રોગપ્રતિકારક શક્તિ વધારવા મોજથી ખાઓ જામફળ

10 October, 2024 02:20 PM IST  |  Mumbai | Kajal Rampariya

પોષણના મામલે ઑલરાઉન્ડર કહેવાતા જામફળના અઢળક હેલ્થ બેનિફિટ્સ છે. હૃદયરોગ, ડાયાબિટીઝ અને પેટની સમસ્યાના નિવારણમાં ખાસ ઉપયોગી ગણાતા ફાઇબરયુક્ત જામફળની થોકબંધ વિશેષતાઓ અને એને ખાવાની રીત વિશે જાણી લો

જામફળ

ફળોનો રાજા ભલે કેરીને કહેવામાં આવે, પરંતુ જામફળ પણ ગુણોનો ભંડાર છે જે શરીરને ભરપૂર પોષણ આપે છે. પોષણના મામલે ઑલરાઉન્ડર કહેવાતા જામફળના સેવનને આયુર્વેદમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. એટલે જ શિયાળામાં આવતા જામફળને અમૃત ફળની ઉપમા આપવામાં આવી છે. વિટામિન્સથી ભરપૂર જામફળને શક્તિવર્ધક માનવામાં આવે છે ત્યારે એ માનસિક તનાવને પણ દૂર કરવામાં મદદ છે. જમવાની સાથે જામફળની ચટણી અને ભોજન પછી જામફળનો મુરબ્બો ત્રણ મહિના સુધી ખાવામાં આવે તો એ હૃદયરોગ માટે લાભકારી સાબિત થાય છે ત્યારે જામફળને આરોગવાથી થતા અન્ય લાભો વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ.

વિટામિન Cનો ભંડાર

ડાયટ ક્ષેત્રે ૧૭ વર્ષનો અનુભવ ધરાવતાં ડાયટિશ્યન અને ડાયાબિટીઝ એજ્યુકેટર ચાર્મી ગાલા જામફળના ગુણધર્મો અને એને કારણે શરીરને મળતા પોષણ વિશે જણાવે છે, ‘જામફળમાં વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોવાથી એ વાઇરલ ઈન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે. નારંગી કરતાં જામફળમાં વિટામિન C બમણું હોય છે તેથી કોઈની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને અમે જામફળ ખાવાનું કહીએ છીએ. ઍમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણ પણ હોવાથી શરીરમાં ખરાબ બૅક્ટેરિયાનો નાશ કરે છે. આ ઉપરાંત જામફળમાં ઍન્ટિફંગલ અને ઍન્ટિમાઇક્રોબ્યલ ગુણ રહેલા છે. એક જામફળમાંથી શરીરને વિટામિન B, વિટામિન K, ફોલેટ, આયર્ન, કૅલ્શિયમ, ફૉસ્ફરસ, પોટૅશિયમ, ઝિન્ક, કાર્બોહાઇડ્રેટ્સ અને ડાયટરી ફાઇબર મળે છે. જામફળમાં સોલ્યુબલ ફાઇબર હોય છે; જેને સરળતાથી પચાવી શકાય. ફાઇબરયુક્ત ડાયટ લેવાથી શરીરમાં સરેરાશ કરતાં ઓછી કૅલરી બર્ન થશે. એનો અર્થ એવો છે કે તમારી એનર્જી સસ્ટેન થશે અને તમે વધારે ઍક્ટિવ રહેશો. અમે કોઈ પણ ફ્રૂટના જૂસ કરતાં કાપીને ખાવાની ભલામણ કરીએ છીએ. જૂસ બનાવવાથી એની ન્યુટ્રિશનલ વૅલ્યુ ઓછી થઈ જાય છે.’

શિયાળા માટે જામફળને શરીર માટે આઇડિયલ ફ્રૂટ માનવામાં આવે છે. એનું કારણ જણાવતાં હિન્દુજા હૉસ્પિટલમાં ભૂતકાળમાં કામ કરી ચૂકેલાં ડાયટિશ્યન ચાર્મી કહે છે, ‘જામફળને આમ તો વિન્ટર ફ્રૂટ કહેવાય છે, કારણ કે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જતાં પાચનતંત્રને ફાઇબરની બહુ જરૂર પડે છે. એક જામફળમાં આશરે ૪૦થી ૪૫ કૅલરી મળે છે. ૧૦૦ ગ્રામ જેટલું જામફળ ખાવાથી શરીરને ૧૪.૩ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, ૦.૯૫ ગ્રામ ફૅટ અને ૫.૪ ગ્રામ ડાયટરી ફાઇબર મળે છે. આ બધું સંતુલનમાં મળે છે એ એનો પ્લસ પૉઇન્ટ છે.’

અનેક રોગો થતા બચાવે

જામફળ ખાવાથી અનેક રોગો થતા અટકાવી શકાય છે એમ જણાવીને વાતના દોરને આગળ વધારતાં ચાર્મી કહે છે, ‘એમાં ઍન્ટિઑક્સિડન્ટ પ્રૉપર્ટીઝ હોવાથી દરરોજ નાનું એક જામફળ ખાવાથી પિરિયડ પેઇનમાં રાહત મળે છે. કબજિયાતની સમસ્યા છાશવારે થતી હોય તેને પણ જામફળ ખાવાની ભલામણ આપવામાં આવે છે. એમાં રહેલા ફાઇબરને લીધે એ આંતરડાં સાફ કરે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. જો જામફળ ન ખાવાં હોય તો એનાં બી માર્કેટમાં મળી રહે છે. એ પણ કબજિયાતની સાથે ડાયેરિયાને દૂર કરવામાં મદદ કરશે. જામફળ અને એનાં પાનનું સેવન કૅન્સર જેવી ગંભીર બીમારીઓ થતી અટકાવે છે. આ ઉપરાંત તનાવને પણ દૂર કરવામાં આંશિક મદદ કરે છે. એમાં રહેલા સોડિયમ અને પોટૅશિયમ હાઇપરટેન્શનના દરદીઓમાં હાઈ બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. લિવર સંબંધિત બીમારીથી પીડાતા લોકો માટે જામફળ દવાનું કામ કરે છે. એમાં રહેલા ગુણધર્મો લિવરને ડિટૉક્સ કરે છે અને એના કાર્યને સરળ બનાવે છે. PCOD, PCOS અને થાઇરૉઇડ જેવી બીમારીઓ સામે પણ જામફળ રક્ષણ આપે છે ત્યારે વેઇટલૉસ કરવામાં પણ મદદ કરે છે. આમ તો જામફળનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ બહુ ઓછો છે. જામફળના સેવનથી શુગરને કન્ટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીઝના દરદીઓ જામફળના નિયમિત સેવનથી બ્લડ-શુગર લેવલ ઘટાડી શકે છે. જામફળમાં રહેલા મૅગ્નેશિયમને લીધે જેને વારંવાર ક્રૅમ્પ્સ આવતા હોય અથવા ખાલી ચડી જતી હોય તેમને પણ ફાયદો થશે.’

આંખો અને ત્વચા માટે બેસ્ટ

જમરુખમાંથી શરીરને વિટામિન Cની સાથે A પણ મળે છે જે આંખો માટે સારું માનવામાં આવે છે. વિટામિન A શરીરના આંતરિક અવયવોને સારી સ્થિતિમાં રાખવાનું કામ તો કરે જ છે tkFl આંખોનું તેજ પણ વધારે છે. આ ઉપરાંત એ આંખો સંબંધિત થતા રોગ અને ઇન્ફેક્શનને અટકાવવાનું કામ કરે છે. જામફળ ખાવાથી ત્વચાની અંદર રહેલા કૉલેજન નામના પ્રોટીનનું લેવલ સુધરે છે, જે બોન-હેલ્થની સાથે ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય સારું રાખે છે. જામફળમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ્સ અને વિટામિન A શરીરના ડૅમેજ કોષોને રિપેર કરવાનું કામ કરે છે. ડ્રાય સ્કિન, ખીલ અને અને સ્કિન ઇરિટેશન જેવી સમસ્યા હોય તેમને જામફળ ખાવાથી ફાયદો થાય છે. જામફળમાં વિટામિન B3 અને B6 ભરપૂર માત્રામાં હોય છે, જે મગજ માટે સારાં ગણાય છે. એ મગજને સ્વસ્થ અને મજબૂત બનાવે છે અને ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયામાં સુધારો કરે છે.

પ્રમાણ કેટલું?
જામફળ જો કદમાં મોટું હોય તો દિવસમાં અડધું અને નાનું હોય તો એક જ ખાવું જોઈએ, એ પણ સાંજે છ વાગ્યા પહેલાં.

ઇમ્યુનિટી બૂસ્ટર

કાંદિવલીનાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. મયુરિકા અઘેરા જામફળના ફાયદાઓ વિશે કહે છે, ‘ઘણા લોકોને જામફળ એટલું પ્રિય હોય છે કે દિવસમાં એકસાથે આડેધડ ત્રણ-ચાર ખાઈ લે છે અને એના અતિસેવનથી શરદી અને કફ થાય છે. એને મર્યાદિત પ્રમાણમાં ખાવું જોઈએ. જો ફળ મોટું હોય તો દિવસમાં અડધું અને નાનું હોય તો એક જ ખાવું જોઈએ. આયુર્વેદમાં કોઈ પણ ફળનું સેવન સાંજે છ વાગ્યા પહેલાં કરવું જોઈએ એવી સલાહ આપવામાં આવે છે તેથી જામફળ પણ જો સાંજે છ વાગ્યા પહેલાં આરોગવામાં આવે તો એ હિતાવહ છે. સગર્ભા સ્ત્રીઓને કબજિયાતની સમસ્યા થતી હોય છે ત્યારે જામફળનું સેવન પાચનતંત્રના કાર્યને નિયમિત કરવાનું કામ કરે છે. તેથી અમે પ્રેગ્નન્ટ સ્ત્રીઓને જામફળ ખાવાની સલાહ આપીએ છીએ.’

પાન પણ સ્વાસ્થ્યવર્ધક

જામફળના ફાયદાની સાથે એનાં પાન પણ ગુણકારી છે ત્યારે આ વિશે આયુર્વેદિક ક્ષેત્રે ૧૮ વર્ષથી પ્રૅક્ટિસ કરી રહેલાં ડૉ. મયૂરિકા અઘેરા કહે છે, ‘જામફળની જેમ જામફળનાં પાનમાં પણ વિટામિન C ભરભૂર હોવાથી અને એમાં ઍસિડના ગુણધર્મો ન હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાલી પેટ સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. જામફળ અને એનાં પાનમાં એકસમાન ગુણો હોવાથી તમે બન્નેમાંથી કોઈ એકનું સેવન કરશો તો રિઝલ્ટ તમને સેમ જ મળશે, બસ ફરક એટલો છે કે ફળમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઇબર કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવે છે અને પાચનતંત્રના કાર્યને સરળ બનાવે છે. જો જામફળનાં પાન ખાઓ છો તો એને ફ્રેશ ખાવાનો જ આગ્રહ રાખવો જોઈએ. ફ્રેશ પાનને સૂકવીને એનો પાઉડર કરીને તમે કોઈ વાનગી પર ભભરાવીને ખાઈ શકો છો.’

આટલું ધ્યાન રાખજો

 સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ જામફળ વધુપડતું ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે એમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને એનાથી ઝાડા થઈ શકે છે. 

 જામફળના અતિસેવનથી પાચન સંબંધી સમસ્યાઓ જેમ કે ગૅસ, પેટનું ફૂલવું અને આંતરડાની ગતિમાં ફેરફાર થઈ શકે છે. જો તમે ફાઇબર વધુ ખાતા હો તો સાથે-સાથે વધુ ને વધુ પ્રવાહીનું લેતા રહેવું પણ જરૂરી છે. 

 જામફળની તાસીર ઠંડી હોવાથી એ કફ પ્રકૃતિ પેદા કરે છે તેથી એનું મર્યાદિત સેવન જરૂરી છે. જે લોકોના શરીરની તાસીર ઠંડી હોય તેણે જામફળનું સેવન ઓછું કરવું.

 આયુર્વેદ અનુસાર શક્ય હોય એટલાં ઓછાં બીજવાળાં ફ્રૂટ ખાવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે બીજને લીધે શરીરમાં પિત્તનું પ્રમાણ વધે છે. તેથી જો જામફળ પણ ખાઓ તો ઓછાં બીજવાળું ખાવું જોઈએ.

- ડૉ. મયૂરિકા અઘેરા, આયુર્વેદ નિષ્ણાત

health tips life and style diabetes skin care mumbai columnists ayurveda