તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે... કુછ મીઠા હો જાએ હટકે સ્ટાઇલમાં

23 August, 2024 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે પ્રસ્તુત છે પરેલમાં રહેતાં શેફ આરતી મહેતા દ્વારા શૅર કરાયેલી કેટલીક હટકે ફ્યુઝન ડિઝર્ટ રેસિપીઝ

શેફ આરતી મહેતા

પરંપરાગત મીઠાઈઓમાં ફ્યુઝન સાથેના ટ‍્વિસ્ટ આજકાલ ધૂમ મચાવી રહ્યા છે. તમે પણ જો ગળ્યું ખાવાના શોખીન હો અને કંઈક નવું ટ્રાય કરવા માગતા હો તો આજે પ્રસ્તુત છે પરેલમાં રહેતાં શેફ આરતી મહેતા દ્વારા શૅર કરાયેલી કેટલીક હટકે ફ્યુઝન ડિઝર્ટ રેસિપીઝ.

પાનમસાલા મૂસ

સામગ્રી : છથી સાત ફ્રેશ નાગરવેલ પાનનાં પત્તાં, લગભગ પચાસ ગ્રામ વરિયાળી, પચાસ ગ્રામ હીરામોતી પાનમસાલા, પચાસ ગ્રામ ધાણાદાળ, પચાસ ગ્રામ સલ્લી સુપારી, પચાસ ગ્રામ ગુલકંદ, પચાસ ગ્રામ કોપરું, ચપટી એલચી પાઉડર, ૧ કપ ચિલ્ડ વિપ્ડ ક્રીમ, ૩ ટેબલસ્પૂન મિલ્ક.
બનાવાની રીત : વિપ્ડ ક્રીમ સિવાયની બધી સામગ્રીને મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવો.
હવે એક બાઉલમાં વિપ્ડ ક્રીમને એ ગાઢું થાય ત્યાં સુધી ફેંટી લો. ત્યાર બાદ એમાં વાટેલો પાનમસાલો ઉમેરો અને ફરી એક વાર સરખી રીતે ફેંટો. ફેંટવા માટે તમે ઇલેક્ટ્રિક વ્હિસ્કરનો ઉપયોગ પણ કરી શકો છો. તૈયાર થયેલા ગાઢા મિશ્રણને પાન શૉટ્સના સર્વિંગ ગ્લાસમાં સર્વ કરો. ગાર્નિંશિંગ માટે ઉપરથી સુપારી પાઉડર કે ટુટીફ્રૂટી નાખીને પાંચથી છ કલાક માટે ફ્રિજમાં સેટ થવા માટે મૂકી દો. આટલી સામગ્રીમાં લગભગ પાંચથી છ ગ્લાસ પાનમસાલા મૂસ તૈયાર થશે જેને તમે બે દિવસ સુધી વાપરી શકશો. 

ગુલાબ જામુન ટ્રફલ

સામગ્રી : ગિટ્સ ગુલાબ જામુનનું પૅકેટ, સફેદ શુગર ફ્રી ચૉકલેટ, ગાર્નિશિંગ માટે પિસ્તાં અને એડિબલ રોઝ પેટલ્સ.
બનાવવાની રીત :  સૌથી પહેલાં એની સ્ટાન્ડર્ડ રેસિપી મુજબ ગુલાબજાંબુ બનાવીને એને ત્રણ-ચાર કલાક માટે ફ્રિજમાં ઠંડા થવા માટે મૂકી દો.  
હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઊકળે એટલે એના પર એક કાચના બાઉલમાં વાઇટ ચૉકલેટ મૂકીને એને ઓગાળો. યાદ રહે, ગરમ પાણીની તપેલી પર મૂકેલા બાઉલમાં ચૉકલેટને સતત ચમચીથી હલાવતા રહેજો એટલે ગઠ્ઠા ન થઈ જાય. ચૉકલેટ ઓગળી જાય એટલે ગૅસ બંધ કરીને ચૉકલેટ એ થોડીક ઠંડી થાય ત્યાં સુધી હલાવતા રહો. 
હવે એક-એક ગુલાબજાંબુ લઈને આ ઓગળેલા ચૉકલેટ સિરપથી એને કોટિંગ આપો અને એક પ્લેટમાં બટર પેપર રાખીને એના પર મૂકતા જાઓ. પછી એના પર પિસ્તાંનો ભૂકો અને રોઝ પેટલ્સ નાખી ગાર્નિશ કરો.
છેલ્લે બધું થઈ ગયા પછી આ ગુલાબજાંબુને ફ્રિજમાં પાંચથી છ કલાક માટે સેટલ થવા મૂકો. તમારા ગુલાબ જામુન ટ્રફલ સર્વ કરવા માટે તૈયાર છે. 

હલીમ સીડ્સ લાડુ

સામગ્રી : અડધો કપ હલીમ સીડ્સ, ડ્રાયફ્રૂટ્સ, એલચી પાઉડર, જાયફળ પાઉડર, સૂંઠ પાઉડર અને ગુંદર
બનાવાની રીત : આજકાલ સનફ્લાવર સીડ્સ, ચિયા સીડ્સ જેવા સીડ્સના વિવિધ પ્રકાર અને એની રેસિપીઝ તમને મળી જશે પણ હલીમ સીડ્સ ન્યુટ્રિશન્સથી ભરપૂર હોવા છતાં એની વાનગીઓ તમને ક્યાંય નહીં મળે. હીમોગ્લોબિનની કમી ધરાવતા એક બાળકના મમ્મીએ હલીમના સીડ્સમાંથી કંઈક બનાવો એવી રિક્વેસ્ટ કરી ત્યારે પહેલી વાર આ બીજ વિશે અમને ખબર પડી અને એના અખતરાઓ કરીને બહુ જ સ્વાદિષ્ટ રેસિપી બની પણ ખરી. તમારા સ્વીટ ક્રેવિંગ સાથે હેલ્થને વધારનારી આ રેસિપી કેવી રીતે બને એ જાણીએ હવે. 
એક કડાઈમાં હલીમ સીડ્સને રોસ્ટ કરી લો. રોસ્ટ કરતી વખતે ગૅસની ફ્લેમ બેથી ત્રણ મિનિટ ધીમી આંચ પર રાખવી.  
સીડ્સ રોસ્ટ કર્યા પછી એ ઠંડા થાય એટલે એને એક તપેલીમાં અડધો કપ પાણી લઈને દસ મિનિટ સુધી પલાળીને રાખો. 
હવે એક નૉન-સ્ટિક કડાઈમાં ચાર-પાંચ ટેબલસ્પૂન પ્યૉર ઘી લઈ એમાં ગુંદરને શેકી લો. ફૂલેલા ગુંદરના ચંક્સને એક બાઉલમાં કાઢી લો. હવે એ જ કડાઈમાં બારીક સમારેલાં ડ્રાયફ્રૂટ્સ શેકી લો. હવે એમાં અડધો કપ સૂકું છીણેલું કોપરું ઉમેરો અને ત્રણેક મિનિટ માટે સ્લો ફ્લેમમાં શેકી લો. 
હવે હલીમ સીડ્સને ગાળી લો એટલે વધારાનું પાણી નીકળી જાય. હલીમ સીડ્સ થોડા સ્ટિકી હોવાથી એને કડાઈમાં નાખી સાથે એક કપ બારીક કાપેલો ગોળ ઉમેરો અને ધીમા તાપ પર બધું હલાવતા રહો.
ગોળ સંપૂર્ણ પીગળી જાય એટલે ગૅસ બંધ કરીને એમાં જાયફળ, એલચીનો પાઉડર અને અધકચરો કરેલો ગુંદર ઉમેરો. 
બધું જ મિશ્રણ સહેજ ઠંડું થાય એટલે એમાંથી લાડુ બનાવવા માંડો. 
સાંધાના દુખાવા, હેરફૉલ, હાડકાંને મજબૂતી આપવી, લોહીમાં લાલ રક્તકણો વધારવા જેવા આ લાડુના અઢળક ફાયદા છે. બનાવ્યા પછી બેથી ત્રણ દિવસ સુધી આ લાડુ તમે ખાઈ શકો છો.

ટાર્ટ‍્સ વિથ મુંગદાલ શીરા અને મિની ગુલાબ જામુન

સામગ્રી : ૨૦૦ ગ્રામ મગદાળ શીરો, મિની ગુલાબજાંબુ ૧૦૦ ગ્રામ, ટાર્ટ‍્સ બનાવવા માટે પોણાબે કપ મેંદો, ચપટી મીઠું, પોણો કપ અનસૉલ્ટેડ બટર
રીત : મગની દાળનો શીરો અને ગુલાબજાંબુ હવે લગભગ દરેક માટે જાણીતી આઇટમ છે પરંતુ એનું ટાર્ટ્સ સાથેનું ફ્યુઝન જૂના અને જાણીતા સ્વાદમાં એક મજેદાર ટ્વિસ્ટ ઉમેરે છે. અહીં સામગ્રી આપવામાં આવી છે એમાંથી લગભગ દસ ટાર્ટ‍્સ બનશે, જેને તમે એક દિવસ ઍડ્વાન્સમાં પણ બનાવી શકો છો. 
સૌથી પહેલાં મેંદાને ચાળીને એમાં સ્વાદાનુસાર મીઠું અને બટર નાખીને લોટને મસળો અને પછી એમાં ત્રણ મોટી ચમચી જેટલું બરફ જેવું ઠંડું પાણી ઉમેરો. 
હવે તૈયાર થયેલા લોટના નાના-નાના લૂઆ કરીને પૂરીની સાઇઝ જેટલું વણી લો. યાદ રહે, આ પડ સહેજ જાડાં હોવાં જોઈએ. 
હવે મીડિયમ સાઇઝના ગોળ મોલ્ડમાં વણેલી પૂરીઓને ચોંટાડીને વધારાનો લોટ કાઢીને માઇક્રોવેવમાં ૨૦૦ ડિગ્રી ટેમ્પરેચર પર દસ મિનિટ માટે બેક થવા મૂકો. 
હલકા ગુલાબી રંગના તૈયાર થયેલા આ ટાર્ટ્સને ઠંડા થવા મૂકો. 
આ રેસિપી માટે તૈયાર થયેલા ક્રિસ્પી, પોચા અને બટરી સ્વાદના ટાર્ટને કારણે મગની દાળનો શીરો અને ગુલાબજાંબુનું કૉમ્બિનેશન લાજવાબ સ્વાદ આપશે. એ સિવાય અહીં તમે ટાર્ટમાં શ્રીખંડ, ફિરની, બુંદી, કલાકંદ જેવી સ્વીટ્સ ઉમેરીને પણ સર્વ કરી શકો છો. 
બેઝ મીઠાઈ પણ ઘરે બનાવો તો બેસ્ટ છે, પરંતુ ધારો કે સમય નથી તો બજારમાંથી લાવેલી મીઠાઈઓ સાથે આ હોમમેડ ટાર્ટનું કૉમ્બિનેશન તમારી સ્વીટ ડિશના મેનુમાં એક મજેદાર ચાર્મ ઉમેરી દેશે.

indian food Gujarati food mumbai food life and style columnists