03 November, 2022 03:57 PM IST | Mumbai | Sejal Patel
કાશ્મીરી દહી ભીંડી વિથ કેસર નાન
કડાઈવાળી સીટ પર ટ્રૅક્ટરના બોનેટને ટેબલ બનાવીને જમવાની મજા લેવી હોય તો મુંબઈના પવઈ લેક પાસે આવેલી ટર્બન ટેલ્સની વિઝિટ જરૂર કરવી. પંજાબી મેળા જેવી ફીલ આપતી આ જગ્યામાં ટિપિકલ પંજાબી ફૂડ ઉપરાંત તમને કલકત્તી, મદ્રાસી, સુરતી અને ઇન્ટરનૅશનલ ક્વિઝીનની વાનગીઓ ખાવા મળશે
ફિલાડેલ્ફિયા ચીઝ કુલ્ચા
ડિનરની સાથે અહીં એક અલાયદો ડાન્સ ફ્લોર પણ છે અને અહીં દર ફ્રાઇડેએ લાઇવ ડીજેનો જલસો માણવા મળે છે.
ટિપિકલ કાઠિયાવાડી ઢાબામાં જવું હોય તો મુંબઈની સરહદ પાર કરીને ગુજરાત તરફ જવું પડે, પણ પંજાબી સ્ટાઇલ ઢાબાની મજા માણવી હોય તો? તો અમ્રિતસર સુધી લાંબા થવાની જરૂર નથી. મુંબઈમાં પવઈ લેકની સામે જ એક નાનકડી મજાની જગ્યા છે. લૉકડાઉનના લાંબા બ્રેક પછી શરૂ થયેલી આ અર્બન ટ્વિસ્ટવાળી ઢાબા રેસ્ટોરાં ટર્બન ટેલ્સની અમે એક સાંજે મુલાકાત લીધી. બીજા માળે, ટેરેસમાં ઓપન ઍમ્બિયન્સ છે, પણ ઉપરથી ઢાબા જેવું કાચું રૂફ તમને અંદર બેઠા હો એવી ફીલ આપે છે. સાઇડ્સમાંથી ઓપન હોવાથી પવઈ લેકમાંથી આવતો ઠંડો પવન ગમે એવો છે. રંગબેરંગી ચકરડીઓની વચ્ચે પચરંગી ચારપાઈઓવાળી બેઠક પર પલાંઠી વાળીને અને તકિયા પર અઢેલી બેસવું હોય તો એવી અર્બન ઢાબા જેવી બેઠક પણ છે અને મિની ટ્રૅક્ટરનું ટેબલ અને પેણી સ્ટાઇલ બાર સ્ટૂલ પર બેસીને પંજાબી જયાફત કરવાનું ગમે એવું છે. અલબત્ત, અહીંનાં એકેય ટેબલ એકસરખાં નથી. રેગ્યુલર સ્ક્વેર ટેબલ પણ છે અને સર્ક્યુલર સર્વિંગ ટ્રે સાથેનું ટેબલ પણ છે. આ નાનકડી જગ્યાના ફર્નિચરથી લઈને દીવાલ સુધીના ઇન્ટીરિયરને ડિઝાઇનર્સ મધુરંગ કૌર અને અમ્રિતપાલ સિંહે વાઇબ્રન્ટ બનાવી દીધું છે.
ટિપિકલ પંજાબી ફૂડ માટે જાણીતી મિની પંજાબ ચેઇન રેસ્ટોરાંના જ ઓનરનું આ બ્રેઇન ચાઇલ્ડ છે. મિની પંજાબ પરિવાર સાથે જસ્ટ પંજાબી ફૂડ ખાવા માટે છે, જ્યારે આ ટર્બન ટેલ્સ ફૂડ વિથ કંઈક હટકે એક્સ્પીરિયન્સ માટે છે. ચોરે ને ચૌટે કોઈ આમ રેસ્ટોરાંમાં મળે છે એવું પનીર મખ્ખનવાલા, પનીર હાંડી કે ચના મસાલાનું મેનુ અહીં નથી; પણ અમુક-તમુક વાનગીઓમાં બંગાળી, મહારાષ્ટ્રિયન, સુરતી અને સાઉથ ઇન્ડિયન ટચ છે અને ક્યાંક તો તમને મોમોઝ અને બાઓનું પણ વેરિએશન મળે, જે આ રેસ્ટોરાંને યુનિક બનાવે છે.
વર્જિન મૉકટેલ
પંજાબી હોય અને પીવાનું ન હોય એવું તો બને જ નહીં. જોકે તમે આલ્કોહૉલ ન લેતા હો તો પણ અહીં બાર મેનુમાંના મૉકટેલ્સમાંથી એક-બે ચીજો જરૂર ટ્રાય કરવા જેવી છે. અને હા, હજી આ જગ્યા સાંજે જ ખૂલે છે. સાંજે આથમતા સૂર્યની સાથે કંઈક ચટપટું ખાવાપીવાની ઇચ્છા હોવાથી અમે નાસ્તા અને ડ્રિન્કથી શરૂઆત કરી. અમે ત્રણ મૉકટેલ્સ ટ્રાય કર્યાં. વર્જિન માર્ગરિટા, વર્જિન મેરી અને બેરી પંચ. જો તમે રોજિંદા ટેસ્ટને જ વળગી રહેવા માગતા હો તો કિવી, સ્ટ્રૉબેરી, પીચ, લાઇમનું વર્જિન માર્ગરિટા ટ્રાય કરી શકાય. રિફ્રેશિંગ છે પણ ખાસ નવું નથી. અમે જે વર્જિન મૅરી ડ્રિન્ક ટ્રાય કર્યું એમાં ટમૅટોનો ટ્વિસ્ટ સારો છે. ટમેટાનો ક્લિયર જૂસ છે, જેમાં થોડોક લાઇમ જૂસ છે અને ઉપરથી ટબેસ્કો અને વર્સેસ્ટરશર સૉસનો સ્પાઇસ ક્વૉશન્ટ આ ડ્રિન્કને એકદમ હટકે બનાવે છે. મૉકટેલ તીખાશ અને ખટાશનું અનોખું કૉમ્બિનેશન છે. જોકે તમે પેટ ભરાય એવું સ્વીટ ડ્રિન્ક ટ્રાય કરવા માગતા હો તો બેરી પંચ બેસ્ટ રહેશે. ક્રૅનબેરીના જૂસમાં વૅનિલા આઇસક્રીમ અને સ્ટ્રૉબેરી ક્રશનું ગાઢું ડ્રિન્ક ઓવર સ્વીટ પણ નથી અને ક્રૅનબેરી અને સ્ટ્રૉબેરીના કૉમ્બિનેશનને કારણે બૅલૅન્સ્ડ ફ્રૂટી ફ્લેવર ધરાવે છે.
ગુલાબજાંબુ સિઝલર
આ ત્રણ પીણાં સાથે અમે સાવ જ વિયર્ડ લાગે એવું સ્ટાર્ટર ટ્રાય કર્યું. એ છે જાલ મુડી. બંગાળની સ્પેશ્યલિટી ગણાતી સૂકી ભેળ. લિટરલી તમે કલકત્તામાં પહોંચી ગયા હો એવો ઑથેન્ટિક જાલ મુડીનો ટેસ્ટ છે. એની સાથે ફિલાડેલ્ફિયા ચીઝ કુલ્ચા ખાધા. આપણી પૂરીની સાઇઝના આ ચીઝ કુલ્ચામાં ઠાંસી-ઠાંસીને ચીઝ ભરેલું છે. બે પીસ સાથે ખાઈ જશો તો પછી ડિનર સ્કિપ કરવું પડે એટલું પેટ ભરાઈ જાય. અહીંના મેનુમાં ખરેખર એટલું વેરિએશન છે કે તમે એને માત્ર પંજાબી ઢાબા ન કહી શકો. અહીં તમને સૂરતી આલૂ પૂરી પણ મળશે અને ઠેચા ફ્લેવરના ટાકોઝ પણ. તંદૂરમાં શેકેલાં શક્કરિયાં પણ અહીં ટ્રાય કરી શકાય.
સાંભળ્યું હતું કે અહીંના વેજ ખીલજી કબાબ ટ્રાય કરવા જેવા છે. અમે એ ઑર્ડર કર્યો. આ ડિશ ખાવામાં જેટલી રૉયલ છે એટલી જ એની પેશકશ પણ રાજાશાહી ઠાઠવાળી છે. આ કબાબ એક મોટા ભાલા પર વીંટળાઈને તંદૂરમાં શેકાવા જાય છે અને એ આખો ભાલો જ એક વેઇટર સૈનિકના વેશમાં લઈને તમારી પાસે આવે છે. શહેનશાહી મ્યુઝિકની સાથે એ ભાલા પર વીંટળાયેલો કબાબ તમારી ડિશમાં કાઢવામાં આવે. જોવામાં મજા આવે અને લાગે કે જાણે તમે પણ એક દિવસના શહેનશાહ છો. કબાબમાં ડ્રાય ફ્રૂટ્સ પણ ભરી-ભરીને છે જે ડિશને રૉયલ બનાવે છે. અલબત્ત, આ કબાબ ત્યારે જ મંગાવવો જ્યારે તમે ચાર-પાંચ જણ શૅર કરવાવાળા હો, નહીંતર એક જ ડિશમાં પેટ ફુલ થઈ જશે.
પંજાબી મેઇન કોર્સ મગાવતા પહેલાં હજી બે હટકે ડિશ અમે ટ્રાય કરી. એક હતી મૈસૂર ભાજી પુચકા વિથ કોકમ રસમ. યસ, સાઉથ ઇન્ડિશન કોકમ રસમ નાખીને પાણીપૂરી. પૂરીમાં મૈસૂર ભાજીનું પૂરણ છે અને શૉટ્સ ગ્લાસમાં રસમ પીરસાય છે. પૂરી ખાઈને રસમનો શૉટ લેવાનો. સાઉથ ઇન્ડિયન સ્પાઇસની તીખાશથી પાણીપૂરીની મજા બેવડાઈ જાય છે. બીજી ડિશ હતી દાલ મખની ફૉન્ડ્યુ. એમાં સર્વ કરવાની રીત થોડીક અલગ હતી, બાકી સ્વાદની દૃષ્ટિએ ટિપિકલ ક્રીમી દાલ મખની જ જોઈ લો. કુલ્ચા અને બ્રેડને સ્ટિકથી ફળફળતી ગરમ મખનીમાં ડુબાડીને ખાતાં-ખાતાં નિરાંતે મિત્રો સાથે વાતો કરવાની મજા આવે.
મૈસૂર ભાજી પુચકા વિથ કોકમ રસમ
આટલુંબધું ચટરપટર ટેસ્ટ કરી લીધા પછી સ્વાભાવિક છે હવે મેઇન કોર્સમાં વધુ ટ્રાય કરવાની હિંમત ન જ હોય. એમ છતાં અમે કાશ્મીરી દહી ભીંડી વિથ કેસર પરાઠા ટ્રાય કર્યા. આખા ભીંડાની અંદર ડ્રાય ફ્રૂટ્સનું પૂરણ ભરેલું હતું અને એકસરખી સરસ ચડી ગયેલી ભીંડીની ઉપર દહીમાં બનાવેલી ગ્રેવી પાથરેલી હતી. બટર ક્રિસ્પી પરાઠાંની ઉપર છૂટથી છાંટેલું કેસર અગેઇન તમને રજવાડી રૉયલ ખાણું લઈ રહ્યા હોવાનું ફીલ કરાવે છે.
ચાહે ગમે એટલું પેટ ભરાઈ ગયું હોય, પર ખાને કે બાદ કુછ મીઠા તો બનતા હી હૈ. એમાંય જ્યારે અહીં એક-એકથી ચડિયાતા ઑપ્શન્સ છે ત્યારે તો ખાસ. નાઇટ્રો કુલ્ફી ફાલૂદા, પાન આઇસક્રીમ વિથ ઍપલ મુરબ્બા જેવા ઑપ્શન્સ પણ હતા; પરંતુ અમે ગુલાબ જામુન સિઝલર અને ઘેવર ચીઝ કેક ટ્રાય કર્યાં. જાળીદાર ઘેવરની નીચે બિસ્કિટ ક્રમ્બલ્સ હોય એવું લાગે છે અને ઉપર સૉફ્ટ ચીઝ કેક સરસ છે. જોકે બાજી મારી જાય છે ગુલાબજાંબુ સિઝલર. એમાં ત્રણેય લેયર છે. બિસ્કિટના લેયરની ઉપર ગુલાબજાંબુનું લેયર છે અને ઉપર વૅનિલા આઇસક્રીમ છે જે ગરમાગરમ સિઝલરની પ્લેટ પર મૂકીને અપાયું છે. એની ઉપર જાડી મલાઈ રબડી રેડવામાં આવે છે. સિઝલર પ્લેટ પર આ રબડી ગરમ થઈ ઊઠે છે. જો થોડીક વાર લગાડો તો જાડી મલાઈ બની જાય છે. પંજાબી સ્વીટ્સ આમેય થોડીક ઓછા ગળપણવાળી હોય છે એટલે મોં પણ ભાંગશે નહીં. મસ્ટ ટ્રાય ડીઝર્ટ છે આ.
ક્યાં? : ટર્બન ટેલ્સ, જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ, પવઈ
સમયઃ સાંજે ૬ વાગ્યાથી
કિંમતઃ ૧૦૦૦ રૂપિયા
(બે વ્યક્તિ માટે)