ગુલાબી ઠંડીમાં ગરમાગરમ સૂપ તમને રાખશે તાજામાજા

23 January, 2024 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઠંડીની સીઝનમાં શરીરને ગરમાટો આપતાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ અલગ છે. તમે ગાજર, કોબીજ, ટમેટાનો યુઝ કરી સૂપ બનાવી શકો છો અને એનો તમારા વિન્ટર ડાયટમાં સમાવેશ કરી શકો છો.

ગરમાગરમ સૂપ

ઠંડીની સીઝનમાં શરીરને ગરમાટો આપતાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ અલગ છે. તમે ગાજર, કોબીજ, ટમેટાનો યુઝ કરી સૂપ બનાવી શકો છો અને એનો તમારા વિન્ટર ડાયટમાં સમાવેશ કરી શકો છો. ઠંડીની સીઝનમાં તમે સુસ્તીને ભગાવવા માટે ગરમાગરમ મિક્સ વેજિટેબલ સૂપ પી શકો છો, જે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાથી તમને દિવસભર કામ કરવાની એનર્જી આપે છે. આજે આપણે આવાં જ કેટલાંક અવનવાં સૂપ બનાવવાની રેસિપી ગૃહિણીઓ પાસેથી જાણીએ જેને તમે શિયાળામાં એક વાર તો ચોક્કસ ટ્રાય કરી શકો છો

બ્રૉકલી આમન્ડ સૂપઃ પુનિતા શેઠ


મોટો કપ બ્રૉકલી, બદામ ૧૮થી ૨૦ નંગ, લસણ ૭-૮ કળી, એક મોટો કાંદો, થોડી કોથમીર, મીઠું, મરી પાઉડર, તેલ અથવા બટર, દૂધ, પાણી બદામને ૩-૪ કલાક પલાળીને એમાં દૂધ નાખીને પેસ્ટ બનાવવી. એક પૅનમાં થોડું તેલ અને બટર નાખીને કાંદા સાંતળવા. એ પછી લસણ વાટીને નાખવું. બંને સરખી રીતે તેલમાં શેકાઈ જાય પછી એમાં બ્રૉકલી ઍડ કરવી. બ્રૉકલીને એક મિનિટ કુક કરીને પછી એમાં એક કપ પાણી અને એક કપ દૂધ નાખીને ઉકાળવું. બ્રૉકલી નરમ થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવું. આ મિશ્રણ ઠંડું થઈ જાય પછી એને મિક્સરમાં પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને ગળણીથી ગાળી લેવી. એક બીજા પૅનમાં બ્રૉકલીવાળી સ્મૂધ પેસ્ટ અને બદામની પેસ્ટ નાખીને એમાં મીઠું અને મરી નાખીને ઉકાળવું. સૂપની કન્સિસ્ટન્સી જેવી રાખવી હોય એ પ્રમાણે થોડું દૂધ અને પાણી ઉમેરવું. તમારું ગરમાગરમ બ્રૉકલી-આમન્ડ સૂપ રેડી છે. આને તમે બદામ અને મરી પાઉડરથી ગાર્નિશ કરી શકો છો. 

લેમન કૉરિએન્ડર સૂપઃ છાયા ઓઝા


ચમચી લીંબુનો રસ, અડધો કપ બારીક સમારેલી કોથમીર, બે ચમચી તેલ, બે ચમચી બારીક સમારેલાં લીલાં મરચાં, પા કપ બારીક સમારેલી ડુંગળી, પા કપ બારીક સમારેલી કોબીજ, પા કપ બારીક સમારેલાં ગાજર, ત્રણ કપ બેઝિક વેજિટેબલ સ્ટૉક (બાફેલી શાકભાજીનું પાણી), સ્વાદ માટે મીઠું, બે ટેબલસ્પૂન પાણીમાં બે ટી-સ્પૂન કૉર્નફ્લોર મિક્સ કરેલો
લેમન કૉરિએન્ડર સૂપ બનાવવા માટે એક ઊંડા નૉન-સ્ટિક પૅનમાં તેલ ગરમ કરો. એમાં લસણ અને લીલાં મરચાં ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકન્ડ સુધી સાંતળો. એ પછી ડુંગળી નાખી મધ્યમ તાપ પર એકથી બે મિનિટ સુધી સાંતળો. બાદમાં કોબીજ અને ગાજર ઉમેરી મધ્યમ તાપ પર એક મિનિટ સુધી સાંતળી લો. એમાં બેઝિક વેજિટેબલ સ્ટૉક, લીંબુનો રસ, મીઠું અને કૉર્નફ્લોર-પાણીનું મિશ્રણ નાખી વચ્ચે-વચ્ચે હલાવતા રહી મધ્યમ તાપ પર બેથી ત્રણ મિનિટ સુધી પકવો. સૂપમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરો. 

વિન્ટર વૉર્મ સૂપ : મમતા જોટાણિયા


૩ નંગ લાલ ગાજર, બે નંગ બટાટા, એક નંગ મોટું બીટ, ૧ નંગ ટર્નિપ, ૧ નંગ કાંદો (બધી વસ્તુની છાલ કાઢી નાના-નાના ટુકડા કરી લેવા), બે ટેબલસ્પૂન બટર, ૧ ટેબલસ્પૂન તેલ, ૬-૭ કપ પાણી,અડધો ટેબલસ્પૂન મરી પાઉડર, એક પીસ આદું (નાના ટુકડા કરેલું), દોઢ કપ દૂધ, અડધો કપ દહીં, ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ, મીઠું
સૌપ્રથમ તેલ અને બટરમાં આદું, ગાજર, બટાટા, બીટ, ટર્નિપ બધાંને ૧૦-૧૫ મિનિટ સુધી સાંતળી એની અંદર કાંદા ઍડ કરી બધાંને સરખી રીતે સાંતળી લો. એ પછી એમાં પાણી, મીઠું, મરી પાઉડર, આદું નાખીને ૧૫-૨૦ મિનિટ બૉઇલ કરી એકદમ થિક ગ્રેવી તૈયાર કરો. આ ગ્રેવીને મોટી ગળણીમાં ગાળી પલ્પ તૈયાર કરો અને એમાં દૂધ નાખી કડાઈમાં ૪-૫ મિનિટ માટે ઉકાળી લો. પછી એમાં વલોવેલું દહીં અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગૅસ બંધ કરો. બાઉલમાં સૂપ કાઢી એના પર કોથમીર અને ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી એને ગરમાગરમ સર્વ કરો.

life and style Gujarati food mumbai food indian food