24 December, 2024 04:26 PM IST | Mumbai | Rajul Bhanushali
મેથીના દાણા, લસણની કળી, બ્રેડની સ્લાઇસ અને ઍપલ
શિયાળામાં વાતાવરણમાં ઠંડી વધવાને કારણે આથો ન આવવાની સમસ્યા થઈ જતી હોય છે. ઇડલી-ઢોસા કે ઢોકળાં બનાવવાં હોય અને આથો લાવવા ખીરું પલાળીને મૂક્યું હોય તો ઠંડીને કારણે આખી રાત પછી પણ આથો બરાબર આવતો નથી એટલે જાળી પડતી નથી અને એટલે જ વાનગી ચીકટ બને છે. સોડા કે ઈનો નાખવાથી જાળી પડી શકે પણ પછી પાછળથી તરસ ખૂબ લાગતી હોય છે એટલે ઘણાને સોડા વાપરવાનું ગમતું નથી. બીજા કોઈ ઉપાય છે? હા, છે. અમુક એવી ટિપ્સ છે જેને કારણે આથો સારો આવી શકે છે. જેમ કે ખીરું આથતી વખતે લસણની એક કળી નાખી દેવી કે થોડાક દાણા મેથીના નાખી દેવા. આ અને આવી બીજી પણ ટિપ્સ છે જેના કારણે આ સમસ્યા હલ થઈ શકે છે. આના સિવાય બીજા એવા કયા ઉપાય છે જેના દ્વારા શિયાળામાં પણ સરસ આથો આવી જાય એ વિશે અમે કાંદિવલી-બેઝ્ડ ફૂડ-એક્સપર્ટ અને શેફ કૃપા મહેતા સાથે વાત કરી. કૃપાબહેન ક્લાઉડ કિચનનાં ઓનર છે.
કૃપા મહેતા કહે છે, ‘ગુજરાતી ઘરોમાં ઢોકળાં તો અઠવાડિયામાં એક-બે વખત બનતાં જ હોય. હવે તો ઇડલી-ઢોસા પણ આપણાં સ્ટેપલ ફૂડ બની ગયાં છે, પરંતુ શિયાળો આવે અને સરખો આથો ન આવવાની તકલીફ શરૂ થઈ જાય. ઠંડી વધારે હોય તો આખી રાત પછી પણ આથો સરખો આવતો નથી અને એ કારણે ઢોકળાં કે ઇડલી ખાતી વખતે દાઢમાં ચોંટે. અગાઉ નાનીઓ-દાદીઓ ખીરું આથતી વખતે થોડાક મેથીના દાણા નાખી દેતી અથવા એ વાસણ પર કંતાન ઢાંકી દેતી. આ એક અકસીર ઉપાય ગણાય. મેથીના દાણા તો આમેય દરેક સીઝનમાં ઢોકળાં આથતી વખતે નાખવા જ જોઈએ. એ એમ પણ હેલ્થ માટે ખૂબ ઉપકારક છે. એક થાળી ઢોકળાં હોય તો એક કળી આખું લસણ નાખી દેવાથી પણ સરસ આથો આવી જતો હોય છે, પરંતુ લસણ ન ખાતા હોય તેમને આ ઉપાય ન ચાલે. આ ઉપરાંત બ્રેડની સ્લાઇસ નાખી દેવાય તો પણ સરસ આથો આવી જતો હોય છે. બ્રેડ બનાવવામાં યીસ્ટ વપરાય છે અને એ યીસ્ટ ખીરાને ફર્મેન્ટ થવામાં મદદ કરે છે. અમે બેકિંગ કરતી વખતે બ્રેડ કે સાર ડો બનાવીએ ત્યારે લોટમાં ઍપલ જેવા સિટ્રસ ફ્રૂટ છાલ સાથે છીણીને નાખતા હોઈએ. ઍપલ કાપ્યા પછી થોડી વારમાં કાળાં પડી જાય છે. વાતાવરણ સાથે એનો સંપર્ક થાય અને એમાં એન્ઝાઇમ્સ ઉત્પન્ન થાય એના લીધે એ કાળું પડે અને ફર્મેન્ટેશન થવા લાગે. એ જ ગુણ બેકિંગમાં ફર્મેન્ટિંગ માટે ઉપકારક છે. પાછાં એકદમ નૅચરલ, કોઈ આર્ટિફિશ્યલ તત્ત્વ નહીં. શિયાળામાં રાગી કે બાજરી જેવાં મિલેટ્સની ઇડલી ખાવી જોઈએ. એનું ખીરું જ્યારે આથીએ ત્યારે એમાં મેથીના દાણા મિક્સ કરી દેવાના. બાર કલાકમાં દહીં વગર પણ સરસ આથો આવી જશે.’
ટૂંકમાં ઢોકળાં, ઇડલી-ઢોસા કે પછી બેકિંગ કરવું હોય તો આ બધા હાથવગા ઉપાય કરવાથી આથો ન આવવાની સમસ્યા સરળતાથી દૂર થઈ શકે છે.