19 October, 2024 10:25 AM IST | Mumbai | Darshini Vashi
નંદુ વડાપાંઉ, ચેમ્બુર
૧૯૮૫ની સાલમાં ચેમ્બુરમાં એક મહારાષ્ટ્રિયન લેડીએ તેમના હસબન્ડ સાથે મળીને બટાટાવડાં બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. જીવનનિર્વાહ ચલાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરેલું આ કામ જોતજોતાંમાં એટલુંબધું ફૂલીફાલી ગયું કે આજે અહીંનાં બટાટાવડાં ખાવા માટે લાઇન લાગે છે.
ચેમ્બુરમાં આવેલી પોસ્ટ ઑફિસની બાજુમાં નંદુ વડાપાંઉનો સ્ટૉલ નજરે પડશે જે આન્ટીનાં વડાં તરીકે પણ જાણીતો છે. આજથી ૩૯ વર્ષ પહેલાં તેમણે ૨૦૦૦ રૂપિયામાં એક હાથગાડી ખરીદી હતી અને ૭૫ પૈસામાં બટાટાવડાં વેચવાનું શરૂ કર્યું હતું. તેમના હસબન્ડ રિક્ષા ચલાવતા હતા પણ બે હાથેથી કમાણી કરીએ તો ઘરખર્ચ સરખી રીતે નીકળી શકે એ આશયથી તેમણે બટાટાવડાં બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. તેમનાં વડાં આમ પણ તેમના સર્કલમાં ઘણાં વખણાતાં હતાં એટલે તેમણે સાહસ કર્યું. તેમનાં વડાંની ખાસિયત એ હતી કે એ ખૂબ જ સૉફ્ટ બનતાં હતાં. તેમ જ એમાં ટ્રેડિશનલ મહારાષ્ટ્રિયન ટેસ્ટ પણ છલકાતો હતો જે લોકોને ભાવ્યો. આ સાથે એની સાથે પીરસવામાં આવતી ચટણી હોમમેડ અને ચટાકેદાર હતી જેના લીધે તેમણે લગભગ ચાર દાયકાથી તેમના સામ્રાજ્યને આટલી કૉમ્પિટિશનમાં પણ અડીખમ રાખ્યું છે. આજે પણ આ આન્ટી સવારે વહેલાં ઊઠીને બધી તૈયારી કરી લે છે અને સાંજે પાંચ વાગ્યે સ્ટૉલ શરૂ કરે છે. જ્યાં સુધી સ્ટૉક હોય છે ત્યાં સુધી સ્ટૉલ ખુલ્લો રાખે છે, પણ લગભગ રાત્રે ૯.૩૦ની આસપાસ તેમનો બધો માલ ખાલી જ થઈ જાય છે. કૉલેજ-સ્ટુડન્ટ્સથી લઈને ઑફિસરો તેમના ક્લાયન્ટ છે. અહીં વડાપાંઉ ઉપરાંત, ભજીપાંઉ, સમોસાં પણ મળે છે.
ક્યાં મળશે?: નંદુ વડાપાંઉ, ચેમ્બુર પોસ્ટ ઑફિસની બાજુમાં, ચેમ્બુર (ઈસ્ટ)
સમય : સાંજે ૫થી ૯.૩૦