06 November, 2024 08:24 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
કેસ-૧ : ૩૦ વર્ષની દીપ્તિએ મિત્રોથી પ્રભાવિત થઈને વીગન બનવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તો વાંધો ન આવ્યો પરંતુ ૬ મહિનાની અંદર તેને પીઠ અને ઘૂંટણનો દુખાવો શરૂ થઈ ગયો. ડૉક્ટરે કહ્યું કે તેનાં હાડકાં નબળાં પડતાં જાય છે એટલે કૅલ્શિયમનાં સપ્લિમેન્ટ તેણે લેવાં જરૂરી છે.
કેસ-૨ : ૪૦ વર્ષના દીપેશને વીગન બનવાની સાથે-સાથે બે જ મહિનામાં અપચો અને કબજિયાત શરૂ થઈ ગયાં. સામાન્ય દૂધની જગ્યાએ તેણે જે સોયામિલ્ક શરૂ કરેલું એ ડૉક્ટરે તાત્કાલિક બંધ કરાવ્યું અને ડૉક્ટરે તેને સલાહ આપી કે વીગન ફૂડ ચાલુ રાખવું હોય તો પણ પ્રો-બાયોટિક ખાવું પડશે..
જીવહિંસા ન થાય એ માટે ખોરાકમાં શાકાહારનું મહત્ત્વ નોંધપાત્ર છે, પણ આ અહિંસામાં પણ જેટલી સંવેદનશીલતા વધુ, સમજ વધુ એટલો ત્યાગ વધુ. આપણા સમાજમાં છેલ્લાં અમુક વર્ષોથી એક પાશ્ચાત્ય કન્સેપ્ટ આવ્યો છે જેને વીગનિઝમ કહે છે. વીગન બનવું એ કોઈ ધર્મ કે દેશને લાગતો કન્સેપ્ટ નથી પરંતુ સંવેદનશીલ લોકોની સમજમાંથી ઊભરીને આવેલો જ કન્સેપ્ટ છે કે વ્યક્તિએ કોઈપણ પ્રાણીજન્ય પદાર્થ વાપરવો જ નહી. એટલેકે જેમાં ફક્ત માંસ કે ચામડુ આવતું નથી, પ્રાણીઓનું દૂધ અને દુધની બનાવટોનો પણ સમાવેશ થાય છે. દૂધમાં થતી ભેળસેળ, પ્રાણીઓને આપવામાં આવતાં હૉર્મોન્સનાં ઇન્જેક્શન્સ, કોઈ પણ રીતે દૂધનું પ્રોડક્શન વધારવા માટે થઈ રહેલી ગેરરીતિઓ જોઈને પણ આજકાલ ઘણી વ્યક્તિઓ દૂધ અને દૂધની બનાવટોનો ત્યાગ કરી વીગન બનવાની વાત કરે છે. આપણા ખોરાક માટે આપણે પ્રાણીઓને જે ત્રાસ આપીએ છીએ એ બાબતે ભાવુક થઈને કે પછી સમજદારી સાથે કોઈ વીગન બનવા માગતું હોય તો એ વાતને વધાવવી જ પડે. પરંતુ એના માટે શારીરિક સજ્જતા પણ અનિવાર્ય છે. જો વીગન બનવાનો વિચાર પણ તમને આવી રહ્યો છે તો પહેલાં એ જાણવું જરૂરી છે કે શરીર આ નવો બદલાવ કઈ રીતે અપનાવશે.
શરીરવિજ્ઞાન શું કહે છે?
આમ તો વીગન બનવું એ ફક્ત ખોરાક પૂરતી સીમિત વાત નથી, આ એક જીવનશૈલી છે. જીવ માત્ર પ્રત્યેની સહિષ્ણુતાની આ વાત છે. પણ અહીં શરીરવિજ્ઞાનને સમજવું જરૂરી છે. આપણા શરીરનું બંધારણ અને એની જરૂરિયાત એના જીન્સ પર આધરિત રહે છે. જેમ કે સિંહનું શરીર એવું છે કે એણે માંસ ખાવું જ પડે. એને ઘાસ આપીને એની પૂર્તિ ન કરી શકાય એ જ રીતે ગાયને ઘાસ જ ખાવું પડે, એ શરીર બિલ્ડ કરવા કે વધુ પ્રોટીન લેવા માટે માંસ ન ખાઈ શકે. તમે જે પરિવારમાં જન્મ લીધો છે, તમારા વડવાઓ જે ખાતા હતા એ પ્રમાણે તમારા શરીરનું બંધારણ હોય છે. જો તમે વર્ષોથી શાકાહારી જ હો અને એકદમ માંસ ખાવા લાગો તો એ તમને માફક આવવાનું નથી. જો તમે વર્ષોથી માંસાહારી હો અને એકદમ જ શાકાહારી કે વીગન બની જાઓ તો એની અસર શરીર પર થવાની જ છે. આ વાત સાથે બીજી મહત્ત્વની વાત જોડતાં અધર સૉન્ગ ક્લિનિક, અંધેરીના હોમિયોપૅથ અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘માનવશરીર માટે કહેવાય છે કે એ કોઈ પણ પરિસ્થિતિને માફક આવી શકે છે જેના માટે એને સમય આપવો પડે છે. દુનિયામાં લોકો વર્ષો સુધી ભૂખ્યા રહીને પણ જીવી ગયા છે અને એક પરિસ્થિતિમાંથી બીજીમાં ખૂબ સરસ રીતે ઢળી પણ શકે છે. આ બન્ને થિયરી શરીર વિજ્ઞાન માટે સમજવી જરૂરી છે. એટલે તમારું જિનેટિક બંધારણ શું છે એ સમજીને એ બદલાવને એટલો સમય આપવો જરૂરી છે.’
તકલીફ શું થઈ શકે?
ઘણા લોકો વીગન બન્યા પછી પોતાનું ધ્યાન ન રાખતા હોવાને કારણે શરીરનું વધુ નુકસાન કરી બેસે છે. એ વિશે વાત કરતાં ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘શરૂઆતમાં તો તેમને હળવું લાગે, સારું લાગે પરંતુ લાંબા ગાળે તેમના સ્નાયુ અને હાડકાં નબળાં પડે છે. ઘણાને કૅલ્શિયમની ઊણપ આવે છે તો ઘણાનું પાચન ખરાબ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં તેમણે વીગન ખોરાકની સાથે-સાથે સપ્લિમેન્ટ્સ પણ લેવાં પડે છે. જોકે શાકાહારી લોકો, જે દૂધ પીએ છે, તેઓ પણ કોઈ ને કોઈ કમીને કારણે સપ્લિમેન્ટ્સ લેતા હોય છે એ વાત પણ એટલી જ સાચી છે. પણ નૅચરલ સોર્સ તમે જેટલો આપો અને એનાથી શારીરિક જરૂરિયાતો પૂરી કરો એ વધુ મહત્ત્વનું છે.’
ઊલમાંથી ચૂલ
ગાયનું દૂધ ન પીઓ તો એની જગ્યાએ સોયાબીનનું કે બદામનું દૂધ પી શકાય. પરંતુ શું એ દૂધને આપણું પેટ પચાવી શકે છે? એનો જવાબ આપતાં ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘સોયાબીન હું રેકમન્ડ નહીં કરું, કારણકે એ હમણાં ડેવલપ કરેલી પ્રોડક્ટ છે. સામાન્ય રીતે દિવસની ૪-૫ બદામ તમે ખાતા હો, એની સામે જો એમાંથી દૂધ કાઢવામાં આવે તો ૨૫-૩૦ બદામનું એક કપ દૂધ માંડ નીકળે. એ પણ જો તમે પૅકેટવાળું પીશો તો એ પ્રોસેસ કરેલું જ હોવાનું. ઘરે એ દૂધ કાઢવાનો કેટલા લોકો પાસે સમય છે? આમ ગાયનું દૂધ બંધ કરીને બદામ કે સોયા દૂધના ઑપ્શન કંઈ હેલ્ધી ન ગણાય. એના બદલે નારિયેળનું દૂધ લઈ શકાય. પણ આ બધા ઓપ્શન ક્યારેક વ્યક્તિને મીઠાઈની ક્રેવિંગ થાય કે ચા વગર રહી જ ન શકાય એ માટે હોય છે. એ દરરોજ લેવા યોગ્ય નથી. આમ એ ખાસ જોવું કે વીગન બનવાના ચક્કરમાં તમે ઊલમાંથી ચૂલમાં તો નથી પડી રહ્યાને.’
પ્રૉબ્લેમ્સ શું આવે?
શાકાહારી લોકોનો મુખ્ય પ્રોટીન સોર્સ દૂધ અને દૂધની બનાવટો જ હોય છે. આમ પણ શાકાહારીઓ ખોરાકમાં પ્રોટીન ઓછું ખાય છે એમાં જો દૂધ અને દૂધની બનાવટો પણ બંધ થઈ જાય તો શારીરિક પરિસ્થિતિઓ નબળી પડી શકે છે એમ સમજાવતાં માટુંગા અને વિલે પાર્લેનાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘દૂધ નંબર વન પ્રોટીન સોર્સ છે અને દાળ અને કઠોળ નંબર ટૂ પ્રોટીન સોર્સ છે. એને તમે કાર્બોહાઇડ્રેટ સાથે મિક્સ કરીને ખાઓ તો જ પ્રોટીન પૂરું મળે. વળી એક ગ્લાસ દૂધ પીને લગભગ ૫ ગ્રામ જેટલું પ્રોટીન મળે છે તો એક વાટકો દાળ-ભાત ખાઈને પણ એટલું જ પ્રોટીન મળે. તકલીફ ફક્ત એવી છે કે સવારે ઊઠીને તમે એક વાટકો દાળ-ભાત નહીં ખાઓ, પછી તમારે ઇડલી-સાંભાર ખાવા પડશે. આમ કયા પ્રકારના બદલાવ તમને માફક આવે છે એ સમજવું રહ્યું. એવી જ રીતે દહીં કે છાસ બંધ થાય તો એની જગ્યાએ નૅચરલી ફર્મેન્ટેડ કમ્બુચા કે કાંજી જેવાં પીણાંઓ પીવા પળશે. એ સિવાય ઘી બંધ થાય તો એના રિપ્લેસમેન્ટ તરીકે કોકોનટ ઑઇલ છે. દરરોજ બે ચમચી ઘી ખાવું જોઈએ એમ બે ચમચી કોકોનટ ઑઇલ લેતા હો તો સાંધામાં ગ્રીસિંગની તકલીફ આવતી નથી. ખોરાકમાં નિયમિત બાજરી, જુવાર, નાચણી લેવાં. તલ અને બીજા નટ્સ રેગ્યુલર ખાવાં. શાકભાજી અને ફળો ભરપૂર લેવાં. આમ ધીમે-ધીમે તમે સોલ્યુશન વિશે વિચારતા જાઓ અને બદલાવ લાવી શકો છો.’
ખુદને ચકાસો
વીગન બનતા પહેલાં શું ધ્યાન રાખવું જરૂરી છે એ બાબતે સ્પષ્ટતા કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘જે લોકોને કેટલાક ઑટોઇમ્યુન રોગ હોય, PCOD કે થાઇરૉઇડ જેવા હૉર્મોનલ રોગો હોય તો વીગન બનવાથી ઘણા ફાયદાઓ તેમને થાય છે પરંતુ બધાને વીગન બનવાની સલાહ અમે આપતા નથી. છતાં જો તમને એ બનવું હોય તો ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. તમારું કૅલ્શિયમ લેવલ સારું હોવું જોઈએ, તમારું પાચન નબળું ન હોવું જોઈએ અને તમારું B12 લેવલ પણ ઠીક હોવું જોઈએ. જો એ ન હોય તો પહેલાં એ ઠીક કરો અને પછી જ વીગન બનવા વિશે વિચારો. જો તમારાં હાડકાં નબળાં હોય; તમને ઍસિડિટી, બ્લોટિંગ, ઘચરકા કે છાતીમાં બળતરા જેવી તકલીફો હોય તો પહેલાં આ તકલીફોને ઠીક કરો પછી જીવનશૈલી બદલો.’
બદલાવ લાવો ધીમે-ધીમે
ધીમે-ધીમે બદલાવ લાવવો જરૂરી છે. જો તમને વીગન બનવું હોય તો એકદમ જ બધું ન છોડો. અઠવાડિયામાં ત્રણ દિવસ વીગન રહો અને પછી ત્રણ દિવસ નૉર્મલ રહો. આમ એકાદ મહિના સુધી કરીને જુઓ કે શું બદલાવ આવ્યો છે એમ સ્પષ્ટ કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘એવું નથી કે કશાય વગર તમારું શરીર ટકી શકે નહીં; પરંતુ દૂધ, ઘી કે દહીંને બદલે જે પદાર્થ તમે ખાઓ છો એ તમારા શરીરને માફક આવે અને શરીર એમાંથી જરૂરી તત્ત્વો લેતું થાય એટલો સમય તમારે શરીરને આપવો. એક વાર માફક આવે પછી તમે એને જીવનશૈલી તરીકે અપનાવો. બધું રાતોરાત બદલવાની ઉતાવળ ન કરો.’
ક્રેવિંગ અને ઊણપ
મોટા ભાગે આપણે કોઈ વસ્તુ છોડીએ તો ગમે તેટલા સ્ટ્રૉન્ગ રહ્યા પછી પણ આપણને એનું ક્રેવિંગ થાય છે. ઘણી વાર એવું લાગે કે શરીરને એની જરૂર છે એટલે એ ક્રેવિંગ જાગૃત થાય છે. એ વિશે સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘દૂધની આદત હોય અને દૂધ પીવા માટે મન લલચાય તો એમ ન સમજવું કે શરીરમાં કૅલ્શિયમની કમી થઈ ગઈ છે એટલે દૂધ પીવાની ઇચ્છા થઈ રહી છે. ક્રેવિંગ હંમેશાં માનસિક હોય છે. કૅલ્શિયમની કમી થાય તો તમે ચોક ખાવા લાગો, દૂધ નહીં. આમ ક્રેવિંગ પર કાબૂ મેળવવાની જંગ માનસિક વધુ છે, શારીરિક નહીં.’