01 February, 2025 12:33 PM IST | Surat | Sanjay Goradia
સંજય ગરોડિયા
આ અગાઉ આપણે જે સુરતની મલાઈની ફૂડ-ડ્રાઇવ કરી એ પછી મને બહુ બધા મિત્રોના ફોન આવ્યા. તેમને અચરજ થતું હતું કે આવી પણ વરાઇટી સુરતમાં મળે છે અને મને એ વાતનું આશ્ચર્ય થતું હતું કે મેં ક્યાં કોઈ નવી વાત કરી છે? હું તો ૪૦ વર્ષથી સુરતમાં મલાઈ ખાતો આવું છું અને અહીંના લોકોને એની ખબર સુધ્ધાં નથી. હશે, ઠીક છે. હવે ખબર પડી તો હવે સુરત જાઓ ત્યારે મલાઈનો આસ્વાદ માણજો, પણ સાથોસાથ એ મલાઈ ખાઈ લીધા પછી સુરતના જ ચૌટા પુલની નીચે આવેલી ચૌટાબજારમાં જોષી જેશંકર ધનજીભાઈ ભજિયાવાળાને ત્યાં પણ જઈ આવજો. જો હમણાં જ જવાના હોય તો જેશંકરભાઈને ત્યાં મળતું ઊંધિયું અને બાફેલું કંદ ખાસ ખાજો કારણ કે એ શિયાળામાં જ મળે. જોષી જેશંકર ધનજીભાઈ ભજિયાવાળા ૧૦૦ વર્ષથી દુકાન ચલાવે છે. અત્યારે તેમની ચોથી પેઢી વેપાર કરે છે.
બન્યું એવું કે જોષી જેશંકર ધનજીભાઈ ભજિયાવાળાના માલિક નીતિનભાઈ મારું નાટક જોવા આવ્યા. નાટક પછી અમે મળ્યા અને મેં તેમને કહ્યું કે આ વખતે બાફેલું કંદ ખાવાનું હજી બાકી છે. મને કહે કે કાલે જ આવો. બીજા દિવસે મારે થોડી નિરાંત હતી એટલે બપોરે હું તો ઊપડ્યો જોષીભાઈની દુકાને. પણ સાહેબ, ત્યાં જઈને મને તો અવનવી વરાઇટીનો આસ્વાદ માણવા મળ્યો. એ બધામાં હું બે આઇટમની ખાસ વાત કરીશ.
એક, સુરતી ઊંધિયું. એવું સુરતી ઊંધિયું હતું કે મેં તો એ સિઝલરની જેમ લુખ્ખું જ ખાધું અને સુરતી ઊંધિયાની એ જ મજા છે. સુરતી ઊંધિયું તમે સિઝલરની જેમ ખાઈ શકો અને કાઠિયાવાડી ઊંધિયું ખાવા માટે તમારે પૂરી કે રોટલી લેવી પડે. મારી વાત કરું તો મને બન્ને ઊંધિયાં ભાવે પણ સુરતી ઊંધિયું મારા માટે જરાક વધારે વહાલું. જોષીભાઈના સુરતી ઊંધિયામાં નામપૂરતું જ તેલ હતું. સ્વાદમાં એ સહેજ ખારું, ગળ્યું અને તીખું લાગે. તમે એકેક શાક એમાંથી તારવીને ખાઈ શકો, આ પણ સુરતી ઊંધિયાની ખાસિયત છે.
હવે વાત કરું બાફેલા કંદની. તમને થાય કે કંદને બાફી નાખ્યું હોય એમાં વળી બીજું શું નવીન હોય? તો ના, એવું નથી. જોષી જેશંકર ધનજીભાઈમાં મળતું કંદ તેલમાં બાફવામાં આવે છે. હા, એ આ લોકોની ખાસ ટેક્નિક છે. તેલમાં બફાયું હોય એટલે સિંગતેલનો આછો સરખો સ્વાદ અને સોડમ આખા કંદમાં પ્રસરી ગયાં હોય. બાફેલા કંદ પર નિમક, કાળાં મરી હોય અને એના પર આછું સરખું લીંબુ છાંટવાનું. તમને એમ થાય કે બસ, ખાધા જ કરીએ, ખાધા જ કરીએ. કંદ પણ શિયાળામાં જ થતાં હોવાથી એની સાચી ખાવાની મજા આ જ સીઝનમાં આવે.
આ બે વરાઇટી ઉપરાંતની ત્રીજી વરાઇટી કહું તો એ હતી તિરંગી ઈદડાં. તમને થાય કે આમાં પણ શું નવાઈ? તો સાહેબ, તમે જોષી જેશંકરમાં આવ્યા હો ને કંઈ નવીન જોવા ન મળે એવું ન બને. તિરંગી ઈદડાંની વાત કરતાં પહેલાં ઈદડાંની ઓળખ આપી દઉં. ઈદડાં એટલે આપણાં ખાટાં ઢોકળાં. સુરતમાં એને ઈદડાં કહે. ઈદડાંની નીચે લીલા લસણમાંથી બનેલો મસાલો પાથર્યો હોય અને એની નીચે સુરતી ખમણનું પડ હોય. આ આઇટમ પણ શિયાળા પૂરતી સીમિત હશે એવું મારું માનવું છે કારણ કે લીલું લસણ પણ શિયાળામાં જ આવતું હોય છે.
સુરત જાઓ ત્યારે મલાઈ ખાધા પછી ચારેક કલાકનો બ્રેક લઈ બપોરે પહોંચી જજો ચૌટાબજારમાં જોષી જેશંકર ધનજીભાઈને ત્યાં અને શિયાળાની ઉજવણી કરજો એવું હું તમને ખાસ સૂચવું છું.