તીખું તમતમતું ખાવાના શોખીનોને જલસો પાડશે ચેમ્બુરના આ ચીઝ ચિલી મોમોઝ

06 July, 2024 10:42 AM IST  |  Mumbai | Rajul Bhanushali

મોમોઝ ખાવાની મજા આવી. સાથે વાઇટ અને રેડ સૉસ આપવામાં આવેલા

ચીઝ ચિલી મોમોઝ

નાશિકનાં ફેમસ મિસળ-પાઉં ટ્રાય કર્યાં છે? નાશિકમાં મિસળ ખાઓ એટલે ઑર્ડર આપતી વખતે તમને પૂછવામાં આવે કે ‘વાઝવુ કા?’ એટલે કે તીખુ બનાવું કે? અને જો હા પાડો તો કાનમાંથી ધુમાડો નીકળે એવી તીખાશ મળે. જોકે આવો જ અનુભવ તાજેતરમાં ચેમ્બુરમાં એક જગ્યાએ મળી રહેલા મોમોઝમાં થયો. ચીઝ ચિલી મોમોઝનો ઑર્ડર આપ્યો. મોમોઝ પ્લેટમાં આવ્યા ને એની સરસ સુગંધથી ભૂખ વધુ ઊઘડી, પરંતુ જ્યારે ગરમાગરમ મોમોઝની પહેલી બાઇટ રેડ સૉસમાં ડિપ કરીને લીધી અને ‘ઓહ નો’ બોલાઈ ગયું. મોમોઝ ઘણા તીખા હતા. રેંકડી પરના માણસને કહ્યું કે ‘બહોત તીખા હૈ’ તો તે હસ્યો અને કહ્યું, ‘ચિલી હૈ મૅડમ, તીખા હી રહેગાના.’

પણ હકીકત એ પણ છે કે એ તીખા તમતમતા મોમોઝ ખાવાની મજા આવી. સાથે વાઇટ અને રેડ સૉસ આપવામાં આવેલા. વાઇટ સાથે પ્રમાણમાં થોડા ઓછા તીખા લાગી રહ્યા હતા. ચિલીના કારણે ચીઝનો સ્વાદ દબાઈ ગયેલો. વધુ તીખું ખાવાના શોખીનને આ મોમોઝ ચોક્કસ ભાવશે. મુંબઈમાં ગલીએ ગલીમાં મોમોઝ મળે છે પરંતુ આ મોમોઝ એના સિસકારા બોલાવી દેતા તીખા સ્વાદને કારણે જુદા પડે છે. તમને આ તીખા મોમોઝ ખાવા હોય તો ચેમ્બુર પહોંચી જજો. 

mumbai food mulund life and style columnists