બનાવટી ઘીથી સાવધાન

08 July, 2024 10:55 AM IST  |  Mumbai | Darshini Vashi

શુદ્ધ ઘીને ચકાસવું કઈ રીતે? દેશી શુદ્ધ ઘીના લાભ કયા અને કેવા પ્રકારની સાવધાની રાખવાથી આપણે બનાવટી ઘીથી બચી શકીએ એ વિશે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર

બનાવટી ઘી પકડાયાના સમાચાર હવે આપણા માટે સામાન્ય બની ગયા છે પરંતુ જો આપણા આહારમાં અજાણતાંયે બનાવટી ઘીએ પગપેસારો કરી દીધો હોય તો એ આવનારા સમયમાં તમારી હેલ્થ માટે ગંભીર સમસ્યાનું કારણ બની શકે. શુદ્ધ ઘીને ચકાસવું કઈ રીતે? દેશી શુદ્ધ ઘીના લાભ કયા અને કેવા પ્રકારની સાવધાની રાખવાથી આપણે બનાવટી ઘીથી બચી શકીએ એ વિશે વાત કરીએ

ગયા અઠવાડિયે સમાચાર આવ્યા હતા કે દિલ્હી અને ગુજરાતમાંથી હજારો કિલો બનાવટી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. પણ આ તો આપણે માત્ર ગયા અઠવાડિયાના આંકડાનો જ ઉલ્લેખ કર્યો છે, હકીકતમાં તો દર થોડા-થોડા દિવસે દેશભરમાંથી બનાવટી ઘીનો જથ્થો પકડાય છે અને એમાં બજારમાં ઠલવાતા જથ્થાનું તો કોઈ માપ જ નથી. ત્યારે સહજ વિચાર આવી જાય છે કે શું આપણે પણ આ બનાવટી ઘીનો શિકાર બની ચૂક્યા હોઈશું? આવું ઘી આપણા શરીર માટે કેટલું હાનિકારક બની શકે છે, કેવી રીતે આપણે શુદ્ધ ઘીની પરખ કરી શકીએ? વગેરે. આ સવાલોનો જવાબ જાણવા નિષ્ણાતો સાથે વાત કરીએ.

નુકસાન જ નુકસાન

ઘીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. ભોજનથી લઈને સૌંદર્ય પ્રસાધન તરીકે પણ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જાણતાં-અજાણતાં કેટલું બધું બનાવટી ઘી ખાતા હોઈશું એનો અંદાજ પણ નથી, જે હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક બની શકે છે. ડાયટિશ્યન અંકિતા શાહ કહે છે, ‘બહાર મળતા મોટા ભાગના ઘીમાં પામ ઑઇલ, કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ નાખવામાં આવેલાં હોય છે; જે શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. આવી વસ્તુ સૌથી પહેલાં આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પડવાનું કામ કરે છે જેને લીધે ધીરે-ધીરે બીમારીઓ શરીરમાં ઘર કરવા લાગે છે. બીજી બાજુ શરીરમાં આવું ઘી કૉલેસ્ટરોલ વધારે છે અને એને લીધે હાર્ટમાં બ્લૉકેજ પણ આવી શકે છે. આપણે ઘણી વખત ન્યુઝ સાંભળતા હોઈએ છીએ કે નાની ઉંમરમાં કોઈને અટૅક આવી ગયો; જેની પાછળ આવાં ઘી, તેલ, બટર, પનીર વગેરે જવાબદાર હોઈ શકે છે. જો આવી બનાવટી ચીજવસ્તુઓનો ઇન્ટેક વધી જાય તો ઑર્ગન ફેલ્યરની સમસ્યા પણ થઈ શકે છે. એમાં પણ જો કોઈ વ્યક્તિ પહેલાંથી જ થોડી નબળી હોય અને તેને જો આવો ખોરાક આપવામાં આવે તો તેની તકલીફ વધી શકે છે. આજકાલ બાળકોમાં હૉર્મોન્સ પણ ઝડપથી બદલાઈ રહ્યાં છે. નાની ઉંમરે છોકરીઓને પિરિયડ્સ આવી જાય છે, જેના માટે આ કેમિકલ અને પ્રિઝર્વેટિવયુક્ત ખોરાક પણ એક ફૅક્ટર છે. ઘીનો સ્કિન-કૅર માટે પણ ઉપયોગ કરવામાં આવે છે પણ જો આ ઘી બનાવટી હશે તો તમારી સ્કિનને ઍલર્જી પણ થઈ શકે છે.’

થોડું લૉજિક વાપરો

આજે એક લીટર દૂધનો ભાવ ૧૦૦ રૂપિયા નજીક પહોંચી ગયો છે. એક કિલો ઘી બનાવવા માટે લગભગ ૧૮થી ૨૦ લીટર જેટલું દૂધ જોઈએ અને બજારમાં ઘણી કંપનીઓ ૪૦૦-૫૦૦ રૂપિયે કિલો ઘી વેચે છે તો તેમને ઘી બનાવવું કેવી રીતે પરવડતું હશે? ચાલો, એક વાર માનીએ કે ઘણા મોટું બ્રૅન્ડ નેમ ધરાવતી કંપની સારું ઘી વેચતી હશે, પણ એના કરતાં આપણે ઘરે જ ઘી બનાવીએ એ સસ્તું, સ્વચ્છ અને સારું પડે છે. ઘણાં ઘરોમાં આજે સમય કે પછી મહેનત અથવા તો અન્ય કારણોને લીધે ઘરે ઘી બનાવતા નથી. એને લીધે બહારનું ઘી ખરીદવું પડે છે, જે નુકસાનકારક સાબિત થાય છે. થોડો સમય કાઢીને ઘી બનાવી લઈએ તો ઘરના સભ્યોની હેલ્થ પણ જળવાઈ રહેશે અને જો બહારનું ઘી ખરીદવાના હો તો પહેલાં એનું પૅકિંગ, મૅન્યુફૅક્ચરિંગ ડીટેલ્સ ચેક કરો તથા એ ઘીને ઑર્ગેનિક, નૉન-GMO અથવા ગુણવત્તાની ખાતરી દર્શાવતાં ચિહ્નો મળ્યાં છે કે નહીં એ પણ ચકાસો.

દેશી ગાયનું ઘી કે ગાયનું દેશી ઘી?

શબ્દોની રમત સૌથી વધારે પેચીદી હોય છે. એમાં અચ્છેઅચ્છા લોકો ભરમાઈ જાય છે. ઘણી વખત શબ્દોની ફેરબદલ કરીને કંપનીવાળા ગ્રાહકોને મૂર્ખ બનાવે છે. કેચપ અને હેલ્થ ડ્રિન્કનો જ દાખલો લઈ લો. એને બનાવનારા પ્રોડક્ટનું નામ અને ટૅગલાઇન એવી રીતે લખે છે જાણે ૧૦૦ ટકા  રિયલ અને પ્યૉર હોય, પણ હકીકતમાં એની વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે. ઘીનું પણ એવું છે. દેશી ગાયનું ઘી અમૃત સમાન છે. એટલે ઘી બનાવતી ઘણી કંપનીઓ પૅકેટ પર શબ્દોની રમત રમીને ગાયનું દેશી ઘી લખે છે. આ વિશે જાણકારી આપતાં વિરારના વર્ષોથી દેશી ગાયના ઘીના વ્યવસાય સાથે સંકળાયેલા મેહુલ મહેતા કહે છે, ‘દેશી ગાયનું ઘી એટલે માત્ર આપણી દેશી ગાય હોય છે એના દૂધમાંથી બનતું ઘી, જ્યારે ગાયનું દેશી ઘી એટલે મિક્સ દૂધનું ઘી હોય છે જેમાં ભેંસથી લઈને જર્સી ગાયના દૂધનો સમાવેશ થાય છે. અને એટલે જો તેઓ એમાં દેશી ગાય લખે અને તપાસ થાય તો તેમને પ્રૉબ્લેમ આવી શકે છે. આ ઘી ખાવાનો કોઈ અર્થ જ રહેતો નથી. દેશી ગાયનાં દૂધ અને ઘી સંજીવની સમાન છે. એને પ્રમાણસર ખાવાથી ક્યારેય ચરબી વધતી નથી. તેમ જ કૉલેસ્ટરોલ પણ આવતું નથી. તેને પગમાં લગાડવાથી બ્લડ-સર્ક્યુલેશન પણ સારું રહે છે. આ હું નહીં, આપણી જૂની પેઢીના લોકો પણ કહી ગયા છે. પણ આજે બનાવટી ઘી એટલી હદે બજારમાં વેચાતું થઈ ગયું છે કે લોકોને ઘીના લાભ પરથી વિશ્વાસ જ ઊઠી ગયો છે.’

શુદ્ધ ઘીની પરખ કેવી રીતે થઈ શકે?

૧. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી ઘી નાખો. જો ઘી બનાવટી હશે તો એ પાણીની અંદર ડૂબી જશે અને જો શુદ્ધ હશે તો ઉપર તરવા લાગશે.
૨. એક વાસણમાં ઘી લઈ એને ઉકાળો. એક દિવસ એને એમ જ વાસણમાં રહેવા દો. બીજા દિવસે પણ જો એની ગંધ એવી જ રહેશે તો એ ઓરિજિનલ ઘી છે.
૩. શુદ્ધ ઘી સ્પષ્ટ અને અર્ધપારદર્શક દેખાવ ધરાવતું હોવું જોઈએ. એ ધૂંધળું ન દેખાવું જોઈએ. 
૪. શુદ્ધ ઘીમાં ભેજનું પ્રમાણ નહીંવત્ હોય છે. જેમ-જેમ એ ગરમ થાય છે તેમ એમાં પરપોટા ઉત્પન્ન ન થવા જોઈએ. જો એમ થાય તો સમજવું એમાં ભેજ અથવા પાણીની હાજરી છે.
૫. શુદ્ધ ઘી લીસું અને મલાઈ જેવું હોવું જોઈએ. એ કોઈ પણ પ્રકારના ગઠ્ઠા કે પછી કણો વિના ચમચીથી સરળતાથી સરકવું જોઈએ.
૬. ગામડાંમાં દેશી ઘી અસ્સલ છે કે નહીં એ ચકાસવા માટે બે કોડિયાંમાં તેમની પાસે આવેલું અલગ-અલગ ઘી એકસમાન માત્રામાં પૂરતા. પછી આ કોડિયાંને પ્રગટાવવામાં આવતાં. જે કોડિયાનો દીવો વધુ સમય સુધી રહેતો એમાં અસ્સલ ઘી હોવાની ખાતરી કરતા.

life and style columnists food and drug administration darshini vashi