પનીરનું પાણી ફેંકો નહીં, વાપરો

23 July, 2024 07:38 AM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

પનીરની બાયપ્રોડક્ટ પણ શાકાહારીઓ માટે કેટલી મૂલ્યવાન છે એ જાણશો તો કદી એને વેસ્ટ સમજીને ફેંકશો નહીં

પ્રતીકાત્મક તસવીર

વેજિટેરિયન પ્રોટીન સોર્સ તરીકે પનીર સૌથી વધુ વપરાતું આવ્યું છે પણ પનીર બનાવતી વખતે દૂધને ફાડતી વખતે જે પાણી છૂટું પડે છે એ પણ એટલું જ ગુણકારી છે. એમાં ખૂબ સુપાચ્ય એવું પ્રોટીન રહેલું છે જેનો તમે દાળ-શાક કે સૂપમાં ઉપયોગ કરી શકો છો. પનીરની બાયપ્રોડક્ટ પણ શાકાહારીઓ માટે કેટલી મૂલ્યવાન છે એ જાણશો તો કદી એને વેસ્ટ સમજીને ફેંકશો નહીં.

પ્રોટીનનો ખજાનો ગણાતું પનીર આપણા સૌની થાળીમાં વર્ષોથી રાજ કરે છે પણ આ પનીર મેળવવાના ચક્કરમાં આપણે એની બાયપ્રોડક્ટ તરીકે મળતા પાણીને સાવ જ અવગણીએ છીએ. આ પાણી સાવ નાખી દેવાનું તો નથી જ, અલબત્ત પનીરની જેમ જ એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આ પાણી પોષક તત્ત્વોથી ભરપૂર હોવાને લીધે સ્વાસ્થ્યવર્ધક ગણાય છે.

ગુજરાતી શાકાહારી ભોજન હોય અને પનીરની વાત થાય નહીં એ તો કેમ બને! લગભગ દરેક મિજબાનીમાં જ્યારે કોઈ શાકાહારી થાળી પેશ થાય છે ત્યારે એમાં પનીરની પેશગી તો રાજાની જેમ જ થાય છે. આપણો આવો પનીરપ્રેમ આપણે રોજિંદા ખાણામાં પણ વસાવી ચૂક્યા છીએ એનાથી આપણે જરાય ઇનકાર તો નહીં કરીએ. પણ શું ક્યારેય ઘરે બનતા પનીરમાં રહેલા પાણી તરફ નજર ગઈ છે? છાશ જેવું દેખાતું આ પાણી પણ પનીર જેવી જ ગુણવત્તા ધરાવે છે એવું આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય! ચાલો, ડાયટિશ્યનોની ભાષામાં વે વૉટર તરીકે ઓળખાતા આ પાણીમાં રહેલા ન્યુટ્રિશનનો ખજાનો ખોજવા! 

કેવાં પોષક તત્ત્વો હોય છે?

અભ્યાસો મુજબ વે વૉટર એટલે કે પનીરના પાણીમાં ૯૦ ટકાથી વધુ પાણી જોવા મળે છે. એમાં લૅક્ટોઝ, દ્રાવ્ય મિલ્ક પ્રોટીન (કુલ દૂધ પ્રોટીનના આશરે ૨૦ ટકા), થોડીઘણી ચરબી અને વિવિધ ખનિજો પણ જોવા મળે છે. આ સિવાય એમાં સાઇટ્રિક ઍસિડ, લૅક્ટિક ઍસિડ, યુરિયા અને યુરિક ઍસિડ જેવા બિનપ્રોટીન નાઇટ્રોજનયુક્ત પદાર્થો અને વિટામિન B ગ્રુપનાં વિટામિન્સ જેવાં કે વિટામિન B1 (થાઇમીન), વિટામિન B2 (રાઇબોફ્લેવિન) અને વિટામિન B6 (પાયરિડૉક્સિન) જોવા મળે છે. આ વાત સાથે સહમત થતાં ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ કુંજલ શાહ કહે છે, ‘પનીરના પાણીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે. એ સિવાય એમાં કૅલ્શિયમ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આ પાણી એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર પણ કરી શકાય છે. ભાવે તો એને એમનેમ પી શકાય છે. લોકો એને ઠંડું કરીને છાશની જેમ પણ પીએ  છે. જોકે દરેકને એનો સ્વાદ સારો નથી લાગતો એટલે એને વિવિધ રીતે વાપરવામાં આવે છે. આ પાણીને દાળ-શાકના વઘારમાં, સૂપ કે કરી બનાવવામાં વાપરી શકાય છે. કોઈ પણ એવી વાનગી કે જેમાં પાણી વપરાતું હોય એમાં પનીરનું પાણી વાપરી શકાય છે. આ સિવાય એને દૂધ કે દહીંની સાથે સ્મૂધીમાં પણ નાખી શકાય છે. એ હાઇડ્રેશન માટે પણ બહુ સારું ગણાય છે. એ હાડકાંના સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે અને એનાથી પ્રમાણમાં ઓછી કૅલરી મળતી હોવાથી એ ડાયટ કરતા લોકો માટે મિડ મીલ તરીકે વાપરવામાં આવે છે.’

વે પાઉડરમાં પણ વપરાય

પનીરના પાણીના ઉપયોગો ગણાવતાં કુંજલ શાહ આગળ કહે છે, ‘આ પાણીને ડીહાઇડ્રેટ કરીને એમાંથી વે પાઉડર પણ બને છે. જોકે એમાં બીજી વસ્તુઓ પણ ઉમેરાય છે. એકલો આનો પાઉડર એના પાણી જેટલી અસર નથી આપતો. એમાં એવી ગુણવત્તા નથી જોવા મળતી જેટલી આ પાણીની હોય છે.’

આયુર્વેદમાં વે વૉટર

આજકાલ ફિટનેસ અને ડાયટ વિશેની ચર્ચાઓ વધતાં પનીરનું પાણી બધાની નજરમાં આવવા લાગ્યું છે પણ આયુર્વેદમાં તો વર્ષો પહેલાંથી પનીરના પાણીને ઉપયોગી બતાવવામાં આવ્યું છે. આ વિશે ગોરડિયા આયુર્વેદિક ક્લિનિકના ડૉ. નીતિન ગોરડિયા કહે છે, ‘આ પાણી સ્રોતોરોધ દૂર કરનારું ગણાય છે. એટલે કે આપણી ન્યુટ્રિશન ચૅનલમાં રહેલા અવરોધોને દૂર કરે છે. આ પાણીથી થકાન દૂર થઈ શકે છે, ભૂખ વધે છે અને કફ તથા વાયુ દૂર થાય છે. પનીરનું પાણી મળનું ભેદન કરનારું હોવાથી પાચનની તકલીફ હોય તેમના માટે વધુ સારું ગણાય છે પણ આ પાણી રેચક પ્રકૃતિ ધરાવતું હોવાથી એને બે-ચાર ઘૂંટડા જેટલું લેવું ઠીક છે. એનો મુખ્ય આહાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. આને હંમેશાં કોઈ સાઇડ મીલ તરીકે લઈ શકાય. આ અથાણાં અને મુખવાસ જેવું છે. ઓછું લેવાથી અકસીર રહે અને વધુ લઈએ તો તકલીફ આપે.’

આ પાણી કોણે ન લેવું?

આમ તો આ પાણી લો કૅલરી છે એટલે આને લગભગ બધા જ લઈ શકે છે એમ જણાવતાં કુંજલ શાહ કહે છે, ‘જે લોકો લૅક્ટોઝ-ઇન્ટૉલરન્ટ છે તેમણે આ પાણી ન લેવું. લૅક્ટોઝ-ઇન્ટૉલરન્ટ લોકો દહીં અને છાશ જેવી વસ્તુઓ લઈ શકે છે. આ બન્નેમાં ફર્મેન્ટેશન દરમિયાન લૅક્ટોઝ પ્રોસેસ થઈને લૅક્ટેઝ બની જાય છે. એટલા માટે એ લૅક્ટોઝ-ઇન્ટૉલરન્ટ લોકોને નડતું નથી, જ્યારે પનીરના પાણીમાં લૅક્ટોઝ એના એ જ ફૉર્મમાં રહે છે એટલા માટે લૅક્ટોઝ-ઇન્ટૉલરન્ટ લોકોએ લેવાનું ટાળવું જોઈએ.’

રાંધતી વખતે પનીરનું પાણી વાપરી લો

- સૂપ બનાવવાનો હોય ત્યારે વેજિટેબલ્સના પલ્પને લિક્વિડ કરવા માટે પનીરનું વધેલું પાણી વાપરી શકાય. 

- ચોખા રાંધવાના હોય તો એમાં પણ આ પાણી વાપરી શકાય.

- દાળ કે શાક બનાવતી વખતે જો ઉપરથી પાણી ઉમેરવાનું હોય તો એમાં પણ આ પાણી વાપરી શકાય.

- જેમાં દૂધ વાપરવાનું હોય એવી બેકિંગ પ્રોડક્ટ્સમાં પણ પનીરનું પાણી વાપરી શકાય.

પનીરનું પાણી આમાં પણ વપરાય

- સ્કિન-કૅર માટેઃ વે વૉટર નૅચરલ સ્કિન-કૅર ટૉનિકની જેમ પણ વાપરી શકાય છે. એમાં રહેલું લૅક્ટિક ઍસિડ ત્વચાના મૃત કોષોને દૂર કરીને એને સુંદર બનાવવામાં મદદ કરે છે. એક કૉટન બૉલ લઈને એને આખા ચહેરા પર લગાડી દેવામાં આવે છે. થોડી વાર એમનેમ રહેવા દઈને પછી ચહેરો ધોઈ લેવાથી ત્વચામાં એક અલગ જ તાજગી દેખાય છે.

- આથો લાવવાઃ પનીરના પાણીમાં રહેલાં કુદરતી પ્રોબાયોટિક્સ આંતરડાના સ્વાસ્થ્ય અને પાચનને વેગ આપે છે. શાકભાજી, ફળો કે અનાજમાં આથો લાવવા જે રીતે આપણે છાશના પાણીનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે પનીરનું પાણી પણ વાપરી શકાય છે.

indian food health tips life and style columnists