11 November, 2024 08:28 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
વિદ્યા બાલન
ભૂલભુલૈયા-3 માટે વિદ્યા બાલને ‘નો રૉ ફૂડ ડાયટ’ અપનાવીને વજન ઉતાર્યું ત્યારથી લોકોની નવાઈનો પાર નથી. દુનિયા આખી ‘કાચું એટલું સાચું’ એમ કહીને વધુ ને વધુ કાચું ખાવા પર ફોકસ કરવાનું કહે છે ત્યારે આ ‘નો રૉ ફૂડ ડાયટ’ કેટલી યોગ્ય? વિદ્યાને તો આવું સૂચન તેની કેટલીક ફિઝિકલ કન્ડિશન્સને કારણે મળેલું, પણ શું આપણને પણ આવી પદ્ધતિ કામ લાગે ખરી? કાચા ખોરાકને ધુત્કારતાં પહેલાં આવો જાણી લઈએ કેવી વ્યક્તિઓ માટે આ ડાયટ પર્ફેક્ટ છે
‘ભૂલભુલૈયા’ ભાગ-૧ની વિદ્યા બાલન હજી કાલ સુધી તો લોકોને ‘ડર્ટી પિક્ચર’ની વજનદાર વિદ્યા તરીકે જ દેખાતી હતી પણ ‘ભૂલભુલૈયા’ ભાગ-૩માં વિદ્યા વળી પહેલાંની જેમ જ પાતળી બની ગઈ ત્યારે ઘડીક તો લોકોને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ચમત્કાર લાગ્યો. હકીકતમાં તો આ ચમત્કાર AIનો નહીં પણ ડાયટનો છે એવું વિદ્યા પોતાના ઇન્ટરવ્યુમાં કહે છે ત્યારે વિદ્યા જે ડાયટ ફૉલો કરી રહી છે એ તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે. ‘નો રૉ ફૂડ’ નામે આ ડાયટ સાવ જ સીધાસાદા સિદ્ધાંતોને માને છે. બધું જ ખાઓ, પણ કશું જ કાચું નહીં ખાવાનું. વિદ્યાને ખરેખર તો આ ડાયટ તેની હેલ્થ-કન્ડિશનને લીધે આપવામાં આવી હતી. તેને ચરબી નથી, પણ ક્રૉનિક ઇન્ફ્લૅમેશન (સોજા) છે એવું નિદાન થયેલું. આવી સ્થતિમાં એવી ડાયટ આપવામાં આવે છે જેમાં શરીરમાં જે કોઈ પણ ખોરાક જાય એ રાંધેલો હોવો જોઈએ એટલે એનાથી શરીરમાં બ્લોટિંગ, સોજા અને ઍસિડિટી કે બળતરા ન થાય. આમાં ઘણી વાર ડેરી પણ આવી જાય છે. આનાથી મીઠી મૂંઝવણ એ થાય કે જો કાચા ખાદ્ય આહારથી ફાયદો થાય છે તો પછી કાચું ખાવું કે અહીં કહેવાયું છે એમ રાંધેલો ખોરાક જ ખાવો? આ મુદ્દા પર પ્રકાશ પાડતાં અંધેરીમાં ‘માઇન્ડ ઇટ’નાં ફાઉન્ડર અને ડાયટિશ્યન મરિયમ લાકડાવાલા કહે છે, ‘ખરેખર તો આવી ડાયટ પાછળ ફક્ત વજન ઘટાડવાનો જ હેતુ નથી હોતો, મૂળ તો જે-તે સ્વાસ્થ્ય સમસ્યા સામે સુરક્ષા મેળવવાનો પણ હોય છે. એમાં કાચી શાકભાજી અને અમુક ખોરાક કે જે ઍસિડિટી કે બળતરા પેદા કરી શકે છે એને સારા પાચનને પ્રોત્સાહન આપવા માટે દૂર કરવામાં આવે છે. આ ડાયટનો મુખ્ય ફાયદો જ એ છે કે એનાથી પાચન પ્રક્રિયા ઝડપી બનવાથી અપચો અને બ્લોટિંગ જેવી સમસ્યાઓથી રાહત રહે છે. હું તો કહીશ કાચું પણ ખાવું જ જોઈએ. જો તમે એકદમ તંદુરસ્ત છો અને બધું પચાવી શકો છો તો ખાવું જ જોઈએ, કારણ કે આપણને એ બધાં જ પોષક તત્ત્વો આપે છે. બાકી અમુક રીતનાં પેથોજન્સ અને માઇક્રોઑર્ગેનિઝમ આપણા શરીરમાં હોય જ છે એટલે એનો વાંધો નથી.’
શૉર્ટ ટર્મ ફાયદો
‘નો રૉ ફૂડ’ વિશે વાત કરતાં માટુંગામાં આઠ વર્ષોથી વધુ પ્રૅક્ટિસ કરતાં આયુર્વેદિક ડૉ. વિરાલી પીઠવા કહે છે, ‘કોઈ પણ વસ્તુ રાંધ્યા વગર ન ખાવી એ તો આર્યુવેદનો મૂળ સિદ્ધાંત છે જ. આપણા પૂર્વજો તો સાવ જ કાચો આહાર ખાતા અને એને હજમ પણ કરી શક્તા. ત્યારની જીવનશૈલી અને ત્યારના હવામાનને અનુકૂળ તેમનો જઠરાગ્નિ પણ બહુ જ તેજ હતો. આજે પ્રદૂષિત આબોહવા, ખોરાકમાં ભેળસેળ, ઝડપી જીવનશૈલી અને એવું કુલ મળીને પહેલાં જેવું કશું જ નથી. આપણા જઠરાગ્નિ પર એની અસર જોવા મળે છે. આ ડાયટ શૉર્ટ ટર્મ પરિણામો મેળવવા માગતા લોકો માટે સારી છે પણ સદંતર તમે બધું કાચું અવગણી ન શકો. લૉન્ગ ટર્મ માટે ફક્ત રાંધેલું જ ખાવાથી અમુક રીતનાં પોષક તત્ત્વોની ઊણપ આવી જ જાય. આવી ડાયટમાં જો વજન ઘટવાની વાત છે તો એમાં કસરત પણ હોય છે. જે લોકોમાં વાતપ્રકોપ વધુ હોય છે એ લોકોએ કાચું ખાવાનું ટાળવું જ જોઈએ કારણ કે તેમને પાચનને લગતી સમસ્યાઓ અને અન્ય વ્યાધિ થઈ શકે છે. જેમની પિત્ત પ્રકૃતિ છે તેમનો જઠરાગ્નિ મજબૂત હોય છે. એ લોકોમાં પાચનશક્તિ સારી હોવાથી બધું જ હજમ થાય છે. તેમને કાચું પણ સદે છે. વાત પ્રકૃતિના લોકો કોઈ પણ ડાયટ ફૉલો કરે તેમને સાઇડ ઇફેક્ટ પણ જોવા મળે છે જેમ કે અપચો, બ્લોટિંગ કે કબજિયાત. આવા લોકો કોઈ પણ ફેડ ડાયટથી દૂર રહે અથવા સલાહ લઈને આગળ વધે એવી સલાહ આપું. બીજું કે લોકો કાચું ન ખાવુંમાં ડેરીને પણ બાકાત કરે છે. દૂધને બદલે દહીં લઈ શકાય પણ જો તમે પાચન માટે જ કરો તો દહીંને બદલે છાશ લેવાનું રાખો જે પાચન તેજ કરે છે અને દહીં કરતાં હળવું છે. ફક્ત ડાયટનો વજન ઘટાડવામાં કદાચ પચાસેક ટકા ભાગ છે. એની સાથે તમારી શારરિક પ્રવૃત્તિ, દવાઓ જો ચાલતી હોય તો અને માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. આ બધું મળીને જ્યારે કામ કરે છે ત્યારે વજન ઉતારવું અને એને એ જ રીતે જાળવી રાખવું શક્ય બને છે. દરેક વ્યક્તિનું શરીર ખોરાક સાથે અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. એકને કામ કરે છે એનો અર્થ એ નહીં કે દરેક વ્યક્તિએ કાચો ખોરાક ટાળવો જોઈએ. હકીકતમાં ઘણા કાચા ખોરાકમાં આવશ્યક વિટામિન્સ, એન્ઝાઇમ્સ (ઉત્સેચકો) અને ફાઇબર હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.’
ખોરાકને રાંધવાની રીત જાણી લો
ખોરાકને રાંધવાની પદ્ધતિ પર ભાર મૂકતાં વિરાલીબહેન કહે છે, ‘હું તો કહીશ કે પ્રેશર કુક્ડ, માઇક્રોવેવ્ડ આઇટમ પણ ટાળવી જોઈએ. ખોરાકને ગૅસ કે ચૂલા પર ધીમી કે મીડિયમ આંચ પર પકવવો જોઈએ. ત્યાં સુધી કે ટૅફ્લોન કોટિંગવાળા નૉનસ્ટિક તવા પણ ટાળવા જોઈએ. એમાંથી ધીમે-ધીમે કોટિંગ નીકળતાં એના પાર્ટિકલ ખોરાકમાં ભળે છે એની ખબર પણ નથી રહેતી, જે લાંબા ગાળે નુકસાન કરે છે. મોટા ભાગે સ્ટીમ કરેલો અને સાંતળેલો ખોરાક ન્યુટ્રિશનની વૅલ્યુ પૂરી રીતે જાળવી શકે છે. કાકડી અને કાંદા છોડીને સૅલડ પણ તમે સાંતળેલું ખાઓ તો એ સરસ રીતે હજમ થશે. બીટરૂટને કે ગાજરને ઑલિવ ઑઇલ કે ગાયના ઘીમાં હલકું સાંતળીને ખાવાથી એનાં પોષક તત્ત્વો જળવાઈ રહે છે.’
કોઈ પણ રાંધેલા ખોરાકનો મહત્તમ ફાયદો ઉઠાવવો હોય તો એના ફૂડ ગ્રૂપને કઈ રીતે ઑપરેટ કરવાનું છે એ જાણી લેવું જોઈએ એવું જણાવતાં મરિયમ લાકડાવાળા કહે છે, ‘ફ્લાવર, કોબી જેવી અમુક શાકભાજી ગૅસ કરે જ છે. એને વધુ પકવવાથી ગૅસ નહીં થાય એવું નહીં બને. દરેક વ્યક્તિને શું સદે છે ને શું નથી સદતું એના આધારે આહારની પસંદગી કરવી રહી. ફળોને કાચાં જ ખાવાં પડે એને સાવ અવગણી ન શકાય, પણ એને ખાવાની રીત જાણી લેવી જોઈએ. રૉ ફ્રૂટ ખાવાં જ જોઈએ. એમાં રહેલાં ફાઇબર અને વિટામિન્સ બહુ જ ઉપયોગી હોય છે.’
આ વાત સાથે સહમત થતાં ડૉ. વિરાલી કહે છે, ‘ફળો ચાવીને ખાવાં જોઈએ. એને પચાવવાનાં ઉત્સેકચકો આપણા મોઢામાં જ હોય છે એટલે ચાવવું અસરકારક છે. એ સામે જો જૂસ પીઓ તો એમાંથી ફાઇબર નીકળી જાય છે અને એ કોઈ ફાયદો આપ્યા વગર સીધું જ ઉત્સર્ગ દ્રવ્યો સાથે બહાર નીકળી જાય છે. આ સિવાય જેટલાં પણ દાળ અને કઠોળ છે એને કાં તો ફણગાવીને અથવા તો આગલી રાતે પલાળીને રાંધવાં જોઈએ. એના લીધે એની અંદરનાં પોષક વિરોધી તત્ત્વો નાશ પામે છે, પોષક તત્ત્વો સારી રીતે શોષણ પામે છે અને પચવામાં પણ હળવાં રહે છે. આપણે ત્યાં શાકભાજીને ઓવર કુક કરવાનો એક રીતનો રિવાજ છે એ નુકસાનકારી છે, એના લીધે શાકભાજીનાં પોષક તત્ત્વો નાશ પામે છે. એના માટે અમુક પદ્ધતિ અપનાવવી જોઈએ, જેમ કે ઓછા તાપમાનમાં સ્ટરફ્રાય. આવું કરવાથી ખોરાક સારી રીતે રંધાય પણ છે અને એમાં રહેલાં પોષક તત્ત્વો નાશ પણ નથી પામતાં. સ્ટીમિંગ – ખોરાકને પાણી સાથે મેળવ્યા વગર ફક્ત સ્ટીમ કરીને પકવવાથી એમાં રહેલું ઉપયોગી પાણી નાશ નથી પામતું. એનાથી જરૂરી વિટામિન્સ સચવાઈ રહે છે. બ્લાન્ચિંગ – પાણી ઉકાળી એ ઊકળવા લાગે પછી એમાં શાકને થોડી વાર રાખી કાઢી લેવું. મોટા ભાગે પાલક આ રીતે ખવાય છે.’
ફળોને કઈ રીતે ખાવાં?
‘નો રૉ ફૂડ’ના ચક્કરમાં આપણે ફળો સાવ ખાઈએ જ નહીં એ તો શરીરને લાંબે ગાળે નુકસાન કરી શકે છે. આ વિશે મરિયમ લાકડાવાલા કહે છે, ‘જે લોકોને કાચું ફૂડ હજમ કરવામાં તકલીફ થાય છે તેમને અમે જાડી છાલવાળાં ફળો જેમ કે તરબૂચ, શકરટેટી, કેળાં, નારંગી, મોસંબી વગેરે ખાવાનું કહીએ છીએ. પાતળી છાલવાળાં ફળોમાં કદાચ બૅક્ટેરિયા ઇન્જેક્ટ થવાને લીધે પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે. ખાસ કરીને જ્યારે કૅન્સર પેશન્ટ હોય, જેમની ઇમ્યુનિટી ઓછી હોય ત્યારે તેમને ના જ પાડીએ. મારે ઘણાં કૅન્સરગ્રસ્ત બાળકો સાથે કામ કરવાનું થાય. એક વાર કીમોથેરપી ચાલુ હોય ત્યારે સદંતર આવાં ફળોની ના પાડીએ. આ સિવાય ડેરી પ્રોડક્ટ અનપૅશ્ચુરાઇઝ્ડ ન ખાવી જોઈએ. ઘણા લોકો મિલ્ક પ્રોડક્ટના લૅક્ટોઝને ડાઇજેસ્ટ નથી કરી શકતા. તેમને દહીં કે પનીર, ટોફુ વગેરે આપી શકાય; કારણ કે એમાં લૅક્ટોઝ પ્રોસેસ થઈને લૅક્ટિક ઍસિડ થઈ જાય છે.’
ખોરાકને રાંધતી વખતે ત્રણ બાબતે ધ્યાન આપવું : મરિયમ લાકડાવાલા
એક, એનું તાપમાન પ્રમાણસર હોવું જોઈએ. વધુ તાપમાન પોષક તત્ત્વોને નુકસાન કરે.
બીજું, એને રાંધવાનો સમય. મોટા ભાગે ખોરાકને દસથી પંદર મિનિટથી વધુ ન પકવવો જોઈએ.
ત્રીજું, એને રાંધવા માટેની રીત. ઓવરકુકિંગ સામે સ્ટર ફ્રાય, બ્લાન્ચિંગ, સ્ટીમિંગ સારા વિકલ્પો છે.