28 November, 2024 07:53 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
કાજુને કારણે કૉલેસ્ટરોલ વધે એવી માન્યતા છે. હકીકતમાં એ વધે તો છે; પરંતુ સારું કૉલેસ્ટરોલ વધે છે, ખરાબ નહીં. હાર્ટ-હેલ્થ માટે એ ઉપયોગી છે કારણ કે એ લોહીની નસોની હેલ્થને સારી કરે છે. ફક્ત એમાં કૅલરી વધુ હોવાને કારણે વધુપડતા કાજુ ખાવાં હાનિકારક છે. દરરોજનાં ૮-૧૦ કાજુ ઘણાં થઈ ગયાં, એનાથી વધુ ખાવામાં શરીરને નુકસાન થઈ શકે છે
કોઈના ઘરે ડ્રાયફ્રૂટ્સની સજાવેલી ટ્રે તમારી સામે આવે તો બદામ, અખરોટ કે પિસ્તાં હોંશે-હોંશે તમે ઉઠાવી લો છો પરંતુ કાજુ ઉઠાવતાં થોડો હાથ ખચકાય છે?
કાજુનો સ્વાદ આ બધા કરતાં ભલે વધુ સારો હોય, વધુ ભાવતો હોય પણ છતાં ૧-૨ કાજુ પછી વધારે ખાવામાં સંકોચ થાય છે?
ઘરમાં હાર્ટના દરદી હોય તો તે હલવો ક્યારેક ખાઈ લે પણ એ હલવામાં કાજુના બદલે બદામ ઠપકારી હોય, જેના વિશે સ્પષ્ટતા કરતાં પાછું એમ પણ કહે કે તેમને કૉલેસ્ટરોલ છેને એટલે કાજુ નથી આપતા.
ભારતીય મીઠાઈઓ ભાગ્યે જ કાજુ વગર બને પછી એ કોઈ પણ હલવો હોય, ખીર હોય કે કોઈ લાડુ. પણ ભારતીય મીઠાઈઓ પણ હવે ખાવાની ઓછી થઈ ગઈ છે. વર્ષોથી કાજુકતરી જ બનતી. લાગે છે કે કોઈ વ્યક્તિએ કાજુથી કૉલેસ્ટરોલ વધે એમ સમજીને બદામકતરીની ઇજાદ કરી હશે. બાકી બદામકતરી જેવી કોઈ મીઠાઈ પરંપરાગત રીતે થતી નહીં. સ્વાદને તો આમ પણ કાજુકતરી જ ભાવતી હોય છે પણ હેલ્ધીના નામે બદામકતરીનો પીસ મન મારીને આપણે ઉઠાવતા હોઈએ છીએ. ત્યાં સુધી કે દારૂ જેવી અનહેલ્ધી વસ્તુ સાથે ચખના તરીકે ખવાતાં કાજુમાં પણ આજકાલ લોકો ભેદભાવ કરે છે. દારૂ મુકાતો નથી પણ કાજુ મૂકી દેવાં વધુ જરૂરી લાગે છે લોકોને.
દેશનાં કાજુ
આઇવરી કોસ્ટ નામના દેશ પછી ભારત બીજો દેશ છે જે જગતમાં કાજુનું પ્રોડક્શન સૌથી વધુ માત્રામાં કરે છે. દર વર્ષે આપણે ૭,૫૨,૦૦૦ મેટ્રિક ટન કાજુનું ઉત્પાદન કરીએ છીએ.
ગોવા જઈને કાજુ ખરીદતા આપણને ક્યાં ખબર છે કે મહારાષ્ટ્ર, કેરલા, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને કર્ણાટકમાં પણ કાજુનું મબલક ઉત્પાદન થાય છે. હેલ્ધી ખોરાકનો એક મહત્ત્વનો નિયમ એ છે કે એ તમે જ્યાં રહેતા હો, તમે જ્યાં જન્મ્યા હો એ ધરતી પર ઊગેલું હોવું જોઈએ. આ નિયમ મુજબ કાજુ દુનિયા માટે તો ખબર નહીં પરંતુ ભારતીયો માટે તો હેલ્ધી ગણાવાનાં જ. પરંતુ આ કૉલેસ્ટરોલ વધારે છે એ વાત જે અનાયાસે દરેક વ્યક્તિને ખબર છે એ સત્ય છે કે અસત્ય એ જાણવાની આજે કોશિશ કરીએ.
કૉલેસ્ટરોલ સાથેનો સંબંધ
કાજુથી કૉલેસ્ટરોલ વધે છે કે નહીં એ જાણતા પહેલાં તો એ સમજવું જરૂરી છે કૉલેસ્ટરોલ બે પ્રકારના હોય છે, LDL અને HDL. એમાં LDL કૉલેસ્ટરોલ હાનિકારક છે અને HDL લાભદાયક. આ બાબતે વાત કરતાં ઘાટકોપરનાં ન્યુટ્રિશનિસ્ટ મીનલ ભાનુશાલી કહે છે, ‘ઘણાં રિસર્ચ એ સ્થાપિત કરી ચૂક્યાં છે કે કાજુ LDL કૉલેસ્ટરોલ એટલે કે જે ખરાબ કૉલેસ્ટરોલ છે એને ઘટાડવાનું કામ કરે છે અને HDL એટલે કે સારા કૉલેસ્ટરોલને વધારવાનું કામ કરે છે કારણ કે કાજુમાં ભારે માત્રામાં મોનોસૅચ્યુરેટેડ ફૅટ્સ હોય છે જે ખરાબ કૉલેસ્ટરોલને ઘટાડવાનું કામ કરે છે.’
બીજા લાભ
આ વાત સાથે સહમત થતાં ડાયટવાઇઝ બ્રૅન્ડનાં પ્રણેતા અને ન્યુટ્રિશનિસ્ટ ઝરણા શાહ કહે છે, “કૉલેસ્ટરોલ અને કાજુને એક જ સંબંધ છે અને એ છે મિત્રતાનો. કાજુ ખાવાથી કૉલેસ્ટરોલ વધે તો છે પણ સારું કૉલેસ્ટરોલ, ખરાબ નહીં. વળી કૉલેસ્ટરોલમાં ખરી રીતે સ્વાસ્થ્યદાયક એ ગણાય કે એ બન્નેનો એટલે કે ખરાબ અને સારા કૉલેસ્ટરોલનો રેશિયો જેટલો હોવો જોઈએ એટલી માત્રામાં રહે. આ માત્રા છે ૩.૫ : ૧. આ માત્રાથી નીચે હોય તો હાર્ટ-ડિસીઝનું રિસ્ક ઘણું ઓછું રહે છે. આ રેશિયોને સુધારવાનું કામ કાજુ કરે છે. આ સિવાયના લાભ જોઈએ તો એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ એ વધારે છે. વળી એ લોહીની નળીઓની હેલ્થ માટે ઘણાં સારા છે. કાજુમાં મૅગ્નેશિયમ સારી માત્રામાં હોય છે જે આ બાબતે ઘણું મદદરૂપ તત્ત્વ છે. એમાં ઘણાં ઍન્ટિઑક્સિડન્ટ પણ રહેલાં છે જેમ કે વિટામિન E અને સેલેનિયમ, જે શરીરમાં ઇન્ફ્લૅમેશન અને ઑક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.’
કૅલરી વધુ
કાજુ ખાવાથી લાભ ઘણા છે પણ નુકસાન ક્યારે થઈ શકે એ સમજાવતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘૨૮ ગ્રામ કાજુમાં ૧૫૭ કૅલરી હોય છે. કાજુમાં ૧૨ ગ્રામ ફૅટ છે. એમાં પણ વધુ માત્રામાં તો મોનોસૅચ્યુરેટેડ જે ઉપયોગી છે એ જ પરંતુ એની સાથે ૨.૫ ગ્રામ સૅચ્યુરેટેડ ફૅટ્સ પણ છે. ૫ ગ્રામ પ્રોટીન અને ૭ ગ્રામ કાર્બોહાઇડ્રેટ રહેલા હોય છે. આમ એ ઘણાં સ્વાસ્થ્યવર્ધક છે પણ એની ક્વૉન્ટિટી એટલે કે માત્રા જાળવીને ખાવી જોઈએ. વધુ માત્રા લો તો કૅલરી પચવામાં ભારે પડે. એનાથી વજન પણ વધી શકે.’
આ બાબતે ચેતવતાં ઝરણા શાહ કહે છે, ‘ઘણા લોકોને નટ્સ ખૂબ ભાવતા હોય છે. બેઠા-બેઠા ખાધા જ કરે. આ પરિસ્થિતિ કોઈ પણ રીતે હાનિકારક જ હોવાની. ખોરાક હેલ્ધી છે એટલે મન પડે એટલો ખાઈ ન શકાય. દરેકની લિમિટ હોવી જરૂરી છે. આપણા પૂર્વજો કહેતા કે કોઈ પણ વસ્તુ માપમાં સારી. દરરોજ વધુમાં વધુ ૮-૧૦ કાજુ ખાઈ શકાય, એનાથી વધુ ખાવાં નહીં.’
ધ્યાન રાખવું
ક્યારેક ફક્ત સ્નૅકિંગમાં એનો લાભ લો. મહત્ત્વનું એ છે કે મીઠાવાળાં, ચાસણીવાળાં, કલરવાળાં, આર્ટિફિશ્યલ ફ્લેવરવાળાં કે ચૉકલેટવાળાં કાજુ ન ખાવાં એમ સ્પષ્ટ કરતાં ઝરણા શાહ કહે છે, ‘કાજુને એ જેવાં છે એવાં જ ખાવાં. કેટલાક સ્ટડી કહે છે કે ઘણીબધી માત્રામાં કાજુ ખાવાથી શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડની માત્રા વધે છે, જેને કારણે હાર્ટ-ડિસીઝની તકલીફ થઈ શકે છે. પરંતુ અહીં સમજવાનું એ છે કે કોઈ પણ વ્યક્તિ બેઠા-બેઠા ૨૫૦ ગ્રામ કાજુ ખાઈ નથી જવાની. નટ્સ આમ પણ પચવામાં ભારે હોય એટલે વધુમાં વધુ એક મુઠ્ઠી ખાઈ શકાય, એનાથી વધુ કોઈ પણ પ્રકારના નટ્સ ન ખાવા જોઈએ અને કોઈ પણ સાધારણ વ્યક્તિથી ખવાય પણ નહીં. ઘણા લોકોને કાજુથી ઍલર્જી પણ હોય છે. આ વાતનું ધ્યાન રાખવું.’
જેમને કૉલેસ્ટરોલ છે જેમણે એ ખવાય કે નહીં?
આ બાબતે વાત કરતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘કાજુમાં એનાકાર્ડિક ઍસિડ હોય છે. કૉલેસ્ટરોલને ઘટાડવા માટે જે દવા આપવામાં આવે છે એના ઍબ્સૉર્પ્શનમાં એ નડતરરૂપ સાબિત થઈ શકે છે, જેને લીધે આ દવાઓની અસર ઓછી થાય એવું બની શકે. દરેક વ્યક્તિને આ નિયમ લાગુ પડતો નથી પરંતુ તમારી તાસીર પારખી એ નક્કી કરી શકાય. એટલે જો તમને કૉલેસ્ટરોલ હોય તો તમારા ડાયટિશ્યનને મળીને નક્કી કરી શકો કે તમારે કાજુ ખાવાં જોઈએ કે નહીં.’
બીજી બીમારીમાં ઉપયોગી
કાજુથી રોગ થતા નથી, ઊલટું કાજુને રોગમાં ઉપચાર તરીકે વાપરવામાં આવે છે એમ જણાવતાં ઝરણા શાહ કહે છે, ‘ન્યુટ્રિશન સાયન્સમાં કાજુનો ઉપયોગ રોગને ઠીક કરવા માટે પણ થાય છે. અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોહન્સ ડિસીઝ જેવી બીમારીમાં જલદી ઠીક થવા માટે કાજુ ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે એ રિકવરી માટે કામ કરે છે. પેટની લાઇનિંગને રિપેર કરે છે અને કબજિયાત પણ દૂર કરે છે.’