04 November, 2024 05:21 PM IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર
કાચ જેવી ત્વચાથી લઈને ચેરી લિપ મેકઅપ સુધી કોરિયન સ્કિનકૅર ટ્રેન્ડમાં છે. હવે આ યાદીમાં નવો એક ટ્રેન્ડ ઉમેરાયો છે જેનું નામ કોરિયન હેડ સ્પા છે. એ વાળની સાથે સ્કૅલ્પ (માથાના વાળની નીચેની ચામડી)ને પણ સ્વચ્છ કરે છે અને વાળને જ નહીં; સ્કૅલ્પને પણ સ્વચ્છ, મજબૂત અને હેલ્ધી બનાવવાની બાંયધરી આપે છે. આ ટ્રીટમેન્ટ આપણે ત્યાં હજી ઘણી ઓછી જગ્યાએ આપવામાં આવી રહી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર આ સ્પા જે રીતે વાઇરલ થઈ રહ્યું છે એ જોતાં એવું લાગે છે કોરિયન હેડ સ્પા ટૂંક સમયમાં ઠેર-ઠેર જોવા મળશે. જોકે એનો એક સેટબૅક એ છે કે આ સ્પાની કિંમત અધધધ છે. ચાલો, આ વાત પછી, પણ એ પહેલાં જાણી લઈએ કે કોરિયન હેડ સ્પામાં એવું શું કરવામાં આવે છે જેને લીધે એ આટલું ટ્રેન્ડિંગમાં છે અને આ સ્પા કરાવતાં પહેલાં કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
સામાન્ય રીતે હેર સ્પા વાળની હેલ્થ માટે કરવામાં આવતું હોય છે, પરંતુ વાળની હેલ્થની સાથે સ્કૅલ્પ પણ દુરસ્ત રહે એય એટલું જ જરૂરી છે. જોકે નૉર્મલ હેર સ્પામાં સ્કૅલ્પ પર પણ ધ્યાન આપવામાં આવે છે. હમણાં કોરિયન હેડ સ્પા વિશે જે જાણવા મળી રહ્યું છે એમાં સ્કૅલ્પ પર જ સૌથી વધુ ફોકસ આપવામાં આવે છે. આ સ્પા એક પ્રકારની હેર ઍન્ડ સ્કૅલ્પ ટ્રીટમેન્ટ છે જે સ્કૅલ્પનું ડીપ ક્લીનિંગ, પિલિંગ, મૉઇશ્ચરાઇઝિંગ, મસાજ, ઑઇલિંગ વગેરે કરીને બ્લડ-સર્ક્યુલેશન સ્મૂધ બનાવે છે. આ આખી પ્રક્રિયા કુલ ૧૫ સ્ટેપની હોય છે જે અદ્યતન સાધનો અને લેટેસ્ટ ટેક્નૉલૉજીની મદદથી કરવામાં આવે છે. સ્પામાં પરંપરાગત કોરિયન હર્બલ ઘટકો જેમ કે જિનસેન્ગ, ગ્રીન ટી અને મુગવોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
કેવી રીતે કરવામાં આવે છે?
સ્કૅલ્પની ચકાસણી : સેશન દરમ્યાન સામાન્ય રીતે સ્કૅલ્પનું વિશ્લેષણ કરવામાં આવે છે. એનાથી વાળની સમસ્યા શોધી શકાય છે અને એ મુજબ સ્પા શરૂ કરવા પહેલાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
ઑઇલ મસાજ : વાળની અને સ્કૅલ્પની સમસ્યા જાણીને એ મુજબ ઑઇલિંગ અને મસાજ કરવામાં આવે છે.
સ્ટિમ્યુલેશન : વાળ અને માથાની ઉપરની ચામડીને ગૅલ્વેનિક સ્ટિમ્યુલેશન મશીનથી LED થર્મલ થેરપી મસાજ આપવામાં આવે છે. આ ઉપકરણથી વાળ ઓછા ખરે છે અને એનું સ્વાસ્થ્ય સુધરે છે.
સ્ક્રબ : ખાસ પ્રકારનું સ્ક્રબ વપરાય છે જે સ્કૅલ્પની ત્વચાને મૉઇશ્ચરાઇઝ અને સાફ કરે છે જેથી એ મુલાયમ અને નરમ બને છે.
સ્ટીમ મિસ્ટ : આ પદ્ધતિમાં વાળને અલગ રીતે સ્ટીમ આપવામાં આવે છે.
નેક મસાજ : નૉર્મલ સ્પા હોય કે અન્ય કોઈ પણ સ્પા, એની અંદર બૅક અને નેક મસાજ આપવામાં આવે છે જે રિલૅક્સેશનનું કામ કરે છે.
રિલૅક્સેશન ટૂલ : માથાની આસપાસના ભાગોને રિલૅક્સેશન અને હીલિંગ મળે એ માટે એક વિશેષ ઇક્વિપમેન્ટથી મસાજ આપવામાં આવે છે.
હૉટ ટૉવેલ : ગરમ ટુવાલ સ્કૅલ્પનાં છિદ્રોને ખોલવામાં તથા મૉઇશ્ચરાઇઝર, તેલ અને વાપરવામાં આવેલા અન્ય સિરમને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે.
શૅમ્પૂ : હૉટ ટૉવેલની પ્રક્રિયા બાદ વાળની પ્રકૃતિ મુજબ શૅમ્પૂ કરવામાં આવે છે.
Y સ્ટિક મસાજ : લોહીનું પરિભ્રમણ થાય એ માટે સ્કૅલ્પમાં Y સ્ટિકથી મસાજ કરવામાં આવે છે.
વૉટરફૉલ મસાજ : હાફ સર્કલના રૉડની નીચે સ્કૅલ્પ આવે રીતે સુવડાવવામાં આવે છે અને પછી આ રૉડમાં પાડવામાં આવેલા નાના-નાના હોલમાંથી પાણી છોડવામાં આવે છે. આ એક પ્રકારની વૉટર મસાજ પદ્ધતિ છે.
રીઍનૅલિસિસ : આ તમામ સ્ટેપ પૂરાં થઈ જાય ત્યાર બાદ ગૅલ્વેનિક સ્ટિમ્યુલેશન દ્વારા સ્કૅલ્પની ફેરચકાસણી કરવામાં આવે છે.
મિસ્ટ ટૉનિક : સ્પે મશીનથી હળવા પ્રેશરે હેર ટૉનિકનું સ્પે કરવામાં આવે છે.
T સ્ટિક મસાજ ટૂલ્સ : ટૉનિક સરખી રીતે સ્પ્રેડ થઈ જાય એ માટે T સ્ટિકથી વાળમાં મસાજ કરવામાં આવે છે.
સ્ટાઇલિંગ : છેલ્લે વાળને સરખી રીતે સેટ કરવામાં આવે છે.
કેવી તકેદારી રાખવી?
કશિશ બ્યુટી સ્ટુડિયોનાં દીપા દત્તાણી કહે છે, ‘ઉચ્ચ ગુણવત્તાવાળાં ઉત્પાદનો અને લાંબી ટ્રીટમેન્ટને લીધે કોરિયન હેડ સ્પા ઘણું સારું રિઝલ્ટ આપી શકે છે તેમ જ વાળના ટેક્સ્ચરમાં પણ સુધારો કરે છે. જોકે મારી સલાહ છે કે આવી કોઈ પણ નવી ટ્રીટમેન્ટ વાળ અને સ્કૅલ્પ માટે કરાવો એ પહેલાં એક વખત સ્કિનના ડૉક્ટરને તમારી સ્કૅલ્પ વિશે પૂછી લેવું. આ ઉપરાંત તમારી સ્કિન જો વધારે પડતી સેન્સિટિવ હશે અથવા તો તમને કોઈ શૅમ્પૂ, સિરમ કે ઑઇલની ઍલર્જી હશે તો વિપરીત રિઝલ્ટ આવી શકે છે. સામાન્ય રીતે અમે જે સ્પા કરીએ છીએ એમાં સ્કૅલ્પને ડિસ્ટર્બ કરતા નથી, પણ કોરિયન હેડ સ્પામાં સ્કૅલ્પ સાથે વધુ કામ કરવામાં આવે છે એટલે તકેદારી રાખવી જરૂરી બને છે.’