મખાણા મૅજિક

26 January, 2025 12:39 PM IST  |  Mumbai | Ruchita Shah

જગતના નેવું ટકા મખાણાનું પ્રોડક્શન બિહારમાં થાય છે અને પોષક તત્ત્વોથી ભરપૂર પણ સીઝનલ એવા આ સુપરફૂડની ડિમાન્ડ સામે સપ્લાય ખૂબ ઓછી છે અને એટલે જ છેલ્લા થોડાક અરસામાં મખાણાના ભાવ ઑલમોસ્ટ ડબલ જેવા થઈ ગયા છે.

મખાણા મૅજિક

જગતના નેવું ટકા મખાણાનું પ્રોડક્શન બિહારમાં થાય છે અને પોષક તત્ત્વોથી ભરપૂર પણ સીઝનલ એવા આ સુપરફૂડની ડિમાન્ડ સામે સપ્લાય ખૂબ ઓછી છે અને એટલે જ છેલ્લા થોડાક અરસામાં મખાણાના ભાવ ઑલમોસ્ટ ડબલ જેવા થઈ ગયા છે. બિહારના મખાણાના મૅન્યુફૅક્ચરર્સ મખાણા માટેની વૈશ્વિક માગ અને તેમની પાસેની વ્યવસ્થા વિશે શું માને છે? મુંબઈના વેપારીઓનો અનુભવ કેવો છે?

બિહારના મિથિલા રીજનમાં રહેતા અભિનવ ઝાએ પોતાના બાપદાદાના સમયથી ચાલ્યો આવતો મખાણાનો બિઝનેસ હવે વધુ સિસ્ટમૅટિક કરવાની દિશામાં પગ માંડ્યા છે. બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં ડિગ્રી લેનારો આ યુવાન બે દિવસ પહેલાંની વાત કરતાં કહે છે, ‘સવારે ભારતના વેપારી સાથે, બપોરે ઑસ્ટ્રેલિયાના વેપારી સાથે અને સાંજે ન્યુ ઝીલૅન્ડમાં મખાણાનો ઑર્ડર આપવા માગતી વ્યક્તિ સાથે વાત કરી હતી. અઠવાડિયામાં ચારથી પાંચ દેશોમાંથી પ્રીમિયમ ક્વૉલિટીના મખાણાની ડિમાન્ડ સાથેના કૉલ્સ આવી જ જતા હોય છે.’

રોહિત કુમાર ચંદ્રા

તિરહુતવાલા નામની કંપની ચલાવતા અભિનવની જેમ હવે બિહારમાં અઢળક એવા ડીલર છે જેઓ પોતે ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડના મખાણા બનાવવા પર ફોકસ કરી રહ્યા છે કારણ કે અત્યારે મખાણાના કુલ પ્રોડક્શનમાંથી માત્ર બે ટકા ઉત્પાદન ગ્લોબલ માર્કેટના બેન્ચમાર્ક મુજબનું હોય છે. ૨૦૨૩માં મખાણાનું માર્કેટ ૭.૮ અબજ રૂપિયાનું હતું જે આવનારાં ૧૦ વર્ષમાં ૧૮.૯ અબજ રૂપિયાને આંબી જાય એવી પૂરી સંભાવના છે એવું માર્કેટ-નિષ્ણાતો માને છે. મખાણાની માર્કેટ વિશે વધુ વાત કરતાં પહેલાં એ બને છે કઈ રીતે એ જોઈએ. લિલી પ્લાન્ટ તરીકે ઓળખાતાં મખાણાનાં બીજ નાનાં-નાનાં તળાવમાં જાન્યુઆરીના અંત સુધીમાં નાખવામાં આવે. આ તળાવમાં પૂરતા પ્રમાણમાં માછલીઓ પણ હોય જેથી એ પાણી નૅચરલી શુદ્ધ રહે. ધીમે-ધીમે એ બીજમાંથી પ્લાન્ટ્સ બને જેની જુલાઈ સુધી લણણી કરવામાં આવે અને એમાંથી કાળા રંગનાં મખાણાનાં બીજ મળે જેને બિહારમાં ગુડિયા કહેવાય. આ કાળાં બીજને સૂર્યના તાપમાં સૂકવીને એને તવા પર ગરમ કરીને કાળા આવરણને ફોડીને દૂર કરવામાં આવે. જોકે હવે એના માટે પૉપઅપ મશીન પણ આવી ગયાં છે. મહત્ત્વની વાત એ છે કે મખાણાની ખેતી જાન્યુઆરી દરમ્યાન શરૂ થાય અને લગભગ બે મહિના જેટલો જ સમય એના માટે મળતો હોય છે. બીજું, મખાણાને તળાવમાંથી કાઢવાની પ્રોસેસ પણ અઘરી હોય છે. મખાણાની ખેતી કરતા લોકો આખો-આખો દિવસ પાણીમાં વિતાવતા હોય છે.

અભિનવ ઝા

બિહારના મિથિલા રીજનને ૨૦૨૧ના એપ્રિલ મહિનામાં મખાણાના જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન તરીકે નવાજવામાં આવ્યું. આખી દુનિયાનું નેવું ટકા મખાણાનું પ્રોડક્શન બિહારમાં થાય છે. દર વર્ષે બિહાર લગભગ ૧૦ હજાર ટનના મખાણાનું પ્રોડક્શન કરે છે. લગભગ પાંચ લાખ પરિવારો મખાણાની ખેતી અને પ્રોસેસિંગના કામમાં લાગેલા હોય છે. જોકે છેલ્લાં ૧૦ વર્ષમાં મખાણાની ડિમાન્ડ એ સ્તર પર વધી છે કે ઇન્ટરનૅશનલ માર્કેટમાં જે મખાણા હજાર રૂપિયે કિલો વેચાતા હતા એ હવે આઠ હજાર રૂપિયે કિલો વેચાય છે. પ્રોટીનનો ઉત્તમ સોર્સ મનાતા મખાણા શાકાહારીઓનું તો પ્રિય સુપરફૂડ છે જ પણ સાથે ડાયાબિટીઝ કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય, હૃદયરોગની તકલીફોમાં એ લાભકારી છે અને એ સિવાય પણ એનાં કેટલાંક માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ વિશે દુનિયાભરના ઇન્ફ્લુઅન્સરથી લઈને હેલ્થ-નિષ્ણાતો પેટ ભરીને વખાણ કરી રહ્યા છે એટલે જાત-પાતનો ભેદ ભૂલીને બધા જ મખાણા ખાય છે.

ભવ્ય ભૂતકાળ

મખાણાના હેલ્થ-બેનિફિટ્સનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ છે અને ત્રણ હજાર વર્ષ પહેલાં લખાયેલા ચાઇનીઝ મેડિસિનનાં પુસ્તકોમાં પણ મખાણાના સેવનની વાત થઈ છે. જોકે કહેવાય છે કે મખાણાની સૌથી પહેલી ખેતી બિહારના મધુબની વિસ્તારમાં થઈ હતી. મિથિલા પ્રદેશ તરીકે ઓળખાતા બિહારના લગભગ સાતથી આઠ ડિસ્ટ્રિક્ટમાં મોટા ભાગની મખાણાની ખેતી થાય છે. એના વિશે વાત કરતાં મધુબની મખાણા નામની નવી બ્રૅન્ડ ૨૦૧૯માં શરૂ કરનારા અને ત્રણ પેઢીથી માત્ર મખાણાનું જ પ્રોડક્શન કરતા રુષભકુમાર ચંદ્રા કહે છે, ‘મારા દાદાજી રામચંદ્ર ૧૯૩૨થી મખાણાની ખેતી કરતા. મિથિલા મખાણા નામની કંપની મારા પિતાજી દિલીપ ચંદ્રાએ શરૂ કરી ત્યારે મખાણાની આવી ડિમાન્ડ નહોતી. અરે મારા બાળપણમાં મેં જોયું છે કે સિંગચણાની જેમ દસ-વીસ રૂપિયે મખાણા વેચાતા. અને અમારો તો આ મુખ્ય ખોરાક જ હતો. સવારે દૂધ સાથે મખાણા ખાવાના. અમારા લગ્નપ્રસંગોમાં મખાણાનો દબદબો હોય. ગિફ્ટમાં મખાણા આપવાનું શુકનિયાળ મનાતું. લગ્ન હોય કે મરણ, મખાણા તો એમાં હોય જ. પપ્પાએ મિથિલા મખાણા કંપની હેઠળ ઓમ બ્રૅન્ડ સાથે મખાણા વેચ્યા અને મધ્ય પ્રદેશમાં એની ખૂબ ડિમાન્ડ ઊભી થઈ. આજે પણ માત્ર બ્રૅન્ડનેમથી મખાણા વેચાય છે. જોકે એ દરમ્યાન મેં પુણેથી MBA કર્યું અને લંડનમાં રહેતા મારા સૉફ્ટવેર એન્જિનિયર અંકલ શંભુપ્રસાદે લગભગ ૨૦૧૯માં મને ફોન કરીને ત્યાંના લોકોમાં મખાણાની ડિમાન્ડ વિશે વાત કરી. તેમણે જોયું હતું કે ઘણા લોકો પોતાની જૉબ છોડીને ભારત પાછા ફરી રહ્યા છે મખાણાની ખેતી માટે. એ સમયે ડિમાન્ડ વધવાની શરૂ થઈ હતી. તેમની એ વાતને આધારે મેં મૉડર્ન ટચ સાથેના મખાણાના પ્રેઝન્ટેશન માટે ‘મધુબની’ મખાણા નામની નવી બ્રૅન્ડ શરૂ કરી. પહેલા વર્ષે બે કરોડ ટર્નઓવર, એ પછી ૧૦ કરોડ, એ પછી હવે નંબર વધુ ને વધુ મોટો થઈ રહ્યો છે. અમારા મખાણા વૉલમાર્ટમાં વેચાય છે. સિંગાપોર જાય છે. અને બીજા ઘણા દેશો છે જ્યાં મધુબની મખાણાનું એક્સપોર્ટ શરૂ થવાનું છે. રિલાયન્સ, બિગબાસ્કેટમાં પણ અમારો માલ જાય છે.’

અનેક નવાં ઇનોવેશન

એક વાર સંજીવ કપૂરે કહેલું કે મખાણા ખૂબ જ વર્સેટાઇલ આઇટમ છે ભારતની. એને તમે નાસ્તાની જેમ ખાઈ શકો, એમાંથી મીઠાઈ બની શકે અને એમાંથી શાક પણ બની જાય. જોકે મખાણાનું કામ કરતા લોકો આટલે અટક્યા નથી. અભિનવ ઝા કહે છે, ‘મખાણાના જુદા-જુદા ગ્રેડ હોય, જેને સૂતા તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે ટોટલ પાંચથી છ ક્વૉલિટીના મખાણા આવે છે જેમાં ત્રણ સૂતાના મખાણા લોઅર ક્વૉલિટીના મનાય છે. એક સૂતા એટલે ત્રણ મિલીમીટરનું માપ કહેવાય. મખાણાની સાઇઝ મુજબ એની કિંમત નક્કી થાય. ઇન્ટરનૅશનલ માર્કેટમાં પાંચથી છ સૂતાના મખાણા એક્સપોર્ટ થતા હોય છે. અમે જે બે અને ત્રણ સૂતાના મખાણા હોય અને એને માર્કેટમાં કોઈ ખરીદશે નહીં એવું લાગે તો એને પાઉડર ફૉર્મ આપીને એમાંથી પ્રોટીન પાઉડર બનાવ્યો છે. અત્યારે બાર ફ્લેવરના મખાણા અમારી પાસે છે. સાથે જ મખાણાની કુકીઝ અને મખાણાની ચૉકલેટ પણ અમે બનાવી છે. દરેક એજ-ગ્રુપના લોકો મખાણાના પ્રેમમાં પડી જાય અને એના હેલ્થ-બેનિફિટ્સ ઉઠાવે એ જ અમે ઇચ્છીએ છીએ.’

એવી જ રીતે રોહિતકુમાર કહે છે, ‘પચાસ ટકા મખાણાનો પાઉડર અને પચાસ ટકા રવાથી અમે મખાણાના પાસ્તા બનાવ્યા છે. એવી રીતે મખાણાના પાઉડરમાંથી ઘણુંબધું બનાવી શકાય એમ છે અને હવે લોકો પણ ઇનોવેટિવ થઈ ગયા છે.’

તળાવમાં નાખેલા બીજમાંથી છોડ બને એ પછી એની લણણી કરવામાં આવે, એમાંથી કાળા રંગનાં મખાણાનાં બીજ મળે. કાળાં બીજને સૂર્યના તાપમાં સૂકવીને એને તવા પર ગરમ કરીને કાળા આવરણને ફોડીને દૂર કરવામાં આવે. હવે એને માટે મશીન પણ આવી ગયાં છે.

કેવા-કેવા પડકારો?

ડિમાન્ડ વધી એટલે પ્રાઇસ વધી અને પ્રાઇસ વધે તો આવક પણ વધે, આ સીધો હિસાબ છે. અભિનવ આ વાતને સ્વીકારે છે પણ સાથે બીજી કેટલીક મર્યાદાઓની પણ ચર્ચા કરે છે. તે કહે છે, ‘મખાણાની માર્કેટ-વૅલ્યુ વધી હોય તો સાથે એના પ્રોડક્શનમાં થતો ખર્ચ પણ વધ્યો છે. જેમ કે તળાવમાં મખાણાની ખેતી કરતા ખેડૂતો પાસે વધેલી ઊંચી ડિમાન્ડને પહોંચવા માટે પ્રોડક્શન વધારવું હોય તો પૈસા જ નથી. તેઓ ઉધાર પર પૈસા લાવીને ખેતી કરે અને વ્યાજ ચડતું હોવાથી જે ભાવ મળે એ ભાવે વેચી નાખે. ટૂંકમાં આ આખી પ્રોસેસમાં માત્ર મિડલમૅન માલામાલ થાય. કારણ કે તેની પાસે મૂડી છે એટલે ડિમાન્ડ ન નીકળે ત્યાં સુધી માલને રોકી રાખે અને પછી પોતાના ભાવે વેચે.’

ક્વૉલિટી પ્રોડક્ટ ધારી નથી મળતી એ સમસ્યાને કારણે ઘણા ડીલરો વધુ વ્યાપક રીતે મખાણાની ખેતી કરતા થયા છે. પોતાનો જ કિસ્સો જણાવતાં રોહિત કહે છે, ‘આગળ કહ્યું એમ અમે નેવું વર્ષથી આ કામમાં છીએ પણ નાના પાયે કામ થતું હતું. હવે આ વખતે પચાસ એકરમાં મખાણાની ખેતી કરવાનું પ્લાનિંગ છે. પચીસ કરોડનું ટર્નઓવર થાય એટલું કામ છે. ખેતીની જેમ પૉપઅપ મશીન પણ અમે વસાવી લીધું છે. ગુણવત્તા અકબંધ રહેશે તો જ દુનિયાની ડિમાન્ડને પહોંચી વળાશેને? બીજી સમસ્યા એ છે કે અહીં સ્કિલ્ડ લેબર નથી મળતા જે મશીન પર કામ કરી શકે. માત્ર મખાણા સિવાય બીજી અન્ય બાબતો માટે અમારે બહાર નિર્ભર રહેવું પડતું હોય છે. મશીન પણ બહારથી આવે અને એને ચલાવનારો પણ, જે અહીં ટકતો નથી એટલે અમને ત્રાસ થતો હોય છે.’

ગોપાલ પુરોહિત

મુંબઈમાં ભરપૂર ડિમાન્ડ

છેલ્લાં ત્રીસ વર્ષથી ડ્રાયફ્રૂટ્સનું કામ કરતા ગોપાલ પુરોહિત મખાણાની વધતી ડિમાન્ડ જોઈને પોતે પણ અચંબામાં છે. તેઓ કહે છે, ‘એક જમાનો હતો જ્યારે પચાસ અને સો રૂપિયામાં મમરાની જેમ મખાણા વેચાતા અને છતાં મુંબઈમાં તો એને ખરીદનાર કોઈ જ નહોતું. પણ ખબર નહીં કોણે એ વાતનો પ્રચાર કર્યો કે મખાણા સુપરફૂડ છે અને લોકો મખાણા પર તૂટી પડ્યા છે. એક ગૂણીમાં લગભગ ૧૦ કિલો મખાણાનાં પૅકેટ આવે અને દિવસની ત્રણથી ચાર ગૂણીનું વેચાણ થઈ જતું હોય છે. બાર ગૂણીમાં તો મારું આખું ગોડાઉન ભરાઈ જાય છે. મને નવાઈ લાગે છે કે બદામથી મોંઘા થયા પછી પણ લોકો કઈ રીતે એને ખરીદે છે, પણ કોવિડ પછી લોકો પોતાની તબિયતને લઈને સભાન થયા છે અને એટલે જ મખાણા વધારે ખાય છે.’

આ જ વિષય પર બાવન વર્ષથી મખાણા પર કામ કરનારા રૂપચંદ તરડેજા કહે છે, ‘૧૯૭૧માં હું જ્યારે મખાણા વેચતો ત્યારે એનો ભાવ આઠ રૂપિયા હતો. અત્યારે તો જે સ્તર પર ભાવ વધ્યા છે કે આર્થિક રીતે વ્યક્તિ પડી ભાંગે. તમે માનશો નહીં પણ મેં પોતે એનું કામકાજ ઘટાડી દીધું.’

bihar indian food health tips life and style ayurveda columnists ruchita shah gujarati mid-day mumbai