શિયાળામાં ત્વચામાં ડ્રાયનેસ વધી જતી હોય છે ત્યારે મેકઅપમાં ક્રીમ બ્લશ વાપરશો તો ત્વચા ચમકી ઊઠશે

26 November, 2024 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂટીન મેકઅપમાં પાઉડર બ્લશને બદલે ક્રીમ બ્લશનો ઉપયોગ ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે તમારા લુકને વધુ નૅચરલ બનાવશે જે વિન્ટર હૅક છે

પ્રતીકાત્મક તસવીર

ઋતુ બદલાય ત્યારે સ્કિનકૅરના બ્યુટી રૂટીન પણ બદલાય. શિયાળો શરૂ થતાં ડ્રાય સ્કિનની સમસ્યા વધી જતી હોય છે. તેથી રૂટીન મેકઅપમાં થોડા ફેરફાર કરવા જરૂરી છે. મેકઅપ લગાવતી વખતે ત્વચાનું હાઇડ્રેશન જળવાઈ રહે એ માટે પાઉડર બ્લશને બદલે ક્રીમ બ્લશની પસંદગી કરવામાં આવે તો તમારા લુકને વધુ નૅચરલ બનાવશે.

શા માટે ફાયદાકારક?

આજકાલની યુવતીઓમાં નૅચરલ લુક આપે એવા મેકઅપની ડિમાન્ડ છે. મેકઅપ લગાવ્યા બાદ ગાલને હલકા ગુલાબી દેખાડવા માટે બ્લશ લગાવાય છે. જો તમે નૅચરલ ફિનિશિંગ આપે એવો મેકઅપ ઇચ્છો છો તો ક્રીમ બ્લશ તમારા માટે શ્રેષ્ઠ પર્યાય છે. શિયાળામાં પાઉડર બ્લશને ચહેરા પર અપ્લાય કરવામાં આવે તો એનું મૅટ ટેક્સ્ચર મેકઅપને કેકી બનાવે છે અને ત્વચા વધુ ડ્રાય લાગે છે. એવામાં શિયા બટર, ગ્લિસરિન અને તેલ જેવાં મૉઇશ્ચરાઇઝિંગ એલિમેન્ટ્સથી બનતું ક્રીમ બ્લશ વાપરવામાં આવે તો ત્વચા હાઇડ્રેટેડ રહે છે અને મેકઅપ પછી સ્કિનને નૅચરલ ફિનિશ મળે છે. એનું ક્રીમી ટેક્સ્ચર ત્વચા સાથે સરળતાથી મર્જ થઈ જાય છે અને ત્વચા પરના ડ્રાય સ્પૉટ્સ અને ફાઇન લાઇન્સની સમસ્યાને ફિક્સ કરે છે અને ત્વચાને પોષણ આપે છે. આથી જે લોકોની ત્વચા ડ્રાય અથવા મૅચ્યોર હોય તેમના માટે ક્રીમ બ્લશ શ્રેષ્ઠ વિકલ્પો પૈકી એક છે. ક્રીમ બ્લશ લગાવવાનો વધુ એક ફાયદો એ છે કે એ આપણા લુકને વધુ સૉફ્ટ બનાવે છે. આ પ્રકારનો લુક પાઉડર બ્લશ યુઝ કરવાથી નથી આવતો. બ્લશનું ક્રીમી ટેક્સ્ચર વધુ સટલ ઇફેક્ટ આપવાની સાથે એ ત્વચામાં પેનિટ્રેટ કરે છે જેને લીધે નૅચરલ લુક આપે છે. શિયાળાની ઋતુમાં પણ જો તમારી સ્કિન ડ્રાય ન થતી હોય અને ઍક્સેસ ઑઇલી હોય તો ક્રીમ તો પાઉડર બ્લશ પર્ફેક્ટ ઑપ્શન છે. વિન્ટર બ્યુટી રૂટીનમાં ક્રીમ બ્લશનો ઉપયોગ બ્લશ તરીકે તો થાય જ છે પણ જો તમને મિનિમલ મેકઅપ ગમતો હોય તો એને હોઠને હાઇડ્રેટ કરવા માટે પણ લિપસ્ટિક તરીકે લગાવી શકાય.

ઈઝી ટુ અપ્લાય

શિયાળામાં નૅચરલ મેકઅપ લુક જોઈતો હોય ત્યારે ક્રીમ બ્લશને વિવિધ રીતે સરળતાથી લગાવી શકાય છે. તમને ફાવે એ રીતે આંગળી પર થોડું ક્રીમ બ્લશ લેવું અને અંગૂઠાની મદદથી થોડું ઘસવું જેથી બ્લશનાં એલિમેન્ટ્સ ઍક્ટિવ થશે અને ગાલના ઉપરના ભાગે હળવા હાથેથી થપથપાવીને  લગાવો. જો તમે જોરથી ઘસીને અપ્લાય કરવાનો પ્રયત્ન કરશો તો બ્લશ પણ નહીં લાગે અને મેકઅપ બેઝ પણ વધારે ખરાબ થઈ જશે.

બ્લશને બીજી રીતે બ્રશ વડે પણ લગાવી શકાય, બ્લશ બ્રશને હાથમાં લઈને એના બ્રિસલ્સને હાથ વડે પાછળના ભાગથી ભેગા કરો અને પ્રોડક્ટમાં થોડું ડિપ કરીને અપ્લાય કરવામાં આવે તો એ ઍરબ્રશ મેકઅપ જેવું ફિનિશિંગ આપશે.

ઘણા લોકોને બ્રશની મદદથી બ્લશ અપ્લાય કરતાં ન ફાવતું હોય તેઓ સ્પન્જની મદદથી પણ લગાવી શકે છે. મેકઅપ સ્પન્જ બ્લશને ત્વચા પર સારી રીતે બ્લેન્ડ કરે છે અને નૅચરલ ફિનિશ આપે છે. એકદમ જ નૅચરલ લુક આપે એ રીતે બ્લશ લગાવવું હોય તો ક્યારેય આંગળી કે હાથથી નહીં, પણ સ્પન્જથી અપ્લાય કરવાનો આગ્રહ રાખવો.

કેવા કલરનું લગાવવું?

ગોરી ત્વચા ધરાવતી યુવતીઓ પર વાઇબ્રન્ટ કલર વધુ સૂટ થાય છે તેથી નૅચરલ લુક આપવા માટે સૉફ્ટ પિન્ક, પીચ અથવા લાઇટ કોરલ જેવા શેડ્સ ગાલ પર લગાવવામાં આવે તો તમારા લુકને વધુ એન્હૅન્સ કરશે. જેમની સ્કિન થોડી ડાર્ક હોય તેમને ન્યુડ શેડનું બ્લશ વધુ સૂટ થશે.

fashion fashion news life and style columnists skin care