દરરોજ એક ફળ ખાઓ છો એ સારું કહેવાય પણ એને સાચી રીતે ધોઈને તો ખાઈ રહ્યા છોને?

20 August, 2024 10:25 AM IST  |  Mumbai | Laxmi Vanita

ફળમાં રહેલા પેસ્ટિસાઇડ્સ કૅન્સરજન્ય હોય છે એ સાંભળ્યું હશે, પરંતુ તાજેતરમાં અમેકિન જર્નલમાં ‘ફળોને ધોયા બાદ પણ એના પર રહી જતા પેસ્ટિસાઇડ્સ’ પર પેપર પ્રકાશિત થયું છે જે કહે છે કે ધોયા પછી પણ અમુક કેમિકલ્સ ફળો અને શાકભાજી પર રહી જાય છે. તો કરવું શું?

પ્રતીકાત્મક તસવીર

ભારતના મિનિસ્ટ્રી ઑફ સ્ટૅટિસ્ટિક્સના ૨૦૨૨-’૨૩ના સર્વે મુજબ શહેરના લોકો આહારમાં દૂધ, ફળો, ઍનિમલ પ્રોટીન અને પ્રોસેસ્ડ ફૂડમાં નોંધનીય ખર્ચ કરી રહ્યા છે. જોકે આ ડેટા સાથે વધુ એક સર્વેએ વિચારવાનો મુદ્દો આપ્યો છે. અમેરિકાની જર્નલમાં ફળો પર પ્રકાશિત થયેલા પેપર મુજબ ફળોને સાફ કર્યા બાદ પણ એમાં પેસ્ટિસાઇડ્સના અવશેષો રહી જાય છે જે વ્યક્તિની હેલ્થ માટે જોખમી છે. હવે ફળ એવો આહાર છે જે ૩ મહિનાના બાળકથી લઈને ૮૦ વર્ષના વૃદ્ધના ભોજનમાં સામેલ છે. એમાંય અત્યારે શ્રાવણના ઉપવાસ કરતા અઢળક લોકો સંપૂર્ણ ફળાહારી બની ચૂક્યા છે ત્યારે ફળોથી લાભને બદલે નુકસાન થાય એ તો કોઈ કાળે ચાલે નહીં. આજે ફળોમાંથી મૅક્સિમમ લાભ લેવા માટે એને ખરીદવાની, ખાવાની અને ધોવાની સાચી રીત નિષ્ણાતો પાસેથી જાણીએ.

ફળોમાં પેસ્ટિસાઇડનું ગણિત શું છે?

વનસ્પતિ પર થતા રોગ (પ્લાન્ટ પૅથોલૉજી) પર PhD કરનારી અને ઍગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સિનિયર રિસર્ચ ફેલો તરીકે કામ કરતી ધારા પ્રજાપતિ કહે છે, ‘ફળોને પેસ્ટિસાઇડ્સથી પકાવવામાં આવે છે પરંતુ એમાં અમુક ધારાધોરણ હોય છે. પેસ્ટિસાઇડના પ્રમાણની મર્યાદા નક્કી કરેલી હોય છે એ પ્રમાણે ફળોના પાકમાં ઉપયોગમાં લેવાતાં હોય છે. જે-તે ફળની ખેતી પ્રમાણે પેસ્ટિસાઇડનું પ્રમાણ એક કિલોગ્રામ ફળના પાક પર એક મિલીગ્રામ હોઈ શકે. આ પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કર્યા બાદ અમુક સમયમર્યાદામાં પાકની લણણી થઈ જ જવી જોઈએ જેથી પેસ્ટિસાઇડ્સ ફળોની અંદર એ હદ સુધી ન પહોંચે જે આપણા શરીરને નુકસાન કરે. પરંતુ ક્યારેક પાક લેવામાં મોડું થઈ જતું હોય તો એ ફળો હેલ્થને નુકસાન કરે છે. એ સિવાય જ્યારે પેસ્ટિસાઇડ્સનો છંટકાવ આંકેલી લિમિટ કરતાં વધારે થાય તો એ ફળો પણ હાનિકારક બને છે. આવાં ફળો વેચવાં પણ ગેરકાનૂની છે. ટૂંકમાં ફળો માટે જ્યારે આ માર્ગદર્શિકાનું અનુસરણ નથી થતું અને એ ફળો લોકો સુધી પહોંચે છે તો એવાં ફળો રોગોનું પ્રમાણ વધારે છે. હમણાં તમે જોશો કે કૅન્સરના દરદીઓમાં વધારો થયો છે. એમાં ફળો એકમાત્ર કારણભૂત નથી પરંતુ ફળોમાં વપરાતાં રસાયણોમાં કૅન્સર પેદા કરવાની તાકાત હોય છે એ વાત પણ નકારી તો ન જ શકાય.’

દેખાવડાં ફળોથી દૂર

તો શું ફળ ખાવાનું છોડી દેવું? માર્કેટમાં સુંદર આકર્ષક ફળોને અવગણવાની સલાહ આપતી ધારા કહે છે, ‘વૅક્સી ફ્રૂટ એટલે કે જેના પર વૅક્સ હોય છે એનાથી દૂર રહેવું. લોકો સફરજનની છાલ ઉતારીને ખાવાનું શીખી ગયા, જેના કારણે ઘણાંખરાં પોષક તત્ત્વો નષ્ટ થતાં હતાં. પરંતુ એને બહુ જ સાદી વૉશિંગ પદ્ધતિથી દૂર કરી શકાય છે અને છાલ સાથે ખાઈ શકાય છે. આપણે ત્યાં કેરી જેવાં ફળોને જલદી પકાવવા માટે કૅલ્શિયમ કાર્બાઇડ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ પાઉડર ફળોનો રાઇપનિંગ હૉર્મોન છે. આનો વધુ છંટકાવ થઈ જાય તો એ તબિયત માટે સારું નથી. ઑર્ગેનિક ફળોને પકાવવામાં લોકો નૅચરલ હૉર્મોન એટલે કે કેળાનો ઉપયોગ કરે છે. તમે કોઈ પણ ફળને કેળા સાથે રાખશો તો એ જલદી પાકી જશે. તેથી ઑર્ગેનિક ફળો ઉપરથી, નીચેથી, આજુથી, બાજુથી એમ ક્યાંયથી નુકસાનકારક નથી. મોટાં શહેરોમાં લોકો મૉલમાંથી ગ્રોસરીની શૉપિંગ કરતા થયા છે. જોકે એમાં વાંધો નથી, પરંતુ ત્યાં કેવી રીતે એની ગુણવત્તા ચકાસવી એ જાણી લો. ચમકદાર, આકર્ષક કે વધારે પાકેલાં ફળો કે શાકભાજીથી દૂર રહેવું. એટલે પછી સફરજનમાં એક સ્પૉટ હોય તો એ ન ખરીદવું એવું નહીં પણ એને પહેલાં વાપરી નાખવું. મૉલમાં કદાચ ફળો અને શાકભાજીની આવરદા વધારવા માટે એના પૅકેજિંગમાં પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થતો હોય છે. જોકે એ મર્યાદામાં જ થયો હોય છે. મૉલમાંથી લાવેલી શાકભાજી લાંબો સમય ટકાવી રાખવા કરતાં તરત જ એનો ઉપયોગ કરવો સલાહભર્યું છે.’

જો તમને ફળો કે શાકભાજીને બહારથી કે અંદરથી જોઈને પણ ચકાસણી કરતાં ન આવડતી હોય તો શું કરવું? ધારા કહે છે, ‘આવી સ્થિતિમાં તમારા શાકભાજીવાળા પાસેથી ખરીદવી, કારણ કે તેમની પાસે બધી વસ્તુ તાજી જ હશે. સૌથી જરૂરી વાત એ કે જે જગ્યાએ જે લોકલ વસ્તુ હોય એ જ ખરીદવાનો આગ્રહ રાખવો. અત્યારે સબ્જી મંડીમાં એકદમ સ્મૂધ અને ડાઘ વગરનાં કેળાં આવે છે એ તો બિલકુલ ન ખરીદવાં. અત્યારે કેળાંમાં સૌથી વધારે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થઈ રહ્યો છે અને એના કારણે લોકો થોડાં લીલાં જેવાં કેળાં ખરીદતા થઈ ગયા છે, જે બહુ જ સારી રીત છે. થોડાં લીલાં જેવાં કેળાં બે-ત્રણ દિવસમાં પાકી જાય. સાવચેતીથી ફળો ખરીદીને ખાશો તો હેલ્થને નુકસાન નહીં જ થાય.’

કેવી રીતે ધોવાં જોઈએ?

ક્રિટિકૅર હૉસ્પિટલ જુહુમાં ૨૭ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં ક્લિનિકલ ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ફળો પર પેસ્ટિસાઇડ્સ હોય છે તો પણ ખબર જ છે આપણે ખાવાના છીએ. ફળોને ૫૦૦ મિલીલીટર પાણીમાં ૧૦ ગ્રામ વિનેગર કે બેકિંગ સોડા નાખીને અડધો કલાક સુધી રાખી મૂકવા. ત્યાર બાદ હાથ વડે એક-એક ફળને સાફ કરવું અને ત્યાર બાદ એને સૂકા કપડાથી સાફ કરવા. બે પ્રકારનાં ફળો હોય છે, ન્યુટ્રોપેનિક અને સામાન્ય ફળો. ન્યુટ્રોપેનિક એટલે કેળા, તરબૂચ, શક્કરટેટી વગેરે જેવા ફળો કે જેની છાલ કાઢીને જ ખાઈ શકાય. એમાં રસાયણ ઊંડે સુધી નથી પહોંચવાનું એટલે એની ચિંતા ઓછી હોય છે. જ્યારે સફરજન, પીચ, પ્લમ, પેરુ જેવાં સામાન્ય ફળોમાં લોકો એની છાલ કાઢી નાખતા હોય છે. જોકે આ જ સાદી પદ્ધતિથી ધોઈને ખાશો તો વાંધો નહીં આવે.’

આ જ વિષય પર વધુમાં ધારા કહે છે, ‘સ્ટ્રૉબેરી હાઈલી પૅરિશેબલ એટલે કે જલદી ખરાબ થઈ જાય એવાં ફળોની શ્રેણીમાં સામેલ છે. તેથી સ્ટ્રૉબેરીનું પૅકેજિંગ મૉલમાં કે લારી પર અન્ય ફળો કરતાં જુદું હોય છે. એના પોર્સને કારણે એના બૉક્સ પર ક્યાંયથી હવા પસાર થઈ શકે એવું કાણું નથી હોતું. એટલે જેવી સ્ટ્રૉબેરી ખરીદો કે તરત જ એના બૉક્સને ખુલ્લું કરી દેવું. બેકિંગ સોડા અને વિનેગરવાળી પદ્ધતિથી ધોઈને કોરી કરીને ઉપયોગમાં લેવી. જોકે મહારાષ્ટ્રમાં ફળોની ખેતી ખૂબ જ સારી થાય છે એટલે મુંબઈમાં ફળો લગભગ તાજાં જ મળે છે તો પણ ખાતાં પહેલાં સારી રીતે ધોઈ લેવાં. માર્કેટમાં ફ્રૂટ ક્લીનર્સ પણ આવે છે. જોકે એ કાર્બન ફૂટપ્રિન્ટ્સ વધારે છોડે છે એટલે કે પર્યાવરણ માટે નુકસાનકારક છે એટલે આ સાદી રીત જ અજમાવવી.’

ફળ ધોવામાં આ ભૂલ નહીં કરતા

એકસાથે બે-ચાર સફરજનો કે પેરુ જેવાં ફળો ધોવાનું ટાળવું, કારણ કે ધારો કે ચાર સફરજન છે અને એમાંથી એક સફરજન સહેજ ખરાબ થઈ ગયું છે અથવા તો એમાં વધારે પેસ્ટિસાઇડ્સનું પ્રમાણ છે તો બધાં ફળોને એકસાથે ઘસીને ધોવાથી બાકીનાં ફળો જેમાં પેસ્ટિસાઇડ્સના અવશેષો નથી એને પણ લાગી જશે. એટલે આવાં ફળોને એક પછી એક ધોવાં.

Gujarati food health tips life and style columnists