06 November, 2024 03:23 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
ભારતીય તેજાના ફૂડને સરસ સોડમ આપનારા છે. જોકે એ સોડમ જેને આભારી છે એ કુદરતી કેમિકલ્સ શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. તજને અનોખી ફ્લેવર આપતાં ઍન્ટિઑક્સિડન્ટ્સ શરીરમાં ક્યાંય સોજો આવ્યો હોય તો એને ઘટાડવાનું કામ કરે છે. રસોડામાં તજનો ઉપયોગ આપણે વિવિધ વાનગીઓમાં કરતા જ હોઈએ છીએ. હવે સોશ્યલ મીડિયા પર સિનૅમન કૉફી પીવાથી પેટની ચરબી ઓછી થતી હોવાના દાવાઓ થઈ રહ્યા છે.
તજવાળી કૉફી આ રીતે કરે કામ
કૉફીમાં રહેલું કૅફિન ભૂખ ઘટાડે છે એટલે દિવસભરમાં કૅલેરીનું સેવન ઓછું કરો. બીજી બાજુ તજ ઇન્સ્યુલિન લેવલને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ વધવાથી પણ વધુ ભૂખ લાગતી હોય છે એટલે તમે કૉફીમાં તજ મિક્સ કરીને પીઓ તો એનાથી પણ ભૂખ ઓછી લાગે છે.
તજના અન્ય ફાયદા
તજ વજન ઘટાડવામાં અને બ્લડ-શુગરને રેગ્યુલેટ કરવામાં મદદરૂપ થાય છે, પણ સાથે-સાથે એના બીજા પણ અનેક ફાયદા છે. તજ પાચનને સુધારીને બ્લોટિંગની સમસ્યામાંથી રાહત આપે છે. ઉપરાંત તજનું સેવન બૅડ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે છે. આને કારણે હાર્ટ બ્લૉકેજનું જોખમ પણ ઓછું રહે છે. તજમાં રહેલી ઍન્ટિ-ઑક્સિડન્ટ પ્રૉપર્ટીઝ ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રૉન્ગ કરે છે અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. તજમાં રહેલી ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી પ્રૉપર્ટી શરીરમાં ઇન્ફ્લમેશન થયું હોય તો એને ઘટાડવાનું કામ કરે છે. અનેક સ્ટડીમાં તો ત્યાં સુધી દાવો કરાયો છે કે તજ કૉગ્નિટિવ ફંક્શન સુધારે છે, પરિણામે યાદશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે. તજમાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ્સ ફ્રી-રૅડિકલ્સ બનતાં અટકાવે છે, જે કૅન્સર જેવા રોગોનું જોખમ વધારે છે.
તજનાં વિવિધ ડ્રિન્ક્સ
કૉફી ન પીતા હોય એ લોકો સવારે બ્રેકફાસ્ટના અડધા કલાક પહેલાં તજવાળું પાણી પીએ તો પણ વેઇટલોસમાં ફાયદો થઈ શકે છે. તજનો ઉપયોગ કરીને તમે વિવિધ ડ્રિન્ક્સ પણ બનાવી શકો છો. એક ગ્લાસ પાણીમાં તજનો નાનો ટુકડો અથવા તો અડધી ચમચી તજનો પાઉડર ઉમેરી એને ગળણીથી ગાળી લો. તમે ઇચ્છો તો પાણી ઠંડું થઈ ગયા પછી એમાં મધ પણ ઉમેરી શકો છો. તમે તજવાળા પાણીમાં લીંબુનો રસ ઍડ કરીને પણ પી શકો. એ સિવાય અદરક અને તજ અથવા તજ અને ફુદીનાવાળું પાણી પણ પી શકો.