ચાલો ગ્રૅજ્યુએટ પોહેવાલીના પૌંઆ ખાવા

16 November, 2024 10:15 AM IST  |  Mumbai | Darshini Vashi

તમે કાંદા પૌંઆ લેવા સાવ નાનકડા કહી શકાય એવા એક સ્ટૉલ પર ઊભા રહો અને સામેથી તમને પૂછવામાં આવે કે ‘હેલો.... વૉટ ડુ યુ વૉન્ટ? પોહા, શીરા ઑર મિસલ?’ તો કેવું આશ્ચર્ય થાય?

દિશા બાગવે

તમે કાંદા પૌંઆ લેવા સાવ નાનકડા કહી શકાય એવા એક સ્ટૉલ પર ઊભા રહો અને સામેથી તમને પૂછવામાં આવે કે ‘હેલો.... વૉટ ડુ યુ વૉન્ટ? પોહા, શીરા ઑર મિસલ?’ તો કેવું આશ્ચર્ય થાય? સ્ટૉલ પર ફૂડ વેચનાર માણસ પાસેથી સડસડાટ અંગ્રેજીમાં બોલવાની અપેક્ષા આપણને હોતી જ નથી; પણ મલાડ માઇન્ડસ્પેસ પાસે આવેલો સ્ટૉલ ગ્રૅજ્યુએટ થયેલી મહિલા ચલાવે છે અને કડકડાટ અંગ્રેજીમાં વાત કરે છે

ગ્રૅજ્યુએટ પોહેવાલી નામનો ફૂડ-સ્ટૉલ ચલાવતી યુવતીનું નામ દિશા બાગવે છે જે ગ્રૅજ્યુએટ થયેલી છે પણ ભણતર પત્યા પછી સારી કૉર્પોરેટ નોકરી શોધવાને બદલે તેણે ફૂડ-સ્ટૉલ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જોકે તેને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે દિશા બાગવે હસતાં-હસતાં કહે છે, ‘આજે સારી જગ્યાએ નોકરી મળવી ખૂબ જ અઘરો પ્રશ્ન છે. અલગ-અલગ કંપનીમાં ફરવાનું અને બધાને મસકા મારવાના એના કરતાં પોતાનું સાહસ શરૂ કરવામાં શું ખોટું છે? ફૂડ ક્ષેત્રે અત્યારે વૃદ્ધિનો ખૂબ જ અવકાશ છે ત્યારે મેં મારી આવડતનો બરાબર ઉપયોગ કરીને ફૂડ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. અને મને એમાં કોઈ શરમ પણ લાગતી નથી. સવારે ગરમાગરમ ચાર-પાંચ જાતના નાસ્તા બનાવું છું અને વેચું છું અને બપોરે ટિફિન બનાવીને પહોંચાડું છું.’

ફૂડ-આઇટમની વાત કરીએ તો તે દરેક આઇટમ ઘરે બનાવીને મોટા-મોટા ડબ્બામાં ભરીને લઈ આવે છે. પછી સવારે ૮ વાગ્યે આવીને પોતાનો સ્ટૉલ પોતે જ ગોઠવે છે. તે વન વુમન શો સમાન છે. અને પછી લાઇન લાગવાનું શરૂ થઈ જાય છે. તેના કાંદા પૌંઆ અને મિસળ-પાંઉ ખૂબ ફેમસ છે. કાંદા પૌંઆની ઉપર તે કોપરાની ચટણી નાખીને આપે છે, જેને લીધે એ અલગ જ ટેસ્ટ આપે છે. મિસળ-પાંઉનું પણ એવું જ છે. એકદમ તિખટ એવું મિસળ અને તેની સાથે બે પાંઉ ખાવાની મજા આવી જશે. દરેક આઇટમના ભાવ પણ ખૂબ જ ઓછા છે એટલે દરેક જણને એ પરવડી શકે એમ છે. ભાવના હિસાબે ક્વૉન્ટિટી પણ લિમિટેડ જ આવે છે છતાં ટેમ્પરરી ટમી ફુલ કરવા માટે ચાલી જાય એમ છે.

ક્યાં મળશે? : ગ્રૅજ્યુએટ પોહેવાલી, ઇન્ફિનિટી મૉલની બાજુમાં, માઇન્ડસ્પેસ, મલાડ (વેસ્ટ) સમય : સોમવારથી શનિવાર - સવારે ૮થી બપોરે ૧૨ સુધી

street food mumbai food indian food life and style malad columnists darshini vashi