17 August, 2024 02:00 PM IST | Mumbai | Darshini Vashi
ગુડ ફૂડ ટ્રક
અંધેરી-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલા સિટી મૉલના એક્ઝિટ ગેટ પાસે છેલ્લા એકાદ વર્ષથી એક ફૂડ ટ્રક ઊભી રહે છે જેનું નામ છે ‘ગુડ ફૂડ ટ્રક’. આ ફૂડ ટ્રક તો ખાસ છે જ, પરંતુ એ શરૂ કરનારાં રોશની જૈનની જર્ની પણ એટલી જ ખાસ છે.
મૂળ રાજકોટનાં અને સ્પોર્ટ્સપ્રેમી રોશની જૈનનો આ પ્રેમ તેમની ફૂડ ટ્રક પર છલકાતો જોવા મળશે. ૪૫ વર્ષનાં રોશની રાઇડર પણ છે. ફૂડ ટ્રકનો આઇડિયા કેવી રીતે આવ્યો એની વાત કરતાં રોશની કહે છે, ‘રાઇડર તરીકે તમે જ્યારે લૉન્ગ રાઇડ પર નીકળો ત્યારે પ્રૉપર ફૂડના ઘણા પ્રૉબ્લેમ આવે છે. ખાસ કરીને તમે પ્યૉર વેજ જ ખાવાનું પ્રિફર કરતા હો તો વાત જ ન પૂછો. હું પોતે આ ફેસ કરી ચૂકી છું. એનું સૉલ્યુશન શોધવામાં જ આ ફૂડ ટ્રકનો આઇડિયા આવ્યો હતો. મૂળ વિચાર એવો હતો કે રાઇડર માટે અલગ-અલગ સ્થળે આ ટ્રકને લઈ જાઉં જ્યાં-જ્યાં પ્રૉપર વેજ ફૂડની વ્યવસ્થા ન હોય. જોકે આજ સુધી તો કોઈ ને કોઈ કારણસર મને ફૂડ ટ્રકને લઈ જવાનો મોકો મળ્યો નથી, પણ આવતા મહિનાથી એ શરૂ કરવાનો પ્લાન છે.’
અવાકાડો સૅન્ડવિચ
બાઇક જ નહીં, રોશની જૈન પોતે ટ્રક પણ ચલાવી જાણે છે. સૌથી નવાઈ પમાડે એવી વાત કહીએ તો રોશની એક્સ-પાઇલટ પણ છે, પરંતુ બાળકના આગમન બાદ તેમણે એવિયેશનને અલવિદા કરી દીધું હતું. તેમના હસબન્ડ પાઇલટ છે. જુહુમાં રહેતાં રોશની વેલ-ટુ-ડુ ફૅમિલીમાંથી આવે છે અને તેમને પોતાના આ અનોખા ફૂડ સ્ટાર્ટઅપ માટે ગર્વ છે.
આ ફૂડ ટ્રકમાં મળતા ફૂડમાં સૌથી વધુ પૉપ્યુલર છે અહીંનાં બર્ગર. જોકે સામાન્ય રીતે મળતાં બર્ગર કરતાં અહીંનાં બર્ગર જુદાં છે. મુંબઈના અગ્રણી શેફના માર્ગદર્શન સાથે બર્ગરના પાંઉથી લઈને ટિક્કી, સૉસ, હર્બ્સ જેવી અંદરની તમામ સામગ્રીઓમાં તમને નવો ટ્વિસ્ટ મળશે. નૉર્મલ બર્ગર કરતાં અહીંનાં સ્પેશ્યલ બર્ગરની સાઇઝ લગભગ બે ગણી મોટી છે. આવી જ બીજી આઇટમ છે ઝુકિની પીત્ઝા જે પણ એક યુનિક વરાઇટી છે. ફૂડમાં હેલ્ધી ઑપ્શન પણ ઘણા છે.
બર્ગર
આ ફૂડ ટ્રક જ્યાં છે એ લોકેશનની આસપાસ પાંચ-છ જિમ છે એટલે એને ધ્યાનમાં રાખીને અહીં સોયા ચન્ક્સ અને વિવિધ સૅલડ પણ બનાવવામાં આવે છે. ક્વિક બાઇટ્સમાં અવાકાડો સૅન્ડવિચની ડિમાન્ડ ઘણી રહે છે. બીજા હેલ્ધી ઑપ્શન તરીકે અવાકાડો જૂસ પણ છે તેમ જ દરેક વસ્તુ થોડી-થોડી ટેસ્ટ કરવી હોય તો કૉમ્બોનો વિકલ્પ પણ અહીં છે, જેમાં બે-ત્રણ વસ્તુ સર્વ કરવામાં આવે છે. સૌથી ગમે એવી વાત એ છે કે અહીં નાનકડું સુંદરમજાનું સીટિંગ અરેન્જમેન્ટ પણ કરવામાં આવ્યું છે.
અવાકાડો શેક
એક તરફ મજાનું મ્યુઝિક વાગતું હોય અને બીજી તરફ ફૂડ ટ્રકની અંદર ઇન્સ્ટૉલ કરેલા ટીવી પર સ્પોર્ટ્સ ચૅનલ ચાલતી હોય એટલે અહીં આવનારને ખાવાની સાથે એન્ટરટેઇનમેન્ટ પણ પૂરતું મળી રહે છે.
ઝુકિની પીત્ઝા
ક્યારે મળશે? : સવારે ૧૧થી રાતે ૧૨(વીક-ડે)
સવારે ૧૧થી રાતે બે વાગ્યા સુધી
(વીક-એન્ડ)
ઍડ્રેસ : ગુડ ફૂડ ટ્રક, સિટી મૉલ એક્ઝિટ એરિયા, અંધેરી લિન્ક રોડ, અંધેરી-વેસ્ટ.