ઘઉં ક્યારે ખવાય અને ક્યારે નહીં?

24 September, 2024 12:15 PM IST  |  Mumbai | Ruchita Shah

આજના સમયમાં પ્રીડાયાબિટીઝ કન્ડિશનમાં જવ બહુ ઉપકારી સાબિત થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

ઘઉં છોડીને મિલેટ્સ અને સુપર ફૂડમાં જવ ખાવાની વાતનો પ્રચાર અને પ્રસાર સતત વધી રહ્યો છે. એવા ઘણા પરિવાર હશે જ્યાં પેઢીઓથી ઘઉંની જ રોટલી ખાવાની પરંપરા રહી છે અને હવે એકદમ ઘઉં જુએ ને મોઢું ફેરવવાનો વારો આવે. ખરેખર ઘઉં બીમારીનું ઘર છે? ઍલોપથી અને આયુર્વેદ બન્નેના દૃષ્ટિકોણથી આખી વાત સમજીએ

અત્યાર સુધી જેનાં રોટલી-રોટલા બનાવીને લોકો હોંશે-હોંશે ખાતા હતા એ ઘઉં અત્યારે વિલન છે અને એકધારો પ્રચાર થઈ રહ્યો છે કે રોગથી બચવું હોય, વજન ઘટાડવું હોય કે પછી લાંબું જીવવું હોય તો ઘઉં બંધ કરો. ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, પાચનની સમસ્યા, ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર, ઑટો ઇમ્યુન ડિસઑર્ડર, શ્વસનને લગતી સમસ્યા, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, ઍલર્જી જેવા દુનિયાભરના હેલ્થ ઇશ્યુઝ આજકાલના ઘઉંને કારણે થઈ શકે છે એવું હેલ્થ-એક્સપર્ટ માની રહ્યા છે. એક તરફ જ્યાં ઘઉંને સતત ઉતારી પાડવામાં આવી રહ્યા છે અને ઘઉંમાં રહેલા ગ્લુટનને કારણે ગ્લુટન-ફ્રી ડાયટની એક નવી ઇન્ડસ્ટ્રી સતત ફૂલીફાલી રહી છે ત્યારે ઘઉંને બધા જ ધાનનો રાજા કહેનારા લોકો પણ છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન સેલિબ્રિટી ડાયટિશ્યનને ઘઉંમાં રહેલાં કેટલાંક એવાં ન્યુટ્રિશન્સ અને મિનરલ્સની ચર્ચા કરી જે શરીર માટે જરૂરી હોય, જે આંખના તેજ માટે જરૂરી હોય અને ઘઉંમાં રહેલાં પોષક તત્ત્વોના ખજાનાને કારણે જ એને ‘કિંગ ઑફ ગ્રેઇન્સ’ પણ કહેવાય છે. સતત જેના પર ડિબેટ થતી રહી છે એવા ઘઉંને ખાવા કે નહીં એ વિષયમાં તમે પણ મૂંઝાયા હો તો બે જુદા-જુદા દૃષ્ટિકોણથી એને આરોગવા માટેના તર્કને સમજીએ. ઘઉં ક્યારે ખવાય? કોણે ખવાય? કેટલા ખવાય અને કેવી રીતે ખવાય એ તમામ સવાલના જવાબ તમને આજના આ લેખમાં
મળી જશે.

જીવનશૈલીનો હિસ્સો

મોહેંજો દારો અને હડપ્પાના ખોદકામ વખતે મળેલા અવશેષ કહે છે કે આજથી સાડાચાર અને પાંચ હજાર વર્ષ પહેલાં પણ ભારતમાં સિંધુ નદીના કિનારે ઘઉંની ખેતી થતી હતી. ઓવરઑલ ઘઉં તુર્કસ્તાનથી દુનિયામાં ફેલાયા અને લગભગ દસેક હજાર વર્ષ પહેલાંથી જ એની ખેતી થતી હોવી જોઈએ. ભારત ઘઉંના ઉત્પાદનમાં દુનિયામાં બીજા નંબરે આવે છે. મતલબ કે ઘઉં એ કંઈ આજકાલના નથી. હજારો વર્ષથી આપણી આહારચર્યાનો હિસ્સો રહેલા ઘઉં એકાએક વિલન કેવી રીતે બની ગયા? જવાબ છે બદલાયેલી જીવનશૈલી અને ફર્ટિલાઇઝરના અતિવપરાશને કારણે સતત કથળી રહેલી ઘઉંની ગુણવત્તા. છેલ્લાં ૧૧ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં અને જુહુ તથા અંધેરીમાં ક્લિનિક ધરાવતાં ડાયટિશ્યન ડૉ. શુચિતા ભાનુશાલી કહે છે, ‘કોઈ પણ ફૂડ ખરાબ નથી. ખરાબ હોય છે એનો અતિરેક. ઘઉં મહત્ત્વના હતા અને છે એટલે જ એ વર્ષોથી આપણી ડાયટનો હિસ્સો રહ્યા છે. લોકો વેઇટલૉસ માટે આડેધડ ઘઉંનું સંપૂર્ણ સેવન બંધ કરી રહ્યા છે એ ખોટું છે. ઘઉં દરરોજ તમારી ડાયટનો હિસ્સો હોવો જ જોઈએ પરંતુ એને તમે ક્યારે અને કઈ રીતે ખાઓ છો એ પણ સમજવું મહત્ત્વનું છે. હું એમ નથી કહેતી કે મિલેટ ન ખાઓ કે જવ જ ખાઓ. દરેક વસ્તુને ડાયટમાં સ્થાન આપો. જો તમે સાવ છોડી દેશો તો એને પચાવવાની ક્ષમતા તમારું શરીર પણ ખોઈ બેસશે. મારી પાસે આવતા ક્લાયન્ટને હું દરરોજ ઘઉંની રોટલી ખાવા માટે સહેજ પણ ના નથી પાડતી. અફકોર્સ ક્વૉલિટી મહત્ત્વની છે. તમને બે જ રોટલીમાંથી મળતા કાર્બ્સની જરૂર છે અને તમે સાત રોટલી ખાઓ તો એ ઘઉં નુકસાન કરશે. બીજી વાત, ધારો કે તમે એક દિવસ ઘઉં, એક દિવસ જુવાર, એક દિવસ નાચણી એમ જો વિવિધતા સાથે ખાશો તો એ બૉડીને વધુ હેલ્પ કરશે.’

ગ્લુટનનું શું કરવાનું?

ડાયટિશ્યન 
ડૉ. શુચિતા ભાનુશાલી 

અત્યારે ઘઉંની બદનામી પાછળ સૌથી મોટો ભાગ ભજવ્યો હોય તો એ એમાં રહેલા ગ્લુટન નામના પ્રોટીને. ડૉ. શુચિતા કહે છે, ‘આ તદ્દન દેખાદેખીમાં શરૂ થયેલી દોડ છે. ગ્લુટનની ઍલર્જી હોય એવા એક ટકા લોકો પણ ભારતમાં નહીં હોય અને છતાં ગ્લુટનના નામે ઘઉંને બંધ કરવાનો ધડ-માથા વગરનો પ્રચાર થયો છે. પહેલી વાત, જો ગ્લુટનની ઍલર્જી હોય અને તમે ભૂલથી પણ ગ્લુટનવાળી કોઈ આઇટમ ખાઈ લીધી તો ઝાડા-ઊલટી અને ચક્કર જેવાં તાત્કાલિક સિમ્પ્ટમ દેખાય અને અમુક કેસમાં તો એ એટલાં ઇન્ટેન્સ હોઈ શકે કે વ્યક્તિ માટે જીવલેણ બની શકે. આપણે ત્યાં હજારો વર્ષથી ઘઉં ખવાય છે. આપણું શરીર એને અનુકૂળ બની ગયું છે. ઇન ફૅક્ટ, ઘઉંમા B1, B3, B6 જેવાં કેટલાંક એવાં વિટામિન્સ છે જે તમને એનર્જાઇઝ રાખવાનું, તમને મેન્ટલી અને ફિઝિકલી હેલ્ધી રાખવાનું કામ કરે છે. ઘઉંનાં કેટલાંક માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ તમારી આંખોની હેલ્થ માટે જરૂરી છે. અફકોર્સ તમે જે ઘઉં ખાઓ છો એ મિનિમમ પ્રોસેસ્ડ ફૉર્મમાં ખાઓ તો વધારે સારું. જેમ કે બ્રેડ કે પાસ્તાના ફૉર્મમાં ઘઉંને ખાવાને બદલે રોટલી, પરાઠાં, દલિયાના ફૉર્મમાં ખાશો તો વધુ લાભ થશે. ઘઉંને સાંજના ડિનરને બદલે બપોરના લંચમાં ખાવા. શાકાહારીઓ માટે ઘઉં એ મહત્ત્વનો ખોરાક છે.’

તમને ખબર છે?

આજના સમયમાં પ્રીડાયાબિટીઝ કન્ડિશનમાં જવ બહુ ઉપકારી સાબિત થઈ શકે છે. કઈ રીતે જવ ખાવાથી એ ડાયાબિટીઝ માટે રામબાણ ઇલાજ બની જાય છે એ વિશે આયુર્વેદ-નિષ્ણાત ડૉ. કમલેશ ભોગાયતા કહે છે, ‘ફોતરાવાળા જવના લોટમાંથી બનાવેલી ભાખરી કે રોટલી અને સાથે વઘારેલા મગને આહાર તરીકે લો તો બહુ ઓછા સમયમાં પ્રીડાયાબેટિક અને ડાયાબિટીઝના દરદીઓને અનુકૂળ પરિણામ મળી શકે છે.’ 

આયુર્વેદ શું કહે છે ઘઉં વિશે?

ડૉ. કમલેશ ભોગાયતા, આયુર્વેદ-નિષ્ણાત

આયુર્વેદમાં પણ ઘઉંની હિમાયત કરવામાં આવી છે, પણ કન્ડિશન અપ્લાયના ન્યાય સાથે. ઘઉં વિશે આયુર્વેદમાં શું કહેવાયું છે એની વિગતો આપતાં આયુર્વેદ-નિષ્ણાત ડૉ. કમલેશ ભોગાયતા કહે છે, ‘આયુર્વેદમાં દરેક આહાર કે ઔષધની પ્રોફાઇલ વિશિષ્ટ રીતે આપી છે. જેમ કે ઘઉં એ મધુર રસવાળા છે. પચવામાં ભારે અને સ્નિગ્ધ પ્રકૃતિના છે. ઘઉં શરીરને બળ પ્રદાન કરનારા છે. મસ્ક્યુલર સ્ટ્રેંગ્થ વધારે, વજન વધારે, ચહેરાનું તેજ વધારનારા અને સ્પર્મ કાઉન્ટ વધારવામાં ઉપયોગી છે. ઘઉં હાડકાંઓનું હીલિંગ ફાસ્ટ કરે છે. ફ્રૅક્ચર થયું હોય તો ઘઉંની રાબમાં ગુંદર નાખીને પીવાથી હીલિંગ જલદી થશે. આયુર્વેદની દૃષ્ટિએ ઘઉં જીવન આપે છે અને શરીરની બધી જ ધાતુઓનું પોષણ કરે છે. જોકે એનો અર્થ એવો નથી કે ઘઉં દરેક જણ ખાઈ શકે એ પણ સમજવું જોઈએ. આપણે ત્યાં ઘઉંને પ્રિઝર્વ કરવાની પરંપરા હતી એની પાછળ પણ લૉજિક હતું. ઘઉં ખાવા જ હોય તો એકાદ વર્ષ પૂરતા સાચવી રાખો અને ઘઉં જૂના થયા પછી ખાઓ તો ન્યુટ્રિશનલ વૅલ્યુને ફરક પડે. નવા ઘઉં પચવામાં ભારે હોય છે. ઘઉં શરીરમાં કફ વધારે અને પચવામાં ભારે છે એ બે મહત્ત્વના મુદ્દા સમજવા જોઈએ. પહેલાંના સમયમાં આપણે ત્યાં આહારમાં ઘઉંનું નિયમિત સેવન થતું, કારણ કે ત્યારે લોકોની જીવનશૈલીને કારણે પાચનશક્તિ મજબૂત હતી. ઘઉં પચી શકે એવી મહેનત લોકો કરતા હતા. આજે એનાથી વિપરીત સ્થિતિ છે. લોકોની પાચનશક્તિ નબળી પડતી જાય છે. આયુર્વેદમાં જઠરાગ્નિ પર ખૂબ ભાર મુકાયો છે. જો અગ્નિ મંદ હોય તો સર્વ રોગોને આમંત્રણ મળે છે એવી સ્પષ્ટતા આયુર્વેદમાં છે અને એ દૃષ્ટિએ પણ જઠરાગ્નિ મંદ હોય તેમને માટે ઘઉં સંપૂર્ણ અનુચિત આહાર છે.’

ઘઉં નહીં તો શું ખાવું એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. કમલેશ કહે છે, ‘ઘઉં જેવા જ ગુણો પણ જ્યાં ઘઉંની મર્યાદા છે ત્યાં પણ સુપીરિયર એવા જવને આહારમાં સ્થાન અપાય તો ઘણા લાભ સંભવ છે. આયુર્વેદની દૃષ્ટિએ જવ એ તૂરા અને મધુર રસવાળા, પચવામાં હલકા, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારા છે. જવમાં ફાઇબરનું પ્રમાણ વધારે છે એટલે પેટને સાફ રાખવામાં અને પોષક તત્ત્વો શરીરમાં શોષાય એ માટે પણ એ ઉપયોગી છે. તમે યજ્ઞમાં જવને હોમાતા જોયા હશે? શું કામ જવ? કારણ કે જવ એ યજ્ઞની અગ્નિને વધારે છે. આપણે ત્યાં જવનું ધાર્મિક મહત્ત્વ રહ્યું છે, પણ હેલ્થની દૃષ્ટિએ હવે દુનિયાના મોટા-મોટા દેશ જવની ખેતી કરતા થયા છે. અત્યારના લોકોની શારીરિક સ્થિતિ જોતાં ઘઉંને બદલે જવ ખાવાનું સૂચન વધુ ઉચિત છે. અફકોર્સ, જેમની જઠરાગ્નિ સારી છે અને પાચન સરળતાથી થઈ જાય છે તેમણે તો જવને બદલે ઘઉં જ ખાવા જોઈએ.’

indian food Gujarati food health tips ayurveda columnists ruchita shah