30 December, 2021 03:26 PM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગોરડિયા
આજની આ જે ફૂડ ડ્રાઇવ છે એ પ્રૅક્ટિકલી બરોડાની છે પણ લૉજિકલી આ ફૂડ ડ્રાઇવ ઇન્ડિયન ફ્રૅન્ચાઇઝીની છે. કેવી રીતે, સમજાવું તમને. જો તમને યાદ હોય તો આ અગાઉ આપણે મુંબઈ દૂરદર્શનની ગલીમાં એન્ટર થતાં જમણી બાજુએ આવતા જુગાડી અડ્ડા નામની શૉપના વડાપાંઉની ફૂડ ડ્રાઇવ કરી હતી, જેણે વડાપાંઉ ખાવાના કન્સેપ્ટમાં ધરમૂળથી ફેરફાર કરવાનું કામ કર્યું છે. માત્ર તીખી-મીઠી ચટણી જ નહીં પણ વડાપાંઉમાં તંદૂરી, મેયોનીઝ અને એ ઉપરાંત ભાતભાતના અને જાતજાતના સૉસ નાખતાં જુગાડી અડ્ડાએ હવે ગુજરાતમાં ફ્રૅન્ચાઇઝી આપવાની શરૂ કરી છે.
વડોદરામાં નાટકના શો માટે અમે જતા હતા એ દરમ્યાન અમે નિઝામપુરાથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં મેં ‘જુગાડી અડ્ડા’ વાંચ્યું એટલે મને નવાઈ લાગી કે સાલ્લું આપણી ફેવરિટ વરાઇટી અને જગ્યા બન્ને અહીં!
હું તો ગયો સીધો ત્યાં અને ત્યાં જઈને મેં જમ્બો વડાપાંઉનો ઑર્ડર કર્યો પણ મને સજેશન આપવામાં આવ્યું કે જો તમારે ફ્યુઝન કે ફૅન્સી વરાઇટી ખાવી હોય તો તમે ગૉડફાધર, ટૅન્ગી, તંદૂરી, પેરીપેરી, જંતરમંતર, વીઆઇપી કે અચારી મૅન્ગો જેવું કંઈ મંગાવો. આ બધાં નામો સાંભળતાં જ મારા મોઢામાં પાણી આવતું હતું. મેં તો મગાવ્યું વીઆઇપી વડાપાંઉ. આ વીઆઇપીની વાત કરતાં પહેલાં તમને કહું કે અહીં ચૉકલેટ વડાપાંઉ અને ચૉકલેટ સમોસા પણ મળે છે. એ વાંચીને મને મુંબઈમાં સૈફી હૉસ્પિટલની પાછળ મળતા ચૉકલેટ પીત્ઝા યાદ આવી ગયા પણ મિત્રો, ખરું કહું તો આ વધારે પડતું ફ્યુઝન છે. આવું ફ્યુઝન માત્ર એક્સપરિમેન્ટ માટે એકાદ વાર ખાઈ શકાય પણ કાયમ માટે આ પ્રકારની ફૅન્સી વરાઇટી ગમે નહીં.
વાત કરીએ વીઆઇપી વડાપાંઉની. આ વીઆઇપી વડાપાંઉમાં એ લોકો ઑરેન્જ ચીઝ નાખે છે. મુંબઈ કરતાં અહીં વડાપાંઉ બનાવવાની રીતમાં પણ સહેજ ફરક મેં જોયો. પાંઉને બે ભાગમાં કાપી પછી એના પર વડું મૂકે અને એ પછી એના પર ઑરેન્જ ચીઝ આવે, પછી તંદૂરી સૉસ અને પછી એના પર બાર્બિક્યુ સૉસ અને એ પછી કૅપ્સિકમ, ટમેટો, અન્યન જેવાં વેજિટેબલ્સ નાખે. કહેવાનો અર્થ એટલો જ કે એ વડાપાંઉને રીતસર બર્ગરની જેમ ટ્રીટ કરવામાં આવે છે અને સાહેબ, મજા આવે છે એ રીતે ખાવાની. વીઆઇપી વડાપાંઉનાં વડાંમાં કોઈ ફરક હોય એવું મને લાગ્યું નહીં. બને કે અલગ-અલગ વરાઇટીનાં વડાની સાઇઝનો ફરક હોય પણ એના પૂરણમાં કે પછી બનાવવાની રીતમાં કોઈ ફરક મને દેખાયો નહીં. આ વાત હું તમને એટલા માટે દાવા સાથે કહી શકું, કારણ કે વીઆઇપી પછી મેં ગૉડફાધરની ટ્રાય કરી હતી.
ગૉડફાધર વડાપાંઉમાં મોટું વડું હતું, જેમાં ઑરેન્જ ચીઝ અને એના પર ચિલી ગાર્લિક સૉસ હોય. જેમ મારિયો પુઝોના ગૉડફાધરે ભલભલાને પરસેવો છોડાવી દીધો હતો એવી રીતે આ ગૉડફાધર વડાપાંઉ પણ ગુજરાતના શિયાળામાં સરસ મજાની ગરમી લાવી દે એવી મસ્ત તીખાશ સાથે પીરસાઈ છે. મને સહેજ અચારી મૅન્ગો વડાપાંઉ વિશે જાણવાની ઇચ્છા હતી અને મારા સદ્નસીબે હું હતો ત્યારે જ એક ભાઈ એ લેવા આવ્યા એટલે મેં એ બનાવવાની રીત પણ જોઈ લીધી અને સ્વાદ પણ જાણી લીધો. આપણું ટિપિકલ ખાટું-મીઠું જે અથાણું હોય છે એ ટેસ્ટના સૉસથી એ વડાપાંઉનો સ્વાદ ભરવામાં આવે તો પેરીપેરીમાં પેરીપેરી સૉસ હોય છે. બધાં વડાપાંઉની એક ખાસિયત છે, એ બધાંમાં મેયોનીઝ તો હોય જ હોય.
મિત્રો, ‘જુગાડી અડ્ડા’ની ફ્રૅન્ચાઇઝી અમદાવાદમાં નિકોલમાં પણ શરૂ થઈ છે અને સુરત તથા રાજકોટમાં પણ એ શરૂ થવામાં છે, જે જોઈને મને લાગે છે કે હવે વડાપાંઉ ફક્ત લાલ-લીલી ચટણી સાથે ખાવાનું હોય એ વાત વિસરાતી જાય છે અને એ વડાપાંઉ માટે સારું પણ છે. આવાં ફ્યુઝન યંગસ્ટર્સને બહુ અટ્રૅક્ટ કરતાં હોય છે અને યંગસ્ટર્સે જે કોઈ વાત કે વરાઇટી પકડી લીધી એનું આયુષ્ય લાંબું થઈ જાય છે. બસ, બીજું તો શું કહું હું, જુગ-જુગ જીવો વડાપાંઉ.