02 October, 2024 04:10 PM IST | Mumbai | Laxmi Vanita
પપૈયાં ખવાનાં ફાયદા અને નુકસાન
વિટામિન A અને વિટામિન Cથી ભરપૂર પપૈયાં આંખની દૃષ્ટિને તેજ રાખવા માટે અને વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. એ પછીયે પપૈયા પર થયેલાં સર્વેક્ષણો કહે છે કે પપૈયું ખાવાની રીતમાં ગોટાળો કર્યો તો એની ગંભીર આડઅસરો થઈ શકે છે. પપૈયું ક્યારે, કોણે અને કેવી રીતે ખાવું અને કેવી રીતે ન ખાવું એ વિશે વિગતવાર જાણી લો
પપૈયું ડેન્ગી માટે બહુ પ્રખ્યાત છે. ડેન્ગીના દરદીઓ માટે પપૈયાનાં પાનનો કડવો રસ અકસીર માનવામાં આવે છે. એ સિવાય કેરીની સીઝન ન હોય તો પપૈયું ફળોના મિક્સ બાઉલમાં પીળા રંગની હાજરી પુરાવે છે. પરંતુ આજે પપૈયાની વાત એટલા માટે કરવાની છે કે પપૈયાની ઘણી આડઅસરો સાયન્સ જર્નલ્સમાં પ્રકાશિત થઈ રહી છે. એની આડઅસરરૂપે હૃદય, પાચનતંત્ર તેમ જ શરીરનાં અન્ય અંગોને પણ આકરી અસર કરતું હોવાની વાત થઈ રહી છે. તેથી અમુક લોકો આ ફળને અમુક પરિસ્થિતિમાં ખાવાની સખત મનાઈ ફરમાવી રહ્યા છે. તો શું પપૈયું ફળોની યાદીમાંથી બાકાત કરી નાખવું? ના, પરંતુ એના વિશે જાણકારી મેળવીને એનો ઉપયોગ કરશો તો તબિયતને લાભ વધુ કરશે અને આડઅસર નહીંવત્ થઈ જશે. આવતી કાલથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે ત્યારે ફળાહાર થકી ઉપવાસ કરનારાઓ માટે આ ફળ વિશે મહત્ત્વપૂર્ણ માહિતી પ્રસ્તુત છે.
પપૈયાની આડઅસરો
પપૈયું ગરમ પડે એવું તમે ઘણી વાર સાંભળ્યું હશે. શું ખરેખર એવું છે? એનો જવાબ આપે છે વીસ વર્ષથી ચર્ની રોડ પર પ્રૅક્ટિસ કરતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. રુચિરા ગોરડિયા. તેઓ કહે છે, ‘પપૈયુ ઉષ્ણવીર્ય એટલે કે ગરમ તાસીર ધરાવે છે. સામાન્ય રીતે હેલ્થ સારી હોય તો પપૈયું રોજ ખાવામાં વાંધો નથી પરંતુ જેમના શરીરની તાસીર પિત્ત ધરાવતી હોય એટલે કે વધુપડતો અમ્લ કે ઍસિડ પેદા થતો હોય કે ખાટા ઓડકાર આવતા હોય તો તેમણે પપૈયાથી સાવચેતી રાખવી જોઈએ. હવે ખાટા ઓડકારની પરિસ્થિતિમાં પણ વિભાજન હોય છે. જેમ કે કયાં કારણોસર ખાટા ઓડકાર આવે છે? જો કબજિયાતને કારણે ખાટા ઓડકાર આવતા હોય તો એમાં પાકું પપૈયું ગુણકારી છે એટલે એ મળને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. પરંતુ ઍસિડિટીના કારણે એવા ઓડકાર આવતા હોય તો પપૈયું નુકસાનકર્તા છે. એ સિવાય કોઈને હેમેરૉઇડ એટલે કે પાઇલ્સ હોય કે એમાંથી લોહી પડતું હોય તો તેમણે પણ ન ખાવું જોઈએ. જેમને માસિક સ્રાવ વધારે થતો હોય તો તેમણે પણ એ દિવસોમાં ન ખાવું જોઈએ. પપૈયાના એક હદ કરતાં વધારે ખાવામાં આવે તો લૂઝ મોશન પણ થઈ શકે છે. સૌથી વધારે સાવચેતી ગર્ભવતી મહિલાઓએ રાખવી જોઈએ.’
આયુર્વેદનું વિજ્ઞાન આધુનિક દવાના વિજ્ઞાનથી થોડું અલગ હોય છે તેથી જે વસ્તુ આયુર્વેદમાં ખાવાની ના કહેવામાં આવે એની કદાચ આજના મેડિકલ સાયન્સ દ્વારા ના કહેવામાં નથી આવતી. ત્યારે જાણીએ કે આજનું આહાર વિજ્ઞાન પપૈયાના ખાવા પર સમાન મત ધરાવે છે કે નહીં. અમેઝિંગ ડાયટ ફૅક્ટ્સ ઍન્ડ કૅલરી બુકની ઑથર, ડાયટ અને ઓબેસિટી કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ મેઘના પારેખ કહે છે, ‘પાકા પપૈયા કરતાં અમે કાચા પપૈયાને ખાવામાં ધ્યાન રાખવાની સલાહ આપતાં હોઈએ છીએ. કાચા પપૈયામાં પપેઇન નામનો ઘટક હોય છે જે પાકા પપૈયામાં ઓછા પ્રમાણમાં હોય છે. આ તત્ત્વ અન્નનળીની આંતરિક દીવાલમાં બળતરા પેદા કરે છે, જેનાથી આપણને ગળામાં બળતરા કે ડિસકમ્ફર્ટ થાય છે. જે પેશન્ટને ગૅસ્ટ્રોઇસોફેગલ રિફ્લક્સ ડિસીઝ એટલે કે GERD હોય, સાદી ભાષામાં ખાધેલું વારંવાર ગળા સુધી પાછું આવતું હોય તેમનામાં કાચું પપૈયું આ લક્ષણોને તીવ્ર બનાવે છે. પપૈયાનું બંધારણ ગર્ભવતી મહિલાઓમાં ગર્ભાશયના સ્નાયુઓની લયબદ્ધ લવચીકતા પર અસર કરે છે. એટલે કે ગર્ભના કદ પ્રમાણે ગર્ભાશયના આંતરિક સ્નાયુઓ ઍડ્જસ્ટ થતા હોય છે, જેને કારણે ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે. એ ઉપરાંત એની ઝેરી અસર પણ થઈ શકે છે જેના કારણે બાળકમાં કોઈ ખોડખાંપણ પણ થઈ શકે છે. એ સિવાય જે લોકો બ્લડ-થિનિંગ એટલે લોહી પાતળું કરવાની દવા જેમ કે એસ્પિરિન કે વૉર્ફેરિન લેતા હોય તેમનામાં કાચા પપૈયાનું આ પપેઇન બ્લડ-થિનિંગની પ્રક્રિયાને વેગ આપે એટલે એ લોકોમાં બ્લીડિંગની સમસ્યા પેદા કરી શકે છે.’
તો પછી પપૈયું ખાવું કે નહીં?
પપૈયું એટલુંબધું પણ વિલન નથી, પરંતુ એને મિત્ર બનાવવા માટે કેવી રીતે ઉપયોગ કરવો અને ન કરવો એના પર વાત કરતાં ડૉ. રુચિરા કહે છે, ‘પપૈયાને લીંબુ સાથે ન ખાવું જોઈએ, કારણ કે લીંબુમાં રહેલું વિટામિન C પપૈયાના ગુણકારી એન્ઝાઇમ્સનો નાશ કરે છે. આયુર્વેદ પ્રમાણે દૂધની સાથે આવા કોઈ પણ પ્રકારનાં ફળો ન લેવાં જોઈએ, કારણ કે એને વિપરીત આહાર માનવામાં આવે છે. આમ તો પપૈયું બારેમાસ ખાઈ શકાય, પરંતુ એને ખાવાની સૌથી ઉત્તમ ઋતુ શિયાળો છે. ઉનાળામાં ગરમી હોય છે એટલે કદાચ શરીરને માફક ન પણ આવે. જેમને પપૈયું ભાવે છે અને શરીર હેલ્ધી છે તેઓ સવારે નાસ્તો કરતી વખતે અથવા તો નાસ્તો કર્યા બાદ ખાઈ શકે છે કાં તો બપોરના લંચ પહેલાં ખાઈ શકે છે.’
આહાર વિજ્ઞાન પ્રમાણે કાચા અને પાકા પપૈયામાં પાકું પપૈયું વધારે ગુણકારી છે એમ જણાવતાં ડાયટિશ્યન મેઘના કહે છે, ‘પપૈયામાં ફાઇબર, વિટામિન Cની માત્રા વધારે છે. કાચા પપૈયામાં પણ ફાઇબરની સારી માત્રા હોય છે તેથી ઘરમાં એનો સંભારો અને ચટણી બનતાં હોય છે. યોગ્ય માત્રામાં ખાઓ તો કાચું અને પાકું બન્ને પપૈયાં ગુણકારી જ છે. બહુ ઓછાં ફ્રૂટમાં રયુટિન, લાયકોટિન અને ઝિયાઝેન્થિન જેવાં ફ્લેવનૉઇડ્સ હોય છે જેમાં પપૈયું એક એવું ફળ છે જેમાં આ ત્રણેય ફ્લેવનૉઇડ્સની હાજરી છે. ફ્લેવનૉઇડ્સ એટલે ફળો અને શાકભાજીના બંધારણમાં હાજર એવો ઘટક, જે હેલ્થ માટે ફાયદાકારક હોય અને પાચનને સરળ બનાવે. પપૈયામાં હાજર આ ત્રણેય ફ્લેવનૉઇડ્સ ઉંમર સાથે આવતી આંખની સમસ્યામાં મદદરૂપ છે એટલે કે આંખને હેલ્ધી રાખવા માટે કામ લાગે છે. એ સિવાય આ ફ્લેવનૉઇડ હૃદયને લગતી સમસ્યાને નિયંત્રણમાં રાખવા માટે પણ મદદરૂપ છે. પપૈયામાં ઍન્ટિકૅન્સરસ ગુણધર્મો છે એટલે કૅન્સર જેવી બીમારીને થતી અટકાવવામાં પણ મદદરૂપ છે. જે લોકોને ડાયાબિટીઝ હોય અને સ્થૂળતાની સમસ્યા ધરાવતા હોય કે વજન ઓછું કરવાની કોશિશ કરતા હોય તેમના માટે પાકું પપૈયું સલાહભર્યું છે.’
તમને ખબર છે?
પપૈયું ગરમ વિસ્તારોમાં વિકસતું ફળ છે એટલે મુખ્યત્વે એની ખેતી ભારત, બંગલાદેશ, શ્રીલંકા, મલેશિયા, સાઉથ આફ્રિકા, ફિલિપીન્સ વગેરે જેવા દેશોમાં થાય છે. સૌથી વધારે ઉત્પાદન કરતા દેશોમાં ભારત, બ્રાઝિલ અને મેક્સિકો મોખરે છે.
ભારતમાં સૌથી વધારે પપૈયાનો પાક લેતાં રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.
પપૈયાના જે ઘટકો શરીરની અંદર નુકસાન કરે છે એ જ પપેઇન નામનો ઘટક ત્વચાની સુંદરતા વધારવામાં મદદરૂપ છે. પપૈયાનો પલ્પ ત્વચાની ચમક વધારવામાં અને પિગમન્ટેશન ઘટાડવામાં મદદરૂપ છે, જેનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટના ઉત્પાદનમાં પણ વાપરવામાં આવે છે.
પપૈયામાં રહેલું પપેઇન ચ્યુઇંગ ગમની બનાવટમાં વાપરવામાં આવે છે. તેમ જ પપૈયાનાં પાન, ડાળીઓ અને અન્ય ભાગનો ઉપયોગ દોરડાની બનાવટમાં વાપરવામાં આવે છે.
૧૦૦ ગ્રામ પાકા પપૈયામાં ૧૦૦ કૅલરી છે અને ફૅટ ૦.૧ ટકા છે.
સમારીને તરત ખાજો
પપૈયામાં વિટામિન C હોય છે જે અનસ્ટેબલ વિટામિન છે. એટલે કે જો હવાના સંપર્કમાં આવે તો એનું પ્રમાણ ઓછું થઈ જાય છે. આ જ કારણ છે કે પપૈયાને કાપીને લાંબો સમય ખુલ્લું રાખવા કરતાં એને તાજું સમારીને જ ખાવું જોઈએ.
જો કબજિયાતને કારણે ખાટા ઓડકાર આવતા હોય તો એમાં પાકું પપૈયું ગુણકારી છે એટલે એ મળને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. પરંતુ ઍસિડિટીના કારણે એવા ઓડકાર આવતા હોય તો પપૈયું નુકસાનકર્તા છે. - ડૉ. રુચિરા ગોરડિયા, આયુર્વેદ નિષ્ણાત