01 March, 2022 03:27 PM IST | Mumbai | Rashmin Shah
ઉર્વશી ઉપાધ્યાય
ઘરમાં મારા મોટા દીકરાની બર્થ-ડે પાર્ટી હતી. બહારથી ઘણું ખાવાનું ઑર્ડર કરેલું. અમારા ઘરની એક પરંપરા છે કે ફૅમિલી મેમ્બરમાંથી કોઈનો પણ જન્મદિવસ હોય સવારે સુખડી બને જ બને. બનેલી આ સુખડી અને સવારનું ભોજન બન્ને ભગવાનને ધરવાનાં. એ દિવસે સાંજે મારી કેટલીક ખાસ ફ્રેન્ડ્સ અને દીકરાના મિત્રો ઘરે આવ્યાં. હું કિચનમાં ગઈ અને જોયું તો સવારનું રીંગણા-બટાટાનું થોડું શાક વધ્યું હતું. પ્રસાદમાં ધર્યું હતું એટલે એ બહાર ફેંકી તો ન દેવાય અને હું ફૂડ વેસ્ટ થાય એના પક્ષમાં નથી. મને રસોડામાં જતી જોઈ મારી ફ્રેન્ડ્સ પણ પાછળ આવી.
રીંગણા-બટાટાનું શાક જોઈને તેમણે સામેથી જ એ ટેસ્ટ કરવા માગ્યું ને તેમણે ટેસ્ટને બદલે એ બધું શાક પૂરું કર્યું. રીંગણા-બટાટાનું શાક મારા બન્ને દીકરાઓને મારા હાથનું જ ભાવે. ‘થપકી પ્યાર કી’ના સેટ પર બધાં મારી પાસે દાળ-ઢોકળી, રીંગણા-બટાટાનું શાક જેવી આપણી ગુજરાતી આઇટમોની સ્પેશ્યલ ફરમાઈશ આવ્યા જ કરે. હું માનું છું કે કુકિંગ એક સાધના છે, એક આર્ટ છે. કુકિંગમાં રોમૅન્સ પણ છે પણ ફ્રૅન્ક્લી સ્પીકિંગ આ બધાં સત્યો મને બહુ મોડાં સમજાયાં છે, કારણ કે મોટા ભાગે કામને કારણે મારી વ્યસ્તતા વચ્ચે મને ભર્યું ભાણું જ મળ્યું છે. મારાં મમ્મી દુનિયાનાં શ્રેષ્ઠ કુક હતાં એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી ખાવાનું મમ્મી બનાવે. બે વર્ષ પહેલાં મમ્મીએ દુનિયામાંથી વિદાય લીધી એ પછી તેમણે જે રીતે ખાવાપીવાનું મારું ધ્યાન રાખ્યું હતું એ મને સૌથી વધુ યાદ આવતું.
જરા હટકે મારી ચૉઇસ | મારા ખાવાના પ્રેફરન્સિસની વાત કરું તો મને કંઈક હટકે ફૂડ ખાવાનો અને ખવડાવવાનો શોખ છે એટલે ટિપિકલ દાળ-ભાત, શાક-રોટલીમાં મને મજા ન આવે. ધારો કે એ પણ બનાવવાનું હોય તો હું તેને પણ કંઈક ટ્વિસ્ટ આપું. જે દિવસે શૂટિંગ ન હોય એ દિવસે મારો કુકિંગ પ્લાન રેડી થઈ જાય. હું ખાવાનું સ્મેલ કરી શકું. મારા સેટ પર કોઈ પણ આઇટમ આવે એટલે લોકો મને કહે કે લે, તું પહેલાં સૂંઘી લે. સૂંઘવાથી જ મને ખબર પડી જાય કે આમાં મીઠું કેટલું અને બીજા મસાલાનું પ્રમાણ કેટલું છે.
લૉકડાઉનમાં ખાવાના ખૂબ અખતરાઓ કર્યા. આજે પણ એવું છે કે જ્યારે પણ ભોજન બનાવું તો કંઈક તો નવું કરવાનું જ. મારા બન્ને દીકરાઓને હેલ્ધીમાં હેલ્ધી બનાવવાના પ્રયાસો કરતી હોઉં છું. જેમ કે મેં ઇન્ડિયન ટાકોઝ બનાવ્યા હતા. મેંદો ઓછો વપરાય એવી રીતે ફૂડ પ્રિપેર કરતી રહું છું. મારા હાથે બનેલું ખીચું, હાંડવો, પાસ્તા, મૅક્ડોનલ્ડ્સ જેવી હોમમેડ ટિક્કી, ખાંડવી, ઊંધિયું, દાળ-ઢોકળી, પાણીપૂરી જેવી ઘણી આઇટમો મારા ગ્રુપમાં બહુ પૉપ્યુલર છે.
યે દિલ માંગે મોર | મોટા ભાગે હું જ્યારે પણ કિચનમાંથી બહાર આવું ત્યારે ક્યાંક દાઝી હોઉં, ક્યાંક હાથમાં ચીરો પડ્યો હોય. મારા હસબન્ડ ક્યારેક મને મજાકમાં કહેતા પણ હોય છે કે આમ જ ચાલતું રહ્યું અને બહારના કોઈએ આ ઈજા જોઈ તો મારા પર ઘરેલુ હિંસાનો કેસ કરી દેશે, પણ સાચું કહું તો હું જ્યારે પણ કુક કરું ત્યારે પૂરેપૂરી ઇન્વૉલ્વ થઈ જતી હોઉં છું. નવા અખતરામાં ઘણી વાર ગોટાળા પણ થઈ જાય.
નાની હતી ત્યારે એક દિવસ મમ્મીને અચાનક બહાર જવાનું થયું. તેમની ગેરહાજરીમાં મેં ભીંડાનું શાક બનાવવાનો પ્રયાસ કર્યો અને જે ગોટાળો થયો એ ક્યારેય ભુલાશે નહીં. દરેક શાકને પાણીમાં સુધારતા મેં મમ્મીને જોઈ હતી અને એ પણ જોયું હતું કે મમ્મી પછી એ શાકનો રસો બનાવવા માટે એ જ પાણી ઉમેરતાં. મને થયું કે ભીંડામાં પણ આ જ મેથડ ફૉલો કરવાની હોય અને મેં એ મેથડથી શાક બનાવ્યું. આખું શાક ચીકણું-ચીકણું. હલે નહીં મારાથી. અમારા પાડોશી મારા ભાઈને બોલાવી લાવ્યા અને પછી જે સીન ક્રીએટ થયો છે. એક બાજુ હું રડું અને એ બધા હસે. આજે પણ એ કિસ્સો યાદ કરીને અમે હસી પડીએ છીએ.
નેવર-એવર
શાક ઍડ્વાન્સમાં સમારી રાખવાની આદત બદલો. ભોજન જેટલું ફ્રેશ એટલું જ એ સ્વાસ્થ્યવર્ધક. જ્યારે બનાવવાનું હોય ત્યારે જ સમારેલા શાકનો સ્વાદ સાવ જુદો હોય છે.
કભી આઓ ચાય પીને...
હું ચાની બહુ મોટી ફૅન છું અને એટલે જ હું ડિફરન્ટ અને ટેસ્ટી ચા બનાવું છું. શૂટિંગ પર હું ઘરની ચા લઈ જાઉં ત્યારે લોકો ઍડ્વાન્સમાં મને કહી જાય કે તેમના માટે મારે ચા રાખવાની છે. મારી ચામાં હું ફુદીનો, તુલસી, લેમનગ્રાસ, આદું સાથે થોડીક ખસ ઉમેરીને ચાની જે રેગ્યુલર સામગ્રી છે એ ઍડ કરું. આ ચા સ્વાદમાં તો બહેતર લાગે જ છે પણ એ સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે.