ફેંટેલું સનસ્ક્રીન- અલ્ટ્રાવાયલેટ કિરણોથી ત્વચાને બચાવવાનો ઉપાય

23 September, 2024 12:17 PM IST  |  Mumbai | Kajal Rampariya

લોશન, સ્પ્રે, જેલ, પૅચ, ઓરલ સનસ્ક્રીન પ્રોડક્ટ્સ પછી હવે આવ્યું છે વ્હિપ્ડ સનસ્ક્રીન. નાની અને હલકીફૂલકી બૉટલમાં રાખેલું સનસ્ક્રીન ખૂબ ફેંટ્યા પછી ફોમની જેમ બહાર આવે અને એને ત્વચા પર લગાવવાનું.

ફેંટેલું સનસ્ક્રીન

લોશન, સ્પ્રે, જેલ, પૅચ, ઓરલ સનસ્ક્રીન પ્રોડક્ટ્સ પછી હવે આવ્યું છે વ્હિપ્ડ સનસ્ક્રીન. નાની અને હલકીફૂલકી બૉટલમાં રાખેલું સનસ્ક્રીન ખૂબ ફેંટ્યા પછી ફોમની જેમ બહાર આવે અને એને ત્વચા પર લગાવવાનું. વિદેશમાં આ વ્હિપ્ડ સનસ્ક્રીન નૉર્મલ કરતાં વધુ કમ્ફર્ટેબલ હોવાના દાવા થઈ રહ્યા છે અને ભારતની કંપનીઓ પણ આવાં સનસ્ક્રીન બનાવવા માંડી છે ત્યારે આ પ્રોડક્ટ કેટલી ચાલે એમ છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ

થોડા સમય અમેરિકાની સોશ્યલ મીડિયા સેન્સેશન, બિઝનેસવુમન અને સોશ્યલાઇટ કિમ કર્ડાશિયનનો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં તે વ્હિપ્ડ ક્રીમ જેવી દેખાતી વસ્તુ તેના ચહેરા પર ચોપડી રહી હતી. એ જોઈને પ્રોડક્ટ વિશે જાણવા લોકોની આતુરતા વધી છે. વ્હિપ્ડ ક્રીમ જેવી દેખાતી ચીજ હકીકતમાં ક્રીમ નહીં, સનસ્ક્રીન છે.

લોશન, સ્પ્રે, પાઉડર, જેલ, ઓરલ પિલ્સ, પૅચિસ પછી હવે સનસક્રીનમાં નવી પ્રોડક્ટ ઉમેરાઈ છે વ્હિપ્ડ સનસ્ક્રીન. કેટલાક લોકો એને મૂસ સનસ્ક્રીન પણ કહે છે. સૂર્યનાં કિરણોથી ત્વચાને થતું નુકસાન અટકાવવા માટેનું આ શીલ્ડ સ્કિન-કૅર માર્કેટમાં ખૂબ મહત્ત્વનું છે અને સ્કિન-કૅર ઇન્ડસ્ટ્રીમાં આ ટ્રેન્ડિંગ ઇનોવેશન હોવાનો દાવો નિષ્ણાતો કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી આ મૂસ સનસ્ક્રીન વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

વ્હિપ્ડ સનસ્ક્રીન કરાવશે ફીલ ગુડ

કોઈ પણ સનસ્ક્રીનનું કામ છે ત્વચાને હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણોથી બચાવવાનું. સાથે જ વિવિધ પ્રોડક્ટ્સ ત્વચા પર કેવી ફીલ થાય છે એ પણ મહત્ત્વનું છે. ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા સાંતાક્રુઝનાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. આકાંક્ષા સંઘવી વ્હિપ્ડ સનસ્ક્રીન વિશે જણાવે છે, ‘નૉર્મલ સનસ્ક્રીનની સરખામણીમાં વ્હિપ્ડ સનસ્ક્રીન લાઇટવેઇટ હોવાથી એને ત્વચા પર લગાવવાથી ફ્રેશ ફીલ થાય છે. સામાન્ય રીતે તેલ, મીણ અને પાણીના મિશ્રણથી બનેલી સનસ્ક્રીનને ફેંટીને વ્હિપ્ડ સનસ્ક્રીન બનાવાય છે. એ ટેક્સ્ચરમાં ક્રીમી હોવાથી અન્ય લોશનની સરખામણીએ ત્વચા પર લગાવવામાં કમ્ફર્ટેબલ ફીલ થાય છે અને એ સરળતાથી ઍબ્સૉર્બ પણ થઈ જાય છે. આ સનસ્ક્રીન નૉર્મલ સનસ્ક્રીનની સરખામણીમાં ઓછી ચીકણી હોય છે એથી લગાવ્યા પછી ત્વચામાં ઇરિટેશન થતી નથી અને સ્કિનને હાઇડ્રેટ પણ રાખે છે. વ્હિપ્ડ સનસ્ક્રીનની લોકપ્રિયતા ભારતમાં વધી રહી છે, પણ અમેરિકાની તુલનામાં ભારતની આબોહવા ગરમ હોવાથી વ્હિપ્ડ સનસ્ક્રીન થોડી ચીપચીપી લાગે છે પણ એનો ઉપયોગ સુરક્ષિત અને ઇફેક્ટિવ છે. ઘણી વ્હિપ્ડ સનસ્ક્રીનમાં ત્વચાને મોઇશ્ચરાઇઝ કરતી સામગ્રી જેમ કે શિયા બટર કે અલોવેરા હોય છે જે સૂર્યકિરણોથી ડૅમેજ થયેલી ત્વચાને રક્ષણ આપવાની સાથે હાઇડ્રેટ કરવામાં પણ મદદ કરે છે. સનસ્ક્રીનનો આ ડબલ ઍક્શન પાવર ડ્રાય અને સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો માટે બહુ જ કામની ચીજ છે. વ્હિપ્ડ સનસ્ક્રીનની ખાસિયત એ પણ છે કે એનું ઍપ્લિકેશન લક્ઝુરિયસ ફીલિંગ આપે છે.’

ડર્મેટોલૉજિસ્ટ ડૉ. આકાંક્ષા સંઘવી

ત્વચા માટે કેટલી સુર​ક્ષિત?

જેમને ત્વચા પર જાડું સનસ્ક્રીનનું લેયર સદતું નથી કે ગમતું નથી એવાં બાળકો અને પુખ્તો માટે આ ફેંટેલું સનસ્ક્રીન કામ સારું આપી શકે છે. એની લોકપ્રિયતાના કારણ વિશે જણાવતાં ડૉ. આકાંક્ષા કહે છે, ‘વ્હિપ્ડ સનસ્ક્રીન ટ્રેડિશનલ સનસ્ક્રીન જેવી નથી અને એ લગાવ્યા બાદ સ્કિન પર સફેદ ડાઘ રહેતા નથી. નૉર્મલ સનસ્ક્રીનનું ટેક્સ્ચર વ્હિપ્ડ સનસ્ક્રીન જેવું સૉફ્ટ હોતું નથી અને પરિણામે ઘણી વાર પૂરું કવરેજ નથી આવતી એથી જોઈએ એ પ્રમાણે સૂર્યનાં હાનિકારક કિરણોથી સુરક્ષા મળતી નથી. જોકે વ્હિપ્ડ સનસ્ક્રીનનું ટેક્સ્ચર ક્રીમી હોય છે. આપણે જાણે ક્રીમ જ ચહેરા પર લગાવતા હોય એવી ફીલિંગ આવે છે. એ સૂર્યનાં UVA અને UVB કિરણોથી ત્વચાનું સંરક્ષણ કરે છે. બજેટની વાત કરું તો આ પ્રકારની સનસ્ક્રીન નૉર્મલ કરતાં થોડી મોંઘી હોય છે, પણ આ પ્રોડક્ટ એની કિંમતને જસ્ટિફાય પણ કરે છે. જે લોકોને સ્કિન સંબંધિત ઍલર્જીની સમસ્યા રહેતી હોય છે એ લોકોએ ડર્મેટોલૉજિસ્ટની સલાહ વગર આવા પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને ઑઇલી સ્કિન હોય એવા લોકોએ આ પ્રોડક્ટનો વપરાશ કરવો નહીં.’

ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો

વ્હિપ્ડ સનસ્ક્રીન ખરીદતી વખતે કેટલીક ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશે ડૉ. આકાંક્ષા જણાવે છે, ‘જ્યારે તમે વ્હિપ્ડ સનસ્ક્રીનની ખરીદી કરો ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સનસ્ક્રીનનું SPF (સન પ્રોટેક્શન ફૅક્ટર) ઓછામાં ઓછું ૩૦ અથવા એનાથી વધુ હોવું જરૂરી છે અને તો જ એ સૂર્યનાં હાનિકારક કિરણોથી સંરક્ષણ પ્રદાન કરશે. આ ઉપરાંત એ વૉટર રેઝિસ્ટન્ટ છે કે નહીં એ પણ ચેક કરી લેવું. સનસ્ક્રીનમાં યુવી પ્રોટેક્શન માટે ઉપયોગી ઝિન્ક ઑક્સાઇડ અને ટાઇટૅનિયમ ડાયોક્સાઇડ જેવા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય તો જ એની ખરીદી કરવી. વ્હિપ્ડ સનસ્ક્રીનમાં ત્વચાને હાનિ પહોંચાડે એવી સામગ્રીનો પણ ઉપયોગ થાય છે છતાં કેમિકલયુક્ત વ્હિપ્ડ સનસ્ક્રીનને બદલે ઑર્ગેનિક સામગ્રીથી બનેલું સનસ્ક્રીન વાપરવું જોઈએ. ઉનાળામાં સ્કિન-કૅર ઇન્ડસ્ટ્રીમાં આ પ્રોડક્ટ ગેમ-ચેન્જર સાબિત થાય તો નવાઈ નહીં. ’

હાઇડ્રેટિંગ જેલ 
સનસ્ક્રીનથી પ્રોટેક્શન આપવાની સાથે ત્વચા પૂરતી હાઇડ્રેટેડ રહે એ બહુ જરૂરી છે. એ માટે હાઇડ્રેટિંગ જેલનો બેઝ ધરાવતું સનસ્ક્રીન પણ આજકાલ ખૂબ ચાલ્યું છે. આ પ્રોડક્ટ ઍન્ટિ-એજિંગ ઇફેક્ટ આપનારું ગણાય છે, કેમ કે એનાથી ત્વચામાં મોઇશ્ચર પૂરતું જળવાય છે.

વાપરતાં પહેલાં ગાઇડલાઇન્સ જાણી લેજો

ઈજા પહોંચી હોય અથવા સ્કિન ડૅમેજ હોય ત્યારે સનસ્ક્રીન લગાવવાનું ટાળવું જોઈએ.
 વ્હિપ્ડ સનસ્ક્રીન લગાવ્યા બાદ જો ત્વચા પર ઇરિટેશન કે ખંજવાળ આવે તો એનો ઉપયોગ રોકી દેવો જોઈએ.
 ૪૮ ડિગ્રી તાપમાનમાં આ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ન જોઈએ.
 તમે કેટલા આકરા તડકામાં બહાર ફરી રહ્યા છો એ મુજબ ચોક્કસ સન પ્રોટેક્શન ફૅક્ટર વાપરવું જરૂરી છે. 
 તમે કોઈ પણ સનસ્ક્રીન વાપરો, રાતે સૂતાં પહેલાં પાણીથી સનસ્ક્રીન અને ત્વચા પરના મેલને બરાબર સાફ કરવું જરૂરી છે.  
 ઘરેથી નીકળતાં પહેલાં ત્વચાનો જે પણ ભાગ ખુલ્લો રહેવાનો છે એ તમામ ભાગ પર સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. વ્હિપ્ડ સનસક્રીન હાથ, પગ, પીઠ અને છાતી પર લગાવવું. ચહેરા પર લગાવતી વખતે પહેલાં એને હાથમાં લઈને ઘસ્યા બાદ ચહેરા પર અપ્લાય કરવું.
 સ્વિમિંગ કરવાનું થાય કે પછી ગરમીમાં ખૂબ પસીનો થાય તો ૮૦ મિનિટ બાદ ફરીથી આ સનસક્રીન લગાવવું જરૂરી છે.
 આખો દિવસ બહાર તડકામાં રહેવાનું હોય તો સવારે ૧૦થી બે વાગ્યા દરમ્યાન દર બે કલાકે લગાવવું.

fashion news fashion life and style columnists