મુંબઈના મોસ્ટ પૉપ્યુલર પંચમ પૂરીવાલામાં આજના સમયે કેવાં પૂરી-શાક મળે છે? સીધો અને સટ જવાબ છે... A-1

17 August, 2024 01:40 PM IST  |  Mumbai | Sanjay Goradia

ઈસવી સન ૧૮૪૮માં બળદગાડામાં પંચમ શર્મા મુંબઈ આવ્યો અને તેણે બળદગાડામાં પૂરી-શાક વેચવાનું શરૂ કર્યું

પંચમ પૂરીવાલા

આમ તો મુંબઈમાં ફૂડ માટેની આઇકૉનિક જગ્યાઓ અઢળક છે, જે વર્ષોથી ચાલતી હોય. ઘણાને એવું લાગે કે આઇકૉનિક ફૂડ-સ્પૉટની વાત કરવાની જરૂર નથી હોતી, પણ હું પર્સનલી એવું માનું કે અમુક સમયાંતરે એ આઇકૉનિક સ્પૉટની પણ વાત કરવી જોઈએ જેથી લોકોને ખબર પડે કે આજે એ જગ્યાનો ચાર્મ અને ટેસ્ટ કેવો છે.

આવા જ ઇરાદા સાથે હું હમણાં પંચમ પૂરીવાલામાં ગયો. મુંબઈમાં અને ખાસ તો ટાઉનમાં રહેતા હોય તેમને આ પંચમની ખબર જ હોય. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની સામે આવેલા આ પંચમ પૂરીવાલાનું એક્ઝૅક્ટ ઍડ્રેસ જો સમજવું હોય તો કહી શકાય કે એ રેસ્ટોરાં બોરા સ્ટ્રીટની આગળની સ્ટ્રીટ એટલે કે બાઝાર ગેટ સ્ટ્રીટમાં આવેલી છે.

ઈસવી સન ૧૮૪૮માં બળદગાડામાં પંચમ શર્મા મુંબઈ આવ્યો અને તેણે બળદગાડામાં પૂરી-શાક વેચવાનું શરૂ કર્યું અને પછી ધીમે-ધીમે લોકોએ જ એ પૂરી-શાકને પંચમ પૂરીવાલાની ઓળખ આપી દીધી. એ સમયે આ સ્ટેશન બોરીબંદર તરીકે ઓળખાતું. ત્યાર પછી એને વિક્ટોરિયા ટર્મિનસ નામ મળ્યું અને હવે આ સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરીકે ઓળખાય છે.

પંચમ આવ્યો ત્યારે એ સાદી ઘઉંની પૂરી સાથે કોળાનું શાક આપતો. આ બે જ આઇટમ એ સમયે હતી. ગરમાગરમ પૂરી અને સાથે શાક. એ સમયે આ વિસ્તારમાં કામ કરતા માથાડી કામદારો અહીં લંચ કરવા આવતા. ઓછા પૈસા અને ઉમદા ક્વૉલિટીને કારણે પંચમ એવો તે પૉપ્યુલર થઈ ગયો કે આજે મુંબઈ આવતા ટૂરિસ્ટના લિસ્ટમાં પંચમ પૂરીવાલાને ત્યાં જવાનું લખાયેલું હોય છે.

દસકાઓ સુધી પંચમમાં માત્ર પૂરી અને શાક બે જ આઇટમ મળતી અને શાક માત્ર કોળાનું, પણ હવે તો એનું મેનુ ખાસ્સું મોટું થઈ ગયું છે. જાતજાતનાં શાક, લસ્સી, છાશ, અલગ-અલગ જાતનાં રાઈતાં અને એવું બધું મળે છે; પણ પંચમની સિગ્નેચર ડિશ એટલે કોળાનું શાક અને બીજા નંબરની ડિશ એટલે બટાટાનું શાક.

ગુરુવારે મારે લૅમિંગ્ટન રોડ પર કામ હતું એટલે મેં નક્કી કર્યું કે ચાલો, એક પંથ અને દો કાજ કરી નાખીએ. કામ પતાવીને હું બે વાગ્યે પંચમમાં ગયો. ગિરદી હતી, લાઇનમાં ઊભા રહેવું પડ્યું પણ પાંચેક મિનિટમાં મને જગ્યા મળી ગઈ. મારું માનવું છે કે શ્રાવણના કારણે કદાચ ઘરાકી ઓછી હશે. બાકી અહીં આવો તો તમારે અડધો કલાક વેઇટ કરવાની તૈયારી રાખવી પડે.

મેં ઑર્ડર કર્યો મિક્સ પૂરી અને આલૂની સબ્ઝીનો. કોળું મને ભાવતું નથી એટલે મેં એ શાક મગાવવાનું અવૉઇડ કર્યું. થોડી વારમાં મારી થાળી આવી ગઈ, જેમાં બે વાટકીમાં બટાટાનું શાક હતું અને સાથે પાંચ પૂરી હતી. પૂરીમાં બે સાદી હતી અને બાકીની એક-એક બીટની, પાલકની અને મસાલા પૂરી હતી.

સાહેબ, એ જ સ્વાદ જે વર્ષો પહેલાં મેં ટેસ્ટ કર્યો હતો. હા, હું એ પણ કહીશ કે હવે આ જ ટેસ્ટનાં પૂરી-શાક મુંબઈમાં મળતાં હશે પણ એમ છતાં પંચમમાં જે આઇકૉનિક મસાલાઓનો વપરાશ થતો હશે એને લીધે શાક અને પૂરીમાં તમને નવીનતા તો લાગે જ લાગે. પૂરીઓમાં બીટની પૂરી સૌથી બેસ્ટ હતી તો બીજા નંબરે પાલક પૂરી હતી. પૂરીઓ એકદમ ગરમાગરમ હતી. બે વાટકી બટાટાનું શાક પૂરું થઈ જાય એ સ્તરની મોટી પૂરીઓ હતી. શાક આજે પણ તે ફૉઇલ બાઉલમાં આપે છે અને થાળી વારંવાર ધોવી ન પડે એ માટે એમાં બટર પેપર મૂકીને આપે છે.

જમીને ઊભો થયો ત્યાં સુધીમાં નક્કી થઈ ગયું હતું કે તમને એક વાર કહી દેવું કે જો ટાઉન જવાનું બને તો એક વાર પંચમમાં અચૂક જજો. નૉસ્ટૅલ્જિક અનુભવ છે અને સ્વાદ પણ લાજવાબ છે.

life and style street food mumbai food indian food chhatrapati shivaji terminus