હવે આવી ગયાં છે અવાકાડો વડાપાંઉ

29 June, 2024 07:30 AM IST  |  Mumbai | Rajul Bhanushali

તમને થશે કે બસ, હવે આ જ સાંભળવાનું રહ્યું હતું. જોકે આ એક નહીં પણ વડાપાંઉના ટ્રેડિશનલ ટેસ્ટને ટક્કર આપવા જર્ક સ્પાઇસ વડાપાંઉ, ઇટાલિયન વડાપાંઉ, મેક્સિકન વડાપાંઉ જેવી ઢગલાબંધ વરાયટી ઘાટકોપરમાં નવા શરૂ થયેલા ‘ઓહ! બમ્બઈ’ નામના ફૂડ-જૉઇન્ટમાં મળી રહી છે

અવાકાડો વડાપાંઉ

અમુક વાનગીઓ એવી હોય છે જેને એના ઓરિજિનલ સ્વરૂપમાં જ ખાવાની ખરી મજા આવતી હોય છે. વડાપાંઉનું પણ એવું જ. મુંબઈની આ અત્યંત લોકપ્રિય વાનગી ક્યાં નથી દેખાતી એ પૂછો! સમજો કે કોઈ એક ગલી છે એના મુખ પર એક વડાપાંઉનો સ્ટૉલ હોય અને એ ગલી પૂરી થતી હોય ત્યાં પણ એક વડાપાંઉનો સ્ટૉલ હોય. ગરમાગરમ વડાપાંઉ સાથે તીખું તમતમતું તળેલું લીલું મરચું ખાવાની મજા તો જેણે એ ખાધું હોય તેને જ સમજાય. જોકે હવે દરેક વાનગીની જેમ વડાપાંઉમાં પણ અનેક વેરિએશન થતાં રહે છે. ચૉકલેટ વડાપાંઉ, ચીઝ વડાપાંઉ જેવી વરાઇટીઓ વિશે તમે વાંચી ચૂક્યા હશો પણ આજે વાત કરીએ અવાકાડો વડાપાંઉની.

ઘાટકોપર-ઈસ્ટમાં સિદ્ધિવિનાયક ગણેશ મંદિરની સામે ગયા મહિને ખૂલેલા ફૂડ-જૉઇન્ટ ‘ઓહ! બમ્બઈ’માં અવાકાડો વડાપાંઉ મળી રહ્યાં છે. વડાપાંઉ કેવાં છે એની ચર્ચા કરતાં પહેલાં આ આઉટલેટ શરૂ કરનારાઓની મજેદાર વાતો પર એક નજર કરીએ. યશશ્રી ચવાણ અને કિમયા ચવાણ નામની બે બહેનોનું આ સ્ટાર્ટઅપ છે. કિમયા ચવાણ પ્રોડક્ટ ફોટોગ્રાફર છે અને યશશ્રીએ હોટેલ મૅનેજમેન્ટ કર્યું છે. કોવિડના સમયમાં આ બહેનોએ પોતાની એક ફ્રેન્ડને આવું સ્ટાર્ટઅપ ચાલુ કરવામાં મદદ કરેલી અને એ ફ્રેન્ડનું ફૂડ-જૉઇન્ટ ચાલી નીકળ્યું. યશશ્રી કહે છે, ‘મેં હોટેલ મૅનેજમેન્ટ કર્યું ત્યારથી જ મારું સપનું હતું કે પોતાનું એક ફૂડ-જૉઇન્ટ હોય, જે હમણાં શક્ય બન્યું. મારી સાથે નાની બહેન કિમયા પણ જોડાઈ છે. નવું શું કરવું એ વિચારતાં-વિચારતાં તેને અવાકાડો વડાપાંઉનો આઇડિયા આવેલો. પછી તો અમે ચોપાટી વડાપાંઉ, અવાકાડો ઠેચા વડાપાંઉ જેવી વરાઇટીઝ પણ લૉન્ચ કરી. બાર્બેક્યુ વડાપાંઉ, જર્ક સ્પાઇસ વડાપાંઉ, ઇટાલિયન વડાપાંઉ અને મેક્સિકન વડાપાંઉ પણ અમારી પાસે તમને મળશે.’

કિમયા અને યશશ્રી

સાયનમાં રહેતી આ બહેનોના આ વેન્ચરમાં તેમનાં મમ્મી અશ્વિની ચવાણ પણ જોડાઈ ગયાં છે અને બધું પ્રિપેરેશન તેમની મમ્મી જ કરે છે. હવે આવીએ અવાકાડો વડાપાંઉના સ્વાદ પર.

આ વડાપાંઉમાં લસણની રેગ્યુલર ચટણીની સાથે કૅબેજના ટુકડા, પેરીપેરી સૉસ અને ગ્રીન ચટણીમાં ડિપ થયેલા અવાકાડોના પીસ નાખવામાં આવે છે. પરંતુ સાચું કહીએ તો આ બધાં ઇન્ગ્રીડિયન્ટ્સને કારણે વડાપાંઉનો ઑથેન્ટિક ટિપિકલ ટેસ્ટ છે એ ડાઇલ્યુટ થઈ જાય છે. વડાપાંઉ તો નહીં પણ કશુંક નવું ખાઈ રહ્યા હોઈએ એવી ફીલિંગ આવશે. વચ્ચે-વચ્ચે આવતી કોબી અને પેરીપેરી સૉસ જીભ પર પોતાની હાજરી પુરાવતાં રહે છે. કશુંક અવનવું ફ્યુઝન ખાવાનો આનંદ તેમ છતાં મળે છે એટલે નથી ભાવ્યાં એવું નહીં કહી શકાય. ટ્રાય કરવા જેવું છે. સામાન્ય રીતે એક વડાપાંઉ ૧૫થી ૨૦ રૂપિયામાં મળી જતું હોય છે. ત્રીસ-ચાલીસ રૂપિયામાં તો એક સામાન્ય મુંબઈકરનું પેટ ભરાઈ જતું હોય છે પણ આ વડાપાંઉની કિંમત ૧૫૦ રૂપિયા છે એે સામાન્ય મુંબઈકરને પોસાય એમ નથી. હા, કશુંક જુદું ટ્રાય કરવાના શોખીન લોકો ટ્રાય કરવા માટે આટલા રૂપિયા ખર્ચી શકે છે.

‍રાજ ભાનુશાલીનું આ જગ્યા વિશે શું કહેવું છે?

મને અહીંનાં ચોપાટી વડાપાંઉ ખૂબ ભાવ્યાં. વડાપાંઉ મને આમેય ભાવે અને આ તો ચોપાટીનો ટેસ્ટ એટલે ચોપાટીની ભેળ જેવો ઝીણો-ઝીણો સ્વાદ આવી રહ્યો હતો એ પ્લસ પૉઇન્ટ. અવાકાડો વડાપાંઉ પણ ટ્રાય કરવા જેવાં તો છે જ. ટૂંકમાં વડાપાંઉની દુનિયામાં ક્રાન્તિ આવી ગઈ છે એમ કહી શકાય.

ક્યાં મળશે?

ઓહ! બમ્બઈ, નાઇન્ટી ફીટ રોડ,  સિદ્ધિવિનાયક ગણેશ મંદિરની સામે, ઘાટકોપર-ઈસ્ટ

શું છે કિંમત?

એક વડાપાંઉ ૧૫૦ રૂપિયા

mumbai food indian food street food life and style columnists