31 August, 2024 10:44 AM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગોરડીયા
આજકાલ મુંબઈમાં નવા પ્રકારની રેસ્ટોરાંઓનો મારો ચાલ્યો છે, ઑથેન્ટિક ફૂડ રેસ્ટોરાં. તમને થાય કે માળું બેટું આ શું, તો તમારે મારી પાસે એક ઉદાહરણ જાણવું પડશે. મારા બૅન્ગલોરના મિત્ર અને અમારા નાટકના ઑર્ગેનાઇઝર જે છે એ મને હંમેશાં કહે કે તમારે ત્યાં માટુંગામાં જે બધી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં છે એનું ફૂડ ભલે તમે ખુશી-ખુશી ખાઓ પણ મને તો એ દીઠું ભાવતું નથી. હું ભૂખ્યો રહું, પણ હું એ રેસ્ટોરાંનું સાઉથ ઇન્ડિયન ખાઈ નથી શકતો. તમે બધી વરાઇટીનું ગુજરાતીકરણ કરી નાખ્યું છે. પહેલાં તો મને એવી બધી વાતોમાં બહુ રસ પડતો નહીં, પણ આપણી આ કૉલમના કારણે હું તેની એ વાતમાં રસ લેવા માંડ્યો અને હમણાં બૅન્ગલોર ગયો ત્યારે મેં ત્યાંનું ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ ટ્રાય કર્યું. મને તો એ ભાવ્યું પણ મિત્ર, કોઈને ન પણ ભાવે એવું બની શકે એટલે એ વિવાદમાં ઊતરવાને બદલે હું આપણી મૂળ વાત પર આવી જાઉં.
મને હમણાં ખબર પડી કે બાંદરામાં બૅન્ગલોરના ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડની રેસ્ટોરાં શરૂ થઈ છે. હું જવાનું વિચારતો હતો ત્યાં જ મને ખબર પડી કે એવી જ એક રેસ્ટોરાં પાર્લા ઈસ્ટમાં પણ શરૂ થઈ છે. મને થયું કે ઘેરબેઠાં ગંગા મળે છે તો ચાલો, પહેલાં ત્યાં જઈ આવું. હું તો ગયો સુભાષ રોડ પર આવેલી સાઉથ ઇન્ડિયન બ્રાહ્મીણ કૅફેમાં. પાર્લામાં સુભાષ રોડ બહુ પૉપ્યુલર છે અને આ બ્રાહ્મિન કૅફે ગૂગલ મૅપ પર અવેલેબલ છે એટલે તમે એનું ઍડ્રેસ શોધી શકશો.
બ્રાહ્મીણ કૅફેમાં બધું નૉર્મલ ફૂડ પણ મળે છે, પણ સાથોસાથ ઑથેન્ટિક બૅન્ગલોર સાઉથ ઇન્ડિયન ફૂડ પણ મળે છે. મેં ત્યાં જઈને સૌથી પહેલાં ઑથેન્ટિક સાદા ઢોસા મગાવ્યા. મેં બૅન્ગલોરમાં એ આઇટમ ટેસ્ટ કરી હતી એટલે મને એનો સ્વાદ ખબર હતી. થોડી વાર થઈ ત્યાં મારી સામે ઉતપ્પા જેવડી સાઇઝનો સાદો ઢોસો આવ્યો. સાથે આવ્યાં સફેદ માખણ, પોડી પાઉડર, કોપરાની ચટણી અને સાંભાર. આ દરેકેદરેક વરાઇટીનો ટેસ્ટ ડિટ્ટો બૅન્ગલોરમાં મળે એ જ પ્રકારનો હતો. ગરમ ઢોસા પર સફેદ માખણ પાથરી દો એટલે એ ઓગળે અને પછી એના પર પોડી પાઉડર નાખવાનો અને ચટણી-સાંભાર સાથે ખાતા જવાનો. સાહેબ, જે સાંભાર હતો એ સાવ એટલે સાવ જુદો હતો. બને કે જેણે આજ સુધી અહીંનો જ સાંભાર ચાખ્યો હોય તેને કદાચ આ વરાઇટીમાં મજા ન આવે, પણ બૅન્ગલોર જશો તો તમને આ જ પ્રકારનું ફૂડ મળશે.
સાદા ઢોસા પછી મેં મગાવી બટન ઇડલી. બટન ઇડલી તો આપણે ત્યાં હવે મળે છે પણ આ જે બટન ઇડલી હતી એ બટર પોડી ઇડલી હતી. નાની સાઇઝની ઇડલીને માખણમાં સાંતળી એના પર પોડી પાઉડર છાંટીને લાલચટાક કરીને આપે. ઘણી જગ્યાએ બટરને બદલે ઘી પણ વાપરવામાં આવે છે, પણ બૅન્ગલોરમાં બટર જ વાપરે. જો બટર ન હોય તો તમને ના પાડી દે, પણ એ લોકો ઘીમાં ન જ બનાવે. બટરમાં ઇડલી સાંતળી હોવાને લીધે બટરની જે ખુશ્બૂ બહુ સરસ આવતી હતી તો પોડી પાઉડર પણ એકદમ ઑથેન્ટિક હતો. મને થયું કે હજી એકાદ વરાઇટી ટ્રાય કરી લઉં એટલે મેં મસાલા ઢોસા મગાવ્યો. મારો જે મસાલા ઢોસો આવ્યો એમાં મસાલો બાજુમાં, આપણે ત્યાં રોટલીની બાજુમાં કેવી રીતે શાક મૂકે એમ મૂક્યો હતો. તમારે રોટલીની જેમ ઢોસામાં મસાલો ભરતા જવાનો અને ખાતા જવાનું. જો તમે ઑથેન્ટિક ફૂડના શોખીન હો, નવું ટ્રાય કરવું ગમતું હોય તો હું કહીશ કે તમારે બ્રાહ્મીણ કૅફેમાં જવું રહ્યું. કહ્યું એમ એકદમ ઑથેન્ટિક બૅન્ગલોર સાઉથ ઇન્ડિયન ફૂડ હતું અને એમાં પણ જે ચટણી હતી એ તો લાજવાબ હતી. સુભાષ રોડ પર બ્રાહ્મીણ કૅફે છે, જરૂર પડે તો ગૂગલબાબાની હેલ્પ લેજો.