સુંદર દેખાવા માટે ત્વચા પર જરાક પ્રકાશ ફેંકો

04 September, 2024 01:53 PM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

દીપિકા પાદુકોણથી લઈને હૉલીવુડની કિમ કર્ડાશિયન જેવી સેલિબ્રિટીઝ જેની દીવાની છે એવી LED લાઇટ થેરપીએ આજકાલ સ્કિન-કૅર માર્કેટમાં ધૂમ મચાવી છે.

પ્રતીકાત્મક તસવીર

દીપિકા પાદુકોણથી લઈને હૉલીવુડની કિમ કર્ડાશિયન જેવી સેલિબ્રિટીઝ જેની દીવાની છે એવી LED લાઇટ થેરપીએ આજકાલ સ્કિન-કૅર માર્કેટમાં ધૂમ મચાવી છે. ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરતા આ ફૅન્સી સ્કિન-કૅર રૂટીનમાં દરેકને જ્યારે રસ જાગવા માંડ્યો છે ત્યારે આવો જોઈએ આ LED સ્કિન-કૅર થેરપી આખરે કઈ બલા છે,

સ્કિન-કૅર ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જે રાતે નહીં એટલી દિવસે અને દિવસે નહીં એટલી રાતે વધે છે. ટૂંકમાં ત્વચાની સંભાળ દરેકના જીવનનો અભિન્ન હિસ્સો છે. આકર્ષક અને યુવાન બની રહેવા દરેક વ્યક્તિ પોતપોતાની તાકાત મુજબ અઢળક ખર્ચો કરતી રહે છે. એટલે જ સ્કિન-કૅર ઇન્ડસ્ટ્રી રોજેરોજ નિતનવી  પ્રોડક્ટ્સ બહાર પાડી ઉપભોક્તાઓને ચોંકાવતી રહે છે. આજકાલ સ્કિન-કૅર માટેનો એક નવો ટ્રેન્ડ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. લાઇટ એમિટેડ ડાયોડ્સ એટલે કે LED માસ્ક અને LED પૅનલ જેવાં ત્વચા પર LED લાઇટ ફેંકતાં આ સાધનો અલગ-અલગ તરંગલંબાઈ (વેવલેન્ગ્થ)ની લાઇટ ફેંકી ખીલ, કરચલીઓ અને હાઇપરપિગમન્ટેશન જેવી સમસ્યા દૂર કરે છે. આ વિશે વિગતે વાત કરતાં છેલ્લાં બાર વર્ષથી મુંબઈના ઑપેરા હાઉસમાં ‘વિવા એસ્થેટિક ક્લિનિક’ ચલાવતા ડર્મેટોલૉજિસ્ટ અને કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. દીપમ શાહ કહે છે, ‘પહેલાં તો LED એટલે કે જેને આપણે લાઇટ એમિટિંગ ડાયોડના નામે ઓળખીએ છે એ ત્વચાના કોષો પર કેવી અસર કરે છે એ જાણીએ. આ લાઇટ આપણી ત્વચા પર પડતાં આપણી ત્વચાના કોષોને ચોક્કસ સ્પંદનો મળે છે, જે કોષોની વૃદ્ધિ ઝડપી બનાવે છે. વળી જેવા રંગની લાઇટ ચહેરા પર પડે એમ એના કોષોનો અલગ-અલગ પ્રતિભાવ પણ જોવા મળે છે.’

LED લાઇટ થેરપી કેવી રીતે કામ કરે છે?

ત્વચાના કોષો લાઇટ સેન્સિટિવ હોય છે. ચોક્કસ રંગના કિરણો અલગ-અલગ વેવલેન્ગ્થ ધરાવે છે અને એટલે ત્વચા પર પણ અલગ અસર કરે છે. પ્રકાશના અમુક કિરણો જેમ ત્વચાને ડૅમેજ કરી શકે એમ છે એમ અમુક રંગના કિરણો ત્વચાના ડીપ લેયરમાં ઘૂસીને ઘણી ત્વચાની સમસ્યાઓને હીલ પણ કરી શકે છે. LED લાઇટ થેરપીમાં ત્વચાના વિવિધ સ્તરો પર પ્રવેશ કરવા માટે પ્રકાશની વિવિધ તરંગલંબાઈ (વેવલેન્ગ્થ)નો ઉપયોગ થાય છે. ડૉ. દીપમ શાહ સમજાવે છે, ‘આ થેરપી ચોક્કસ પ્રકાશની વેવલેન્ગ્થને ઉત્સર્જિત કરી જેવી સમસ્યા એવો ઇલાજ કરે છે. જેમ કે લાલ લાઇટ કૉલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે, લીલી લાઇટ હાઇપરપિગમન્ટેશનને ઘટાડવામાં, વાદળી લાઇટ ત્વચા પર વધુપડતું તેલ ઉત્પન્ન કરતા બૅક્ટેરિયાને મારીને ખીલને નિશાન બનાવવામાં અને પીળી લાઇટ વધુપડતી સંવેદનશીલ ત્વચાને રાહત આપવા વપરાય છે. ઇન્ફ્રારેડ લાઇટ બળતરા અને વૃદ્ધત્વના સંકેતોને ઘટાડી ત્વચાનો કાયાકલ્પ કરે છે.’

જેવી લાઇટ એવા ફાયદાઓ

આ થેરપી કોઈ સ્ટૅન્ડ અલોન થેરપી નથી; ૯૯ ટકા તો LED લાઇટ થેરપીનો ઉપયોગ ફેશ્યલ, કેમિકલ પિલ્સ અથવા માઇક્રોનીડલિંગ જેવી સારવારને અંતે જોડી ત્વચા પર વધારાની તાણ ઉમેર્યા વિના પરિણામોને વધારવા થાય છે. આવું જણાવતાં ડૉ. દીપમ શાહ કહે છે, ‘દરેક લાઇટનાં પરિણામો અલગ-અલગ છે. લાલ લાઇટના પરિણામે ફાઇન લાઇન્સ અને ચહેરા પરની કરચલી દૂર થાય છે. આ સિવાય એ ત્વચાનું લવચીકપણું વધારીને એને થોડીક ટાઇટ કરે છે. ભૂરી લાઇટ ખીલ દૂર કરતી જે ટ્રીટમેન્ટના અંતે ઇન્ફ્લમેશન થાય કે ખીલ વધુ હોય ત્યારે વપરાય છે. લીલી લાઇટ હાઇપરપિગમન્ટેશન, ટૅનિંગ દૂર કરે છે. સંવેદનશીલ ત્વચાની ટ્રીટમેન્ટમાં પીળી લાઇટ વડે ત્વચાના આ કોષોને શાંત કરાય છે. એવી દરેક વ્યક્તિ, જે તેની ત્વચા સુધારવા માગે છે તેના માટે ઉપચારની બિનઆક્રમક પ્રકૃતિને લીધે આ થેરપી એક ઉત્તમ વિકલ્પ બની રહે છે.’

ટૂંકમાં ચોક્કસ રંગના તરંગોની મદદથી ત્વચા પરનું પિગ્મેન્ટેશન ઘટાડી શકાય છે, ત્વચાનો ટોન ક્લિયર ન હોય કે ચમક ઝાંખી પડી ગઈ હોય, ડાર્ક સ્પૉટ્સ થઈ ગયા હોય તો ગ્રીન રંગનાં કિરણોથી ફાયદો થાય છે. કેટલાક ફિઝિશ્યનો ત્વચા પરના ઘાને ઝડપથી રૂઝ લાવવા માટે પણ લાઇટ થેરપી વાપરે છે. એનાથી ઘા રુઝાયા પછી એનો સ્કાર નથી રહેતો. આવા ઘસરકા પર ચોક્કસ સમયાંતરે નિષ્ણાતની નિગરાનીમાં લાઇટ થેરપી લેવાથી લાંબા ગાળે એ સ્કાર પણ ઝાંખા અથવા તો ગાયબ થઈ શકે છે.

સાઇડ ઇફેક્ટ્સ પણ થઈ શકે છે

કોઈ પણ સ્કિન ટ્રીટમેન્ટ જે ત્વચાના અંદરના લેયર સુધી પહોંચતી હોય છે એ જેટલી અસરકારક બને છે એટલી જ એની આડઅસર થવાની સંભાવના પણ વધી જાય છે. લાઇટ થેરપી પછી સેન્સિટિવ સ્કિન ટાઇપ ધરાવતા લોકોને ડ્રાયનેસ લાગી શકે છે. જોકે એ ટેમ્પરરી હોય છે. યોગ્ય મૉઇશ્ચરાઇઝર વાપરવાથી એ સંતુલન જાળવી શકાય છે. ક્યારેક આ ટ્રીટમેન્ટ લીધા પછી ત્વચા પર રેડનેસ કે ઇરિટેશન ફીલ થઈ શકે છે, પણ એય ટેમ્પરરી જ હોય છે. લાઇટ થેરપીના સેશન પછી ત્વચા ફોટોસેન્સિટિવ થઈ શકે છે. એવા સમયમાં ત્વચા પર સનસ્ક્રીન કે સન પ્રોટેક્શન લોશનનો ઉપયોગ મસ્ટ થઈ જાય છે, નહીંતર એ પછી હળવું સૂર્યપ્રકાશનું એક્સપોઝર પણ ત્વચાને ડૅમેજ કરે છે.

LED લાઇટ થેરપીની બે રીત

જે-તે ક્લિનિક મુજબ ૧૦૦૦-૨૦૦૦થી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીની કિંમતમાં આ થેરપી મોટા ભાગે ક્લિનિકમાં LED પૅનલ વડે કરવામાં આવે છે. ઘરે કરવાના LED માસ્ક પણ માર્કેટમાં સહેલાઈથી મળે છે. આવું જણાવતાં ડૉ. દીપમ ચેતવે છે, ‘આ થેરપી ઘરેય થઈ શકે છે. અઠવાડિયામાં બે વાર અને માફક આવે તો ત્રણ વાર લઈ શકાય. વધુપડતા વપરાશને લીધે ત્વચામાં ડ્રાયનેસ અને લાલાશ આવી શકે છે. ઘરે કરતી વખતે પણ ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈને જ કરવું.’

કોઈ પણ ટ્રેન્ડનું આંધળૂકિયું અનુકરણ ક્યારેક ફાયદો કરતાં નુકસાન વહોરી લે છે. સેલિબ્રિટીઝને ઘણી વાર ઝડપી, પીડારહિત, બિનઆક્રમક અને અસરકારક સારવારની જરૂર હોવાથી LED લાઇટ થેરપી તેમને અનુકૂળ રહે છે. વાળ માટેય આવી રેડ લાઇટ થેરપી ઉપલબ્ધ છે, જે વાળની વૃદ્ધિ કરે છે. - ડૉ. દીપમ શાહ

fashion fashion news life and style gujarati mid-day columnists