બધાં ફળો અને શાકભાજીમાં ઍન્થોસાયનિન્સ છે જે હાર્ટ-હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે, બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરે છે અને LDL એટલે કે ખરાબ કૉલેસ્ટરોલને ઓછું કરે છે. એ સિવાય એમનામાં ઍન્ટિકૅન્સર પ્રૉપર્ટીઝ પણ હોય છે.

લીલો

લીલા રંગનાં ફળ અને શાકભાજીમાં મુખ્ય પિગમન્ટ ક્લોરોફિલ છે જે ફોટોસિન્થેસિસના પ્રોસેસમાં મદદ કરે છે. ક્લોરોફિલ સિવાય આ બધાં જ ફૂડમાં વિટામિન K, ફોલેટ, લ્યુટેઇન જેવાં ઍન્ટિઑક્સિડન્ટ્સ પણ હોય છે. ક્લોરોફિલ પોતાની રોગનાશક શક્તિઓ માટે જાણીતું છે. એમાં હાજર વિટામિન K બ્લડ-ક્લૉટિંગ રોકવામાં અને હાડકાં મજબૂત બનાવવામાં કામ આવે છે. લીલી શાકભાજીમાં ફાઇબર પણ ઘણું મોટી માત્રામાં હોય છે, જેને કારણે કબજિયાત નથી થતી અને ગટ હેલ્થ સુધરે છે. આંખોને મસ્ક્યુલર ડીજનરેશન અને કૅટરૅક્ટથી બચાવે છે. દૂધી, મૂળાનાં પાન, કાકડી, કારેલાં, પરવળ, ભીંડા તેમ જ ખાસ વરસાદની સીઝનમાં મળતાં કંટોલાં, વાસેટીની અને ફોડસીની ભાજી જેવાં શાક તેમ જ નાસપાતી જેવાં ફળ ચોમાસામાં ખાવાં જોઈએ. કંટોલાં, વાસેટી અને ફોડસી તો ચોમાસા દરમિયાન પણ માંડ દોઢબે મહિના જ મળે છે. કંટોલાંને સુપર ફૂડ માનવામાં આવે છે. એમાં આલ્કલોઇડ છે જેની પ્રૉપર્ટી ઍન્ટિ- ઇન્ફ્લૅમૅટરી, ઍન્ટિ-કૅન્સરસ, ઍન્ટિ-માઇક્રોબિઅલ, ઍન્ટિ-ફંગલ અને એનલ્જેસિક છે એટલે એ પેઇન રિલીફમાં થોડેઘણે અંશે મદદ કરે. વિટામિન A, વિટામિન C, વિટામિન E, પોટૅશિયમ, કૅલ્શિયમ, આયર્ન, ઝિન્ક, ફૉસ્ફરસ અને મૅગ્નેશિયમથી ભરપૂર આ શાક વરસાદી સીઝનમાં જ્યારે પેટની પ્રકૃતિ મંદ પડી જતી હોય છે ત્યારે ખાવાથી ડાઇજેશનમાં સારું રહે છે. ફૅટી લિવરની સમસ્યા હોય કે સિરમ કૉલેસ્ટરોલ લેવલ ઓછું કરવું હોય, કંટોલાં ઉપકારક છે. એવું કહેવાય છે કે આ શાકમાં રહેલો બિટર ટેસ્ટ શુગર-લેવલ કન્ટ્રોલ કરે છે.

પ્રથમ વરસાદની વાંછટ માત્રથી થતી વાસેટીની ભાજી તો કુદરતી ઍન્ટિબાયોટિક છે અને વિટામિન Cનો ખજાનો છે. વાસેટીનું અમીનો ઍસિડ પ્રોફાઇલ મસલ રિકવરી અને ગ્રોથમાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે. એ પ્રોટીન સિન્થેસિસને સપોર્ટ કરે છે એટલે જ ફિઝિકલ ફિટનેસ અને મસલ હેલ્થ પર ફોકસ કરતા લોકો માટે ઉપયોગી છે. ડીટૉક્સિફિકેશન પ્રોસેસને ઝડપી બનાવે છે તેથી લિવર માટે ફાયદાકારક છે. વાસેટીમાં આલ્કલૉઇડ્સ અને ફ્લેવોનૉઇડ્સ જેવા બાયોઍક્ટિવ કમ્પાઉન્ડ્સ હોય છે જે બ્રેઇન ફંક્શન અને મેમરીને સપોર્ટ કરે છે. આ ભાજીમાં ખૂબ પાણી હોય છે જેથી એ બૉડીને ડિહાઇડ્રેટ કરે છે તેમ જ ઇલેક્ટ્રોલાઇટને પણ બૅલૅન્સ કરે છે. આમાં રહેલું લો ગ્લાયસીમિક ઇન્ડેક્સ બ્લડ શુગર લેવલને મૅનેજ કરવામાં મદદ કરે છે અને એન્ઝાઇમ્સ કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન્સને બ્રેકડાઉન કરે છે, જેના કારણે ન્યુટ્રિયન્ટ ઍબ્સૉર્પ્શન વધારે સારી રીતે થઈ શકે છે.

આ સીઝનમાં મળતું નાસપાતી પ્રોટીન, ફાઇબર, વિટામિન C, વિટામિન K અને પોટૅશિયમથી ભરપૂર છે, વિટામિન Cનો શ્રેષ્ઠ સોર્સ છે અને વરસાદજન્ય ચેપોથી બચાવે છે. નાસપાતીમાં પ્રોસાયનાઇડીન નામનું શક્તિશાળી ઍન્ટિ-ઑક્સિડન્ટ છે જે ખરાબ કૉલેસ્ટરોલને ઘટાડે છે. ફોડસીચી ભાજીને સફેદ મુલસી પણ કહેવામાં આવે છે. એનું પોતાનું યુનિક ન્યુટ્રિશનલ પ્રોફાઇલ છે. એમાં રહેલા બાયોઍક્ટિવ કમ્પાઉન્ડ ફાઇટોકેમિકલ્સ બૉડીના સેલને ઑક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે અને ઓવરઑલ હેલ્થને સારી કરે છે. ફોડસી જો રેગ્યુલરલી ખાવામાં આવે તો ઘણા હાર્ટ-ડિસીઝ જેવા ક્રૉનિક ડિસીઝ અને ડાયાબિટીઝના રિસ્કને ઘણીબધી હદે ઓછાં કરી નાખે છે. આ ભાજીમાં રહેલાં મૅગ્નેશિયમ અને ફોલેટ જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ નર્વ ટ્રાન્સમિશન અને મસલ ફંક્શન માટે જરૂરી છે. ફોલેટ DNA અને રિપેર માટે જરૂરી છે. ઍડપ્ટોજેનિક પ્રૉપર્ટીઝ સ્ટ્રેસ સાથે કોપ કરવામાં મહત્ત્વની સાબિત થાય છે.

પીળો, નારંગી અને લાલ

ચોમાસામાં સૂર્યપ્રકાશ ઓછો મળતો હોય છે એના કારણે શરીરમાં વિટામિન Dની ડેફિશિયન્સી થઈ શકે છે. ખારેક ખાવાથી આ સમસ્યામાં ઘણા અંશે રાહત મળે છે. ખારેક પીળી અને લાલ એમ બન્ને રંગમાં મળે છે. એમાં રહેલું કૅલ્શિયમ બોન ડેન્સિટીને મેઇન્ટેન કરે છે અને બોન સ્ટ્રેન્ગ્થ પણ વધારે છે. મૅગ્નેશિયમ બોન સ્ટ્રક્ચરને સપોર્ટ કરે છે. ખારેક વિટામિન Eનો બહુ સારો સોર્સ છે જે સ્કિનને મૉઇશ્ચરાઇઝ અને નરિશ કરે છે. એનો લો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ બ્લડ-શુગરને કન્ટ્રોલ કરે છે. બધી જ સીઝનમાં મળતું દાડમ ચોમાસામાં ખાસ ખાવું જોઈએ. એના સેવનથી રક્તમાં લાલ કણના પ્રમાણમાં વધારો થાય છે, મેટાબોલિઝમ અને રક્તસંચાર સુધરે છે. એ સીઝનલ શરદીથી રાહત આપે છે. સાથે દાડમનું સેવન બ્રેસ્ટ-કૅન્સર, પ્રોસ્ટેટ કૅન્સર, ફેફસાં અને કોલન-કૅન્સરના જોખમને ઓછું કરે છે. એ ઉપરાંત સંતરાં અને બારેમાસ મળતાં ટમેટાં અને ગાજરનો પણ ચોમાસામાં ભરપૂર ઉપયોગ કરી શકાય. સંતરાં અને ગાજર વિટામિન Cના સારા સોર્સ છે. ટમેટાંના સેવનથી હૃદય, લિવર અને પાચનતંત્રને ફાયદો થાય છે. ટમેટાંને હાઇડ્રેટિંગ વેજિટેબલ તરીકે ઓળખવામાં આવે છે તેમ છતાં ડાયેરિયા દરમિયાન એનાથી દૂર રહેવું જોઈએ, કારણ કે ટમેટાંમાં હાજર સાલ્મોનેલા નામના બૅક્ટેરિયા ડાયેરિયાની સમસ્યાને વધારી શકે છે. ગાજરમાં બીટા કૅરોટીન, વિટામિન A અને ઍન્ટિઑક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. એને કારણે આંખોની હેલ્થ સુધરે છે, ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે.’

indian food health tips gujarati mid-day