23 November, 2024 11:48 AM IST | Ahmedabad | Sanjay Goradia
પોપટલાલ સેન્ડવીચ અને મસ્કાબન
મારા મતે સૅન્ડવિચ હવે ભારતના નૅશનલ સ્ટ્રીટ ફૂડના લિસ્ટમાં આવી ગઈ છે. દરેક શહેરની મુખ્ય બજારમાં તમને સૅન્ડવિચ મળી જ જાય. હા, એની સાથે આપવામાં આવતી ચટણીના સ્વાદમાં એરિયા મુજબના ફેરફારો થયા કરે. હમણાં હું અમદાવાદ ગયો. તમને ખબર નહીં હોય પણ આપણે ત્યાં જે મસાલા ટોસ્ટ મળે છે એનું જનક આ અમદાવાદ છે.
દસકાઓ પહેલાં અમદાવાદમાં આલૂ-મટર સૅન્ડવિચ શરૂ થઈ, જે પૉપ્યુલર થઈ એટલે બીજાએ પણ બનાવવાનું શરૂ કરી દીધું. સમય જતાં એના સ્વાદમાં અખતરા થતા ગયા અને આજના મસાલા ટોસ્ટ બન્યા, પણ જો તમારે હજી પણ ઓરિજિનલ આલૂ-મટર સૅન્ડવિચ ખાવી હોય તો અમદાવાદ જવું પડે. અમદાવાદમાં અમુક જગ્યાએ હજી પણ આલૂ-મટર સૅન્ડવિચ મળે છે અને એમાં પણ અમદાવાદની વી. એસ. હૉસ્પિટલની સામેની ગલીમાં આવેલી પોપટલાલ સૅન્ડવિચ ઍન્ડ મસ્કાબનની આલૂ-મટર સૅન્ડવિચની તો વાત જ જુદી છે. મને આ પોપટલાલની સૅન્ડવિચની કેમ ખબર પડી એ કહું.
હું મારી આગામી ગુજરાતી ફિલ્મની વર્કશૉપ માટે અમદાવાદ ગયો. મને લેવા માટે પ્રોડક્શન હાઉસમાંથી એક છોકરો આવ્યો, તેની પાસે પ્લાસ્ટિકની થેલી હતી. પૂછ્યું ત્યારે જે જવાબ મળ્યો એ મજાનો હતો.
‘આમાં તો પોપટકાકાની સૅન્ડવિચ છે.’
મિત્રો, મને રસ પડ્યો નામમાં, ‘પોપટકાકા’. મને ખબર પડી કે એ જગ્યા મારી હોટેલથી સાવ નજીક છે એટલે મેં તો ગાડી લેવડાવી પહેલાં પોપટકાકાને ત્યાં અને ત્યાં જઈને મેં સૌથી પહેલાં મગાવી આલૂ-મટર વેજ સૅન્ડવિચ. આ સૅન્ડવિચમાં શું હોય એ કહું.
બાફેલા બટાટા અને લીલા વટાણાને એકદમ ક્રશ કરી એનો માવો બનાવે અને પછી એમાં બધા મસાલા નાખે, જેમાં સહેજ ગળપણ પણ હોય. કેટલાક આ માવામાં હળદર નાખે છે પણ હકીકતમાં એમાં હળદર નાખવાની નથી હોતી. ઍનીવેઝ, બ્રેડ પર બટર અને ચટણી લગાવી એના પર આ માવો મૂકવાનો અને પછી એની ઉપર કાકડી, ટમેટાં, બીટ, કાંદાની સ્લાઇસ મૂકી તમને આપે. મજા પડી જાય એવો ટેસ્ટ. આલૂ-મટરનો જે માવો હતો એ અદ્ભુત હતો, પણ એની ઉપર ગોઠવેલાં જે વેજિટેબલ્સ હતાં એ પેલા માવાને કૉમ્પ્લીમેન્ટ કરતાં હતાં. સૅન્ડવિચ સાથે મળતી ગ્રીન ચટણીની તીખાશ પણ અદ્ભુત હતી. અહીં ફક્ત અમૂલ બટર જ વાપરે છે. અમૂલ બટરનો સ્વાદ પણ એમાં હતો. સૅન્ડવિચમાં મૂકેલો જે માવો હતો એના પર એક પણ જાતની બીજી પ્રોસેસ કરવામાં નહોતી આવી. બાફેલા બટાટા અને બાફેલા લીલા વટાણા, પછી એમાં તેલ પણ ઉમેરવાનું નહીં.
આ પોપટલાલને ત્યાં જાતજાતની સૅન્ડવિચ મળે છે. વેજિટેબલ સૅન્ડવિચ, આલૂ-મટર સૅન્ડવિચ, મેં જે ખાધી હતી એ આલૂ વેજ મિક્સ સૅન્ડવિચ અને એવી બીજી પણ સૅન્ડવિચ. ભાવ પણ રીઝનેબલ. ચાલીસથી લઈને સો રૂપિયાની આસપાસ. અરે હા, અમદાવાદમાં એક નવી જમાત પણ હમણાં જન્મી છે જે ચૉકલેટ સૅન્ડવિચ પણ ખાય છે. કેવી રીતે ચૉકલેટ સૅન્ડવિચ ખાઈ શકાય એ મને હજી પણ સમજાતું નથી, પણ લોકો ખાય છે એટલે જ બનાવતા હશે. બીજી પણ એક ખાસ વાત કહું. સ્લાઇસ સૅન્ડવિચ. એમાં કેવું હોય કે ખાઈ લીધા પછી આપણે ભૈયા પાસે સ્લાઇસ માગતા હોઈએ પણ અમદાવાદમાં તો એ લોકોએ સ્લાઇસ વેચવાનું જ ચાલુ કરી દીધું. બટર, ચટણી સ્લાઇસ, જૅમ, ચીઝ, ચીઝ-જૅમ અને એવી અનેક વરાઇટી હોય. પોપટલાલને ત્યાં મેં જે સૌથી ઇન્ટરેસ્ટિંગ સ્લાઇસ જોઈ એ સિંગ-સેવ સ્લાઇસ.
બ્રેડની સ્લાઇસને ચારે બાજુથી કાપી એના પર અમૂલ બટર અને લીલી ચટણી લગાડે અને પછી ઉપર સહેજ ગળપણ અને તીખાશવાળી જે મસાલા સિંગ હોય એ નાખી સિંગ પર સેવ પાથરીને તમને આપે. સ્લાઇસની સૉફ્ટનેસ અને સિંગ-સેવની ક્રન્ચીનેસ. મેં તો એ ટ્રાય કરી એટલે કહું છું, શું એનો સ્વાદ હતો!
આહાહાહા...
ભૂલતા નહીં આ નવો ટેસ્ટ કરવાનું, પણ હા, જો ઘરે આ સૅન્ડવિચ બનાવો તો યાદ રાખજો કે બટર અને વેજિટેબલ્સનો પણ પોતાનો સ્વાદ હોય એટલે જે માવો બનાવો એમાં અમુક મસાલા મર્યાદામાં નાખવાના અને જો એ મર્યાદાનો અણસાર ન આવે તો એક વાર અમદાવાદ જઈને પોપટલાલને ત્યાં જઈને ટેસ્ટ કરી આવજો. પોપટલાલને ત્યાંથી નીકળતી વખતે મને એક વિચાર મનમાં ઝબકી ગયો.
આ આલૂ-મટર સૅન્ડવિચ જો મુંબઈમાં શરૂ થાય તો એ ચોક્કસ ચાલે.