બટાટાવડાં, લીલવા કચોરી, ખાંડવી અને વૉશિંગ્ટનની સિગ્નેચર રેસ્ટોરાં

18 May, 2024 12:41 PM IST  |  Mumbai | Sanjay Goradia

ઇન્ડિયન ફૂડની ઑથેન્ટિસિટીને વળગી રહીને સિગ્નેચર ખરેખર આપણા ઇન્ડિયન ફૂડ લવર્સનું મન જીતી લે છે

ઇન્ડિયાના ખાસ ગ્વાવામાંથી બનેલા ડ્રિન્કની લહેજત માણતો હું.

હું અત્યારે અમેરિકામાં છું. યુ સી, નેટવર્ક ઇશ્યુ. હા, ભાઈ કાગડા બધે કાળા જ હોય. ઍનીવેઝ, આજે મારે વાત કરવી છે વૉશિંગ્ટન ડીસીની સિગ્નેચર રેસ્ટોરાંની. વૉશિંગ્ટનના શોના ઑર્ગેનાઇઝર કિરીટ ઉદેશી સિગ્નેચર રેસ્ટોરાંમાં લઈ ગયા અને સાહેબ મારી સામે તો સાક્ષાત અન્નપૂર્ણા આવી ગયાં. ઇન્ડિયા છોડ્યાને ઘણા દિવસ થયા. વચ્ચે-વચ્ચે ગુજરાતી કે ઇન્ડિયન ફૂડ મળે, પણ એમાં ઑથેન્ટિસિટીનો અભાવ હતો એટલે પેટ ભરાતું હતું, મન નહીં. પણ સિગ્નેચરમાં અમારા બન્નેનાં પેટ અને મન ભરાઈ ગયાં. તમને થાય કે અમારા બન્નેનાં એટલે કોનાં? ભલામાણસ, હું ને મારી અંદર રહેલા બકાસુરના.

સિગ્નેચર હન્ડ્રેડ પર્સન્ટ વેજ મલ્ટિક્વિઝીન રેસ્ટોરાં છે. મલ્ટિક્વિઝીન રેસ્ટોરાં મને ઓછી ગમે. ત્યાં એટલીબધી વરાઇટી હોય કે જમ્યા પહેલાં જ તમે કન્ફ્યુઝ થઈ જાઓ, પણ સિગ્નેચરમાં એવું નહોતું. મલ્ટિક્વિઝીન હોવા છતાં પણ લિમિટેડ આઇટમ હતી. મને એમ હતું કે અહીંનો સ્ટાફ ઇન્ડિયન હશે પણ ના, મોટા ભાગનો સ્ટાફ મેક્સિકન હતો અને એ પછી પણ એ બધા અદ્ભુત ઇન્ડિયન વરાઇટી બનાવતા હતા. એનું કારણ છે સિગ્નેચરનાં માલિક રૂપા વીરા. આ રૂપાબહેનની બીજી એક વાત કહી દઉં. વૉશિંગ્ટનમાં કેટરિંગ સર્વિસમાં તેમનું ખાસ્સું મોટું નામ છે.
સૌથી પહેલાં અમને આપવામાં આવ્યું કાચી કેરીનું શરબત. સાહેબ, એક ટકાની પણ ભેળસેળ નહીં. કાચી કેરી ક્રશ કરીને બનાવેલા એ શરબતમાંથી પણ કાચી કેરીની સોડમ આવતી હતી. એકદમ અદ્ભુત ટેસ્ટ. અમે એ પૂરું કર્યું ત્યાં તો પિન્ક ગ્વાવાનું શરબત આવ્યું. એક આડવાત કહું, શરબત માટે રૂપાબહેન ખાસ ઇન્ડિયાથી ગ્વાવા મંગાવે છે. ગુલાબી ઝાંય ધરાવતું એ શરબત પણ પ્યૉર અને નૅચરલ હતું. આ બન્ને શરબતની ખાસિયત એ હતી કે એમાં સ્વીટનેસ તો હતી જ પણ સાથે સહેજ ખારાશ પણ હતી. આ જે ગળપણ અને ખારાશનું કૉમ્બિનેશન હતું એ શરબતને નેકસ્ટ લેવલ પર લઈ જતું હતું.

એ પછી અમારા માટે આવ્યાં બટાટાવડાં. હવે જે મુંબઈનાં બટાટાવડાં ખાઈને ઊછર્યો હોય તેને વૉશિંગ્ટનનાં બટાટાવડાં શું ઇમ્પ્રેસ કરવાનાં? પણ ના, હું ખોટો હતો. બટાટાવડાં અને આપણે ત્યાં જે આપવામાં આવે છે એ સૂકી લાલ ચટણી અને એની સાથે ખજૂર-આમલીની અને ફુદીનાની ચટણી. બધી વરાઇટીનો સ્વાદ ડિટ્ટો મુંબઈ જેવો જ. બટાટાવડાં ખાતી વખતે જ આપણે તો નક્કી કરી લીધું કે હવે લંચ સ્કિપ. આ જ આપણું લંચ.

બટાટાવડાં પૂરાં કરી મેં મગાવી લીલવાની કચોરી. સાચું કહું તો મને એમાં સહેજ ડર હતો કે આ અખતરો ખોટો પુરવાર ન થાય તો સારું, પણ સાહેબ, શું કચોરી હતી. એવી જ જાણે કે તમે સુરતમાં બેસીને લીલવાની કચોરી ખાતા હો. મેં કહ્યું કે ચાલો, જુગાર સફળ થાય છે તો આગળ વધીએ અને મેં મગાવી ભેળ. આ ભેળની ખાસિયત એ કે એમાં ઝીણી સેવ નહીં, પણ જાડી સેવ હતી અને એમાં મરી હોવાના કારણે એ સહેજ તીખી પણ હતી. ભેળમાં આ સેવ ગેમ ચેન્જર હતી, પણ મારી ફૂડ-ડ્રાઇવ માટે ગેમ ચેન્જર બની એ વરાઇટી તો હવે આવવાની હતી. મૅન્ગો પાલક ચાટ.

કાચના એક કપમાં આપવામાં આવેલી આ મૅન્ગો પાલક ચાટમાં ફીણેલું ગળ્યું દહીં હતું તો ચણાના લોટમાં તળેલાં બેબી પાલકનાં પાન હતાં. આપણે ત્યાં બેબી પાલક જોવા નથી મળતી પણ અમેરિકામાં આ બેબી પાલક બહુ મળે છે. દહીં, ચણાના લોટમાં તળીને કરકરી બનાવવામાં આવેલી બેબી પાલક, કાચી કેરીના સાવ બારીક ટુકડા અને બધાની ઉપર તીખી-મીઠી ચટણી. ક્રીમી દહીં અને એની સાથે આવતી પેલી કરકરી બેબી પાલક. બત્રીસીના સાતેય કોઠે દીવા થઈ ગયા અને લંચ સ્કિપ કર્યાની ખુશી બેવડાઈ ગઈ.

એ પછી તો મેં દહીં-બટાટા પૂરી પણ મગાવી અને ખાંડવી પણ ટ્રાય કરી તો પછી દાબેલીનો આસ્વાદ પણ માણ્યો. એક ખાસ વાત કહું. દાબેલીમાં નાખવામાં આવતી મસાલા સિંગ એ લોકો રેસ્ટોરાંમાં જ બનાવે છે અને એ પછી પણ આપણી કચ્છની દાબેલીમાં આવતી સિંગ જેવો જ એનો ટેસ્ટ હતો. પેટ ભરાઈ ગયું એટલે મેં રોડ પર સંભળાય એટલો મોટો ઓડકાર ખાધો ત્યાં તો ટેબલ પર આવી ગયા પાન શૉટ્સ.

આપણા મઘઈ પાનને ક્રશ કરી એમાં મિલ્ક ક્રીમ નાખી એના પર પાનમાં આવતો મીઠો મસાલો ભભરાવી એ શૉટ્સ બનાવવામાં આવ્યા હતા. આનંદ જ આનંદ. મિત્રો, જો અમેરિકા જવાનું થાય તો ગૂગલબાબાની હેલ્પ લઈને સિગ્નેચરમાં અવશ્ય જજો અને એ અગાઉ અમેરિકા રહેતા તમારા મિત્રોને જવાનું પણ સજેસ્ટ કરજો. મને તો ખાતરી છે કે જેવું તમે વૉશિંગ્ટન ડીસીની સિગ્નેચરનું નામ આપશો કે તે તરત કહેશે, અમે તો ત્યાં નિયમિત જઈએ છીએ. પણ એક વાત નક્કી, તમારા મોઢે સિગ્નેચરનું નામ સાંભળીને તે તમારાથી ઇમ્પ્રેસ થઈ જશે ને તમારો સીન જામી જશે. ગૅરન્ટી, ટ્રાય કરો.

indian food washington united states of america life and style Sanjay Goradia