16 September, 2022 11:47 AM IST | Mumbai | Aparna Shirish
તમે ટ્રાય કરશો બૅક ટુ સ્કૂલ ટ્રેન્ડ?
અર્પણા શિરીષ
feedbackgmd@mid-day.com
બેલબૉટમ જીન્સ હોય કે ઢીલાંઢાલાં ટી-શર્ટ, સ્લીવલેસ ટૉપ્સ સાથે પહેરેલું હાઈ વેસ્ટ લૂઝ પૅન્ટ; આ બધા જ ટ્રેન્ડ્સ જે ગયા વર્ષ સુધી આઉટડેટેડ લાગતા હતા એ ફરી ૨૦૨૨માં લેટેસ્ટ ટ્રેન્ડ્સ બની ગયા છે. અને ફૅશન એક્સપર્ટ્સનું કહેવું છે કે ૨૦૨૩માં પણ એ કાયમ રહેશે. ફૅશનના કમબૅક વિશે વાત કરતાં ડિઝાઇનર પરિણી ગાલા અમૃતે કહે છે, ‘ફૅશન ટ્રેન્ડ્સ દર ૨૦-૩૦ વર્ષે ફરી આવે છે, જે વિન્ટેજ ક્લાસિક તરીકે ઓળખાય છે. આ ટ્રેન્ડ્સને મૉડર્ન ટચ સાથે મિક્સ કરીને પહેરો એટલે એ હૉટ ટ્રેન્ડ બની જાય.’
આવા જ કેટલાક ટ્રેન્ડ્સ, જે આજે પાછા આવી ગયા છે એ વિશે જાણી લો :
વાઇડ લેગ્ડ પૅન્ટ્સ
છેલ્લા કેટલાક સમયથી સ્કિની કે ટાઇટ ફિટિંગ જીન્સ કૉલેજ ગોઇંગ યુવતીઓનાં ફેવરિટ બની ગયાં હતાં પણ છેલ્લાં બે વર્ષમાં લીઝર કે રિલૅક્સ્ડ ફિટ કપડાંનું ચલણ એટલું વધી ગયું છે કે હવે જીન્સ પણ યુવતીઓ ખૂબ લૂઝ હોય એવાં પહેરવાનું પસંદ કરી કહી છે. આવાં બેલબૉટમ કે વાઇડ લેગ્ડ જીન્સ કૅઝ્યુઅલ લાગે છે અને ટ્રેન્ડી લુક આપે છે. અહીં નવો લુક આપવા માટે પરિણી ગાલા કહે છે, ‘આ ટ્રેન્ડ જૂનો છે, ક્લાસિક છે પણ એને રીવૅમ્પ કરીને નવો લુક આપી શકાય. હાઈ વેસ્ટ જીન્સમાં કટ્સ હોય કે એની સાથે આજની સ્ટાઇલનું ક્રૉપ ટૉપ પહેરીને એને નવો લુક આપી શકાય. આજે બૉયફ્રેન્ડ જીન્સ, મૉમ જીન્સ વગેરે નામથી ઓળખાતાં આ પૅન્ટ્સ ટ્રેન્ડમાં છે, કારણ કે એને ડિઝાઇનર બ્રૅન્ડ્સે મૉડર્ન લુક આપી ફરી બજારમાં ઉતાર્યાં છે.’
ઓવરસાઇઝ્ડ સ્વેટર
આજકાલનો બૉલીવુડ ઍક્ટર્સ કે ઍક્ટ્રેસનો કૅઝ્યુઅલ ઍરપોર્ટ લુક જોશો તો એમાં લૂઝ અને મોટી સાઇઝનું સ્વેટર કે પુલઓવર મસ્ટ જોવા મળી રહ્યું છે. અહીં લુકને બૅલૅન્સ કરવા માટે નીચે ટાઇટ્સ અથવા સ્કિની પૅન્ટ્સ પહેરી શકાય. જીન્સ સાથે પણ આવાં ઓવરસાઇઝ્ડ સ્વેટર્સ કૂલ લાગે છે.
મૅચિંગ ઍથ્લીઝર
પહેલાં વાત કરી એમ કોવિડ અને લૉકડાઉને લીઝર વેઅર કે આરામદાયક કપડાં પહેરવાના ટ્રેન્ડની ભેટ આપી છે જેમાં ઍથ્લીઝર એટલે કે ઍથ્લેટિક અને લીઝર વેઅરનું મિક્સ એવા સ્વેટ શર્ટ, ટ્રૅક સેટ અને રિબ્ડ ટ્રૅક પૅન્ટ્સ હાલ યંગ જનરેશન પ્રિફર કરી રહી છે. કૅઝ્યુઅલ આઉટિંગ માટે ઍથ્લીઝર વેઅર પર્ફેક્ટ પિક બને છે.
ઍક્સેસરીઝ
ઓવરસાઇઝ્ડ ટોટ બૅગ્સ અને નાનકડી કમર પર બાંધવાની ફૅની પૅક્સ આ બન્ને ચીજો હાલ ખૂબ ટ્રેન્ડમાં છે. ફૅની પૅક બૅગ્સ યંગસ્ટર્સમાં ખાસ છે, કારણ કે એમાં એક મોબાઇલ અને થોડા પૈસા ફિટ થઈ જાય છે અને મોબાઇલ રાખવા માટે જો આટલી નાનકડી અને ટ્રેન્ડી બૅગ મળી જાય તો બીજું જોઈએ જ શું? જોકે આ બૅગનો ટ્રેન્ડ પણ છેક ૮૦ના દાયકામાંથી આવ્યો છે જ્યારે ટૂરિસ્ટો મોટા ભાગે કમર પર બેલ્ટ તરીકે બાંધેલી બૅગ્સ સાથે જોવા મળતા.
ઑલઓવર ડેનિમ
ડેનિમનું શર્ટ અને ડેનિમની જ બૉટમ પહેરવાનો ટ્રેન્ડ જૂનો છે, પણ ક્લાસિક છે. આ ટ્રેન્ડ જાણે ક્યારેય ગયો જ નથી. પણ હા, ડેનિમનાં ડંગરી અને જૅકેટ્સે ફરી એક વાર કમબૅક કર્યું છે. કૅઝ્યુઅલ કે વેકેશન વેઅર તરીકે ડેનિમનાં ડંગરીઝ બૉય્ઝ અને ગર્લ્સ બન્નેમાં ફેવરિટ છે. અને હા, બાળકોથી લઈને ટીનેજર્સ સુધી બધાને આ ટ્રેન્ડ કૂલ લાગે છે.
લૉકડાઉને લીઝર વેઅર કે આરામદાયક કપડાં પહેરવાના ટ્રેન્ડની ભેટ આપી છે. આ ટ્રેન્ડને યંગ જનરેશન ખૂબ જ પસંદ કરી રહી છે.
દરેક ટ્રેન્ડ ૨૦-૩૦ વર્ષ પછી પાછો આવે છે. મહત્ત્વનું એ છે કે તમે એને આજની કરન્ટ સ્ટાઇલ સાથે મિક્સ કરીને કઈ રીતે અપનાવો છો અને એના પર જ એ ઓલ્ડ સ્કૂલ લાગશે કે બૅક ટુ સ્કૂલ લેટેસ્ટ સ્ટાઇલ એ અવલંબે છે. : પરિણી ગાલા અમૃતે, ફૅશન-ડિઝાઇનર