16 January, 2025 11:54 AM IST | Mumbai | Kajal Rampariya
સોયા ચન્ક્સ
રૂટીન ડાયટમાં પ્રોટીનથી ભરપૂર ચીજોનો સમાવેશ કરવો અત્યંત જરૂરી હોય છે. શુદ્ધ શાકાહારી લોકો માટે પ્રોટીનના લિમિટેડ સોર્સ છે ત્યારે એની કમીને પૂરી કરવા માટે સોયા ચન્ક્સ પર્ફેક્ટ ઑપ્શન છે. સોયાબીન કરતાં સોયા ચન્ક્સ ખાવામાં તો વધુ સ્વાદિષ્ટ છે જ, પણ એની સાથે હેલ્થની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. હેલ્થ કૉન્શિયસ લોકો માટે સોયા ચન્ક્સ હૉટ ફેવરિટ બની ગયા છે, કારણ કે ફ્યુઝન કુકિંગમાં એનો વપરાશ વધ્યો હોવાથી ડાયટમાં પણ એને મહત્ત્વપૂર્ણ સ્થાન અપાયું છે. ટેસ્યફુલ હોવાની સાથે અઢળક હેલ્થ બેનિફિટ્સ હોવાથી એને સુપરફૂડની ઉપમા મળી રહી છે. ખાસ કરીને જ્યારે નૉન-વેજિટેરિયન લોકો વેજિટેરિયન ડાયટ તરફ વળે ત્યારે સોયા ચન્કનો વપરાશ વધુ થતો હોય છે. એનાં બે કારણો છે. એક તો આ ચન્કને ચાવતી વખતે જે ફીલ આવે છે એ નૉન-વેજ જેવી હોય છે અને બીજું, એ પ્રોટીનનો ઉત્તમ સોર્સ છે. સોયાબીન હેલ્થ માટે બહુ ગુણકારી છે, પણ સોયા ચન્ક સોયાબીન કરતાં પણ વધુ ફાયદાકારક કઈ રીતે છે એ વિશે મુલુંડમાં રહેતાં અને ૧૪ વર્ષનો અનુભવ ધરાવતાં ડાયટિશ્યન રીટા જૈન પાસેથી જાણીએ.
શા માટે સોયા ચન્ક બેસ્ટ?
સોયાબીન આમ તો પોષણથી ભરપૂર છે પણ એમાં રહેલા સોયાબીનમાં ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ્સ સૌથી વધુ હોય છે જે શરીર માટે સુપાચ્ય નથી. એ એટલા માટે નથી કારણ કે એમાં રહેલા ફાઇટેટ્સ, લેક્ટિન અને ગ્લુકોસાઇનોલેટ્સ જેવા ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ્સ સોયાબીનમાં રહેલા પોષણને ઍબ્સૉર્બ થવા દેતા નથી. આથી સોયાબીનનો લોટ કે એના દાણાનું બનેલું શાક ડાયરેક્ટ ખાવામાં આવે તો શરીરને કોઈ પોષણ મળતું નથી અને પચવામાં પણ એ ભારે પડે છે. એવું નથી કે ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ્સ નુકસાનકારક હોય છે. જો એને મર્યાદિત પ્રમાણ કરતાં વધુ લેવામાં આવે ત્યારે એ પચવાની પ્રોસેસને સ્લો કરે છે. જો સોયાબીનને પ્રોસેસ કરીને એના ચન્ક્સ બનાવીને ખાવામાં આવે તો ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ્સ ઓછાં થઈ જાય છે અને એમાં રહેલાં પ્રોટીન, આયર્ન, વિટામિન્સ અને મિનરલ્સ શરીરને ભરપૂર માત્રામાં મળે છે. તેથી સોયાબીન કરતાં એના ચન્ક્સના બેનિફિટ્સ વધુ છે અને આ જ કારણે એને સુપરફૂડ કહેવાયું છે.
પ્રોટીનનું પાવરહાઉસ
સોયા ચન્ક્સ ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. એ પ્રોટીનના તો પાવરહાઉસ છે જ, પણ આ સાથે એમાંથી વિટામિન A, B, E, કૅલ્શિયમ, ફાઇબર, ફોલિક ઍસિડ જેવા પોષક ગુણો છે જે સ્વાસ્થ્યની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. હાર્ટ-હેલ્થને સારી રાખવા માટે સોયા ચન્ક્સનું સેવન ગુણકારી માનવામાં આવે છે.
સોયા ચન્ક્સમાંથી પ્રોટીનની સાથે કૅલ્શિયમ અને સેલેનિયમ પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે જે હાડકાંના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે. જો ફ્રૅક્ચર આવ્યું હોય તો રૂઝ આવવાની પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે. એમાં ફૅટનું પ્રમાણ ઓછું હોવાથી મેટાબોલિઝમને વધારે છે અને વજન ઓછું કરવા માટે પણ એ કારગર છે. એ હૃદયની બીમારીનું જોખમ તો ઓછું કરે જ છે પણ આ સાથે એ અનસૅચ્યુરેટેડ ફૅટ અને બૅડ કૉલેસ્ટરોલને ઓછું કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. પિરિયડ પેઇન અને એનીમિયા જેવી બીમારીમાં પણ સોયા ચન્ક્સનું સેવન સારું માનવામાં આવે છે.
સોયા ચન્કના સેવનથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે, ડાયાબિટીઝ થવાની સંભાવનાને પણ ઓછી કરે છે. જે લોકોના સ્નાયુ નબળા હોય એ લોકો માટે પણ સોયા ચન્કનું સેવન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. વર્કઆઉટ કરતા હોય એવા લોકોની ડાયટમાં પ્રોટીનના મેઇન સોર્સ તરીકે સોયા ચન્ક્સનો સમાવેશ થાય જ છે. જે લોકોને થાઇરૉઇડની બીમારી હોય તેમણે ચન્ક્સનું સેવન ટાળવું જોઈએ.
ફીમેલ હૉર્મોન્સને બૅલૅન્સ કરે
સોયાબીન ચન્ક્સ એસ્ટ્રોજન હૉર્મોન પર પણ અસર કરે છે. એને એસ્ટ્રોજનનું મિમિક અથવા રિપ્લેસમેન્ટ કહેવાય છે. મેનોપૉઝ દરમિયાન સ્ત્રીઓમાં જ્યારે આ હૉર્મોનનું પ્રમાણ ઓછું થતું જાય છે અને એને કારણે અંડાશય અને કિડનીને લગતી સમસ્યાઓ થાય છે. એને બૅલૅન્સ કરવા માટે સોયા ચન્ક્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. એ શરીરમાં જાય છે ત્યારે એ એસ્ટ્રોજનની ઊણપને પૂરી કરે છે. આ દરમિયાન શરીરને કૅલ્શિયમ અને ફોલિક ઍસિડની સૌથી વધુ જરૂર હોય છે એ પણ સોયા ચન્ક્સ પૂરી કરે છે. તેમ જ અનિયમિત પિરિયડ્સ પણ એસ્ટ્રોજન ઓછું હોવાનું એક લક્ષણ છે. તેથી આવા સમયે સોયા ચન્ક્સનું સેવન ફાયદો આપી શકે છે. ગર્ભ ધારણ કરવામાં જો મુશ્કેલી થતી હોય તો મર્યાદિત પ્રમાણમાં નિયમિત રીતે સોયા ચન્ક્સનું સેવન કરવામાં આવે તો એ પણ સરળ બને છે.
મર્યાદિત સેવન લાભકારી
સોયા ચન્કસનું મર્યાદિત સેવન કરવામાં આવે તો જ એના ફાયદા શરીરને મળશે. એનું સેવન કેટલા પ્રમાણમાં કરવું જોઈએ એ વ્યક્તિની લાઇફસ્ટાઇલ, તેમનું સ્વાસ્થ્ય અને શારીરિક પ્રવૃત્તિ પર આધાર રાખે છે. જે લોકો વર્કઆઉટ કરે છે તથા દિવસ દરમિયાન શારીરિક પ્રવૃત્તિ વધારે છે એ લોકોએ ૮૦થી ૧૦૦ ગ્રામ જેટલા સોયા ચન્ક્સ ખાવા જોઈએ. એ પચવામાં ભારે હોવાથી જેની ગટ હેલ્થ નબળી હોય એવા લોકોએ ખાવાનું ટાળવું જોઈએ. પ્રોટીનની અછત હોય અને એસ્ટ્રોજન હૉર્મોનનું પ્રમાણ ઓછું હોય એવા લોકોને ડૉક્ટર અથવા ડાયટિશ્યનની સલાહ મુજબ સેવન કરવું જોઈએ. જોકે આ ચન્ક્સને નિયમિત ખાવાની આઇડિયલ ક્વૉન્ટિટી ૪૦-૫૦ ગ્રામ જેટલી છે.
આ રીતે ઘરે બનાવો ચન્ક્સ
આમ તો માર્કેટમાં સોયા ચન્ક્સ મળી રહે છે પણ સોયાબીનને ઘરે પણ પ્રોસેસ કરીને ચન્ક્સ બનાવી શકાય. સોયાબીનને આખી રાત પલાળીને સવારે પીસીને એમાં મીઠુ, તેલ, હિંગ અને જીરુ નાખીને એની નાની વડી બનાવી લેવી અને પછી એને બે દિવસ સુધી સૂકવી નાખવી. પછી એક હવાચુસ્ત ડબ્બામાં પૅક કરીને એને કોઈ પણ રેસિપીમાં ઉમેરીને ખાઈ શકાય. એમાં ફૅટનું પ્રમાણ ઓછું હોવાથી ગ્રેવીવાળા શાકમાં, પુલાવ, કરી, કોફતા, ટિક્કી કે બિરયાનીમાં નાખીને અથવા તો એના ઢોસા કે સૅલડ બનાવીને પણ ડાયટમાં સામેલ કરી શકાય. સોયા ચન્ક્સ ખાવામાં ટેસ્ટફુલ હોવાની સાથે શરીરને પોષણ પણ આપતું હોવાથી હેલ્થ કૉન્શિયસ હોય એવા લોકોના ડાયટમાં ચન્ક્સ તો જોવા મળશે જ.