14 August, 2023 04:34 PM IST | Mumbai | Rashmin Shah
નવીન પ્રભાકર
રોટી, કપડાં અને મકાન.
જીવનમાં આ ત્રણ વસ્તુ મહત્ત્વની છે અને આ હું નથી કહેતો, સદીઓથી કહેવાતું આવી રહ્યું છે. જીવનની આ ત્રણ આવશ્યક વાતમાં તમે જુઓ, રોટીને પહેલા સ્થાને મુકાઈ છે એટલે તમે એનું મહત્ત્વ સમજી જ શકો છો. મારા માટે સારું ભોજન એટલે આત્મસંતુષ્ટિ છે. સૌથી ઉચ્ચ સ્તરનો સંતોષ. અમુક ખાસ વરાઇટી ખાવા માટે તો હું ટ્રાવેલ કરતાં પણ ખચકાતો નથી. મુંબઈમાં મળતી કોઈ પણ જગ્યાની ટપરીવાળી ચા પીવાનો હું જબરો શોખીન છું. વડાપાંઉ ખાવા માટે હું કર્જત અને લોનાવલા સુધી પણ જાઉં છું. મુંબઈની ઘણી જગ્યાઓ છે જે મારી ખાવા માટે ફેવરિટ છે. ઈવન વિદેશમાં પણ અમે જ્યારે શો માટે ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે અમુક ફિક્સ દેશોમાં ફિક્સ જગ્યાઓ છે જ્યાં માત્ર ટેસ્ટી ફૂડ ખાવાના પર્પઝથી જવાનું થાય. અફકોર્સ, હવે તો બધે જ ઇન્ડિયન ફૂડ પણ મળવાનું શરૂ થઈ ગયું છે પણ પચીસ વર્ષ પહેલાં ત્રીસ કિલોમીટર ટ્રાવેલ કરીને એક સારી જગ્યાએ ભોજન માટે જવું પડતું અને હું એ માટે જતો પણ ખરો. મારી સાથે ટીમમાં હોય એવા અનેક લોકો મને પાગલ કહેતા પણ મને એ લોકો પર દયા આવતી કે તેમને ભગવાને ટેસ્ટબડ્સ આપ્યા નથી એટલે એ લોકો મને પાગલ ગણે છે.
મને બધું આવડે
હા, કુકિંગના મામલે આ હું કહી શકું અને દાવા સાથે કહી શકું.
ઑલમોસ્ટ દરેક પ્રકારની આઇટમ બનાવતાં મને ફાવે અને ખાનારા ખરા અર્થમાં આંગળાં ચાટતા રહી જાય એટલું સ્વાદિષ્ટ ફૂડ હું બનાવું. જોકે મારા જીવનનો કિચનનો પહેલો અખતરો બહુ તારિફ કરવાલાયક નહોતો.
એ સમયે હું લગભગ દસ-બાર વર્ષનો હોઈશ. મમ્મીને રસોડામાં જોઈ નહીં એટલે મને થયું કે ચાલો આપણે કંઈક બનાવીએ. નાનપણથી રોટલીઓને લઈને હું ખૂબ જ ફૅસિનેટેડ હતો. આપણી ઇન્ડિયન બ્રેડ ગણાતી રોટી એક અજૂબા જેવી છે અને મમ્મીને એ બનાવતા મેં જોયેલી. માત્ર લોટ અને પાણીથી કેવી સરસ રોટલી બને છે. બસ, એના પર જ હાથ અજમાવવાનું નક્કી કર્યું. મમ્મી આવે તો ખુશ થઈ જવી જોઈએ એટલે ઘરના દરેક સભ્યોને ધ્યાનમાં રાખીને રોટલી બનાવવાના આશયથી લોટ પણ સરખા પ્રમાણમાં લીધો હતો. ઑલમોસ્ટ અડધો ડબ્બો ખાલી કરી નાખ્યો. લોટમાં પાણી કેટલું ઉમેરવાનું એનો અંદાજ મને નહોતો અને મેં એટલું વધારે પાણી ઉમેરી દીધું કે લોટ લસ્સી બની ગયો. હવે આ લસ્સીને જાડી કેમ કરવી એ મૂંઝવણ ચાલતી હતી એવામાં મમ્મી-પપ્પા બન્ને ઘરમાં આવ્યાં. લોટની આ દશા જોઈને અને ખાસ તો મેં લોટનો આટલો બધો બગાડ કર્યો એ જોઈને પપ્પાનો પિત્તો ગયો અને તેમણે મને મેથીપાક એવો ખવડાવ્યો કે એ માર આજે પણ હું નથી ભૂલ્યો. જોકે હું નિખાલસપણે એ પણ સ્વીકારીશ કે એ જ લાફાઓએ મને કિચનની બાબતમાં વધારે ગંભીર કરી દીધો. એ દિવસ એ મારા જીવનની કુકિંગ સંબંધિત પહેલી અને છેલ્લી ભૂલ, ત્યારથી આજ સુધી મારા હાથે એક આઇટમ બગાડી નથી.
માય મૉમ, બેસ્ટ કુક
હા, મારી મમ્મી બેસ્ટમાં પણ બેસ્ટ કુક છે એવું કહું તો ખોટું નહીં કહેવાય. મમ્મી કારેલાંનું શાક એટલું લાજવાબ બનાવે કે કારેલાંથી દૂર ભાગતા ભલભલા લોકો પણ એ બે હાથે ખાય. હું મારી મમ્મીના હાથ સિવાય બીજા કોઈનું કારેલાંનું શાક ન ખાઉં. મને દાઢે વળગેલા એ ટેસ્ટને એમ જ રાખવો છે. ગુજરાતીઓના ફૂડની વાત કરું તો દાળઢોકળી, છૂંદો, સેવ-ટમેટાનું શાક અને ઊંધિયું મારાં ફેવરિટ છે. હું જ્યારે ચીન જાઉં ત્યારે હું ખાસ ગુજરાતી હોટેલમાં જ જવાનું પ્રિફર કરું. મારી પાસે કોઈ સીક્રેટ ફૂડ ઍડ્વાઇઝ નથી. ફૂડમાં સીક્રેટ રાખે તો પાપ લાગે એવું મેં નાનપણમાં સાંભળ્યું હતું, જેને હું આજ સુધી વળગી રહ્યો છું. ખાઈ-પીને જલસા કરવાના હોય અને તમારા પ્રિયજનો સાથે યાદો બનાવવાની હોય. એમાં સીક્રેટ શું કામનાં...
બેસ્ટ ફૂડ ઍડ્વાઇઝ
જે ખાવું હોય એ ખાઓ, પણ સમય પર ખાઓ અને સાથે ફાસ્ટિંગ પણ અચૂક કરો. હું બધું જ ખાઉં છું પણ એમાં મેં નિયમ રાખ્યો છે. ડિનર અને લંચમાં ૧૪ કલાકનો ગૅપ રાખવાનો અને સવારે નાસ્તો નહીં કરવાનો. પચીસ વર્ષથી આ નિયમ પાળું છું અને મને ફળ્યો છે. ત્રણ મહિના રેગ્યુલર ડાયટ અને એક મહિનો ૧૪ કલાકના ગૅપવાળું રૂટીન. હા, હું કહીશ કે દરેકે આ સલાહને સીધી અનુસરવાને બદલે પોતાના ડૉક્ટરની સલાહ મુજબ જ વધવું જોઈએ.
ગોલ્ડન વર્ડ્સ
જો તમે ફૂડ બનાવતી વખતે ભગવાનનું નામ લેતા હો કે પછી કિચનમાં સરસ મજાના મંત્રો ચાલતા હોય તો એ ફૂડમાં નવી લિજ્જત ઉમેરી દે છે. અનાજ બગડવું ન જોઈએ કે પછી એનો સ્વાદ પણ બગડવો ન જોઈએ, જેના માટે આ બેસ્ટ રેમિડી છે એવું કહું તો ચાલે.
બેસ્ટ ફૂડ ઍડ્વાઇઝ
જે ખાવું હોય એ ખાઓ, પણ સમય પર ખાઓ અને સાથે ફાસ્ટિંગ પણ અચૂક કરો. હું બધું જ ખાઉં છું પણ એમાં મેં નિયમ રાખ્યો છે. ડિનર અને લંચમાં ૧૪ કલાકનો ગૅપ રાખવાનો અને સવારે નાસ્તો નહીં કરવાનો. પચીસ વર્ષથી આ નિયમ પાળું છું અને મને ફળ્યો છે. ત્રણ મહિના રેગ્યુલર ડાયટ અને એક મહિનો ૧૪ કલાકના ગૅપવાળું રૂટીન. હા, હું કહીશ કે દરેકે આ સલાહને સીધી અનુસરવાને બદલે પોતાના ડૉક્ટરની સલાહ મુજબ જ વધવું જોઈએ.
ગોલ્ડન વર્ડ્સ
જો તમે ફૂડ બનાવતી વખતે ભગવાનનું નામ લેતા હો કે પછી કિચનમાં સરસ મજાના મંત્રો ચાલતા હોય તો એ ફૂડમાં નવી લિજ્જત ઉમેરી દે છે. અનાજ બગડવું ન જોઈએ કે પછી એનો સ્વાદ પણ બગડવો ન જોઈએ, જેના માટે આ બેસ્ટ રેમિડી છે એવું કહું તો ચાલે.