16 November, 2024 10:14 AM IST | Surat | Sanjay Goradia
જય જલારામ રસાવાળાં ખમણવાળા
રવિવારે મારું નવું નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ મુંબઈમાં ઓપન થયું અને એ પછી એનું ગુજરાતનું પ્રીમિયર અમે હમણાં સુરતમાં કર્યું અને સુરતમાં મને એક એવી આઇટમ ટેસ્ટ કરવા મળી કે મને થયું કે આપણી જે દુબઈની આઇટમનો રસાસ્વાદ ચાલે છે એની વચ્ચે મારે સુરતની એ આઇટમની વાત તમને કરવી જોઈએ. નાટકના શો પહેલાં મને ભૂખ લાગી એટલે અમે તો ગયા ચોકબજાર. અમે એટલે હું ને મારી અંદર રહેતો પેલો બકાસુર. ઑડિટોરિયમથી ચોકબજાર બહુ નજીક છે. ચોકબજારમાં જય જલારામ રસાવાળાં ખમણ. હવે તમને કહું કે હું આ જય જલારામમાં જ કેમ ગયો?
જ્યારે પણ સુરતની ટૂર દરમ્યાન અહીંથી પસાર થવાનું બને ત્યારે હું ત્યાં પારાવાર ભીડ જોઉં. એ ભીડ જોઈને મને થયું હતું કે એક દિવસ આપણે જય જલારામ રસાવાળાં ખમણનો ટેસ્ટ કરવાનો થાય છે. મનમાં આ વિચાર આવ્યો ત્યારે તમારા માટે ફૂડ-ડ્રાઇવ કરવાનો વિચાર મનમાં નહોતો જ નહોતો. મેં ફૂડ-ડ્રાઇવની એક સિસ્ટમ રાખી છે.
પહેલેથી જગ્યા નક્કી નહીં રાખવાની. જગ્યા પર જવાનું, ત્યાં જઈને ટેસ્ટ કરવાનું અને એ ટેસ્ટિંગના તમામ માપદંડમાં ખરી ઊતરે તો જ મોબાઇલમાં ફોટો લેવાનો અને એ પછી એનો આસ્વાદ વાચકો સુધી પહોંચાડવાનો. ફરી પાછા આવી જઈએ સુરતમાં.
જય જલારામ રસાવાળાં ખમણવાળાને ત્યાં હું પહોંચ્યો અને મેં રસાવાળાં ખમણનો ઑર્ડર આપ્યો. થર્મોકોલના એક પ્રૉપર બાઉલમાં ખૂબ બધાં ખમણ નાખી એના પર ગરમાગરમ રસો અને એની ઉપર સેવ અને કાંદા-ટમેટાં નાખીને મને આપ્યું. આ જે રસો છે એની તમને વાત કરું. ત્રણ ભાગ દાળ લેવાની, જેમાં બે ભાગ ચણાની દાળ અને એક ભાગ તુવેરની દાળ. પછી આ દાળને શેકી એમાં બધી જાતના મસાલા નાખી એને ગ્રાઇન્ડ કરવાની અને પછી એનો રસો બનાવવાનો. આ જે દાળનો થિક રસો છે એ તમારાં ખમણ ઉપર નાખે. રસો બહુ સરસ હતો. સ્વાદિષ્ટ અને તીખો, પણ આ રસાની ખાસિયત એ હતી કે એ ખમણના સ્વાદની પણ ગેમ ચેન્જ કરી નાખતો હતો. અદ્ભુત.
સાઠ વર્ષથી ચાલતી જય જલારામ એકદમ ટિપિકલ સુરતી જગ્યા છે, જે તમે એનું બોર્ડ જોશો તો પણ સમજાઈ જશે. મૂળ સુરતી લોકો ‘ળ’ બોલે કે લખે નહીં, એ ‘ળ’ને બદલે ‘લ’ લખે-બોલે એટલે બોર્ડમાં પણ ‘રસાવાળા’ નહીં ‘રસાવાલા’ લખ્યું છે.
જય જલારામમાં માત્ર ખમણ જ નહીં, રસા સાથે બીજી પણ ઘણી વરાઇટી મળે છે. રસાવાળું સુરતી ભૂસું, રસાવાળાં ઇદડાં, રસાવાળી પાતૂડી. આ પાતૂડી એટલે આપણે જેને ખાંડવી કહીએ એ જ. સુરતમાં એને પાતૂડી કહે. આ ઉપરાંત રસાવાળાં પંજાબી સમોસા, રસાવાળી કચોરી, રસાવાળાં સુરતી સમોસા. બધામાં મેં કહ્યો એ જ રસો નાખવાનો અને એ રસો દરેક આઇટમના ઓરિજિનલ સ્વાદને નવી ઊંચાઈ પર લઈ જાય.
ગુજરાતમાં અને ઈવન મુંબઈમાં એવી માન્યતા છે કે ભેળ, ચાટ, સેવપૂરી કે વડાપાંઉ જેવી વરાઇટીઓ ફેરિયા પાસે જ વધારે સારી મળે. આ જ માન્યતાના કારણે ગુજરાતમાં એક પ્રથા થઈ ગઈ છે. દરેક જણ દુકાનની બહાર એક રેંકડી રાખે અને એમાં જ ગરમાગરમ બધું બનાવીને આપે જેથી તમને સ્ટ્રીટ-ફૂડનો જ માનસિક આનંદ મળે. જય જલારામમાં પણ એવું જ છે. એ બહાર બેસીને વરાઇટીઓ આપતા હતા. પાછળ મોટી દુકાન ખરીદી પણ છતાંય બધું લઈને બેસવાનું બહાર જ. બધી વરાઇટીની કિંમત પણ સ્ટ્રીટ-ફૂડ જેટલી જ, ફક્ત ત્રીસ રૂપિયા. ઍનીવેઝ, જ્યાં બેસવું હોય ત્યાં બેસે. આપણી તો ત્રણ જ વાત છે. ફૂડની ક્વૉલિટી અવ્વલ હોય, ભાવ રીઝનેબલ હોય અને ક્વૉન્ટિટી પણ વાજબી હોય. ત્રણેત્રણ માપદંડમાં જય જલારામ ફુલ માર્કે પાસ.
તમે પણ સુરત જાઓ ત્યારે પરીક્ષા લઈ જોજો. તમને પણ ખબર પડશે, આ ગોરડિયો એમ ને એમ કંઈ ડ્રાઇવ ભગાવ-ભગાવ નથી કરતો.