ચુ હી ચા

12 February, 2023 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયામાં આપણે જે વિવિધ પ્રકારની ચા પીએ છીએ એનો પ્લાન્ટ એક જ હોય છે, જેનું વૈજ્ઞાનિક નામ છે કૅમેલિયા સિનેસિસ

ચુ હી ચા

જપાનની ક્યોતો યુનિવર્સિટીના ઍગ્રિકલ્ચર રિસર્ચરોએ એક ખાસ પ્રકારની ચા શોધી છે જેનું નામ છે ચુ હી ચા. ઇન્ડિયામાં આપણે જે વિવિધ પ્રકારની ચા પીએ છીએ એનો પ્લાન્ટ એક જ હોય છે, જેનું વૈજ્ઞાનિક નામ છે કૅમેલિયા સિનેસિસ. એની પાંદડીઓનું અલગ પ્રકારનું પ્રોસેસિંગ કરીને ચા બનતી હોય છે. ભલે એ તમારી ગ્રીન ટી હોય કે દૂધમાં ઉકાળીને બનાવેલી મસાલા ટી. આ તો આડવાત થઈ, પણ જપાનના ઍગ્રિકલ્ચરિસ્ટોએ અજીબ ચાની શોધ કરી છે. ત્સુયોશી મારુઓકા નામના સાયન્ટિસ્ટને કોઈકે ૫૦ જિપ્સી પતંગિયાની ઇયળો ભેટ આપી હતી. એનું શું કરવું એ તો ત્સુયોશીભાઈને ખબર નહોતી, પણ તેમને લાગ્યું કે જ્યાં સુધી એના પર શું પ્રયોગ કરવો એ ખબર ન પડે ત્યાં સુધી એમને જિવાડવા માટે કંઈક નવું ખવડાવીએ. તેમણે ચેરીનાં પાન લાવીને ઇયળને ખવડાવવાનું શરૂ કર્યું. જોકે આ ઇયળોની જે પૂપ એટલે કે લિંડીઓ હતી એમાંથી ખાસ સુગંધ આવતી હતી. આ લિંડીઓ સુકાઈ ગયા પછી પણ એમાંથી પ્લેઝન્ટ સ્મેલ આવતી હતી એટલે તેણે આ લિંડીઓને ગરમ પાણીમાં ચાની જેમ ઉકાળીને ગાળી લીધી. અનેક લોકોને આ પાણી પીવડાવ્યું તો બધાને લાગ્યું કે આ તો કોઈ ચેરી બ્લૉસમ ટી જેવી ફ્લેવર છે! પછી તો આ ભાઈએ બીજા ૪૦ ડિફરન્ટ પ્લાન્ટ્સ અને વીસ ઇન્સેક્ટ્સ અને ઇયળો પર પ્રયોગ કરીને એમાંથી ફ્લેવર્ડ ટી તૈયાર કરી છે એનું નામ અપાયું છે ચુ-હી-ચા. ત્સુયોશી મારુઓકાનો દાવો છે કે ઇયળને અલગ ફ્લેવરનાં પાનનો ખોરાક આપવાથી તેમની લિંડીઓમાં એકદમ ડિસ્ટિંક્ટ સ્મેલ અને ફ્લેવર બને છે. તાજેતરમાં આ ચાને માર્કેટમાં મૂકવા માટે તેમણે ક્રાઉડ ફન્ડિંગની અપીલ કરી છે અને ૧૫ દિવસમાં તેમને બે મિલ્યન યેન મળી ચૂક્યા છે. બની શકે કે હવે જપાનથી કોઈ આવે ત્યારે ઇયળની લિંડીવાળી ચા લઈ આવે!

columnists life and style