દુબઈની સરવણા ભવન અને એનું ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ

09 November, 2024 09:52 AM IST  |  Mumbai | Sanjay Goradia

દુનિયાઆખીમાં પોતાની બ્રાન્ચ ધરાવતી સાઉથની સરવણા ભવનનું સાઉથ ઇન્ડિયન ફૂડ તમે ચેન્નઈમાં ખાઓ કે પછી દુબઈમાં, તમને ટકાભાર પણ સ્વાદમાં ફરક નહીં લાગે

સરવણા ભવન

હવે થોડા દિવસ આપણે આપણી ફૂડ-ડ્રાઇવને દુબઈમાં ફેરવવાના છીએ. એમાં થયું એવું કે ગયા મહિને હું દસેક દિવસ દુબઈ રહ્યો. મારી એ પર્સનલ ટ્રિપ હતી. લાંબા સમય પછી મેં પહેલી વાર વેકેશન લીધું અને હું અને મારી વાઇફ ચંદા બન્ને દુબઈ ગયાં. દુબઈ તો હું અઢળક વખત જઈ આવ્યો છું એટલે ફરવાનું તો એવું કંઈ ખાસ હતું નહીં. આરામની ભાવના હતી અને મસ્તમજાનું વર્લ્ડ-ફૂડ ખાવાની ઇચ્છા હતી.

દુબઈમાં મારા યજમાન જયેશ વોરા પણ મારા જેવા જ ફૂડી અને વર્લ્ડ ક્વિઝિનના માસ્ટર કહો તો પણ ચાલે. દુબઈમાં તેમણે મને એક એવી જગ્યાએ લઈ જવાની વાત કરી અને મને તરત થયું કે ભાઈ, આપણે ત્યાં જવું છે. જગ્યા હતી સરવણા ભવન. આ જે સરવણા ભવન છે એ સાઉન ઇન્ડિયન ફૂડની રેસ્ટોરાં ચેઇન છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, ન્યુ ઝીલૅન્ડ, થાઇલૅન્ડથી માંડીને સ્વિટ્ઝરલૅન્ડ, થાઇલૅન્ડ, કતર, નેધરલૅન્ડ્સ, જપાન જેવા અઢળક દેશોમાં એની બ્રાન્ચ છે. UAE એકલામાં સરવણા ભવનની ૧૦ બ્રાન્ચ છે.

ચેન્નઈની સરવણા ભવનમાં હું ગયો છું અને એટલે જ મેં દુબઈની સરવણા ભવનમાં જવાની હા પાડી દીધી. મારે જોવું હતું કે આખેઆખો દેશ બદલાઈ જાય છે ત્યારે એના ફૂડમાં ચેન્જ આવે છે કે નહીં?

દુબઈની સરવણા ભવનમાં જઈને મેં સૌથી પહેલાં તો ઑર્ડર આપ્યો ઘી-મસાલા ઢોસાનો. આ જે ઘી-મસાલા ઢોસા હોય છે એ દેશી ઘીમાં બને, પણ સરવણાના ઘી-મસાલા ઢોસાની ખાસિયત એ કે એમાં પચપચતું ઘી નહીં. તમને ઘીની સુગંધ આવે, પણ ઢોસાનું બટકું કરો તો તમારાં આંગળાંમાં ઘી ચોંટે નહીં. આ ઘી-મસાલા ઢોસો મેં ચેન્નઈની સરવણા ભવનમાં ખાધો હતો. ડિટ્ટો એ જ ટેસ્ટ. અરે, માનોને કે તમે ચેન્નઈનો જ ઢોસો ખાઓ છો. મને થયું કે એમ થોડા કંઈ એ લોકોને માર્ક્સ આપી દેવાય. એટલે મેં પછી મગાવ્યો બૅન્ગલોર બેને ઢોસા. આ બેને ઢોસા હમણાં બહુ ચાલ્યા છે. મૂળ કર્ણાટકની આઇટમ, પણ હવે બધાએ અપનાવી લીધી છે.

બૅન્ગલોર બેને ઢોસા ખાતાંની સાથે મને થઈ ગયું કે હું ખોટી શંકા કરું છું. એનો તમે સાંભાર ચાખો. ચટણી પણ એવી જ ઑથેન્ટિક અને બનાવવાની રીત પણ ઓરિજિનલ. ઉત્તપાથી સહેજ પાતળો અને ઢોસાથી સહેજ જાડો. રોટલીની જેમ તમને બેવડ કરીને થાળીમાં આપે. એ બે વરાઇટી ટેસ્ટ કર્યા પછી મેં માર્ક્સની લેવડદેવડ પડતી મૂકીને તરત ધ્યાન આપ્યું પેટપૂજા પર અને પછી તો અકરાંતિયા બનીને તૂટી પડ્યો.

સરવણા ભવનમાં મિની ટિફિન પણ મળે છે. સાઉથમાં ભોજનને ટિફિન બોલે એવું મને કોઈએ કહ્યું હતું. આ જે મિની ટિફિન છે એમાં એક ઇડલી, એક વડું, મિની મસાલા ઢોસા, ઘી પોંગલ કે ઉપમા આપે. એક જણનું પેટ આરામથી ભરાઈ જાય. બીજું સ્પેશ્યલ મિની ટિફિન પણ છે, જેમાં તમને સાથે સાઉથની ફિલ્ટર કૉફી મળે. બધેબધી આઇટમ એવી ઑથેન્ટિક કે તમે એક માર્ક પણ કાપી ન શકો.

મજાની વાત કહું. ભાવ પણ રીઝનેબલ. બે ઇડલી અને સાંભારના સાડાઅગિયાર દિરહામ હતા, જે અંદાજે આપણા અઢીસો રૂપિયા થાય અને એટલા તો અહીં પણ સારી હોટેલમાં લેવાતા હોય છે; જ્યારે ભાઈ, આ તો દુબઈ હતું. દુબઈ આમ બહુ મોંઘું, પણ સરવણા ભવનમાં જમ્યા પછી મને પહેલી વાર લાગ્યું કે દુબઈમાં પણ તમે પાંચસો-છસો રૂપિયામાં સાઉથ ઇન્ડિયન ખાઈને આરામથી પેટ ભરી શકો. એક વાત કહેવાની રહી ગઈ કે જો ખાવાવાળો નૉર્મલ હોય તો ઘીમાં બનેલો એક ઢોસો તો બસ થઈ જાય. ઢોસો લાઇટ, પણ ઘી ભારે હોયને ભાઈ.

જો દુબઈ જવાનું બને તો સરવણા ભવન જવાનું ચૂકતા નહીં.  

indian food mumbai food indian cuisine dubai united arab emirates chennai bengaluru columnists Sanjay Goradia