09 September, 2024 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍન્ટિ ડૅન્ડ્રફ શૅમ્પૂ બનેગા ફેસવૉશ
ટ્રેન્ડ સેટ કરવાની હોડમાં રોજેરોજ થતા નવા પ્રયોગોના યુગમાં કંઈ પણ શક્ય છે. આવા અખતરા ક્યારેક કામ પણ કરી જાય છે અને ક્યારેક તો નર્યા ‘ખતરા’ જ સાબિત થાય છે. આજકાલ વળી ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂ ચહેરા પરના ખીલ દૂર કરવા માટે વાપરવાનો નવો ટ્રેન્ડ આવ્યો છે, પરંતુ શું આ અસરકારક છે ખરું? ચાલો જાણીએ
દાગ વગરનો ચહેરો આમ જુઓ તો આપણા સૌનું સપનું છે. ચહેરા પર એકાદ ખીલ પણ આપણે સહન નથી કરી શકતા. એવામાં આપણને જો કોઈ નુસખા વડે એનાથી છુટકારો મળતો હોય તો આપણે ઊંધું ઘાલીને એનામાં લાગી પડીએ છીએ. વગર એ વિચાર્યે કે એનાથી ફાયદાની જગ્યાએ નુકસાન થયું તો? આજકાલ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો દ્વારા કહેવાઈ રહ્યું છે કે ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂથી ફંગલ-ઇન્ફેક્શનને કારણે થતા ખીલ મટાડી શકે છે. ખોડો દૂર કરવાના શૅમ્પૂથી ફંગલ ઍક્ને પર ખરેખર ફાયદો થાય કે નુકસાન? આ વિશે વિગતે વાત કરતાં જાણીતાં ડર્મેટોલૉજિસ્ટ અને ડર્મેટો-સર્જ્યન ડૉ. રિન્કી કપૂર જણાવે છે, ‘મારા મતે તો આ એક અસ્થાયી હૅક છે. આવા પ્રયોગોની અસરકારકતા સાબિત કરવા માટે હજી નક્કર સંશોધન કરવાની જરૂર છે. ત્વચાની વાત આવે છે ત્યારે એને થતા નુકસાનને ઓછું કરવા માટે સલામત અને ભરોસાપાત્ર વિકલ્પો પર જ આધાર રાખવો.’
ફંગલ ઍક્ને શું છે?
ફંગલ ઍક્ને એટલે કે ફૂગવાળા ખીલ તબીબી રીતે માલાસેઝિયા ફોલિક્યુલાઇટિસ અથવા પિટિરોસ્પોરમ ફોલિક્યુલાઇટિસ તરીકે ઓળખાય છે. એ સામાન્ય દેખાવા છતાં ઘણી વાર ગફલતમાં રાખી દે છે એવું જણાવતાં ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘ફૂગના ઍક્ને બૅક્ટેરિયાના ખીલ અને હૉર્મોનલ ખીલથી સંપૂર્ણપણે અલગ છે. બૅક્ટેરિયાથી થતા ખીલ પ્રોપિયોનીબૅક્ટેરિયમ બૅક્ટેરિયાની અતિશય વૃદ્ધિને કારણે થાય છે, જ્યારે હૉર્મોનલ ખીલ શરીરમાં હૉર્મોનલ અસંતુલનથી થાય છે. ફૂગના ખીલમાં મોટા ભાગે નાની લાલ ફોડકીઓ દેખાય છે જે ખંજવાળ અને સોજો પણ કરી શકે છે. ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ અમુક દવાઓ અને ક્રીમ દ્વારા એની સારવાર કરી શકાય છે. ખીલના તમામ કેસો ફંગલ નથી હોતા. કોઈ પણ નવી સારવાર શરૂ કરતા પહેલાં, એનું મૂળ કારણ નક્કી કરવા નિષ્ણાતોની સલાહ લેવી. ફંગલ ખીલ માટે જે કામ કરતું હોય એ બૅક્ટેરિયલ કે હૉર્મોનલ ખીલ માટે કામ ન પણ કરે.’
શૅમ્પૂ જ શું કામ?
હેડ ઍન્ડ શૉલ્ડર શૅમ્પૂમાં ઝિન્ક પાયરિથિઓન હોય છે, જે એના ઍન્ટિફંગલ ગુણધર્મો માટે બહુ જાણીતું એજન્ટ છે. એના આવા ગુણને લીધે એને ચહેરા પર લગાડવાની વાત ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે. આ વાત પર હસી કાઢતાં ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘એમાં ઍન્ટિફંગલ ગુણ તો છે, પણ એ ફૂગના ખીલની સારવાર માટે વાપરી શકાય એની અસરકારકતા સાબિત કરવા હજી વૈજ્ઞાનિક સંશોધનો જોઈએ. ફક્ત ઇન્સ્ટા ટ્રેન્ડને જોઈને આવાં હૅક્સનો ઉપયોગ ન કરવો. આ શૅમ્પૂ મુખ્યત્વે ડૅન્ડ્રફ જેવી વાળની સમસ્યાઓની સારવાર માટે છે. એની અંદરના સલ્ફેટ જેવા ઘટકો ત્વચાના સ્વાસ્થ્યને નુકસાન કરી ત્વચાને શુષ્ક, અસ્થિર અને ખરબચડી બનાવવા ઉપરાંત એની અંદરનું કુદરતી તેલ ઘટાડી શકે છે. ચહેરા પર ખંજવાળ અને બળતરા પણ થઈ શકે અને શૅમ્પૂમાં રહેલી કૃત્રિમ સુગંધ ઍલર્જિક પ્રતિક્રિયા કરી શકે છે.’
કોણે આવો પ્રયોગ જરા પણ કરવો નહીં?
ત્વચા પર આ ટ્રેન્ડની આડઅસરો ગણાવતાં ડૉ. રિન્કી કહે છે, ‘આપણી ત્વચા બહુ જ સંવેદનશીલ છે. એના માટેની દરેક પ્રોડક્ટમાં એવી જ સામગ્રી વપરાય છે જે મહદ અંશે માઇલ્ડ હોય છે. શૅમ્પૂ જેવી વસ્તુમાં વપરાતા કઠોર ઘટકો ખીલને જ નહીં, સમગ્ર ત્વચાને ખરાબ કરી શકે છે. શુષ્ક ત્વચા, તૈલી ત્વચા, ખરજવું, રોસેસીઆ અને ત્વચાનો સોજો જેવી ત્વચાની સ્થિતિ ધરાવતા લોકોએ તો આવા હૅકથી સદંતર દૂર રહેવું. જો તમને ફંગલ ખીલ જેવું લાગે તો ત્વચા પર પ્રયોગ કરવાને બદલે અસરકારક પરિણામો માટે ડૉક્ટરની સલાહ લેવાનું વિચારવું જોઈએ.’