10 November, 2022 04:42 PM IST | Mumbai | Sanjay Goradia
શેઠ ગોકુલદાસ તેજપાલ ઓડિટોરિયમની બટાટા વડા અને ખાસ ચટણી
આજની આપણી ફૂડ-ડ્રાઇવ બટાટાવડાં અને ચટણી સૅન્ડવિચની છે અને બટાટાવડાં ક્યાંનાં? તો કહે તેજપાલ હૉલમાં મળે છે ત્યાંનાં. જ્યારથી હું રંગભૂમિ પર આવ્યો છું ત્યારથી તેજપાલમાં બટાટાવડાં અને ચટણી સૅન્ડવિચ ખાતો આવ્યો છું અને હું ગૅરન્ટી સાથે કહીશ કે એનો જે સ્વાદ છે એ તમને બીજે ક્યાંય નહીં મળે. હમણાં હું તેજપાલમાં એક નાટક જોવા ગયો ત્યારે મેં બટાટાવડાં અને ચટણી સૅન્ડવિચ ખાધાં અને એ ખાતાં-ખાતાં મને વિચાર આવ્યો કે જે લોકો નાટક જોવા ન જતા હોય તેમને તો આ સ્વાદની ખબર જ નહીં હોય. તો મારે મારા એ વાચકોને પણ આ બટાટાવડાં અને ચટણી સૅન્ડવિચનો આસ્વાદ પહોંચાડવો પડે.
૧૯૬૧માં તેજપાલ ઑડિટોરિયમ શરૂ થયું ત્યારથી આ બન્ને વરાઇટી અહીં મળે છે અને આજ સુધીમાં એના સ્વાદમાં કોઈ ફરક નથી આવ્યો. સૌથી પહેલાં તમને સૅન્ડવિચની વાત કરું તો બ્રેડની વચ્ચે તમને ગ્રીન કલરની ચટણી લગાડીને આપે. એનો સ્વાદ એવો કે તમને મજા પડી જાય. હું દાવા સાથે કહીશ કે આ પ્રકારની ચટણી સૅન્ડવિચ તમને દુનિયામાં ક્યાંય નહીં મળે. ચટણીમાં મૂળ તો લીલા નાળિયેરનું કોપરું વાપરે અને સાથે એમાં કોથમીર, મરચાં અને બીજા મસાલા હોય. આ ચટણી સહેજ ગળાશ સાથે તીખી હોય. ચટણી એકદમ થિક હોય. એમાં પાણી બિલકુલ નથી હોતું. અફકોર્સ એમાં બટર હોય, જેથી ચટણી સ્પ્રેડ કરવામાં સ્મૂધ રહે. કોપરામાંથી જે પાણી છૂટે એ જ એ ચટણીને ભીની કરવાનું કામ કરે તો એમાં જે ગળાશ હોય છે એ લીલા નાળિયેરની હોય છે. ચટણી સૅન્ડવિચ એટલે સિમ્પ્લી એક નંબર એમ કહું તો ચાલે. જોકે પછી જો તમે બટાટાવડાં ખાઓ તો તમને મૂંઝવણ થાય કે પહેલો નંબર કોને આપવો?
તેજપાલમાં વડાંનો જે સ્વાદ છે એ તમને મહારાષ્ટ્રનાં કે પછી અન્ય વડાપાઉંમાં હોય છે એ બટાટાવડાં જેવો નથી. આ વડાં સહેજ ગળ્યાં હોય. આપણા ગુજરાતીઓનાં જે બટાટાવડાંનું પૂરણ હોય એ પણ સહેજ ગળ્યું હોય છે અને એ પછી પણ આ વડાં ગુજરાતીઓના ઘરે બનતાં વડાં કરતાં ક્યાંય આગળ છે.
તમે ઑર્ડર કરો એટલે ગરમાગરમ બનાવીને જ વડાં આપે અને સાથે ચટણી હોય. આ ચટણી પણ કમાલની છે. એ ચટણીનો સ્વાદ થોડો મોળો હોય છે, પણ એનીયે એક અલગ મજા છે. એ મોળી હોવાને કારણે ક્યાંય બટાટાવડાંને ઓવરપાવર નથી કરતી. આ ચટણીમાં કોથમીર, પાલક, મરચાં, દાળિયા અને બીજા મસાલા હોય છે. હું તો કહીશ કે જો આ રવિવારે બીજું કોઈ કામ ન હોય તો તેજપાલ જાઓ, નાટક જુઓ અને સરસ મજાનાં બટાટાવડાં અને સૅન્ડવિચ ખાઓ. હા, મારે તમને ખાસ કહેવાનું કે તેજપાલમાં નાટક દરમ્યાન જેટલાં વડાં અને સૅન્ડવિચ નથી વેચાતાં એટલાં વડાં અને સૅન્ડવિચ લોકો પાર્સલ કરાવીને ઘરે લઈ જાય છે. રવિવારે તો બપોરે ત્રણ વાગ્યાથી લોકો સૅન્ડવિચ અને વડાંનું પાર્સલ લેવા માટે તેજપાલ આવે. આસપાસના વિસ્તારમાં એ એટલાં પૉપ્યુલર છે. હા, ઘણી વાર મને ખરાબ લાગે જ્યારે કોઈ ક્રિટિક કહે કે નાટક કરતાં તેજપાલનાં બટાટાવડાં અને સૅન્ડવિચ સારાં હતાં. હા, ખરેખર એ સમયે મને ખૂબ ખરાબ લાગે, કારણ કે નાટક અને બટાટાવડાં એ બન્નેની કોઈ કમ્પૅરિઝન જ ન હોય. નાટક એની જગ્યાએ છે અને વડાં એની જગ્યાએ. જોકે મારે એ પણ કહેવું પડે કે તેજપાલમાં નાટક જોવા આવનાર જે વર્ગ છે એ નાટક જોવા માટે જેટલો ઉત્સુક હોય છે એટલો જ ઉત્સુક ત્યાં મળતાં બટાટાવડાં અને ચટણી સૅન્ડવિચ ખાવા માટે પણ હોય છે.