વાસી રોટલી-ભાખરી વધુ મીઠી લાગે છે એ નોંધ્યું છે તમે?

06 December, 2023 09:08 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

ધાન્યોના રોટલા કે રોટલી બનાવવામાં આવે અને એને ૧૨ કલાક રાખી મૂકવામાં આવે તો એની અંદર પણ બૅક્ટેરિયા વધે છે જે ધાન્યને વધુ સુપાચ્ય બનાવવાનું કામ કરે છે. આ ખૂબ ફાયદાકારક બૅક્ટેરિયા હોય છે જે પાચનને બળ આપે છે.

વાસી રોટલી, રોટલો

હવે ડાયટિશ્યનો બહુ ભાર દઈને કહે છે કે સવારનો બ્રેકફાસ્ટ સૌથી હેલ્ધી અને ભારે હોવો જોઈએ. એનાથી પેટ ભરાવું જોઈએ. આ માટે તળેલાં ફરસાણને બદલે તાજા અને ગરમ બનાવેલા નાસ્તાને જ પ્રિફર કરવામાં આવે છે. પણ આ બાબતમાં દાદા-દાદીના જમાનાથી ચાલી આવતી વાસી રોટલી-ભાખરીની પરંપરા જરૂર યાદ કરવા જેવી છે. આજે પણ અમુક ઘરોમાં આ ચલણ છે. સાંજે થોડીક વધુ ભાખરી બનાવી દેવામાં આવે અને સવારે ચા કે દૂધ સાથે એ જ ખાવામાં આવે. મુંબઈની ભાગદોડભરી લાઇફસ્ટાઇલમાં આ આદત અનુકૂળ આવે એવી તો છે જ, પણ સાથે શરીરના પોષણ માટે ફાયદાકારક પણ છે. ઍટ લીસ્ટ, કૉર્ન ફ્લેક્સ, સિરિયલ્સ અને રેડી ટુ મેક ઉપમા-પૌંઆનાં પડીકાં વાપરીને બનાવેલા ગરમ નાસ્તા કરતાં તો એ વધુ હેલ્ધી છે જ. 
આજે તાજો નાસ્તો બનાવવાનો ટાઇમ નથી એટલે લોકો કાં તો બહારનો નાસ્તો કરે છે, કાં પ્રોસેસ્ડ સિરિયલ્સ લે છે, કાં ઘરમાં પૂરી-ચેવડો, ગાંઠિયા જેવા ફરસાણના ડબ્બા ખાલી કરે છે કાં પછી બ્રેકફાસ્ટ સ્કિપ કરે છે. આ ચારેય ઑપ્શન લાંબા ગાળે અનહેલ્ધી છે. એના બદલે તાજું દૂધ અને બાજરીનો રોટલો કે મલ્ટિગ્રેન રોટલી/ભાખરી લઈ લો તો એટલું પૂરતું છે. 
સામાન્ય રીતે આયુર્વેદમાં વાસી ખોરાક બિલકુલ હેલ્ધી નથી માનવામાં આવતો. કહેવાય છે કે ખોરાક બનાવીને દોઢથી બે કલાકની અંદર ખાઈ લેવો જોઈએ. ફ્રિજમાં રાખેલો ખોરાક બીજા દિવસે ખાવાનું જરાય ઠીક નથી. ભલે, ફ્રિજમાં મૂકેલો ખોરાક બગડ્યો નથી હોતો, પણ એમાં જરૂરી પોષક તત્ત્વો રહ્યાં નથી હોતાં. વાસી ફૂડ એટલા માટે ઠીક નથી કેમ કે એમાં બૅક્ટેરિયાનો વિકાસ થવા લાગે છે. આ બૅક્ટેરિયા પેદા થવાની પ્રક્રિયા જેટલી ઝડપી શાકભાજી, દાળ-ખીચડી કે પાણીવાળી વાનગીઓમાં થાય છે એટલી ઝડપથી રોટલી, ભાખરી કે રોટલામાં નથી થતી. ધાન્ય અને પાણીથી બનાવવામાં આવતી આપણી ભારતીય રોટલી કે રોટલા લાંબો સમય સુધી સામાન્ય તાપમાન પર પણ બગડતાં નથી. આ ટ્રેડિશન પાછળ ફક્ત સહુલિયત નથી પરંતુ વિજ્ઞાન છે. જોકે આ વિજ્ઞાન પાછળ ખાસ રિસર્ચ થયું નથી. એક કારણ કદાચ એ પણ હતું કે એ જમાનામાં ખાવાનું ચૂલા પર બનતું. સવારના પહોરમાં ખાવાનું બનાવવા માટે ચૂલો ફ્રી નહોતો 
રહેતો. ઘરની સફાઈ, વાસીદું વાળવાનું, પાણી ભરવાનું અને કપડાં ધોવાનાં જેવાં કામો સવારના સમયે સ્ત્રીઓ જાતે જ કરતી એને કારણે તેમને બ્રેકફાસ્ટ બનાવવાનો સમય નહોતો રહેતો. આ જ કારણોસર આગલી સાંજે વધારે ભાખરી કે જુવાર-બાજરીનો રોટલો બનાવી રખાતો. 

વાસી હોવા છતાં હેલ્ધી કેમ?
ઘઉં, જુવાર, બાજરી, નાચણી જેવાં ધાન્યો એમ જ ખાવામાં આવે તો પચવામાં ભારે હોય છે. એને સુપાચ્ય બનાવવા માટે તેમને નરમ અને પોચાં કરવા પડે. જેમ દાળ અને કઠોળ ફણગાવીએ તો એ વધુ સુપાચ્ય અને પોષક બને છે એવું જ કંઈક ધાન્યોનું પણ છે. ઘઉં, બાજરીના લોટ કે ખીચડા માટે વપરાતાં ધાન્યને સુપાચ્ય બનાવવા માટે એને પલાળીને સૂકવવામાં આવતાં અને પછી એને દળીને લોટ તૈયાર કરાતો. અત્યારે આવી ઝંઝટમાં પડવાનો કોઈને સમય નથી. ધાન્યોના રોટલા કે રોટલી બનાવવામાં આવે અને એને ૧૨ કલાક રાખી મૂકવામાં આવે તો એની અંદર પણ બૅક્ટેરિયા વધે છે જે ધાન્યને વધુ સુપાચ્ય બનાવવાનું કામ કરે છે. આ ખૂબ ફાયદાકારક બૅક્ટેરિયા હોય છે જે પાચનને બળ આપે છે. એનો અર્થ એ થયો કે ગરમ રોટલી ખાઓ, એ જેટલું પોષણ આપે એના કરતાં ઠંડી રાખી મૂકેલી રોટલી વધુ પોષણ આપે છે. ચાને બદલે દૂધ કે દહીં સાથે લેવામાં આવે તો એ વધુ હેલ્ધી અને પોષક છે. 

૧૨ કલાકથી વધુ નહીં
વાસી રોટલી-રોટલો ખાવામાં સહેજ ધ્યાન રાખવું જરૂરી છે. એ ૧૨ કલાકથી વધુ વાસી ન હોય એ જરૂરી છે. થેપલાં, પરાઠાં, ભાખરી, રોટલી, રોટલો બનાવતી વખતે માત્ર તેલ/ઘી અને પાણીનો જ ઉપયોગ થયો હોય તો એને ૧૨ કલાક રાખીને વાસી ખાવાથી ઉત્તમ ફાયદો આપે. સવારે બનાવેલું સાંજે અને સાંજે બનાવેલું બીજા દિવસે સવારે. એનાથી વધુ વાસી ન ખાવું. આમાં અપવાદ પણ સમજી લેવો જોઈએ. જ્યારે ધાન્યની સાથે કોઈ શાકભાજી ઉમેરવામાં આવી હોય ત્યારે એને વાસી ખાવું ઠીક નથી. મેથી જેવી ભાજી ક્યારેક ચાલી જાય પણ આલૂ પરાઠા, દૂધી નાખીને બનાવેલાં થેપલાં વગેરે લાંબો સમય સારાં ટકતાં નથી. મેથીની ભાજી નાખેલાં થેપલાં વાસી ખાવાથી ઍસિડિટી થવાના ચાન્સિસ વધી જાય છે. 

વાસી રોટલી કે રોટલાના ફાયદા
જેમને પાચન સંબંધિત કોઈ પણ તકલીફ હોય જેમ કે ઍસિડિટી, ગૅસ, અપચો વગેરે તેમના માટે વાસી રોટલીનો નાસ્તો બેસ્ટ ગણાશે. પાચન સંબંધિત દરેક પ્રૉબ્લેમ એ સૉલ્વ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. વાસી રોટલીનો નાસ્તો બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરે છે. જેમને આ રોગ છે એ વાસી રોટલીનો નાસ્તો કરી શકે છે. જેમને નથી એ પણ આ નાસ્તો કરે તો તેમનું પ્રેશર હંમેશાં કન્ટ્રોલમાં રહી શકે છે.વાસી રોટલી બ્લડ શુગર કન્ટ્રોલમાં રાખવામાં પણ મદદરૂપ છે. જેમને ડાયાબિટીઝ છે તે એવું વિચારે છે કે રોટલી ન ખવાય, એમાં શુગર હોય. પરંતુ જો ઘઉંમાં જવ ઉમેરીને બનાવેલી રોટલી હોય તો એ ખૂબ મદદરૂપ થાય છે. 

Gujarati food mumbai food columnists