આ દિવાળીએ તમે શું કરવાનાં છો?

16 October, 2019 03:41 PM IST  |  મુંબઈ | દિવાળી સ્પેશ્યલ - રૂપાલી શાહ

આ દિવાળીએ તમે શું કરવાનાં છો?

દિવાળી સ્નેક્સ

રસોડામાંથી પૂરીઓ તળવાની સુગંધ આવતી હોય, ટાબરિયાંઓ વણેલી-કાપા પાડેલી પૂરીઓ રસોડા સુધી લાવવા-લઈ જવાનું કામ કરતાં હોય, ચોળાફળીના પાતળા ટુકડા કપાતા હોય, એક બાજુ ઘૂઘરાની કોર વળાતી હોય અને બીજી બાજુ તૈયાર થયેલા નાસ્તા ડબ્બામાં ભરાતા હોય. રસોડામાં એકસાથે દાદી, મમ્મી અને કાકીનું રાજ રહેતું હોય એવી દિવાળીનું દૃશ્ય હવે બહુ ઓછું જોવા મળે છે. જોકે હજીયે કેટલાક પરિવારો એવા છે જેમને ત્યાં ટ્રેડિશનલ નાસ્તા-મીઠાઈ ઘરે બનાવવાનો ટ્રેન્ડ બરકરાર છે.

જે સંયુક્ત કુટુંબો વિભક્ત થતાં જાય છે ત્યારે દરેક ઘરમાં રસોડાની રાણી એકલી જ હોય છે. વળી સમયનો અભાવ કહો કે ભાવનાઓનો દુકાળ, પણ દિવાળીમાં બનતા ઘરના નાસ્તા ધીમે-ધીમે અદૃશ્ય થતા જાય છે. બહારના ખાવાનું ચલણ પણ વધ્યું છે. દિવાળીના દિવસોમાં ઘરની જ બનાવેલી વાનગીઓ ખાવાનો એક જમાનો હતો. દિવાળી આવે એ પહેલાં કયો નાસ્તો બનાવવો એનું લિસ્ટ બનાવાતું અને એનો આનંદ પણ આવતો. આસપાસનાં ઘરો અવનવી વાનગીઓની સોડમથી ઊભરાઈ જતાં. ઘૂઘરા, ફાફડા, મઠિયાં, મગસ, ગોબાપૂરી, સાતપડી, ચકરી, પૌંઆનો ચેવડો, દાળમૂઠ, સેવ, ફૂલવડી જેવા ઘરના નાસ્તાનો જલસો થતો. જોકે, આજે બહારનો તૈયાર નાસ્તો ફૅશન અને મૉડર્ન ટ્રેન્ડ બની ગયો છે છતાં અનેક ઘરો એવા છે જ્યાં હજુ પણ નાસ્તાઓની મહેક જળવાઈ રહી છે.

ગમે એટલો રૂપિયો ખર્ચો, પણ બહારના નાસ્તામાં એ ‘અમી’ ક્યાંથી મળે?

ભાવનગર પાસેના સિહોર ગામનાં અને અત્યારે દહિસર રહેતાં રેખાબહેન મહેશ દોશી કહે છે, ‘અમારે ત્યાં દિવાળીના નાસ્તા માટે કોઈ રિવાજ કે બંધન નથી, પણ ઘરના બધા ખાવાના શોખીન હોય અને ઘરનું જ ભાવતું હોય એટલે નાસ્તા તો ઘરમાં જ બનેને. ગમે એટલો રૂપિયો ખર્ચો, પણ બહારના નાસ્તામાં એ ‘અમી’ ક્યાંથી મળે? ત્રણ પેઢીથી અમારે ત્યાં શક્કરપારા, ફરસી અને તીખી પૂરી, ઘૂઘરા, ચકરી, ચેવડો, તીખી સેવ, કોપરાપાક અને મગજના લાડું બને છે. અત્યારે હું અને મારી વહુ કિંજલ સાથે મળીને બધું બનાવીએ છીએ. નવી આઇટમ બને એટલે પડોશમાં પણ મોકલવાની. ધનતેરસે અમારે ત્યાં તાવડો નથી મુકાતો. એ દિવસે અમે ફાડા લાપસી (ઓરમું) કરીએ છીએ તેમ જ દિવાળીના દિવસે ઘઉંના જાડા લોટનો વેલણથી કંસાર બનાવીએ.’

ખૂબ પ્રૅક્ટિસ કરીને ઘૂઘરાની કાંગરી વાળતાં શીખી છું અને દીકરી-વહુને પણ શીખવ્યું

મૂળ વડોદરા નજીકના સિનોર ગામનાં અને અત્યારે અંધેરીમાં રહેતાં ચંદ્રિકાબહેન વિપિનભાઈ શાહ જણાવે છે, ‘દિવાળીના નાસ્તા બનાવવામાં મહેનત ખરી, પણ સ્વજનો સાથે તહેવારની ઉજવણી એ લાગણી અને સંપનું પ્રતીક છે. મને પણ મારાં મમ્મી-પપ્પાની જેમ ખવડાવવાનો શોખ છે. ભાવતું તો બધાને જ હોય, પણ બનાવીએ જ નહીં તો ઘરના લોકો ખાય ક્યાંથી? એટલે થોડું તો થોડું બનાવતા રહેવું. આજની પ્રજાને મહેનત કરવી નથી ગમતી. વળી આજે લોકોને ઘરનું તીખું, તળેલું નથી ખાવું, પણ બહારના પીત્ઝા, પાસ્તા હોંશે-હોંશે ખાય છે.’ ચંદ્રિકાબહેનને ત્યાં ઘૂઘરા, ચોળાફળી અને ફરસી પૂરી ઘરે જ બને છે. તેઓ અડોસપડોસમાં, જેઠાણીને ત્યાં, તેમની દીકરીને ત્યાં હેલ્પ કરવા પણ જાય છે. તેમની ફ્રેન્ડ્સ તેમની પાસે ઘૂઘરાની ખાસ ડિમાન્ડ કરે છે. તેઓ કહે છે, ‘શરૂઆતમાં મને પણ કાંગરી પાડતા નહોતી આવડતી. બધું તૈયાર હોય, પણ કાંગરી માટે કોઈના પર આધાર રાખીને બેસી રહેવું પડે. પછી પાડોશી પાસે રોજ રોટલીનો એક લુવો લઈને જાઉં અને એના પર પ્રૅક્ટિસ કરીને કાંગરી વાળતા શીખી. ઘૂઘરા ભરવા અને કાંગરી વાળવામાં પર્ફેક્શન જોઈએ. ઘૂઘરાનું પેટ દબાવું પણ ન જોઈએ અને ઘૂઘરો ખાલીય ન રહેવો જોઈએ.’ આજે તેમની દીકરી નિકિતા મનીષ પૉલીશવાલા અને વહુ સોનલ મુનિશ શાહની પણ ઘૂઘરામાં માસ્ટરી છે. કાંગરી વાળેલો એક પણ ઘૂઘરો તળતી વખતે ફાટે નહીં એની ખાતરી. ચંદ્રિકાબહેનને ત્યાં આજે પણ ધનતેરસથી ભાઈબીજ સુધી તેલ અને તાવડાનો ઉપયોગ નહીં થાય એટલે રોટલી-ભાખરી ન થાય. પૂરી બને એ પણ ઘીમાં. કાળી ચૌદશનાં વડાં ચકલે મૂકીને પાણીનું કુંડાળું કરી કકળાટ કાઢવાનો અને બલિપ્રતિપદા દિન એટલે કે બેસતા વર્ષને દિવસે વહેલી સવારે કચરો કાઢવો જેવા રિવાજ હજી જળવાયેલા છે. 

સગાંસંબંધીઓને આમના હાથનો દિવાળીનો નાસ્તો બહુ ભાવે

મૂળ ઉત્તર ગુજરાતના આજેલ ગામનાં અને અત્યારે કાંદિવલી-ઈસ્ટમાં રહેતાં મીનાક્ષી પ્રમોદભાઈ શાહ કહે છે, ‘ઘરે બનાવેલા દહીંથરા, ફરસી પૂરી, ઘૂઘરા, ચોળાફળી, ચકરી, ચેવડો, ચણાની દાળ, મગ, ગળ્યા-તીખા શક્કરપારા અને મગદળ વગર અમને દિવાળી અધૂરી જ લાગે.’ મીનાક્ષીબહેનના હાથના નાસ્તાનો ચટાકો તેમના સર્કલમાં ઘણાને છે. દિવાળીનો નાસ્તો બને એટલે નણંદ, દીકરા, દીકરી તેમ જ પાડોશીના ઘરે પણ ડબ્બો ભરીને નાસ્તો પહોંચી જાય. ખાવું અને ખવડાવવું બન્ને તેમને ગમે છે એટલે નાસ્તો બનાવવામાં તેમને કોઈ કડાકૂટ નથી લાગતી. મીનાક્ષીબહેનનાં વડોદરાથી આવેલાં નણંદ હેમાબહેન કહે છે, ‘મારા ભાભી રસોઈના રાણી છે. તેઓ ફક્ત નાસ્તા માટે જ નહીં, પણ પાણીપૂરી, ઊંધિયું, દાળ અને કૉફીના સ્વાદ માટે પણ ફેમસ છે. તેમણે મારાં મમ્મીનો વારસો જાળવ્યો છે. દિવાળી ઉપરાંત વર્ષ દરમ્યાન તેઓ વડી, ચોળાની દાળની વડી, ગેસ (ચોખાની) વડી, સારેવડાં, કણકીનાં બીબડાં, સાબુદાણાની ફરફર, કેળા-સાબુદાણાની ચકરી, જાત-ભાતના ખાખરા પણ બનાવે છે અને આ બધું બનાવવાની સાથે મારાં ૯૫ વર્ષનાં મમ્મીની પણ સેવા એટલા જ ભાવથી કરે છે.’

દીકરા-દીકરીઓને ત્યાં મોકલવા માટે પણ ઘરે દિવાળીના નાસ્તા બનાવું

ભાવનગર પાસેના પચ્છે ગામનાં અને હાલમાં માટુંગા સેન્ટ્રલમાં રહેતાં હેમલતા હરકિસનદાસ સોની માને છે કે એકલા ખવાતું નથી અને એકલા જીવાતું નથી. તેઓ એકલા રહે છે, પણ તહેવાર તો સ્વજનો સાથે જ માણવાની મજા આવે એવું જણાવતાં તેઓ કહે છે, ‘મારે ત્યાં રમતા ઠાકોરજી છે. દિવાળી વખતે મેસૂર, બરફી, પૂરણપોળી, સેવ બિરંજ એવી ૧૧થી ૧૫ જેટલી વસ્તુઓ તેમને માટે બનાવું. બહારની ચોળાફળી તો મને બહારની ભાવતી જ નથી એટલે એ પણ ઘરે જ બને. એ ઉપરાંત ધનતેરસને દિવસે ફાડા લાપસી અને કાળી ચૌદશે માતાજીના ઘીના નૈવેધ હોય એમાં રતન, બદામ, દીવડી, પૂરી એમ નવ વસ્તુઓ બને. એ દિવસે ઘરના બધા ભેગા થાય ત્યારે દિવાળીના નાસ્તાના ડબ્બા પણ ખૂલે અને મારાં દીકરાઓ, દીકરી તેમ જ સાસુને પણ નાસ્તાઓ મોકલું એટલે નાસ્તા તો બને જ.’

આ પણ વાંચો : જૈન કોકોનટ કરી-રાઇસ

ઠાકોરજીને ભાવથી ધરવા માટે અન્નકૂટ બનાવું

અનેક કામ વચ્ચે ડૉ. નિધિ દિનેશ કસ્તૂરે દિવાળી દરમ્યાન ઠાકોરજીના અન્નકૂટની તૈયારી કરે છે. તેઓ કહે છે, ‘હું કોઈ પરંપરા જાળવવા આ નથી કરતી. અન્નકૂટ માટે મારો કોઈ આગ્રહ પણ નથી છતાં ઠાકોરજી માટે કઈક કરું એવી ભાવનાથી ડબ્બાઓ ભરીને નહીં, પણ એક-એક બાઉલ જેટલી બની શકે એટલી વધુ આઇટમ્સ બનાવવાની કોશિશ કરું છું.’ એ માટે અઠવાડિયા અગાઉથી તૈયારીઓ શરૂ થાય છે. એક દિવસ ચાસણીની આઇટમમાં ઘેવર, મઠડી, મોહનથાળ, બુંદી, ગુલાબજાંબુ તો બીજે દિવસે ચાર પ્રકારની સેવ, પૂરી એમ ખારી વસ્તુ. એક આખો દિવસ મેંદા અને રવાના, ડ્રાયફ્રૂટ્સ, માવાના ઘૂઘરા, ચૉકલેટ, ત્રિરંગી બરફી, કાજુકતરી અને છેલ્લે દૂઘઘીની સામગ્રીમાં પેંડા, બરફી, રબડી, બાસુંદી, ખીર બને. અન્નકૂટને દિવસે તેમની બહેન સપના જયેશ પારેખ અને ભાભી શીતલ તુષાર ચિતલિયા મદદે આવી પહોંચે. પાંચ જાતના ભાત, પાંચ શાક, કચુંબર, રાઈતાં, બટેટાવડાં, ભજિયાં બધું બને. તેઓ દૃઢપણે માને છે કે ઠાકોરજી માટે કરેલું બધાને કહેતા ફરીએ તો આપણામાં ગર્વ આવી જાય અને પુષ્ટિમાર્ગમાં ગર્વ કરો તો તમે કરેલું બધું ધોવાઈ જાય. 

diwali Gujarati food mumbai food indian food