કેવો આહાર સેફ છે અને કયો નહીં એની ગાઇડલાઇન બહાર પાડી છે FSSAIએ

08 June, 2024 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ પર FSSAIએ ખોરાકને સુરક્ષિત બનાવવા માટે કેટલીક મહત્ત્વની બાબતો જણાવી હતી

પ્રતીકાત્મક તસવીર

જે વસ્તુ સુરક્ષિત નથી, એ આહાર નથી એવો મેસેજ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍ઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ આપ્યો છે. ગઈ કાલે વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ પર FSSAIએ ખોરાકને સુરક્ષિત બનાવવા માટે કેટલીક મહત્ત્વની બાબતો જણાવી હતી. FSSAI કહે છે કે ભોજન બનાવતી વખતે વારંવાર હાથ ધોવા જોઈએ તેમ જ પ્લૅટફૉર્મ સહિતની સપાટીઓ અને વાસણ સ્વચ્છ રાખવાં જોઈએ. આપણે ક્યારેક બપોરનું ભોજન રાતે લેતા હોઈએ છીએ તો ક્યારેક ફ્રિજમાં રાખેલી વસ્તુ બીજા દિવસે ખાતા હોઈએ છીએ. આ વિશે FSSAI ચેતવે છે કે ઘરે બનેલું ભોજન બે કલાકથી વધુ સમય સુધી રૂમ ટેમ્પરેચર પર રાખવાથી બગડી જાય છે અને એને રેફ્રિજરેટરમાં પણ વધારે સમય ન રાખવું જોઈએ.

આ ઉપરાંત રૉ મીટ, પોલ્ટ્રી અને સીફૂડને અન્ય વસ્તુઓથી અલગ રાખવાં જોઈએ. સૂપ જેવી વાનગીઓને ૭૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી રાંધવી જોઈએ. તો પહેલાંથી તૈયાર થઈ ગયેલું ભોજન ખાતાં પહેલાં એને સારી રીતે ગરમ કરવું જોઈએ. FSSAI આહારને સુરક્ષિત બનાવવા માટે સ્વચ્છ પાણી વાપરવાની સલાહ આપે છે. ફૂડ રેગ્યુલેટર એવું પણ કહે છે કે હંમેશાં ફળો કે શાકભાજી તાજાં ખાવાં જોઈએ અને એને ઉપયોગમાં લેતાં પહેલાં સારી રીતે ધોવાં જોઈએ. એક્સ્પાયરી ડેટ બાદ કોઈ પણ ફૂડ ન ખાવું જોઈએ.

street food indian food food and drug administration life masala