10 September, 2024 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણપતિ બાપ્પાને પ્રિય લાડવા
ઋતુ પ્રમાણે આવતા તહેવારોની ઉજવણીમાં જે પ્રસાદ ધરાવાય કે પરંપરા અનુસરાય એમાં ઊંડું વિજ્ઞાન રહેલું છે. આપણા આયુર્વેદશાસ્ત્રમાં એની સમજ પણ આપેલી છે. અત્યારે ગણેશોત્સવમાં ચોમેર લાડુ અને મોદકની બોલબાલા છે ત્યારે જાણી લો આ માત્ર ગણેશજીનો પ્રસાદ જ નથી, શરીરને સ્વસ્થ રાખવાનો નુસખો પણ છે
આપણે ત્યાં ઋતુ પ્રમાણે આવતા તહેવારોના જે પ્રસાદ હોય છે એ ખરેખર સત્ત્વશીલ અને એ સમયમાં કામ લાગે એવો ઔષધીય ગુણધર્મ ધરાવતો હોય છે. ભાદરવા મહિનામાં ગણપતિ ચોથ આવે ત્યારે તેમને પ્રસાદ તરીકે આપણે ઘી-ગોળ-લોટમાંથી જે લાડવા બનાવીને ધરાવીએ છીએ કે પછી મુંબઈ-મહારાષ્ટ્રમા જે ચોખાનો લાટ એન નારિયેળમાંથી મોદક બનાવીને ધરાવવામાં આવે છે. આ બન્ને ચીજો ભાદરવાની ગરમીમાં ઠંડક લઈને આવે છે. આ ઉપરાંત પણ એના ઘણા ગુણ છે જે ભક્તોનાં તનમનને સ્વસ્થ રાખે છે. ઘી-ગોળ અને લોટમાંથી બનતા ચૂરમાના લાડુ હોય કે નાળિયેરના છીણ અને ચોખાના લોટના ઉકડી ચે મોદક, સ્વાસ્થ્ય માટે બન્ને ખૂબ જ ઉપયોગી છે. તમે ડાયટિંગ કરતા હો તો પણ આ સીઝનમાં મોદક કે ચૂરમાના લાડુ ખાવા જ જોઈએ. એ નુકસાન નહીં, ફાયદો કરશે. લાડુને ઘીવાળી મીઠાઈ સમજીને અવૉઇડ કરવાની જરાય જરૂર નથી. પણ હા, પ્રમાણભાન જાળવવું જરૂરી છે.
આયુર્વેદ નિષ્ણાત
ડૉ. રાજેન્દ્ર હાથી
ગરમીમાં પિત્તને નિયંત્રણમાં રાખે
લાડુ ભાદરવા મહિનાનું ઔષધ કેમ છે એ સમજાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. રાજેન્દ્ર હાથી કહે છે, ‘લાડુનાં તમામ તત્ત્વો ઘી, ગોળ અને ઘઉં ગરમીમાં પિત્તથી બચાવે છે. ભાદરવામાં ખૂબ ગરમી પડતી હોઈ અંગ્રેજો જેને ઑક્ટોબર હીટ કહે છે એ ગરમીના દિવસોમાં જ આવો પ્રસાદ ખાવા મળે એ સંપૂર્ણ વૈજ્ઞાનિક વ્યવસ્થા છે. ગોળ-ઘીમાંથી બનેલા
લાડવા ભાદરવામાં ઍસિડિટીથી તો બચાવે જ છે સાથે-સાથે શરદ ઋતુમાં આવી પડતી અનેક શારીરિક મુશ્કેલીઓ સામે રક્ષણ આપે છે. લાડુ સંપૂર્ણ પૌષ્ટિક આહાર છે.’
લાડુ એટલે સમતોલ આહાર
લાડુનાં ઘટક દ્રવ્યોમાં ઘઉં સત્ત્વશીલ, શક્તિવર્ધક, અનેક વિટામિન્સથી ભરપૂર સદાય પથ્ય એવો આહાર છે એમ જણાવતાં ડૉ. રાજેન્દ્ર કહે છે, ‘ઘી ઉત્તમ ટૉનિક, શીત, સ્નિગ્ધ અને પાચક છે. ગોળમાં તો સાકર કરતાંય ઉત્તમ ગુણો છે. એમાં આયર્ન (લોહતત્ત્વ) અને કૅલ્શિયમ ભરપૂર પ્રમાણમાં છે. વિવિધ ક્ષારો અને ખનિજ છે, જે ખાંડમાં નથી. પ્રોટીન્સ પણ પૂરતા પ્રમાણમાં છે. આ ત્રણ ઘટક દ્રવ્યોથી બનતો લાડુ એટલે જ સમતોલ આહાર કહેવાય છે કે જેમાંથી શરીરને જોઈતાં કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. ઘણા ઓછા શાકાહારી ખોરાકમાં વિટામિન B કૉમ્પ્લેક્સ હોય છે અને લાડુ એમાંનો એક છે.’
સુપર બ્રેઇન ફૂડ
મહારાષ્ટ્રમાં ગણપતિને ધરાવાતા અસલી મોદક તમે ખાધા છે? ઉકડી ચે મોદક તરીકે મહારાષ્ટ્રમાં ઓળખાતા આ મોદકને તમે સુપર બ્રેઇન ફૂડ કહો તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. એમાં મુખ્યત્વે ચોખાનો લોટ, કોપરું, ઘી અને ગોળ વપરાય છે. ચોખાને આયુર્વેદમાં શ્રેષ્ઠ ધાન્યની ઉપમા આપવામાં આવી છે. પચવામાં સહેલા ચોખા માણસને ઉત્તમ અને ઇન્સ્ટન્ટ એનર્જી પાડે છે. નારિયેળ એટલે અનેક મિનરલ્સ, પ્રોટીન અને વિટામિનનો ઉત્તમ ખજાનો. કલ્પવૃક્ષના ફળ તરીકે ઓળખાતું નારિયેળ શક્તિવર્ધક છે એટલે દરદીઓને પણ નારિયેળપાણી પીવા માટે અપાય છે. ઘી અને ગોળ તો સ્વાસ્થ્યવર્ધક છે જ ઉપરાંત ગોળ ધાર્મિક દૃષ્ટિએ પણ પૃથ્વી તત્ત્વ ધરાવતો હોઈ ગણેશજીના સકારાત્મક વિઘ્નનાશક તરંગોને પણ ઘર સુધી ખેંચી લાવવામાં નિમિત્ત બને છે. આ મોદક સ્ટીમ (વરાળ)માં બાફવામાં આવે છે એટલે એ ઉકડી ચે મોદક (ઉકાળેલા મોદક) તરીકે પ્રસિદ્ધ છે. આ સ્વાસ્થ્યવર્ધક મોદક ગણપતિને ધરાવાય છે અને પછી પ્રસાદ તરીકે આપણે ખાઈએ એ સર્વથા યોગ્ય છે. આ મોદકનો આકાર પિરામિડ છે એ પણ સૂચક છે. કળશ જેવો ત્રિકોણિયો આ આકાર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરે પૉઝિટિવ એનર્જી ખેંચી લાવે છે. ઘી ભારતની ઉત્તમ શોધ છે. માખણ બગડી જાય, પણ ઘી મહિનાઓ સુધી બગડતું નથી. ઘીમાં બનાવેલા મોદક કે લાડવા લાંબો સમય સુધી ટકી રહે છે અને આપણને પોષણ આપતા રહે છે.
અન્ય આયુર્વેદિક મોદક
વિવિધ મોદકનો ઉલ્લેખ કરતાં ડૉ. રાજેન્દ્ર કહે છે, ‘આયુર્વેદમાં હરડે વગેરે ઔષધનો ઉપયોગ કરી અભાયાડી મોદક બનાવવામાં આવે છે તો અળસી, મેથી અને રાજગરામાંથી પણ મોદક બનાવવામાં આવે છે. રાજગરો પચવામાં હલકો છે. ખૂબ જ પૌષ્ટિક છે. ઉપવાસમાં જે લોકો ઘઉં કે ચોખાના લોટમાંથી બનતા મોદક ન ખાઈ શકે એ લોકો માટે રાજગરો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે એની ગણના ધાન્યમાં નથી થતી. મેથી અને અળસીનાં વખાણ તો પશ્ચિમી દેશો પણ કરી રહ્યા છે. ડાયાબિટીઝ કે હાર્ટની બીમારી ધરાવતા લોકો માટે મેથીના લોટ કે અળસીમાંથી બનતા મોદક ઉત્તમ આયુર્વેદિક પ્રસાદ સાબિત થાય છે. મખાણાના મોદક પણ આજકાલ અમલમાં છે. ઉચ્ચ પોષણ ધરાવતા કમળકાકડીના બીમાંથી બનતા આ મખાણાને દળીને એનો લોટ તૈયાર કરી શકાય છે. એમાં ગોળ, ગુલકંદ, કોપરું, ખજૂર વગેરે ભરી સ્વાદિષ્ટ મોદક બનાવી શકાય છે.’
આવા મોદકથી દૂર રહેજો
તહેવાર પ્રસંગે મોદકની ભારે ડિમાન્ડ નીકળે ત્યારે માવાની મીઠાઈઓને મોદકનો આકાર આપી વેચતા હોય છે. આ માવો ચોમાસામાં પચવામાં ભારે હોય છે. થોડો પણ જૂનો વપરાઈ જાય તો શરીરમાં ઝેરી અસર ઊભી કરી શકે છે અને તહેવારની મજા બગાડી શકે છે.
આ ઉપરાંત મોદકને રંગબેરંગી અને આકર્ષક બનાવવા ઘણા લોકો કૃત્રિમ રંગો કે એસેન્સ અને ફ્લેવર્સનો ઉપયોગ કરે છે. એ દેખાવ, સ્વાદ અને સુગંધમાં તો સારા લાગે છે પણ લાંબે ગાળે શરીરને નુકસાન કરે છે. આવા મોદકના સેવનથી પણ બચવું જોઈએ. કુદરતી પોષણયુક્ત ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ જે શરદ જેવી રોગિષ્ટ ઋતુમાં આપણને સ્વસ્થ રાખે.
માવાના નહીં, મેવાના મોદક વાપરો
ભાતભાતના કાજુ, પિસ્તાં, અખરોટ, બદામ જેવા સૂકા મેવાના ટુકડા વાપરી કે પાઉડર બનાવી મોદક બનાવી શકાય છે. સ્વાદ માટે કિસમિસ, ખજૂર-ખારેક, એલચી અને કેસર પણ ઉમેરી શકાય. પ્રસાદનો પ્રસાદ અને પોષણનું પોષણ. યાદ રહે કે કોઈ પણ મોદક બનાવો એનો આકાર મંદિરના કળશ જેવો, પિરામિડ કે ત્રિકોણ શંકુ આકારનો હોવો જોઈએ. આ આકારનો પ્રસાદ ઘરે શુભ તરંગો ખેંચી લાવે છે એવું મનાય છે. જો મોદક ઘરે બનાવવા હોય તો બજારમાં મોદકની વિવિધ શેપના અનેક મોલ્ડ (બીબાં) વેચાતા મળે છે. એમાં તમારી રુચિ પ્રમાણેનાં વ્યંજનો ભરી ભાતભાતના શુદ્ધ, સાત્ત્વિક અને સ્વાસ્થ્યપ્રદ મોદક ઘેરબેઠાં બનાવી શકો છો.
વિશ્વની સૌથી પહેલી મીઠાઈનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ છે
આયુર્વેદ નિષ્ણાત ડૉ. રાજેન્દ્ર હાથી કહે છે, ‘પુરાણો ઉપરાંત ૫૦૦૦ વર્ષ જૂના આયુર્વેદના ગ્રંથોમાં પણ લાડુનો ઉલ્લેખ છે. સંસ્કૃતમાં લાડવાને લડુકા (નાનો દડો) કે મોદક કહેવાય છે. મહાન આયુર્વેદાચાર્ય સુશ્રુત પણ લાડવાનો ઉપયોગ ઍન્ટિસેપ્ટિક તરીકે કરતા હતા. તેઓ શસ્ત્રક્રિયા કર્યા પછી દરદીઓને તલ, કોપરું, શિંગ કે રવાના લાડુ ખાવા આપતા. સુશ્રુત વિશ્વના પ્રથમ સર્જ્યન છે. જર્મનીમાં પણ અનેક મેડિકલ કૉલેજમાં તેમની મૂર્તિ કે ચિત્ર રાખવામાં આવ્યા છે. સૂંઠ, ઘી અને ગોળમાંથી બનતી લાડુડી ઉત્તમ કફનાશક છે તો ઉત્તરાયણમાં ખવાતા તલના લાડુ ઉત્તમ વાયુનાશક છે.’ લાડુ મોટા ભાગે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વપરાય છે.
ગણપતિબાપ્પાને ૨૧ લાડુ કેમ ચડાવવાના?
એવી માન્યતા છે કે ભોગમાં ૨૧ મોદક કે ૨૧ લાડુ ધરાવીએ તો બાપ્પા પ્રસન્ન થઈ જાય. એની પાછળ પણ એક લોકવાયકા છે. એવું માનવામાં આવે છે કે શિવજી અને પાર્વતીજી એક વાર ગણેશજી સાથે ઋષિપત્ની અનસૂયાને મળવા ગયેલા. ગણેશજી ભૂખ્યા હોવાથી અનસૂયાદેવીએ તેમને ભાતભાતની વાનગીઓ પીરસી, પણ ગણેશજીનું પેટ કેમેય ભરાય જ નહીં. અનસૂયાદેવીને સમજાઈ ગયું કે જ્યાં સુધી ગણેશજીને મીઠાઈ નહીં ધરું ત્યાં સુધી તેમને ધરવ નહીં થાય. તેમણે એક લાડુ બનાવીને તેમના હાથમાં મૂક્યો. ગણેશજી એ લાડુ ઝટપટ ખાઈ ગયા અને એ પછી એક નહીં, ૨૧ વાર ઓડકાર ખાધો. ત્યારથી ગણપતિબાપ્પાને ૨૧ મોદક ધરાવવાની પ્રથા પડી ગઈ છે.