દિવાળીમાં આ વર્ષે મહેમાનો સામે મૂકજો મુખવાસનું આ મેનુ-કાર્ડ

18 October, 2024 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યસ, સિમ્પલ બજારમાંથી મળતા મુખવાસને બદલે ઘરે જ કેટલાક નવા અખતરાઓ સાથે સ્વાદ અને સ્વાસ્થ્ય બન્ને આપે એવી શેફ નેહા ઠક્કરની મજેદાર મુખવાસ બનાવવાની રેસિપી ટ્રાય કરી જુઓ

બારમાસી મુખવાસ

ખજૂર પાન મુખવાસ


સામગ્રી : ૨૦૦ ગ્રામ કાળી ખજૂર, સાત નંગ કલકત્તા પાન, પાંચ ચમચી વરિયાળી, બે ચમચી વરિયાળીનો ભૂકો, બે ચમચી આમચૂર પાઉડર, અડધી વાટકી સૂકું કોપરું, બે ચમચી શેકેલા જીરાનો પાઉડર

રીત: સૌથી પહેલાં પાનને ધોઈ સાફ કરી નસ કાઢી નાખવી. એ પછી કોરા કરી ઝીણા સમારવાં. ખજૂરને વચ્ચેથી કટ કરી ઠળિયા કાઢવા. એક કાચના બાઉલમાં બાકીનો મસાલો મિક્સ કરી એમાં ઝીણાં સમારેલાં પાન ઉમેરવાં. હવે ખજૂરની અંદર મસાલો ભરીને ફ્રિજમાં ઠંડું કરવા મૂકો. ઠંડું સર્વ કરો. દિવાળી માટે ખૂબ ટેસ્ટી અને યુનિક તૈયાર છે ખજૂર પાન મુખવાસ.

બારમાસી મુખવાસ

સામગ્રી: ૨૦૦ ગ્રામ ધાણાદાળ, ૨૦૦ ગ્રામ વરિયાળી, ૧૦૦ ગ્રામ ઝીણી સોપારી, ૧૦૦ ગ્રામ ખજૂર કત્રી, ૧૦૦ ગ્રામ કોપરાનું છીણ, ૧૦૦ ગ્રામ ગુલકંદ, એક ચમચી પાનની ચટણી, પાંચ મિન્ટ સળી, એક નાની ચમચી રસના પાનમસાલો, ૧૦૦ ગ્રામ ટૂટીફ્રૂટી,૫૦ નંગ પાન

રીત : નાગરવેલનાં પાનને સારી રીતે ધોઈને કોરાં કરી એને ઝીણાં સમારી લો. ઉપર જણાવેલી દરેક સામગ્રી એક મિક્સિંગ બાઉલમાં લઈને મિક્સ કરો.
તૈયાર કરેલા મિશ્રણને ત્રણથી ચાર દિવસ માટે તડકામાં સૂકવવા મૂકો. બે દિવસમાં કોરું પડી ગયેલું લાગે તો એક-બે દિવસ વધારે રાખવું.
તૈયાર મુખવાસને ઍરટાઇટ ડબામાં ભરી લો. આ દિવાળીમાં મહેમાનોનું સ્વાગત મુખવાસ દ્વારા કરો. આ આખું વર્ષ ખાઈ શકાય એવો મુખવાસ છે એટલે દિવાળી પછી પણ તમારા ટેસ્ટ બડ્ઝના આશીર્વાદ તમને મળતા રહેશે.

આમળાં-બીટનો મુખવાસ 


સામગ્રી : ૬ નંગ આમળાં, ૧/૨ નંગ બીટ, ૧૦ નંગ નાગરવેલનાં પાન, ૨ ચમચી વરિયાળી, ૧/૨ કપ ખડી સાકર, ૨ નંગ એલચી, ૪ નંગ કાળાં મરી, ૧ ચમચો સંચળ પાઉડર, ૧ વાટકી ગુલાબની પાંદડી, ચપટી કેસરના તાંતણા, ૫ ચમચી રંગબેરંગી વરિયાળી, ૧/૪ ચમચી એલચી પાઉડર

રીત: સૌથી પહેલાં આમળાને ધોઈ લૂછીને છીણીને કાચના બાઉલમાં કાઢી લો. બીટને ધોઈ છાલ કાઢીને છીણી લો અને અલગ બાઉલમાં રાખો. હવે મિક્સર-જારમાં ખડી સાકર, એલચી, વરિયાળી અને કાળાં મરી ઉમેરીને પાઉડર બનાવી લો. નાગરવેલનાં પાનને ધોઈ, લૂછીને કાતરથી ઝીણાં કાપી લો. હવે એક પહોળા વાસણમાં આમળાં અને બીટની છીણ લો, એમાં પીસેલો મસાલો, કાપેલાં નાગરવેલનાં પાન, ગુલાબની પાંખડીઓ અને કેસરના તાંતણા, સ્વાદ મુજબ સંચળ પાઉડર ઉમેરીને બધું જ સરસ હલાવી લો. હવે સ્ટીલની થાળીમાં પેપર પાથરીને એના પર આમળાંના બનાવેલા મિશ્રણને પહોળું કરી ઉપર સફેદ પાતળું કપડું ઢાંકીને તડકામાં ૩ દિવસ સૂકવો. દરરોજ સાંજે અને સવારે ચમચીથી ઉપર-નીચે કરીને ફરી કપડું ઢાંકીને રાખો. ૩થી ૪ દિવસ પછી આમળાં, બીટ સરસ સુકાઈ જશે. સરસ સુકાયેલાં આમળાં-બીટના મિશ્રણને બાઉલમાં કાઢી લો. પછી એમાં રંગબેરંગી વરિયાળી, એલચી પાઉડર સરસ રીતે ભેળવી લો. હવે તૈયાર છે દિવાળી માટે સ્પેશ્યલ આમળાં-બીટનો મુખવાસ. મહેમાનો પણ ખાઈને ખુશ થઈ જશે.

દિવાળી સ્પેશ્યલ પૌંઆનો મુખવાસ


સામગ્રી : અડધો કપ પાતળા પૌંઆ, એક ટેબલસ્પૂન વરિયાળી, બે ટેબલસ્પૂન ધાણાની દાળ, એક ટેબલસ્પૂન મગજતરીનાં બીજ, પા કપ કોપરાનું છીણ, બે ટેબલસ્પૂન ટૂટીફ્રૂટી, ત્રણ ટેબલસ્પૂન પાઉડર સાકર, એક નાની ચમચી હીરા-મોતી પાનમસાલો, એક નાની ચમચી સંચળ પાઉડર

રીત: સૌપ્રથમ પૌંઆને એક પૅનમાં ધીમા તાપે એક મિનિટ શેકી લેવા અને ઠંડા થવા દેવા. પછી એને મિક્સરના જારમાં પાઉડર બનાવી લેવો. હવે આ જ પૅનમાં વરિયાળી ધીમા તાપે શેકી લેવી. હવે એમાં ધાણાની દાળ અને મગજતરીનાં બી ઉમેરીને ડ્રાય રોસ્ટ કરી લેવાં. કોપરાનું છીણ ઉમેરી ત્રીસ સેકન્ડ રોસ્ટ કરી લેવું. ગૅસ બંધ કરી ટૂટીફ્રૂટી નાખી બરાબર હલાવી લેવું. મિશ્રણ ઠંડું થવા દેવું. એક મોટા બાઉલમાં પૌંઆનો પાઉડર, શેકેલું ઠંડું થયેલું મિશ્રણ નાખી દેવું. હવે એમાં પાઉડર સાકર, હીરામોતી પાનમસાલો અને સંચળ નાખી બધું બરાબર મિક્સ કરી લેવું. ડબ્બામાં આ મુખવાસ ભરી લો. તો તૈયાર છે મહેમાનો માટે પૌંઆનો મુખવાસ

indian food Gujarati food mumbai food life and style diwali festivals mumbai chef